દીપના દાર્શનિક પ્રતીકોનો અને દિપાવલીના શુભ દિવસોનો ઉત્સવ

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

અશ્વિની માસ રેવતી, ભરણી, માઘ, મૂળ અને અશ્વિની નક્ષત્રનો સ્વામી છે, પરંતુ અશ્વિન માસનાં ગ્રહ સ્વામી તરીકે કેતુનું સ્થાન રહેલું હોઇ આ માસમાં ખાસ કરીને કેતુની પૂજા કરી તેમની પ્રસન્નતા મેળવવામાં આવે છે. વિક્રમ સંવત પ્રમાણે અશ્વિન માસનું સ્થાન દ્વાદશ છે પરંતુ શક સંવત પ્રમાણે અશ્વિન માસનું સ્થાન સપ્તમ રહેલું છે. સંસ્કૃતમાં અશ્વિન શબ્દનો અર્થ રાજા અથવા રાજવી તરીકે કરાયો છે, જે પૂર્ણ રીતે યથાર્થ છે. આ માસની શરૂઆતમાં સ્ત્રી શક્તિ અને દેવી શક્તિનું પૂજન કરવા ગર્ભદીપના પ્રતિકની સ્થાપના કરે છે, ત્યારપછી વિજયા દશમીને દિવસે સ્વમાં રહેલા રાવણનો વિનાશ થાય પછી લોકો વિવિધ પકવાન બનાવી, ઘર આંગણને રંગોળી અને દીવાઓથી સજાવી દિવાળીનાં પાંચ દિવસના ઉત્સવને ઉજવવા તૈયાર થઈ જાય છે.

સૌ પ્રથમ જોઈએ કે ઉત્સવ એટ્લે શું?

ઉત્સવ એ શબ્દ ઉ અને ત્સવ બે શબ્દોની સંધિથી બનેલો છે. જેમાં ઉ એટ્લે ઉમંગ અને સ્તવ એટ્લે ઉછાળવું. જે ઉમંગો ઉછાળે છે તે ઉત્સવ છે. અશ્વિન માસમા આવતો આ ઉત્સવ અનેક હૃદયોમાં ઉમંગ તો ઉછાળીને તો જાય છે પણ સાથે સાથે જીવનને અનેક રીતે પ્રકાશિત પણ કરતો જાય છે. અનેક હૃદયમાં ઉમંગ દીપ પ્રગટાવી પ્રકાશમાન કરતાં આ દીપઉત્સવના અનેક દાર્શનિક પ્રતીકો છે. ચાલો આજે આ પ્રતીકોને આપણે નજીકથી નિહાળીએ.

शुभम करोति कलयाणम् आरोग्यम् धन सम्पदा
शत्रुबुध्दि विनाशाय दीपज्योति नमस्तुते ।।

સુંદર અને કલ્યાણ કરનારા, આરોગ્ય અને સુખ સંપદા દેનારા અને શત્રુઓની બુધ્ધિનો વિનાશ કરનારા હે દીપ જ્યોતિ અમે આપને નમસ્કાર કરીએ છીએ.

અગ્નિ:-

અગ્નિ, જ્યોત, દીપનો સંબંધ ક્યારથી શરૂ થયો તે કહેવું મુશ્કેલ છે. જ્યારથી માનુષી જીવન શરૂ થયું ત્યારથી અગ્નિનું અસ્તિત્વ વિવિધ સ્વરૂપે જીવન સાથે સંકળાયેલું છે, પરંતુ જ્યારથી મનુષ્ય અગ્નિની સાચવણી કરતાં શીખ્યો તે દિવસથી અગ્નિ સદાયે મનુષ્ય સાથે રહેવા લાગ્યો. અગ્નિએ મનુષ્ય સાથે રહી તેની આસપાસના અંધકારને દૂર કરી તેના જીવનમાં ઉષાની અનેરી આભા રેલાવી જેથી કરીને મનુષ્યના જીવનમાં શક્તિ અને જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો.

असतो मा सद्गमय
तमसो मां ज्योतिर्गमय
मृत्योर्मा अमृतं गमय

બૃહદ આરણ્યક ઉપનિષદમાં અંધકારરૂપી અજ્ઞાનમાંથી જ્યોતિ રૂપ કિરણની યાચના અને કામના કરવામાં આવી છે, ઋગ્વેદમાં માનવામાં આવ્યું છે કે ભૃગુ ઋષિએ અગ્નિની શોધ કરી હતી. ઋગ્વેદમાં ત્રણ પ્રકારના અગ્નિદેવની પ્રશંસા કરતાં વિશેષ શ્લોક જોવામાં આવ્યાં છે. તેમાં કહ્યું છે પૃથ્વી પર અગ્નિ, આકાશમાં દામિની અને ક્ષિતિજમાં સૂર્ય રૂપે અગ્નિ દેવ રહેલ છે. મહર્ષિ અગસ્ત કહે છે કે આ ત્રણેય અગ્નિના પ્રકારો સંઘર્ષને કારણે ઉદ્ભવિત પામ્યા છે. રામાયણમાં વશિષ્ઠમુનિ કહે છે કે અગ્નિ અંધકારને મિટાવી પ્રકાશના આગમનને આવકાર આપે છે. અગ્નિ રૂપી ઊર્જાના આગમનથી નકારાત્મક શક્તિઑનો પરાજય થાય છે. મહર્ષિ વશિષ્ઠની આ વાણી સત્ય જ હશે તેથી આપણે આથી જ દિવાળીની અમાવસ્યાની રાતે નકારાત્મક શક્તિઓનો નાશ કરવા અસંખ્ય દિવડાઓ દ્વારા અગ્નિદેવને આમંત્રણ આપીએ છીએ જેથી કરીને નવી ચેતનાનો ઉદ્ભવ થઈ શકે.

દીપ :-

દિવાળી હોય અને દીપ ન હોય તે કેવી રીતે ચાલે? તેથી જ આ ઉત્સવનું પ્રથમ પ્રતીક એ દીપ છે. દીપનું કાર્ય દીપ્તિમાન થવાનું છે. દીપ, દીપક, દિપાવલી, દિવાળી, દીપ આવલી… એમ એક જ ભાવાર્થ દર્શાવતા શબ્દોના ઘણા પર્યાય છે જે અંતે એકઠા થઈ જીવનને પ્રકાશમાન બનાવે છે. દીપ સ્વયં બળે છે જેથી તે પ્રકાશ પાથરી શકે, દીપો બળે છે કે જેથી જે ગૃહમા હોય તે ગૃહને પ્રકાશમાન કરી શકે, દીપ બળે છે કારણ કે તે જીવનમાથી અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરવાનો છે, દીપ બળે છે જેથી સતગુણનું મહત્વ વધી શકે. આમ દીપના અનેક અર્થો છે જે જીવનને વિવિધ પાસાઓ સાથે જોડે છે.

દીપપાત્ર:-

કુંભાર માટીને ગુંદીને આકાર આપે છે. તેથી કુંભારને દીવડાનો પિતા ગણી શકાય છે. માટી તે જીવનતત્ત્વનું મુખ્ય અંગ છે. જે સત્ત્વગુણ (અનેક પ્રકારના ધનથી ભરેલી ) ધરાવે છે. આપણે ત્યાં બચપણને પણ કાચી માટી સાથે અને માતપિતાને કુંભારની સાથે સરખાવવામાં આવ્યાં છે. બાળપણની માસૂમ અને કાચી વયે માતા-પિતા રૂપી કુંભાર જે રીતે સંસ્કાર આપે છે તે જ સંસ્કાર બાળકોના જીવનમાં સ્થાયી બની જાય છે. આજ રીતે ઘણી નવી વસ્તુઓ અમુક ઉંમરે શીખવામાં તકલીફ પડે છે ત્યારે આપણે કહીએ છીએ કે પાકા ઘડે કાંઠલા ન ચડે. માટી પોતે પણ કોમળ છે અને તેનો સ્વભાવ પણ કોમળ છે. પોતાના કોમળ સ્વભાવને વશ થઈ માટી શીતળતા આપે છે. તેથી આપણે ત્યાં જે કોમળ સ્વભાવ ધરાવે છે તેને સ્નેહ કરવામાં આવે છે અને જે રૂક્ષ છે તેને માટે પથ્થર જેવો છે કે પાણાં જેવો છે તેમ ઉપમા અપાય છે.

બાતી-વાટ:- દીપક એ પ્રકાશના પૂંજની મૂળ ગતિ છે જે સદૈવ ઉપર તરફ ઊઠે છે. બાતીનું લક્ષ્ય હંમેશા ઉચ્ચ ગતિ તરફ હોય છે. ઉપર તરફ જતી બાતી દીપક રૂપી પ્રકાશને અંગીકાર કરી કાલિમારૂપી અંધકારનો ત્યાગ કરે છે. સ્વયં બળીને બાતી પ્રગતિ તરફ ગતિ કરવાનો સંદેશો આપતી જાય છે. દીપની બાતી તે રૂ માંથી બને છે. રૂ તે નિર્મળ કોમળ હૃદયનું પ્રતિક છે. જે સત્તગુણનું (સત્ય) પ્રતિક છે. બાતીને બે હાથની હથેળીમાં રાખી, ગૂંથીને બનાવવામાં આવે છે. આ પ્રકારે બાતીનું ગૂંથાવવું તે સદાચારનું પ્રતિક છે. સૂફી સંતો કહે છે કે કામ અને વાસના પર નિયંત્રણ મેળવવા માટે જીવનમાં સદાચાર હોવો જરૂરી છે. જેના જીવનમાં સદાચારના સુરજનો પ્રકાશ ફેલાય છે તેવા ઓલિયાઑ દૂર દૂર સુધી પ્રકાશ આપે છે. પરંતુ સદાચાર તે જ્ઞાન પર આધાર રાખે છે.

દીપકનો પ્રકાશ:-

જ્ઞાનની કોઈ સીમા હોઇ શકે, જ્ઞાનની કોઇ પરિભાષા કે પર્યાય હોઇ શકે? જ્ઞાનની કોઈ જ સીમા, પરિભાષા કે પર્યાય નથી તેથી જ જ્ઞાન વિવિધ લિપીઓ અને સંજ્ઞાઓમાં રહેલ છે. સ્કૂલમા જઈ જ્ઞાન મેળવો કે, કોલેજમા જઈ જ્ઞાન મેળવો, અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરતાં જ્ઞાન મેળવો કે કોઈ ફિલ્મ જોઈને જ્ઞાન મેળવો…..જ્ઞાન મેળવવાના અને જ્ઞાન પ્રાપ્ત કરવાના અસંખ્ય માર્ગો છે તેથી જ્ઞાનને કોઈપણ બંધનમાં બાંધી રાખવું ખૂબ મુશ્કેલ છે. દીપમા રહેલ બાતીનો પ્રકાશ એ જ્ઞાનનું સ્વરૂપ છે જે પોતે પણ પ્રકાશમાન રહે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. આથી જ આપણે જીવનને જ્ઞાનની પાઠશાળા કહીએ છીએ. દીવામાનો પ્રકાશ આપણને પ્રગતિનો માર્ગ શીખવીને કહે છે કે તમે સ્વયં પણ પ્રકાશિત રહો અને બીજાને પણ પ્રકાશમાન બનાવો.

તેલ:-

આપણા શાસ્ત્રોએ તેલ અને બાતી, દૂધ અને પાણીનું ઉદાહરણ આપતા કહ્યું છે કે જેમ પાણી દૂધ માટે અને તેલ બાતી માટે પૂરક છે તે જ રીતે મનુષ્યોએ પણ પોતાની આસપાસ રહેલ સમાજને સુવ્યવસ્થિત કરવા માટે પૂરક બનવું જોઈએ. ધર્મએ કોડિયું, વાટ અને તેલને એકબીજાના પૂરક બનાવ્યાં છે, જ્યારે વિચારકો કહે છે કે માટીનું કોડિયું નાનું હોવા છતા પોતાની પાત્રતા અનુસાર તેલને આશ્રય આપે છે, તો સામે તેલ પણ વિચારે છે કે જેમની ગોદમાં મને આશ્રય મળ્યો છે તેમના જીવનને હું ઉજજ્વળ કરવામાં હું મદદરૂપ થાઉં. આ જ વિચારે તેલ પોતાના બુંદબુંદને જલાવીને બાતીને ઉજજ્વલિત કરતું રહે છે, ત્યારે કોઈ પ્રહરી પોતાના અશ્વિન માટે ચોકી કરતો હોય તેવુ જણાય છે.

મીણબત્તી:-

પાષાણ, માટી અને ધાતુનાં દીવાને બાદ કરતાં સમયનુસાર મીણનાં દીવાને પણ સમાજમાં અનોખું સ્થાન મળ્યું છે. મીણની શોધ માટે ભારત અને ચીનને અગ્ર માનવામાં આવે છે. એક સમય હતો જ્યારે વૃક્ષોમાં કુદરતી રીતે થતો મીણ, મધમાખીનાં મીણ અને પ્રાણીજ ચરબીનો ઉપયોગ બત્તી ચાલુ કરવામાં થતો હતો, જ્યારે ગેસ પેટ્રોલિયમની શોધ થઈ ત્યાર પછી ખનીજ મીણનો ઉપયોગ બત્તી માટે થવા લાગ્યો. ૧૮૩૪માં જોસેફ મોરગિન કેન્ડલ નામના જર્મને સૌ પ્રથમ મીણ અને મીણ માટે બીબું બનાવવાનો પ્રયત્ન કરેલો. જોસેફનું બીબું તો બની ગયું પણ મીણ બનાવવાનો તેનો પ્રયત્ન એટલો સફળ ન થયો. ( જોસેફનો પ્રયત્ન ભલે સફળ ન થયો હોય, તેને કારણે આપણને મીણબત્તીનું અંગ્રેજી ઉચ્ચારણ – કેંન્ડલ ચોક્કસ મળ્યું છે. ) આખરે ૧૮૫૦ માં જેમ્સ યંગે કોલસા અને ખનીજનું ડિસ્ટિલેશન કરીને સુગંધ રહિત પેરાફીન વેક્સ બનાવવામાં સફળતા મેળવી. પરંતુ તેનું આ આ પેરાફિન પ્રવાહી રૂપે હતું, ૧૮૫૪ માં આ પ્રવાહીમાં એસિડ મિક્સ કરાતાં તે સખત બન્યું; પણ મીણબત્તીનાં રૂપમાં ન હતું. આખરે ૧૮૫૫ થી ૫૬ ની વચ્ચે પેરાફિનમાં સ્ટેરીન મિક્સ કરવામાં આવ્યું જેને કારણે મીણબત્તીનું રૂપ મળ્યું.

દીપ, દીપપાત્ર અને પ્રકાશ માટે અબ્દુલ રહીમ ખાનેખાનાએ પોતાનાં સવૈયામાં લખ્યું છે કે

जो रहीम गति दीप की, कुल कपूत गति सोय ।
बारे उजियारो लगे, बढ़े अंधेरों होय ।।

દીપકનું ચરિત્ર જેવુ જ કુપુત્રનું ચરિત્ર હોય છે, કારણ કે પહેલાં બંને પોતાની આસપાસનાં વાતાવરણને પ્રકાશિત કરે છે, પણ જેમ સમય વીતે તેમ અંધકારમાં સ્વયં ખોવાઈ જાય છે અને આજુબાજુનાં વાતાવરણમાં યે અંધકાર પ્રસરાવી મૂકે છે. રહીમજીની જેમ આપણે ત્યાં ય કહેવત છે કે “દીવા તળે અંધારું.”

જ્યાં સુધી પાત્ર ખાલી હોય ત્યાં સુધી કોઈપણ જાતનાં પ્રકાશની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમાં દીવો હોય, બાતી હોય કે મીણબત્તી હોય. જ્યાં સુધી હૃદયરૂપી પાત્ર ભરાયેલ નથી ત્યાં સુધી કોઈને કશું આપી શકાતું નથી. આરણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે બાતી કોઈપણ સ્વરૂપમાં હોય પણ આ બાતી જ છે જે સ્વયં અગ્નિને સહન કરતી જાય છે અને પોતાના થકી પ્રકાશ પાથરતી જાય છે. તેમ છતાં યે બાતીને પોતાના અસ્તિત્ત્વનો જરાય અહંકાર નથી તે તો તૈલીય સ્નિગ્ધતાને જ અગ્રજ માને છે. તેલ તરલ હોય છે, ઘી અને મીણ પહેલા ઠોર સ્વરૂપ હોય છે અને પછી તે ધીરે ધીરે હૃદયની ઉર્જા અને ઉષ્ણતાથી પીગળે છે અને અંતે પોતાની જાતને કોઈ આકારમાં ન બાંધતા કોઈપણ પાત્રમાં જઇ તે પાત્રની પાત્રતા મુજબ પોતાના અસ્તિત્વને સમાવી લે છે. આ ત્રણેય વસ્તુઓમાં સ્નિગ્ધતા હોય છે. સ્નિગ્ધતા જે સ્નેહને બાંધી રાખે છે આથી આ તત્ત્વોને સ્નેહનાં પરિચાયક માનવામાં આવેલ છે. સ્નેહમાં શત્રુઓને જીતવાની અદ્ભુત શક્તિ હોય છે, સ્નેહ આપણા જીવનનો આધાર સ્તંભ છે. માટીનું પાત્ર, તેલ, ઘી, મીણ, બાતી અને અગ્નિનો આ સંગમ તે દીપને સદૈવ આલોકિત કરે છે. પાત્ર રૂપી સદાચાર, બાતી રૂપી કોમળતા અને પ્રકાશ રૂપી જ્ઞાન એ સર્વે ફેલાઈ એક સ્નેહશીલ સદાચારી વ્યક્તિત્વની ઉર્જા જાગૃત કરે છે ત્યારે તેનો મહિમા સર્વત્રે ફેલાઈ જાય છે.

જે ઉત્સવને પ્રકાશમાન કરવા આપણે દિવડાઓનો ઉપયોગ કરીએ છીએ તે ઉત્સવનાં દિવસોને ય હવે માણી લઈએ.

વાઘબારસ:- આ દિવસ ને વચ્છ બારસ કહેવામાં આવે છે કારણ કે બચ્છવનમાં ( ઉત્તરપ્રદેશનાં વ્રજભૂમિમાં આવેલ હાલનું સઇ ગામ ) જ્યારે પ્રભુ ગૌચારણ કરી રહ્યાં હતા ત્યારે બ્રહ્માજીએ વાછરડા, ગાયો અને ગોપબાળકોને હરી ને બધાને બ્રહ્મલોકમાં લઇ ગયા હતાં અને ફરીવાર તે જ્યારે ગૌચારણની જગ્યાએ આવ્યા ત્યારે તેમને બધા જ ગોપ, ગાયો, વાછરડાઓ યથાવત જણાયા. તેથી સમાધિ લગાવતા તેમણે જોયું કે જે કંઇ તેમણે જોયું હતું તે તમામ રૂપો કૃષ્ણમય હતાં આ જોઇ ને તેમનો મોહ ઉતરી ગયો તેમણે પ્રભુ વ્રજચંદ્રની ક્ષમા માંગી અને વ્રજબાળકો અને વ્રજધનનાં મૂળસ્વરૂપો ફરી વૃંદાવનમાં પાછા પધરાવ્યાં. આ દિવસે પીળા રંગનું ઘણું મહત્વ હોય છે. બીજી કથા અનુસાર મા અંબાની સવારી વાઘ ઉપર હોઇ આ દિવસ માતાના વાઘને સમર્પિત કરવામાં આવ્યો છે. વાઘ આપણાં દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે તેથી આપણી સરકારે વાઘના શિકાર ઉપર પ્રતિબંધ મૂકી વાઘની રક્ષા કરી છે જેમ ”નાગપંચમી” નાગને મહત્વ આપી તહેવાર મનાયો છે તે પ્રમાણે વાઘને અશ્વિન વદની બારસ સાથે જોડવામાં આવ્યો છે.

ધનતેરસ:- આસો વદ ધન તેરસને દિવસે માતા લક્ષ્મીનું પૂજન કરાય છે. સામાન્ય રીતે પુરુષ રૂપ ભગવાનની સાથે પ્રકૃતિ રૂપ સ્ત્રીનું પૂજન થાય છે પણ આ દિવસે પ્રથમ માતા લક્ષ્મીનું અને ત્યાર પછી ભગવાનનું પૂજન કરાય છે. પુષ્ટિ માર્ગમાં આ દિવસે માતા યશોદાજી વિષ્ણુપ્રિયા લક્ષ્મીજીની મૂર્તિને સજાવીને શ્રી હરિનાં સાનિધ્યમાં મુકે છે, પરંતુ વ્રજવાસીઓનું સાચું ધન એ ગૌધન છે તેથી નંદનંદન ગાયોને શણગારે છે અને ગાયોનું પૂજન કરે છે. આ દિવસે ઠાકોરજીની નજર ઉતારવામાં આવે છેં. આ દિવસે લીલા રંગનું ખુબ મહત્વ હોય છે. આ દિવસે પરંપરાગત રીતે સુવર્ણ અને ચાંદીના આભૂષણો તેમજ વાસણોની ખરીદી કરવાનો રિવાજ છે. સંધ્યા સમયે શેરડી અને ટોપરાના વાડકાનું મેરાયુ બનાવી તેમાં દીપ પ્રગટાવવામાં આવે છે, ત્યારબાદ ગણપતિજી અને લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. ઘરનાં મુખ્યદ્વાર અને ઘર આંગણ અનેક દીપમાલિકોથી ઝળહળિત કરવામાં આવે છે.

રૂપ ચતુર્દશી (નરક ચતુર્દશી):-

આપણા પુરાણોમાં દારુણરાત્રિ એટલે હોળીની રાત, મહારાત્રિ એટલે શિવરાત્રિની રાત, મોહરાત્રિ એટલે જન્માષ્ટમીની રાત અને કાળરાત્રિ એટલે કાળી ચૌદસની રાત એમ ૪ રાત્રિનું ખૂબ મહત્વ છે. આસોવદ ચૌદશને દિવસે પ્રભુ ને આંબળા અને ફુલેલથી અભ્યંગ સ્નાન કરાવાય છે તેનું ખાસ કારણ એ છે કે વ્રજવાસીઓમાં માન્યતા હતી કે આ દિવસે જે માતા પિતા પોતાના બાળકને આંબળા અને ફુલેલથી સ્નાન કરાવે છે તે બાળકનું રૂપ ખીલી ઊઠે છે આ માન્યતા અનુસાર નંદબાબા અને માતા યશોદા પણ સાથે મળીને પોતાના કૃષ્ણ કનૈયાને સાથે સાથે નવડાવે છે જેથી તેમના નંદલાલનનું રૂપ પણ ખીલીને સુંદર થઈ જાય. આ દિવસે લાલ રંગનો મહિમા છેં. આ દિવસે દ્વારિકા લીલામાં પ્રભુએ નર્કાસુરે પકડેલી ૧૬,૦૦૦ રાજકન્યાઓને છોડાવી હતી ત્યારે આ કન્યાઓએ પ્રભુ ને પૂછયું કે અમે આટલા વર્ષોથી એક રાક્ષસના ઘરે બંદી હતાં તેથી અમારો સ્વીકાર કોણ કરશે? તેથી પ્રભુએ તે તમામ રાજકન્યાઓ સાથે લગ્ન કરીને માનપૂર્વક પોતાના ઘરમાં સ્થાન આપ્યું હતું. આ દિવસે તાંત્રિકો સ્મશાનમાં જઇ શિવ સ્વરૂપ કાળભૈરવની સાધના કરે છે. અડદની દાળના વડા કરી ચાર રસ્તાના ચોકમાં પધરાવી ઘરનો કંકાસ દૂર કરવામાં આવે છે.

દીપમાલિકા-દિવાળી:-

દિવાળી ઉજવવાના પ્રાચીન અર્વાચીન અનેક કારણો ભેગા થતાં હોઇ વિવિધ સંપ્રદાય વિવિધ કારણોસર દિવાળી ઉજવે છે. ઈતિહાસ અનુસાર રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક આસો માસની અમાસના દિવસે જ થયો હતો, વિક્રમ એક શૂરવીર અને પ્રજાવત્સલ રાજા હતો. પ્રજાએ પોતાના આ રાજાની યાદમાં વિક્રમ સંવંતની શરૂઆત કરી. દિવાળી એ વૈશ્યોનો (વણિક લોકો જેઓ ને પોતાના કામધંધા હોય, આજની ભાષામાં કહીયે તો બિઝનેસવાળા લોકો) તહેવાર મનાય છે. ભગવાન વિષ્ણુના બે મહત્તમ અવતારોના કાર્યો આ દિવસે પૂર્ણ થયાં હતા. પ્રથમ એ કે આ દિવસે ભગવાન નૃસિંહે રાક્ષસ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો, અને વામન ભગવાનનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું. જૈનોના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરે આ દિવસે નિર્વાણ કર્યુ હતું.

ઇતિહાસ સાક્ષી છે કે દિલ્હીપતિ બાદશાહ અકબરે દીપાવલીનો ઉત્સવ ધામધુમથી ઉજવવાની શરૂઆત કરી હતી. બાદશાહ અકબરે શરૂ કરેલ આ પ્રથા મુઘલ વંશના અંતિમ બાદશાહ બહાદુરશાહ ઝફર સુધી ચાલી હતી. અકબર બાદ જહાંગીર, શાહજહાં વગેરે આ ઉત્સવ અતિ શાનોશેંશાહપૂર્વક ઊજવતાં હતાં પરંતુ ઔરંગઝેબે આ પ્રથા લગભગ બંધ કરાવેલી પરંતુ ઔરંગઝેબ પછીના થયેલા મુઘલ બાદશાહોએ ફરી દીપાવલીનાં ત્યોહારને નાના મોટા પાયા પર ઉજવવાનું ચાલુ કર્યું હતું, જેમાં હિન્દુઑ અને મુસ્લિમો બંને પ્રજા સાથે મળીને આ ઉત્સવ ઉજવતી હતી અને આ સમય દરમ્યાન શહેરની સાથે સાથે તેમના મહેલોમાં પણ દીપોની પંક્તિઓ લગાવવામાં આવતી હતી.

શીખોમાં પણ દિવાળી ઉત્સવનું ખૂબ મહત્વ છે. આ પવિત્ર દિવસે શીખોના છઠ્ઠા ગુરુ હરગોવિંદસિંહ ૧૬૧૯માં જેલમાંથી મુક્ત થયા હતાં. ઈ.સ. ૧૯૫૭ માં અમૃતસર સ્થિત સુવર્ણમંદિરનો શિલાન્યાસ પણ આજ દિવસે થયો હતો, નેપાળી લોકોનું નવું સવંતત્સર પણ આ જ દિવસથી શરૂ થાય છે, સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના દિવાળીને દિવસે કરી હતી, પંજાબમાં જન્મેલ સ્વામી રામતીર્થનાં શિષ્યો માટે પણ એક યાદગાર દિવસ છે કારણ કે આ દિવસે સ્વામી રામતીર્થ જન્મયાં હતાં અને આજ દિવસે તેઓએ ગંગાકિનારે સમાધિ લીધેલી હતી.

ઈ.સ. ૧૯૧૯ માં પૉપ જૉન પૉલ દ્વિતીયએ એક ભારતીય ચર્ચમાં ઈસા મસીહાના અંતિમ ભોજનના સ્મરણમાં રાત્રિ ભોજનનું આયોજન કરેલું, ત્યારથી ભારતીય ખ્રિસ્તીઓ માટે આ દિવસ યાદગાર બની ગયો.

આમ વિવિધ કારણોસર સમગ્ર ભારતમાં આ દિવસ ખૂબ ધામધુમથી ઉજવાય છે. આ દિવસે પ્રત્યેક ઘર, ગલીઓ, ઘરઆંગણ અને ઘરદ્વાર રંગોળીઓ અને દિવડાઓથી એ રીતે ઝળહળી ઊઠે છે કે જોતા એવું જ લાગે કે જાણે આકાશે પોતાના તમામ તારા અને ચાંદલિયાઓની ભેંટ ધરી દીધેલ હોય. આ દિવસે ગંગા અને યમુનાને કિનારે દિપદાનનો ખાસ મહિમા છે. ઉત્તરભારતના વ્રજમાં આ દિવસે મેળો ભરાય છે અને માનસીગંગામાં સ્નાન કરીને શ્રી ગિરિરાજજીની પરિક્રમાં કરવામાં આવે છે. દિવાળીના દિવસે નંદાલય હવેલીમાં નગાડા વગાડાય છે. નંદાલયમાં હટડી ભરાય છે. સોના ચાંદીના ત્રાજવા અને કાટલાં મૂકાય છે જેમાં પ્રભુ વ્રજભક્તોને સખડી, અનસખડી, દૂધઘરની વિધ વિધ સામગ્રીઓ, સુકા અને લીલા મેવા, તેજાના, સુપારી, બીડા, અત્તર, કેસર, ચંદન, ચોખા, કુમકુમ, ખાંડ અને મેવાનાં ખિલૌના, તલ અને રાજગરાનાં લાડું, ચોપાટ, ઘુઘરા, દિપ, ઘી, દૂધ, માખણ વગેરે ચીજવસ્તુઓ તોલીને આપે છે અને તે તમામ વસ્તુઓ તે દિવસે અન્નકૂટમાં ઉપયોગ કરાય છે. તે દિવસે પ્રભુ પ્રત્યેક ગાયોનાં કાનમાં તે દિવસ સાંજે અને બીજા દિવસે સવારે વહેલા ગોવર્ધન પૂજન સમયે આવજો તેમ કહી પોતાનાં મંદિરે આવવા માટે આમંત્રણ આપે છે અને સાંજના સમયે શણગારેલી ગાયોને મંદિરમાં લઇ આવવામાં આવે છે તેને કાન્હજગાઇના નામથી ઓળખવામાં આવે છે. હવેલીઓમાં અત્તર છાંટવામાં આવે છે. રાત્રિના સમયે પ્રભુ શ્રી સ્વામિનીજી સહીત સખીજનો અને ગોપસખાઓ સાથે ચોપાટ ખેલે છે. આ દિવસે રૂપેરી, સોનેરી અને સફેદ રંગનો મહિમા છેં. હીરા, મોતી અને રત્નોનાં આભૂષણો પ્રભુને ધરાવાય છે. ગોબરના(ભાવાત્મક) ગોવર્ધન બનાવીને તેનું પૂજન કરાય છેં. ગાયોને શણગારાય છે.

આ જ દિવસે વ્રજમાં અને મેવાડમાં જુઆ અથવા ચોપાટ ખેલવાની વિચિત્ર પ્રથા છે તેથી હવેલીઓમાં પણ આ દિવસે ચોપાટ બિછાવવામાં આવે છે. આ જ દિવસે દ્વારિકા લીલા કૃષ્ણ ભગવાને સત્યભામાનું મન રાખવા માટે સ્વર્ગમાંથી સુગંધિત પારિજાતના ફૂલોનું વૃક્ષ લાવી ને સત્યભામાના આંગણમાં રોપ્યું હતું.

ગોવર્ધનપૂજા–પડવો:-

દિવાળી બાદ બીજા દિવસ એટ્લે નવા વર્ષનો પ્રથમ દિવસ તે કાર્તિકી પડવો ગણાય છે. કાર્તિક માસમાં કમળ, કેવડો, માલતી, તુલસીદળ, દીપદાન આ પાંચ વસ્તુઓ શ્રી કૃષ્ણને બહુ પ્રિય છે. તેથી કૃષ્ણભક્તો હવેલીઓમાં અન્નકૂટનો ઉત્સવ ઉજવે છે અને કામના કરે છે કે જનજીવનના ગૃહ આંગણે પણ આખું વરસ અન્ન રહે. રાજસ્થાનમાં શ્રી નાથજીની ગાયોને અને ગાયોનાં ગોવાળોને હલ્દી, કુમકુમનાં થાપા દેવાય છે અને ઉપરણાં ઓઢાડાય છેં. ગાયોને પ્રસાદી ફુલડો, ઘી-ગોળના લાડુ અને લાપશી આરોગાવાય છે. છાણની અંદર ભાત નાખી તેનાં પ્રતિકાત્મક ગિરિરાજ બનાવાય છે અને આ ગિરિરાજજીની પરિક્રમા કરાય છે. સાંજનાં સમયે આ ભાત- છાણનાં ગિરિરાજજીનું ઉત્થાપન કરી તેને ખાતર રૂપે ખેતરોમાં વેરી દેવામાં આવે છે. અન્નકૂટમાં વિશેષત: સર્વ સામગ્રીઓ માટીનાં વાસણો અને વાંસના ટોપલામાં સજાવાય છે. નાથદ્વારામાં. શ્રીનાથજીનાં મંદિરમાં પણ આ દિવસે કેવળ ભાતનાં ગિરિરાજ બનાવવામાં આવે છે ત્યારે તેમાં શ્રીનાથજીનું સોનાનું કડુ રાખવામાં આવે છે. આ દિવસે ભીલ લોકો આ ભાતને ઝોળીમાં, સૂંડલામાં ભરીને લઈ જાય છે. આ સમયે ભાતમાં સંતાડેલું સોનાનું કડુ જે ભીલનાં નસીબમાં આવે તે ભીલ તે વરસનો રાજા બને છે.

ભાઇબીજ:-

ભાઇબીજનો આ દિવસ યમદ્વિતિયાના નામથી ઓળખાય છે આ દિવસે શ્રી યમુનાજીએ પોતાના મોટાભાઇ શ્રી ધર્મરાજ યમદેવને પોતાના ઘરે આમંત્રણ આપીને બોલાવ્યાં બાદ અતિ પ્રેમથી જમાડયાં હતાં .નાની બહેન યમુનાનો અતિ વિશુધ્ધ પ્રેમ જોઇને ભાવવિભોર થયેલા યમરાજાએ શ્રી યમુનાજીને વચન આપ્યું હતું કે જે કોઇ આ દિવસે યમુનાસ્નાન કરશે તેને મૃત્યુનો ભય નહી રહે ખાસ કરીને જે કોઇ ભાઇબહેન સાથે સાથે સ્નાન કરશે તે અતિ શુભ મનાશે તેથી આ દિવસ ને ભાઇબીજનાં નામેથી ઓળખવામાં આવે છેં. આથી કાર્તિકિ બીજનાં દિવસે વ્રજનાં મથુરાનાં વિશ્રામ ઘાટેથી યમુના સ્નાન કરવાનું મહત્વ છે. અહીં યમ-યમુના બન્નેની બેઠક સાથે છે જાણે બન્ને ભાઇ બહેન સાથે રહીને આ દિવસનું મહત્વ કેવું છેં તે સમજાવતાં તેની ખાતરી આપી રહ્યાં હોય તેવું લાગે છે. બીજનો ચંદ્રએ કર્તૃત્વનો પ્રતીક છે. ભાઇ બીજના ચંદ્ર જેવો કર્મયોગી બને તેવી બહેનની અભિલાષાનો આ દિવસ દ્યોતક છે.

લાભપાંચમ:-

આ દિવસથી તહેવારોનો આનંદ અને રજાઑ પૂર્ણ થાય છે તેથી જનજીવન પોતપોતાના કામે અને પ્રવૃત્તિ તરફ પાછા ફરે છે. આ દિવસ નવી વસ્તુ, નવું ઘર કે કારખાના માટે શુભ છે.

દેવદિવાળી પ્રબોધિની એકાદશ:-

શાસ્ત્ર અનુસાર દેવપોઢી એકાદશીથી ભગવાન પોઢેલા હોવાથી તેમને આજના દિવસે પ્રબોધ કરી જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આજનાં દિવસે તુલસી વિવાહ રચાય છે. કૃષ્ણાવતારમાં વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યાં, તેથી ગોપીઓ તુલસીજીને પોતાની સૌતન માને છે. આ ઉત્સવ દરમ્યાંન શ્રી શાલિગ્રામજીને પંચામૃતથી સ્નાન કરાવવાંમાં આવે છે. પ્રભુ સમક્ષ સુંદર રંગોળી રચાય છે. મહુર્ત પ્રમાણે મંડપ શેરડીનાં ૧૬ સાંઠાથી બંધાય છે. વિવાહ ખેલના ગીતો ગવાય છે. નવવધૂના સોળ શૃંગારથી શ્રી તુલસીજીને શૃંગારીત કરાય છે. શ્રી તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવાંમાં આવે છેં. મહુર્ત પ્રમાણે સાંજના સમયે શ્રી હરિના તુલસીજી સાથે વિવાહ થાય છેં. પૌવાનો પ્રસાદ વાટવામાં આવે છે.

પૂર્તિ:-

યજુર્વેદમાં કહ્યું છે કે “ અમારા મનમાં સદ્જ્ઞાન અને સદ્ઈચ્છા પ્રગટ હો , જેથી કરીને અમે આ જ્ઞાન અને ઇચ્છાને સદ્ ભાવના બનાવીને સમાજમાં વહેંચી જ્ઞાનદીપકનો પ્રકાશ ફેલાવી શકીએ અને ઉત્સવ સંદેશ આપે છે કે જેવા સંજોગો અને સમય હોય તેનો સ્વીકાર કરવાથી આપણાં હૃદયમાં રહેલ ડર પલાયન કરી જાય છે અને સમય સંજોગો સામે લડવાની હિંમત મળે છે અને  પુરુષાર્થ કરવા માટે પ્રેરિત કરે છે. અંતે ડર અને મનનાં અંધકાર સામે જીત મળતાં જીવન ઉત્સવમાં ફેરવાઇ જાય છે.


પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

2 comments for “દીપના દાર્શનિક પ્રતીકોનો અને દિપાવલીના શુભ દિવસોનો ઉત્સવ

  1. October 17, 2017 at 3:17 am

    સરસ માહિતી.

  2. Pravina
    October 17, 2017 at 7:25 am

    saras

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *