ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મણકો (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

 

ભગવાન થાવરાણી

સ્હેજ ઝીણી નજરે જોઇએ તો શૈલેન્દ્ર અને ભગવત રાવતમાં કમાલનું સામ્ય મળી આવે. બન્ને પોતાની કવિતાઓમાં સામાન્ય અને અકિંચન માણસોની વાતો કરતા. સાવ છેવાડાના માણસની; કારણ કે બન્નેના પ્રારંભિક દિવસો એવા માણસો વચ્ચે વીતેલા. એમની કવિતાઓ મહદંશે એ માણસોને ઉદ્દેશીને લખાતી અને હમેશાં એમનાં દુઃખ, દર્દ અને પીડાઓને વાચા આપતી. સંપન્ન – અને એ કારણે જ કદાચ દંભી – ઉચ્ચભ્રૂ માણસો ઉપર બન્ને ડગલે ને પગલે વ્યંગાત્મક વાક્બાણ ચલાવતા અને માણસાઈ, પ્રેમ અને લાગણીની તલાશ એમની મોટા ભાગની કવિતાઓમાં ઝલક્યા કરતી. એમના શબ્દોમાં પણ એ માણસોની જ ભાષા પ્રગટતી. સરળતા અને સહજતામાં બન્ને જાણે એકમેકનાં સહોદર હતા, અથવા જરા જૂદી રીતે કહીએ તો બન્ને જાણે  ‘હીરામન’ હતા ! શોધવા બેસીએ તો ભગવત રાવતની પ્રત્યેક કવિતાના ભાવોનો પડઘારૂપ શૈલેન્દ્રનું કોઈકને કોઈક ગીત જરૂર મળી આવે.

ભગવત રાવતની વધુ એક કવિતા જોઇએ :

 

                                    जाने कब से

 

जाने कब से मिलना चाह रहा हूँ एक आदमी से

जिससे मिलते ही गले लगने पर

दोनों की क़मीज़ की जेब में रखे चश्मों के फ़्रेम

दबकर सचमुच टूट जाएंगे

 

बातें करते करते बीत जाएगी रात

और खाना रखारखा ठंडा हो जाएगा

 

जाने कब से लिखना चाह रहा हूँ एक लंबी चिट्ठी

जिसका कोई ओरछोर नहीं होगा

जाने क्याक्या नहीं लिखा होगा उसमें

और अंत में

कुछ भी लिख पाने का अफ़सोस लिखा होगा

 

जाने कब से जाना चाह रहा हूँ एक ऐसी जगह

जहाँ पहुँचते ही बोल पड़े सारी जगह

अच्छा हुआ तुम गए

बड़ी देर लगा दी

पर अच्छा हुआ गए

                                                     – भगवत रावत

 

               ગુજરાતી ભાવાનુવાદ –

 

                          કોણ જાણે ક્યારનો

 

કોણ જાણે ક્યારનો મળવા ઇચ્છુ છું એક માણસને

જેને મળીને બાથમાં લેતાં

બન્નેની ખમીસનાં ખિસ્સાંમાં પડેલા ચશ્માની ફ્રેમ

દબાઈને ખરેખર તૂટી જાય

 

વાતો કરતાં કરતાં થઈ જાય મળસ્કું

અને ભોજન પડ્યું પડ્યું ઠરી જાય

 

કોણ જાણે ક્યારનો લખવા ઇચ્છુ છું

એક લાંબો કાગળ

જેનો આદિ-અંત નહીં હોય

શું નું શું લખ્યું હશે એમાં

અને અંતે

કશું જ ન લખી શક્યાનો વસવસો લખ્યો હશે

 

કોણ જાણે ક્યારનો જવા ઇચ્છું છું

એક એવા સ્થળે

જ્યાં પહોંચતાં વેંત જ બોલી ઊઠે એ જગ્યા

સારું થયું તું આવી ગયો

બહુ વાર તો લગાડી

પણ સારું થયું

આવી તો ગયો ….

કવિતાનું શીર્ષક જ જતાવે છે કે નાયક – કવિને એક તલાશ છે અને એ તલાશ ‘કોણ જાણે ક્યારની’ છે. કદાચ ગયા ભવની, કદાચ જન્મો-જન્મની અને એ તલાશ હજી જારી છે કારણકે એ જે ઝંખે છે એ હજી સુધી ફળીભૂત થયું નથી. એને કોઈકને મળવું છે. હજુ મળી શકાયું નથી. એને દિલ ખોલીને, કહો કે દિલ ફાડીને કશુંક લખવું છે પણ હજી સુધી લખી શકાયું નથી. એને કોઇક અનોખી, અનૂઠી જગ્યાએ જવું છે પણ હજુ જવાયું નથી.

આ કવિતા વાંચતી વખતે આપણને સતત આપણા કવિ માધવ રામાનુજનું અને એમની વિખ્યાત કવિતાનું સ્મરણ થયા કરે. એમની એ કવિતાનો ઉપાડ જ આમ છે :

એક એવું ઘર મળે આ વિશ્વમાં

જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું

માણસને બીજું જોઈએ પણ શું? પણ સામે પક્ષે એક ‘અન્ય ‘ કવિએ પ્રવર્તમાન પરિસ્થિતિનો સાક્ષાત્કાર કરાવ્યો છે:

ખોલીએ દિલની વાતો એવા માણસો

ચુપ થતા જાય  છે, ગુમ થતા જાય છે

ડગ સ્વયંભૂ વળીને જતા જે તરફ

એ ઘરો તૂટતાં ખૂટતાં જાય છે …

અહીં પણ કવિને કોઈકને મળવું છે. એ મિલન માટેની ઉત્કટ ઝંખના દર્શાવવા એ એક કમાલનું પ્રતીક પ્રયોજે છે. એ માણસ (જો મળી આવે તો!) ને એવી રીતે છાતી સરસો ચાંપીને મળવું છે કે જેથી બન્નેના  (અગત્યની વાત – માત્ર એકના નહીં, બન્નેનાં! ) ખિસ્સાંમાં રહેલાં ચશ્માની ફ્રેમ તૂટી જાય! હવેના સભ્ય સમાજમાં ભાગ્યે જ કોઈ કોઈને એ રીતે ભેટીને મળે છે. કેવું  ‘અસભ્ય’ લેખાય એવું મિલન! જોવાવાળા બન્ને વિષે, એમના સંબંધો વિષે શું વિચારે !!

ખેર! એ વ્યક્તિ સાથે કેવી ને કેટલી વાતો થશે એ દર્શાવવા પણ કવિ એક સરસ અને દિલદાર લોકોએ ઘણી વાર જાતે અનુભવેલું દૃશ્ય જીવંત કરે છે. ભોજનની થાળી પડી-પડી ટાઢી થઈ જાય (અને ક્વચિત ભીતરેથી ગૃહિણીના શ્રાવ્ય – અલ્પશ્રાવ્ય છણકા ફૂંફાડા સંભળાય) ત્યાં સુધી!

માણસ પરથી તુરંત કવિ ચિઠ્ઠી પર આવે છે. અલબત્ત, અહીં પણ માણસ અભિપ્રેત છે જ. ચિઠ્ઠી માણસ, જીવંત માણસને જ લખવાની હોય ને ! એમને એક લાં….બી ચિઠ્ઠી લખવી છે, લગભગ એ જ માણસને, જેને મળવાની ઝંખના છે પણ મળી શકાયું નથી. મનમાં કંઇં કેટલુંય ધરબાયેલું છે, ઠલવાવા માટે વલખાં મારતું, અપરંપાર !  આ ચિઠ્ઠી એવી હશે જેનો કોઈ આરોઓવારો નહીં નહીં હોય, ખોબા ભરી- ભરીને, ચીસો પાડી-પાડીને એમાં અંતર ઉઘાડ્યું હશે અને છતાં ચિઠ્ઠીના અંતમાં?!  જે લખ્યું એ તો કંઈ જ નથી એવું લખ્યું હશે ! આપણા બાપદાદા લખતા એમ  ‘થોડામાં ઘણું વાંચજો’ જેવું !

સાવ થીજી ગયેલા ન હોઈએ તો, પ્રિય મિત્ર કે પ્રિયજન સાથે લાંબી વાતો કરતી વખતે આપણે પણ આ ભાવ અવારનવાર અનુભવ્યો છે. છેલ્લે, કે જે મૂળ કહેવાનું હતું એ તો રહી જ ગયું!

માણસ અને કાગળની વાત પછી અંતે કવિ જગ્યાની વાત કરે છે. એમને એક એવી જગ્યાએ જવું, પહોંચવું છે જેની પ્રતિક્ષા એમને ખુદને તો છે જ, પણ એમને એ પણ વિશ્વાસ છે કે એ જગ્યા પણ એમની જ રાહ જુએ છે.

કભી કભી મૈં લૌટ કે વાપસ ઉન જગહોં પર જાતા હું

છોટા-સા અપના કુછ હિસ્સા જહાં-જહાં છોડ આતા હું

કુછ જગહેં શાયદ મેરે હી ઇંતઝાર મેં રહતી હૈં

ઉનસે લિપટ ક , જો કુછ ભોગા ઉસકા હાલ સુનાતા હું ..

અહીં પણ કવિ એવી કલ્પના કરી સ્થૂળ જગ્યામાં સજીવારોપણ કરે છે. એ જગ્યા પર પહોંચતાંવેંત એ જગ્યા ખુદ જ કહેશે, ‘ બહુ મોડું કર્યું ભાઈ, પણ હાશ! આવી તો ગયો!’. સાચી તરસવાળા માણસો જગ્યા પાસેથી પણ હોંકારો ઇચ્છે!

આ માણસ કોણ, આ ચિઠ્ઠી શેની, આ જગ્યા ક્યાં આવી એ પ્રશ્નોના જવાબ સૌ-સૌના અંગત અને અલાયદા હોવાના.

આ કવિતા વાંચતાં અનાયાસ જગવિખ્યાત અને નોબેલ વિજેતા આઇરિશ-ફ્રેંચ લેખક સૅમ્યુઅલ બૅકેટનું અદ્ભુત નાટક  Waiting for Godot (ગોદોની પ્રતીક્ષામાં) યાદ આવી ગયું. એ દ્વિઅંકી નાટકમાં બે પાત્રો નિરંતર ગોદો નામના મિત્રની પ્રતીક્ષા કરે છે અને પ્રતીક્ષા કરતાં કરતાં પોતાના વિષે અને જીવન વિષે અલકમલકની વાતો કરે છે. વચ્ચે થોડી થોડી વારે ‘હજી ગોદો કેમ આવ્યો નહીં હોય?’ ની ચિંતા પણ વ્યક્ત કરતા રહે છે. સમગ્ર કથાવસ્તુ (આમ તો એ કથાવિહોણું નાટક છે!) ગોદોની આસપાસ ફરે છે પણ મજાની વાત એ છે કે નાટક પૂરું થાય ત્યાં સુધી ગોદો આવતો જ નથી, દેખાતો જ નથી, કારણ કે ગોદો કદાચ છે જ નહીં !

અથવા એમ કહીએ કે ગોદો અને ભગવત રાવત ઝંખે છે એ માણસ અને સ્થળ એ પ્રતીકાત્મક રીતે એક એવું અદૃશ્ય સુખ છે જેની કલ્પનામાં માણસ જીવનભર હવાતિયાં મારતો રહે છે. એ વાસ્તવિક સ્વરૂપમાં ક્યારેય પ્રાપ્ત થઇ શકે નહીં, પરંતુ એ સુખની નિરંતર શોધ એ જ તો જીવન છે !

ઝમાને ભર મેં ઢૂંઢતા રહા મૈં જિસકા પતા

પતા મિલા તો લગા, યે પતા તો મેરા હૈ !

૦-૦-૦

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

17 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મણકો (૨)

 1. October 18, 2017 at 12:19 pm

  વાહ! બહુ સરસ પરિચય અને આસ્વાદ.

  • Bhagwan thavrani
   October 18, 2017 at 7:18 pm

   હાર્દિક ધન્યવાદ બીરેનભાઈ !

 2. October 18, 2017 at 5:52 pm

  न जाने कब से जाना चाह रहा हूँ एक ऐसी जगह
  जहाँ पहुँचते ही बोल पड़े सारी जगह
  अच्छा हुआ तुम आ गए
  बड़ी देर लगा दी
  पर अच्छा हुआ आ गए …

  બહ જ સરસ કવિતા , અને એનું એટલું જ સુંદર રસદર્શન. ઉપરની કડીઓ મૃત્યુ તરફ અંગુલિનિર્દેશ કરે છે?

  આ કવિતા પરથી એક અવલોકન મારા બ્લોગ પર આવું આવું કરી રહ્યું છે! એનું આગમન થશે ત્યારે ઈમેલથી ખબર આપીશ .

 3. October 18, 2017 at 6:01 pm

  Waiting for Godot હવે વાંચવું જ પડશે.

  બહારની બહુ સારી અને કિમતી ચીજો અને સિદ્ધિઓ મળે તો પણ એની પ્રાપ્તિનો આનંદ ક્ષણિક જ હોય છે. પછી બીજા કશાક માટેની મૂષકદોડ શરૂ થઈ જાય છે. કદાચ આ આપણા સૌની આંતરિક ઉલઝન છે. એનો આટલો સરસ ઊઠાવ કવિએ આ કવિતામાં આપ્યો છે.

  • Bhagwan thavrani
   October 18, 2017 at 7:17 pm

   બિલકુલ સાચું સુરેશભાઈ !
   આપના બ્લોગ પરના લેખનો ઇંતેજાર રહેશે. સાર્થક પ્રતિભાવ બદલ આભાર !

  • October 18, 2017 at 7:49 pm

   I quote a dialogue from the play – “Abraham Lincoln” written by John Drinkwater. It is this: “When it comes, it seems so simply.” These words were spoken by Abraham Lincoln when North America had won the seven years’ civil war against South America.

   • Bhagwan thavrani
    October 19, 2017 at 8:22 am

    Thanks valibhai !

 4. October 18, 2017 at 9:36 pm

  માણસની ઝંખનાઓનો કોઈ અંત નથી. એક પૂરી થાય ત્યાં બીજી બાર મનમાં રમતી થઇ જાય છે.

  કવિ ભગવત રાવતના એક ભાવવાહી કાવ્યનો બહુ જ સ-રસ આસ્વાદ કરાવ્યો છે. કવિ અને રસપાન કરાવનાર લેખક એ બન્નેને ધન્યવાદ .

  • Bhagwan thavrani
   October 19, 2017 at 8:23 am

   પ્રતિભાવ બદલ ધન્યવાદ વિનોદભાઈ !

 5. vijay joshi
  October 18, 2017 at 10:39 pm

  Samuel Backett
  He had bouts of depression in his life. He is said to have said, ” I had little talent for happiness”
  As a young poet he apparently rejected the advances of James Joyce’s daughter and then commented that he did not have feelings that were human. This sense of depression would show up in much of his writing, especially in “Waiting for Godot” where it is a struggle to get through life.Hence I don’t believe poet Ravat exhibits his dark side of his subconscious self the same way that Beckett doe, because unlike Beckett’s Godot,, Ravat’s friend/loved one/wish/expectations, does come to fruition at the end.

  • Bhagwan thavrani
   October 18, 2017 at 11:43 pm

   Interesting analysis ! And equally interesting details about Samuel Beckett. Thanks vijaybhai !
   There is no comparison. Beckett and Bhagwat are poles apart. The example just tries to illustrate the illusory things that a man lusts for which never materialise. ( like Godot ! )
   In this poem also, Bhagwat wanted to meet a person, write a letter and go to a place and it is implied that he could do none of these !

   • vijay joshi
    October 19, 2017 at 6:47 am

    Is he lusting for someone, a female friend, the poet is pretty vague about his longing to meet this person
    about whom there are no clues. I don’t get the reference to glasses. (reading or sunglasses) At the end suddenly who is this person that shows up finally, albeit late. (as opposed to Beckett’s Godot)

    • Bhagwan thavrani
     October 19, 2017 at 8:39 am

     Thanks vijaybhai !
     As far as my limited understanding of poetry and Bhagwat Rawat goes, some vagueness would ( or should I say. ‘ should ‘ ! ) always be there in a good poem although I dare t to say from my experience that it’s minimal as far as bhagwat’s poetry is concerned.
     Since, from the way he begins ‘ न जाने कब से ‘ , it is almost sure that the poet is an aged man, we can safely presume that the glasses he refers to are reading glasses. In Indian perspective also, reading glasses fit into the scenario.
     At the end also, the protagonist just imagines that ‘ some day ‘ he will reach a place where; the moment he reaches the place will say, ‘ ……. ‘ ! He does not actually reach. It’s just the wish. And to my humble thinking, this ‘ eternal unrealised wish ‘ is the beauty of the entire poem !

     • vijay joshi
      October 19, 2017 at 9:25 am

      Let me end here by saying we respectfully agree to disagree.
      Thanks Thavraniji

 6. Dipak Dholakia
  October 19, 2017 at 1:18 am

  ભાગવતજીની રચના એવી છે કે, ઈમાનદારીથી કહું તો, મારી અંદર ક્યાંક પહોંચી – પણ ક્યાં પહોંચી? કહી નથી શકતો. હા, મને મૌન આપતી ગઈ. કહેવું પણ શું હતું? કહેવું શા માટે હતું? આ તો માત્ર અનુભવ છે.

 7. Kamlesh Shukla
  October 19, 2017 at 9:24 am

  ખૂબ જ સરસ રીતે આખી રચનાની સમજ આપી. યોગ્ય જગ્યાએ યોગ્ય પંક્તિનો ખૂબ સરસ ઉપયોગ. કવિ શ્રી માધવ રામાનુજની આ પંક્તિ ઓ આગળ પણ વાંચેલી ને ગમેલી પણ અહીં થોડી વધુ ગમી.

  આભાર.

 8. Nathalal Devani
  October 19, 2017 at 11:30 am

  ખૂબ સરસ આસ્વાદ. કવિતા પણ લાજવાબ. કેટલીક ક્ષણો રળિયામણી કરી દે છે તમારો આ લેખ… આસ્વાદ લેખ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *