ફિર દેખો યારોં : દિવાળીએ જ્ઞાનની સાથેસાથે વિવેકબુદ્ધિનો દીપ પણ પ્રગટાવીએ

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

વિક્રમ સંવતના વધુ એક વર્ષનો આજે આખરી દિવસ છે અને આવતી કાલથી નવા વર્ષનો આરંભ થઈ રહ્યો છે. ગત વર્ષનું સરવૈયું, નવા વર્ષની મુબારકબાદી, એ જ પ્રકારે યંત્રવત્‍ ઉજવણી, તેની સાથે સંકળાયેલી પ્રદૂષણલક્ષી બાબતો, ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા બાળમજૂરો અને તેમનું થતું શોષણ, આ મામલે મુઠ્ઠીભર લોકોની બિનપ્રભાવક અપીલ- આ બધાનું પુનરાવર્તન દર વર્ષે આ અરસામાં થતું રહે છે. વિક્રમ સંવતનું નવું વર્ષ બેસે, તેની ઉજવણી પતે કે થોડા સમયમાં ઈશુના નવા વર્ષની ઉજવણીની તૈયારીઓમાં આપણે ગૂંથાઈ જઈએ છીએ.

દરેક દિવાળીએ સૌને લાગે છે કે હવે બધું પહેલાં જેવું નથી રહ્યું, અને જમાનો બદલાઈ ગયો છે. વાત સાચી છે. સમય કોઈ માટે થોભતો નથી. તે અવિરતપણે આગળ વધતો રહે છે, અને એ અર્થમાં ખરેખર બદલાય છે. પણ બદલાતા સમયની સાથે આપણામાં કશું પરિવર્તન આવે છે ખરું? બાહ્ય પરિવર્તન ઘણું બધું આવતું હશે, પણ આપણી માનસિકતામાં કશો ફરક પડે છે ખરો? આવો સવાલ દિવાળીના દિવસે, કે ખરું જોતાં કોઈ પણ ઉજવણીના દિવસે પૂછવો એ હવે નકારાત્મકતાની નિશાની ગણાય છે, એ કદાચ આપણી માનસિકતામાં આવેલો બદલાવ હોઈ શકે. આમ છતાં, આવા સમયે સમાજના વિવિધ વર્ગો વચ્ચેના વિરોધાભાસ તીવ્રપણે ઉપસી આવે છે.

ફટાકડા ફોડવા જેવી બાબતે અદાલતે દરમિયાનગીરી કરવી પડે એ સારી નિશાની નથી. પણ એમ કહેવા જતાં એ હકીકત સ્વીકારવી પડે કે આપણે ઉજવણીમાં વિવેક ચૂકી રહ્યા છીએ અને નાગરિકધર્મ ઝડપથી ભૂલી રહ્યા છીએ. દમ તેમજ શ્વસનસંબંધી બિમારીઓના દરદીઓની સાથેસાથે સામાન્ય માણસોને પણ એટલી જ તકલીફ પડતી હોય છે. આ તો ધ્વનિ અને હવાના દેખીતા પ્રદૂષણની વાત થઈ. વિવિધ પ્રકારનાં દારૂખાનુ ફોડવાથી જે પ્રચંડ કચરો પેદા થાય છે, તેને સાફ કરનારાઓની શી સ્થિતિ હશે? તહેવાર હોવાથી તેઓ નવાં કપડાં પહેરીને વાળવા આવશે એટલું જ. તહેવારો થકી રોજગારી પેદા થાય કે એકવિધ જીવનમાં સહેજ પરિવર્તન આવે એ હકીકત છે. પણ આ બાબત સમાજના દરેક વર્ગને લાગુ પડે કે મર્યાદિત વર્ગને? હવે આપણી સામાજિક ઉજવણીઓ સરકારી રાહે થઈ રહી છે, અને તે પણ સારી નિશાની નથી. સમાજના તહેવારો સમાજ ઉજવે એ જ ઈષ્ટ ગણાય. સરકાર તેને ઉજવવાનું શરૂ કરે એ સાથે જ તેમાં રાજકારણનો પ્રવેશ થાય છે. ઉજવણીઓમાં રાજકીય રંગ ભળે છે, જે લાંબે ગાળે સમાજના પોતને નુકસાન કરે છે.

વધી રહેલા ઉપભોક્તાવાદને કારણે હવે જીવનમાં પ્રાથમિકતાઓ બહુ ઝડપથી બદલાતી જાય છે, જે ખરીદશક્તિથી સંચાલિત છે. મૂલ્યપરંપરા બહુ ઝડપથી અને કોઈને ખબર ન પડે એ રીતે હાંસિયામાં ધકેલાઈ રહી છે.

જાણીને નવાઈ લાગે, છતાં આવી લાગણી પણ વરસોવરસ અનુભવાતી આવી છે. એક તરફ આવા વાસ્તવદર્શી, અને કંઈક અંશે નિરાશાવાદી લાગતા વિચારો અને તેની સમાંતરે આગળ વધતા જવાની પડતી ફરજની વચ્ચે પસંદગીની મૂંઝવણ નડે એ યોગ્ય છે. પણ એ સમજી લેવું જરૂરી છે કે આ બન્ને કોઈ વિકલ્પ નથી કે બેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય. તે સમાંતરે ચાલતી પ્રક્રિયા છે.

મૂળભૂત માનવીય મૂલ્યો કોઈ પણ કાળે બદલાતાં નથી. આટલી સીધીસાદી વાત હૈયે રાખીએ તો બહુ છે. દરેક પરિવાર આખેઆખા સમાજને સહાયરૂપ થવા નીકળે એ અપેક્ષા વધુ પડતી છે. પણ પોતાની આસપાસના કોઈ એક વંચિતનો વિચાર આવા ટાણે કરવો વ્યવહારુ ખ્યાલ છે. અમસ્તું પણ દિવાળી ખર્ચ અને ખરીદીની મોસમ છે. જેની પાસે છે તેને વધુની ભૂખ છે, અને જેની પાસે નથી તેની પાસે કશું નથી. પોતાના ઘરમાં થતી સાફસૂફીમાંથી અનેક એવી ચીજો નીકળશે કે જે વપરાયા વિના પડી હોય યા એકાદ બે વખત વપરાઈને માળિયે મૂકાઈ ગઈ હોય. આવી ચીજો જરૂરતમંદોને આપવા માટે કાઢો ત્યારે તેમનું સ્વમાન જાળવીને આપવાનો પ્રયત્ન કરવો. કેમ કે, કોઈ પોતાની પસંદગીથી ધનવાન, મધ્યમ કે ગરીબ પરિવારમાં જન્મ લેતું નથી.

તહેવારોમાં બિનજરૂરી ખર્ચ ઘણો કરવામાં આવે છે અને ઉજવણીના નામે તેને ન્યાયી ઠેરવવામાં આવે છે. આવે વખતે ‘કુંજર મુખસે કન ગીરો, ખુટો ન વા કો આહાર, કીડી કન લે ચલી, પોષણ દેઈ પરિવાર’ની કબીરપંક્તિ હૈયે રાખવા જેવી છે. ખાતાં ખાતાં હાથીના મુખમાંથી થોડા કણ જમીન પર પડે તો હાથીને કશો ફરક પડતો નથી. પણ એ દાણા વડે કીડીનો આખો પરિવાર પોષાઈ રહે છે. એટલે જરા વિચારી જોજો કે ક્યાંક એકાદ જગ્યાએ મૂકેલો ખર્ચનો નાનકડો કાપ કોઈ વ્યક્તિની એકાદી મૂળભૂત જરૂરિયાત પૂરી કરી શકતો હોય એમ અવશ્ય બનતું હોય છે. આવી ‘કીડી’રૂપી વ્યક્તિ કે પરિવાર તમારી આસપાસમાં જ હશે.

ફટાકડા હોય કે અન્ય રીતની ઝાકઝમાળ ઉજવણી, મૂળભૂત વાત એટલી જ છે કે વિવેક જળવાય એ જરૂરી છે. એ વિવેક કોઈ કાયદા કે અદાલત થકી નહીં, પણ આપણી પોતાની સમજણમાંથી ઉગવો જોઈએ. નાગરિકોની આવી સમજણ ઘડાય નહીં એની પૂરતી તકેદારી વિવિધ રાજકીય પક્ષો રાખે છે. આવી સ્થિતિમાં નાગરિકો કોઈ એક યા બીજા પક્ષ કે નેતાના ચશ્મા વડે જોવાને બદલે એક નાગરિક તરીકેની પોતાની જરૂરિયાતો, માગણીઓનો વિચાર કરે એ જરૂરી છે. રડતા બાળકના હાથમાં ઘૂઘરો પકડાવી દેવાથી તે એટલા સમય પૂરતું રડતું બંધ થઈ જશે, પણ જે કારણને લીધે તેને રડવું આવે છે તેનો ઈલાજ કરવામાં ન આવે તો શો અર્થ? રાજકીય પક્ષો અત્યાર સુધી ચૂંટણીમાં પોતાની જીત માટે નાગરિકોના અલગ અલગ સમૂહને આવા જ ઘૂઘરા પકડાવતા આવ્યા છે, અને નાગરિકો પણ મોટે ભાગે એ ઘૂઘરાથી શાંત થઈ જાય છે. કેમ કે, તેમને પણ નાગરિક તરીકેની ફરજ બજાવવામાંથી મુક્તિ મળી જાય છે, અને પોતાનો ટૂંકો સ્વાર્થ સધાઈ જાય છે. વ્યક્તિ, પરિવાર કે જાતિસમૂહને બદલે હવે દેશના નાગરિક તરીકેની સમજણ વિકસે એવી અપેક્ષા કેવળ નૂતન વર્ષ પૂરતી જ નહીં, દરેક દિવસે રાખવી વધુ પડતી નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૧૦-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *