લ્યો, આ ચીંધી આંગળી :: સોનેરી પાન: વૈદ્ય બદરુદ્દીન રાણપુરી (ભાગ 2 જો અને છેલ્લો)

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

થાક ખાઈ લીધો એટલે બદરુદ્દીનદાદા આગળ બોલ્યા : ‘દસેક વરસ આમ ને આમ નીકળી ગયાં. પછી એક વાર થયું કે કુટુંબ વધ્યું છે, વસ્તાર વધ્યો છે. ક્યાં લગી આમ લટકતા મેળમાં રહેવું ? એટલે સ્વામીજીને કહ્યું કે આ તો હું પગારદાર કાર્યકર થઈ ગયો. કોકના રૂપિયા,કોકની ગાય અને મત્તું મારે માવજીભાઈ, એવી કેડી પડી ગઈ ! એમાંથી કાંઈક ધંધો સુઝાડો તો હું ય બે પૈસો રળું અને એમાંથી દોઢ પૈસો દાનમાં દઈ શકું. સ્વામીજી કહે, ‘ ભલે, તમારી મરજી. તમે એમ કરો. હિમાલયમાં એક વાર મારી આંખ દુઃખવા આવી હતી ત્યારે એક સાધુએ મને ખાખરાના મૂળના અર્કની શીશી આપી હતી, તેનાથી મને ફાયદો થયો હતો. તમારા સણોસરાની આજુબાજુના જંગલમાં ખાખરા બહુ થાય છે. તેનો અર્ક કાઢવાનું શરૂ કરો તો આપણે આપણા ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ મારફતે મફતના ભાવે લોકોને આપીએ.’ આ વાત મને મગજમાં બેઠી. બેઠાંની સાથે જ અશકતાશ્રમની ડોશીઓને ગાડામાં બેસાડીને સૌ સૌને ગામ સોંપી આવ્યો અને સણોસરા આવીને તાંબાનું નલિકાયંત્ર બનાવીને ખાખરાના મૂળનો અર્ક બનાવવા માંડ્યો.’

‘તમને વળી એ કઈ રીતે આવડે ?’

‘કામ કામને શીખવે છે. ન શું આવડે ? અરે, એમાં તો બહુ આગળ વધી ગયો. તાંબાના નલિકાયંત્રની દેશી રીતને બદલે ગોળામાં જથ્થાબંધ મૂળિયાં નાખીને અર્ક પાડવા માડ્યો. રોજના પાંચ મણ મૂળિયાં માટે જથ્થાબંધ ખાખરાના ઝાડનો ખો કરવાનું પાપ આદર્યું. એક મિશનરી તો અમને દાંટતો પણ હતો. કહે કે પોતે આજ જંગલમાં ગયો ત્યારે ત્યાં તમામ ખાખરાનાં ઝાડ રડતાં હતાં કે બદરુદ્દીન ખોજો આવ્યો છે. અમારું જડમૂળ કાઢવા બેઠો છે.’

‘તે રોજ પાંચ મણ મૂળિયાંમાંથી અર્ક કેટલો નીકળે ?’

‘મણે અઢી શેર નીકળે. પાંચ મણે સાડા બાર શેર અર્ક નીતરે. તેના બાટલા અમદાવાદ મોકલું. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયવાળા એની નાની નાની શીશીઓ કિફાયતી ભાવે વેચે. મનેય બે પૈસા મળે ને વળી સેવાનું કામ થાય. પણ પછી સંજોગોવશાત્‍ મારે સણોસરા છોડીને ચોટીલા આવીને વસવાનું થયું. એમાં પછી સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે જાતે જ અર્ક બનાવીને વેચવાનું શરૂ કર્યું એટલે મેં બંધ કર્યું.

‘પણ ચોટીલા આવવાનું કારણ ?’

‘અંગત કૌટુંબિક, જવા દો’ એ બોલ્યા :

‘ચોટીલામાં દવાખાનું પણ નાખ્યું અને થોડાક વખત જમાતખાનામાં માસ્તરગીરી પણ કરી. પણ પછી મારા વિચારને એ અનુકૂળ ન આવતાં રાજીનામું ધરી દીધું ને દવાખાનામાં વધારે ધ્યાન દેવા માંડ્યો. આમ ને આમ ચોટીલામાં દસ વરસ નીકળી ગયાં. ત્યાં મને તદ્દન અચાનક એક મોટી યાત્રાનો લાભ મળી ગયો.’

‘કઈ રીતે ?’

‘ભિક્ષુ અખંડાનંદ યાત્રા પર્યટને નીકળ્યા. મને કહે, ‘આવવું હોય તો આવ. તું ઘેરથી નીકળે ત્યાંથી ઘેર પાછો આવે ત્યાં સુધીનો ખર્ચ કરું. બીજું કંઈ નહીં. પગાર ન આપું. બોલ, આવવું છે ? મને થયું કે મફત યાત્રાનો લાભ મળતો હોય અને એ પણ આવા જ્ઞાની પુરુષ સાથે, તો કેમ ન લેવો ? હું તો ગયો. વૃંદાવન, હરિદ્વાર, ઋષિકેશ, નવદીપ, શાંતિનિકેતન, દક્ષિણેશ્વર, બેલુર મઠ એવી તો અનેક જગ્યાએ ફર્યો. અલાહાબાદના બાર વર્ષે ભરાતા મોટા કુંભમેળાનો લાભ પણ મળ્યો. ત્યાં એક મકાન રાખીને અખંડાનંદજી અને અમે બીજા ત્રણ જણા સાથે એક જ ઓરડામાં રહેતા. પણ સાચો લાભ ત્યાં અમને ગીતા પ્રેસ ગોરખપુરે ગીતા જ્ઞાનયજ્ઞ શરૂ કરેલો તેનો મળ્યો. ’કલ્યાણ’ નામના ધાર્મિક માસિકના સંપાદક કનુપ્રસાદ પોદાર હતા. એમનો પરિચય મને અખંડાનંદજીએ કરાવ્યો. મારી ભલામણ કરી.’

‘આ એ જ પોદારજી..’ મેં પૂછ્યું : ‘કે જેમણે અખંડાનંદજી વિશે ‘ભાઈજી સંસ્મરણ’ નામનો ગ્રંથ લખ્યો છે?’

‘હા તે જ.’ બદરુદ્દીનભાઈ બોલ્યા. અને બોલતાં બોલતાં જ તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

‘કેમ ?’ મેં પૂછ્યું : ’આમ ઢીલા કેમ પડી ગયા ?’

‘પચાસ વરસ પહેલાંના એ દિવસોની યાદ આવી ગઈ. પોદારજી અને હું બંને સ્વામીજીને ‘ભાઈજી’ કહીને બોલાવતા. પોદારજીએ એમના સંસ્મરણ ગ્રંથમાં મારો ઉલ્લેખ ’મારા એક મુસલમાન મિત્ર’ તરીકે કર્યો છે. અહા, કેવા મહાન અને પવિત્ર પુરુષ હતા ! ભાઈજીએ એ પરિચય કરાવ્યા પછી હું ત્રેવીસ વાર ત્યાં ગયો અને ‘ગીતા પ્રેસ’ના ‘ગીતા ભવન’માં સવારથી રાત સુધી તેમના સત્સંગ અને ભજનનો લાભ લીધો. પણ એમના દેહાવસાન પછી જવાનું બંધ કર્યું.

રાજુલા, ચોટીલા, સણોસરા, હરિદ્વાર, ઋષિકેશ, ગોરખપુર, કલકત્તા, બધાં જ સ્થાનોનો ઉલ્લેખ એમની વાતોમાં આવતો હતો. પણ આમાં એમની જામનગરની ધમધોકાર ધીકતી પેઢી અને છેલ્લે ભાવનગરના ઘરડાઘરની વાત ક્યાં આવી ? ફક્ત પેટવડિયા પ્રવાસ કરતા હતા એમાંથી લાખોના દાન કરતા કેવી રીતે થઈ ગયા ?

‘એની પણ કહાણી છે.’ એમણે કહ્યું : ‘સાંભળો…’

અટકીને એમણે ચલાવ્યું : ‘સૌને એ જાણવામાં રસ પડે કે ગરીબ હતો એ પૈસાવાળો કેમ થઈ ગયો, ને પૈસાવાળો પાયમાલ કેમ થઈ ગયો. સૌને રસ પડે. તમે પણ એમાં શું કામ બાકાત હો ? ને મારે છુપાવવું પણ શા કામે પડે ?’ બદરુદ્દીન રાણપુરી આમ બોલતાં બોલતાં મને ચાબખો મારતા હતા કે પ્રસન્ન કરતા હતા તેની ખબર ન પડે એવી રીતે મલકાતા હતા. બોલે પણ પાછા દબાયેલા ઠંડા અવાજે. મને અંદરથી ‘અહીં પહોચું ? ત્યાં પહોંચું ? અહીં વળગું ? ત્યાં વળગું ?’ થયા કરે ને ઘડિયાળનો ગોળ મોઢાવાળો રાક્ષસ બે લઠ્ઠ લઈને પાછળ પડેલો લાગે, પણ બદરુદ્દીન રાણપુરી તો એની પાસેથી અભય મેળવીને જ બેઠા હોય એમ લાગે. ચહેરા ઉપરની એમની આવી ધીરી ધારણા આપણા માટે તો ઈર્ષાનું જ કારણ બને ને !

એ બોલ્યા : ‘દવાની પ્રવૃત્તિ તો હું કરતો જ હતો. ચોટીલાથી થાન જઈને પાંચ વરસ રહ્યો ત્યાં પણ કરતો હતો. પાંચ વર્ષ આવું કામ નિર્વિધ્ને કર્યું હોય તો આર.એમ.પી. રજિસ્ટર્ડ મેડિકલ પ્રેકિટશનરનું સર્ટિફિકેટ મળે તે પણ મેં મેળવી લીધું. પચ્ચીસ ટકા વિલાયતી ને પોણો સો ટકા દેશી વૈદકના મહામૂલા અનુભવો થયેલા, ભાઈ. એમાં તમને કહ્યું ને કે ખાખરાના મૂળનો અર્ક પણ હું બનાવતો, તે એ પણ એક આનાની એક શીશી એ રીતે રસ્તા ઉપર ઊભો રહીને વેચતો. ક્યારેક માલ લઈને પ્રવાસે નીકળી જાઉં. એમાં જામનગરે ય જાઉં; અંજાર, ભૂજ, માંડવી; પેલી તરફ પોરબંદર, જૂનાગઢ પણ જાઉં. એવી રીતે 1950ની સાલમાં ફરતો ફરતો જામનગર આવેલો. બહુ જથ્થાબંધ ખાખરાના મૂળનો અર્ક લાવેલો. મને નવાઈ લાગી, પણ ફુલઝપટ માલ એક દિવસમાં વેચાઈ ગયો. મને એમ થયું કે જામનગર જેવું એકે બજાર નહીં. ભૂમિનો પણ સાદ હશે. ગમે તેમ, પણ જામનગર રહી પડ્યો ને અહીં જ નાને પાયે ધંધો શરૂ કર્યો. ખાખરાના મૂળનો અર્ક મુખ્ય. બાકી દેશી દવા.અને મને ફૂલોમાંથી અત્તર કાઢતાં પણ આવડી ગયેલું એટલે થોડા વખત પછી એ ધંધામાં અત્તર અને સુરમો પણ ભેળવ્યાં. તમે માનો યા ન માનો, ધંધો એવી રીતે વિકસ્યો કે જાણે ચોમાસામાં જૂઈની વેલ.’

જામનગર રહી પડ્યા તે સમજાય તેવું હતું. એમને નકરા સેવક થવું નહોતું. કમાવું હતું અને કમાઈને ખર્ચવું હતું. અખંડાનંદજીએ કહેલાં વાક્યો એમને યાદ રહ્યાં હતાં. કુટુંબ તરફની ફરજ ચૂકવી એ પણ પાપ જ ગણાય. છોકરાંઓને પણ એમનો હક્ક આપવો જોઈએ. એવું નહીં કે બાપા વૈરાગી થઈ ગયા અને અમને મધદરિયે રઝળાવતા ગયા, એવું એમને લાગે.

બદરુદ્દીન બાપા ધંધાના વિકાસની ગતિને ‘સૂકા ઘાસમાં તણખો.’ કહીને સરખાવી શક્યા હોત. પણ એમને ‘ચોમાસામાં જૂઈની વેલ’ યાદ આવી હતી, સરખામણી માટે. અહીં હવે એ પૂછવાની મારે કોઈ જ જરૂર નહોતી રહી કે એક એક આનાની અર્કની શીશી ફૂટપાથ પર વેચતાં વેચતાં આ પ્રામાણિક માણસે જામનગરની ‘વૈદ્ય બી. રાણપુરી એન્ડ સન્સ’ની પેઢી શી રીતે વિકસાવી હતી. ‘જૂઈની વેલ’ શબ્દોમાં બધો ખુલાસો આવી જતો હતો.

**** **** ****

બાપાને એમના મીઠા વિચારોમાં ખોવાયેલા રહેવા દઈને મેં એમના પુત્ર હસનભાઈને મોંએ જામનગરમાં સાંભળેલી વાત યાદ કરીને એમના જામનગરના ત્યાગનું રહસ્ય મેળવી લીધું. કાળક્રમે એમનાં પત્ની અવસાન પામ્યાં અને એમણે તદ્દન સંજોગોવશાત્‍ જ બીજું લગ્ન કર્યું અને પછી જુવાન થતા જતા છોકરાઓની સાથે મીઠાશ જળવાઈ રહે એ ખ્યાલથી એ નવી પત્નીના ગામ રાજુલા જતા રહ્યા હતા. એ પહેલાં હસનભાઈએ ધંધો સંભાળવા માંડ્યો હતો.

‘રાજુલા આપ કેમ ગયા હતા તે હું જાણું છું.’ મેં કહ્યું : ‘રાજુલા જઈને તમે ધીરધારનો ધંધો શરૂ કર્યો હતો ને ફરી મૂળ મૂડીમાંથી ’જૂઈની વેલ’ ની જેમ વિસ્તાર કર્યો હતો એની વાત પણ મને હસનભાઈએ જામનગરમાં કરી હતી. મારે તો હવે એ જાણવું છે કે રાજુલામાં તમે કલ્યાણ મંડળમાં જે સેવાની પ્રવૃત્તિ કરતા હતા એ પ્રવૃત્તિમાં શું આવતું ? એના પ્રમુખ કોણ હતા ?

બાપા ફરી મીઠું મલક્યા : ‘મારા જીવનમાં તમે બે અલગ અલગ છેડાના વ્યવહારોને પડખોપડખ ઊભેલા જોઈ શકશો. ક્યાંક કોઈ જંજાળમાં પગ અટવાઈ ન જાય તેની કાળજી રાખવાનું શરૂથી જ શીખ્યો એટલે રાજુલામાં પણ જે પ્રવૃત્તિ કરી, જે મંડળ સ્થાપ્યું તેમાં કોઈ પ્રમુખ નહીં, કોઈ મંત્રી નહીં ને કોઈ કાર્યવાહક કમિટી નહીં. એમાં બધાં ભેગાં મળીને સર્વાનુમતે જે નિર્ણય કરે તેમ થાય. સેવાની પ્રવૃત્તિ ભેગા થઈને ય કરાય અને અલગ અલગ એકલાં પણ થઈ શકે તેટલી કરાય. જુઓ એક જ દાખલો આપું.

‘કહો.’

‘રાજુલામાં પાકુબહેન કરીને એક કપોળ વાણિયાનાં વૃદ્ધા હતાં. ગાંડા થઈ ગયેલાં. મેડી ઉપર એકલાં રહેતાં. તેમનાં સગાંવહાલાં ટિફિન મોકલે તે ખાય. એમાં સાવ માંદાં પડ્યાં. કોઈ ટિફિન આપવા આવ્યું નહીં હોય. એમાં કોઈ પાડોશીએ આવીને અમને વાત કરી કે પાકુબહેનની મેડીમાંથી દુર્ગંધ આવે છે. હું અને મારા ભાઈબંધ તાપીદાસ ગાંધી એમની મેડીએ ચડ્યા. દુર્ગંધથી માથું ફાટી જતું હતું. મળમૂત્રની દુર્ગંધ હશે એમ માનતા હતા. પણ નીકળ્યું બીજું જ. ડોશી આડે પડખે સૂતેલાં તે સીધાં કર્યા તો જોયું કે એક પગ આખો સાથળ સુધી ખવાઈ ગયેલો. બે સૂપડાં ભરાય તેટલી તો ઈયળ ખદબદે. તરત જ ઘેરથી ગરમ પાણી મગાવ્યું. બીજાં કપડાં અને સાબુ મગાવ્યો. એમને સાફસૂફ કર્યાં. જીવાત કાઢી અને મોરીમાંથી સાફ કરી નાખ્યું. પછી ડોક્ટરને પૂછીને હોસ્પિટલે દાખલ કર્યાં અને ત્યાં છ જ દિવસ પછી ઘણી શાંતિથી એમણે પ્રાણ છોડ્યા. આપણે કોઈનો જીવ તો ન બચાવી શકીએ પણ એનું મોત તો સુધારી શકીએ ને ! ઘણી વાર સાવ નાની નાની વાતમાં આપણે પીડા સહન કરતાં હોઈએ છીએ. એ તો પેલા બળદ જેવું છે.’

‘એ વળી શું ?’

‘એક સમજવા જેવી વાત છે. રાજુલામાં સંન્યાસાશ્રમ છે. ત્યાં નદીમાં થઈને જવાય છે. હું દરરોજ સાંજે ત્યાં જાઉં. ગાડાં પણ એમાંથી ઊતરીને પસાર થાય. એવામાં એક પથ્થર રેતીમાં દટાયેલો તે દરેક ગાડાંવાળાને નડે. ગાડું નદીના ઢોળાવમાં નીચે ઊતરે અને પાછું ચડે ત્યારે પેલા પથ્થરને કારણે બળદના પ્રાણ નીકળી જાય એટલું બળ પડે. હું દરરોજ આ જોઉં. એક દિવસ એક ગાડાંવાળાને પૂછ્યું. ‘ભાઈ, આ પાણાનો કેવો ત્રાસ ?’ તો બોલ્યો, ‘ભાઈ, આ પાણો નથી, બળદનું મોત છે મોત.’ સાંભળીને હું બાજુની વાડીમાં ત્રિકમ-પાવડો લેવા ગયો. વાડીવાળો મને પૂછે છે, ‘ભાઈ, ત્રિકમ પાવડાનું શું કામ છે ?’ મેં કહ્યું, ‘ભાઈ, પેલો કાળ જેવો પાણો બહાર કાઢવો છે.’ વાડીવાળો હસવા માંડ્યો : ’બાપા, બહારથી એ તમને બહુ નાનો દેખાય છે પણ ભોંમાં એનાથી દસગણો છે. એ તો પાંચ-પંદર જણા ભેગા થાય તો જ નીકળે. માટે વાત પડતી મૂકો.’ મેં કહ્યું, ‘ભાઈ,તમે સાધન આપો. માણસ તો ભગવાન ક્યાંકથી મોકલશે જ.’ સાધન એણે આપ્યાં. મેં એકલે હાથે પાણો ખોદવાનું શરૂ કર્યું. ત્યાં બે કણબી નીકળ્યા. મને કહે, ‘દાદા, આ અમારું કામ તમે ક્યાં કરવા બેઠા?’ મેં કહ્યું, ‘ભાઈ, થાય તેટલું કરું છું.’ કહીને હું મૂંગો મૂંગો ત્રિકમ-પાવડો ચલાવવા માંડ્યો. આ જોઈને એ ભોંઠા પડ્યા તે મને મદદ કરવા માંડ્યા. એ જોઈને બીજા ચાર જણા આવ્યા. આમ પંદર-વીસ જણા ધીરે ધીરે ભેગા થઈ ગયા ને બે-ત્રણ કલાકની મહેનતથી અમે પાણો ખોદી કાઢ્યો. ધક્કા મારી મારીને કોઈને ન નડે એવી જગ્યાએ લઈ ગયા. પડેલો ખાડો પૂરી દીધો. આવાં કામ પણ સેવા જ ગણાય. આપણે ‘કોઈ કરશે.’ એમ કહીને છૂટી જઈએ છીએ, પણ દુનિયામાં ‘કોઈ’ નામની કોઈ વ્યક્તિ જ નથી ને આમ દરેક જણ ધારે તો ‘કોઈ’ છે. સમજ્યા કે નહીં?’

‘દાદા’ મેં કહ્યું : ‘તમે રાજુલામાં આવી સરસ પ્રવૃત્તિઓ કરતા હતા તેમાંથી વળી ભાવનગર આ ઘરડાઘરમાં…’

‘રાજુલામાં સુખી હતો એની ના નહીં, પણ છોકરો જામનગર બોલાવતો હતો કે બાપુ હવે અહીં આવીને રહો. હું ગયો તો ખરો, પણ ગ્રામ્ય જીવનથી ટેવાયેલું મારું મન જામનગરમાં કેમે કરીને થાળે ન પડે. એમાં મને અચાનક મોટો હાર્ટએટેક આવ્યો. બે દિવસ બેશુદ્ધ રહ્યો. કુટુંબીઓને તાર કરી કરીને બોલાવી લીધા. ડોક્ટરોએ પણ આશા મૂકી દીધી. પણ ચમત્કાર ગણો કે ગમે તેમ, ઈશની કૃપાથી હું એમાંથી પાર ઊતર્યો. ડોક્ટરોએ કહ્યું કે હવે દાદરો ચડવો કે વધારે બોલવું એ તમારા માટે નુકશાનકારક છે. હવે જો હું જામનગર રહું તો આ બધું કર્યા વગર રહું નહીં અને બીજી વાત, હવે મારી સંન્યાસાશ્રમ લેવાની ઉંમર પણ થઈ ગઈ હતી. એટલે કુટુંબજીવન જીવવાની ઈચ્છાનો અવશેષ માત્ર રહ્યો નહોતો. એટલે જામનગર છોડવું તો ખરું જ એમ ઠરાવ્યું. ક્યાં જવું ? હરદ્વાર જઈને રહેવાનો વિચાર આવ્યો હતો. પણ હું હાર્ટ-એટેક આવતાં અગાઉ બારેક માસ કચ્છી આશ્રમમાં રહી આવ્યો હતો અને ત્યાં ઠંડા હવામાનને કારણે તબિયત બગડતી હતી. એટલે બહુ વિચારને અંતે ભાવનગર ઘરડાઘરમાં જઈને રહેવાનું નક્કી કર્યું. અહીંના માનભાઈ ભટ્ટ મારા જૂના સ્નેહી મિત્ર. તેમને વાત કરી તો તેઓ બહુ રાજી થયા.’

‘ક્યારથી અહીં આશ્રમમાં છો ?’

‘બારેક વર્ષ થયાં.’

‘એનો ખર્ચ ?’

‘કશો ખર્ચ હું કોઈના માથે પડવા દેતો નથી. મારી જ મૂડીમાંથી મળતા બેંક વ્યાજમાંથી મને દર મહિને ખર્ચ જોગી રકમ મળ્યા કરે એવી વ્યવસ્થા મેં કરી છે. એ મૂડી માત્ર મારા નિભાવ માટે જ છે. મારા ગત થઈ ગયા પછી એ મૂડી ભારતભરની સંસ્થાઓમાં દાનમાં આપી દેવાની છે. કોને કોને કેટલું આપવું તેનું લિસ્ટ પણ મેં તૈયાર જ રાખ્યું છે. અરે,મારા દેહનું અને ચક્ષુનું દાન પણ થઈ જાય તે રીતની ગોઠવણ મેં અત્યારથી કરી રાખી છે.’

બુઝાઈ જવાને આરે એક વાર આવી ગયેલી જ્યોતને એમણે સંકોરી તે પણ બીજાંને બને તેટલો પ્રકાશ આપવા માટે. ઘરડાઘરમાં છે પણ ઘરડા જેવું જીવન જીવતા નથી. સવારે ચાર વાગ્યે ઊઠવું. આખો દહાડો રામમંત્ર જપી જપીને, વાચનલેખનનું કામ કરવું અને રાતે નવથી દસની અંદર સૂઈ જવાનું. ઘરડાઘરમાં આવેલી એમની ઓરડી ‘વૈદ્યબાપાની ઓરડી’ તરીકે ઓળખાય છે. ભાગ્યે જ કોઈ એમનું અસલ નામ જાણતું હશે. વૈદ્યબાપા કહો એટલે સૌ ઓળખે. દવા મફતમાં આપવી અને જરૂર હોય એને ટેકો આપવો – આ કામને તેમણે જીવનનું સ્વરૂપ આપ્યું છે.

વચ્ચે એક-બે વાત રહી જતી હતી તે પણ પૂછી પૂછીને મેળવી લીધી. તે એ કે રાણપુરાના વતની ને રાજુલા જઈને કેમ વસવાનું થયું ? હું જેમને જામનગરમાં મળ્યો હતો તે હસનભાઈની તો મોટી ઉંમર, તો પછી બીજાં સંતાનો ખરાં કે નહીં?

આના જવાબ પણ જાણવા જેવા હતા. તે એ કે નકશા પ્રમાણે વહેવા જિંદગીનો પ્રવાહ બંધાયેલો નથી. ત્રીસ વરસ અગાઉ હસનભાઈનાં બા ગુજરી ગયાં હતાં. બદરુદ્દીનભાઈ ત્યારે છેતાલીસ વરસના હતા. ખોજા કોમમાં બીજા લગ્નની નવાઈ નથી. સંજોગોવશાત બદરુદ્દીનભાઈએ બીજું લગ્ન કર્યું અને જુવાન પુત્રો હતા એટલે એક ને એક ગામમાં રહેવું ઠીક નહીં એમ સમજીને નવાં પત્નીને ગામ રાજુલા રહેવા જતા રહ્યા. ત્યાં જઈને એમને બે સંતાનો થયાં. એક પુત્ર અને એક પુત્રી. સમયના જવા સાથે એ પણ ઉંમરલાયક થયાં. દીકરીને અમદાવાદ પરણાવી અને બંને પુત્રો વચ્ચે મિલકત વહેંચવાનો એમને વિચાર આવ્યો. ત્યારે એમના મનમાં થયું કે મિલકત તો વહેંચી શકાય, પણ ધંધાના ભાગ કેવી રીતે પાડીશું ? બે સાવકા ભાઈઓ સાથે રહીને ધંધો ચલાવી શકશે ! એમની દીર્ઘદૃષ્ટિ આમાં કબૂલ થતી નહોતી. એટલે એમણે એવો તોડ કાઢ્યો કે એક જણ મિલકત રાખે, એક જણ ધંધો સંભાળે. મોટા હસનઅલીને પ્રથમ પસંદગીનો મોકો આપ્યો તો એમણે મિલકત જતી કરીને ધંધો સ્વીકારવાનું પસંદ કર્યું. બીજા ભાઈ મહમદઅલીને તો મિલકત જોઈતી જ હતી. એટલે ખેંચતાણને અવકાશ રહ્યો જ નહીં. હસનઅલીભાઈ પાસે માત્ર તેત્રીસસો રૂપિયા હતા. એમાંથી બત્રીસસો રૂપિયા મુંબઈ જઈને માલ લઈ આવવામાં વાપર્યા. બાકીના સો લઈને થડે બેઠા. આજે ફરી એ વાતને પણ વર્ષો થઈ ગયાં. પેલા ભાઈ પાસેની મિલકત વિક્સી કે નહીં એ જાણવામાં સાર નથી, પણ હસનઅલીભાઈ પાસેનો ધંધો વૃદ્ધિ પામતો વેલો વિકસે એમ વિકસતો ગયો. આર્યુવેદિક દવાઓ, સુરમો અને અત્તરો, એટલે બાપાને જામનગર રહેવાનું કોઈ કારણ નહોતું.

એટલે પછી ફરી રાજુલા ચાલ્યા ગયા. ત્યાં તેમણે પંદર વર્ષ માનવસેવાનું કામ કર્યું. બીજા પત્ની અને ભાઈ મહમદઅલી ત્યાં હતાં. બાપુએ થોડી મિલકત પોતે પણ રાખી હતી. એની વ્યાજની આવકમાંથી ગુજારો કરવાનો હતો. પંદર વર્ષમાં ઘણા કડવા-મીઠા અનુભવો થયા હશે.બધી વાતો કહી શકાય તેવી નથી હોતી.પણ અંતે એમણે ચાલીસ-પચાસ હજાર રૂપિયાની વધેલી મિલકતનું ટ્રસ્ટ કર્યું. વસિયતનામું પણ કર્યું. અને એમાં વધેલી મિલકતની સત્કાર્ય માટે વ્યવસ્થા કરવા ઉપરાંત બીજા પણ અનેક દાનો લખ્યાં હતાં; જેમ કે મૃત્યુ પછી દેહદાન. મૃતદેહને અહીં જામનગર લાવીને એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં તબીબી વિદ્યાશાખાના લાભાર્થે સોંપી દેવો. આ ઉપરાંત ચક્ષુદાન તો ખરું જ. વસિયતનામું કરવા અગાઉ લગભગ રૂપિયા સવા લાખ ભારતભરની અલગ અલગ સંસ્થાઓને શોધી શોધીને દાન આપવામાં ખર્ચ્યા. આમાં કુષ્ઠાશ્રમ, વૃદ્ધાશ્રમ, બહેરાં-મૂંગા આશ્રમ, અપંગાશ્રમ, આદિવાસી આશ્રમ, વનિતાવિશ્રામ વગેરે બધું જ આવી જાય. હજુ પણ તેમને જે પચાસ-સાઠ હજાર જુદા રાખીને ટ્રસ્ટ કર્યું છે તેની રકમ જામનગરની બેંકમાં જમા રાખી દર માસે તેનું વ્યાજ તેમને ભાવનગર વૃદ્ધાશ્રમમાં મોકલાય તેવી વ્યવસ્થા તેમણે ગોઠવી છે અને એવી સૂચના આપી છે કે મૃત્યુ પછી તે મુદ્દલની રકમ પણ સોએક જેટલી ભારતની અલગ અલગ સંસ્થાઓને મોકલી આપવી. પાછા ચોક્કસ તો એટલા કે તે સંસ્થાઓનું લિસ્ટ પણ તેમણે જાતે જ બનાવીને બેંકમાં સોંપી દીધું છે. અને એ બધી એમની રાજુલા નિવાસની જ કમાણી છે, કારણ કે અહીંથી વરસો અગાઉ રાજુલા સ્થાયી રહેવા ગયા ત્યારે પંદર હજારની મૂડી લઈને ગયેલા. ત્યાં ધીરધારનો ધંધો શરૂ કરેલો. દવાખાનું શરૂ કરેલું પણ એતો સાવ મફત જ. કમાણી માત્ર ધીરધારમાંથી જ. વ્યાજનો એક જ સરખો દર રાખતા,અને એમ કહેતા કે આપણા દેણદારને પડછાયે પડછાયે ચાલીએ તો તે પણ એને વ્યાજ મળ્યા બરાબર લેવાના. વ્યાજમાંથી એને બાદ આપવું જોઈએ.

રાજુલાની વાત થઈ એટલે મારા ભાણેજ જિતેન્દ્ર અધ્વર્યુએ મને એમની વર્ષો અગાઉ કરેલી વાત યાદ આવી. એના ગામ રાજુલામાં વૈદ્ય બદરુદ્દીન રાણપુરીએ સ્થાપેલા કલ્યાણ મંડળની વાત એણે મને કરી હતી. ગરીબોને અનાજ, કપડાં, દવા, સત્સંગ, દિલાસો, મફત ફળ, પાણીની પરબો, ગંગાજળ, વીંછીની અને આંખની મફત દવાનું વિસ્તરણ, જંગલમાં પાણીના પિયાવા-આવી તો અનેક પ્રવૃત્તિઓ એ મંડળ દ્વારા બદરુદ્દીન રાણપુરી કરતા હતા. અચાનક જ મને એ વાત યાદ આવી ગઈ હતી. આ બધું સાંભળતાં સાંભર્યું.

**** **** ******

અહીં પાછા આવ્યા પછી મારા પર તેમનું એક બુકપોસ્ટ અને એક પોસ્ટકાર્ડ આવ્યું. બુકપોસ્ટમાં વૈદકના અનુભવી ટુચકા (ઉપાયો)નું સુધારેલું સંપાદન, સંસ્કરણ ‘આરોગ્યની ગીતા’ છે, જેનું સંપાદન એમણે કર્યું છે. નાનકડી પુસ્તિકામાં અલગ અલગ રોગ ઉપરના ત્રણસો બાર ટુચકાનો સમાવેશ છે. ખૂબ જ લોકપ્રિય થયેલી આ પુસ્તિકા હવે તો ભાગ્યે જ ઉપલબ્ધ હશે. કોઈ સેવાભાવી વ્યક્તિ ધારે તો તેની નકલો છપાવીને મફત વહેંચી શકે તેવી વ્યવસ્થા છે. આ માટે વૈદ્ય બી.રાણપુરીને તેમના આંબાવાડી, ભાવનગરમાં આવેલા ઘરડાઘરને સરનામે પૂછવું પડે.( હવે એ શક્ય નથી)

પોસ્ટકાર્ડમાં તેમણે લખ્યું છે : ‘ભગવાનની ખૂબ જ કૃપા વરસી રહી છે. આખરી જીવન ખૂબ જ સુખ શાંતિ ને આનંદમાં પસાર થઈ રહ્યું છે… અને કદાચ હવે આપને આ ભવમાં મળાય, ન મળાય. પીળા પાનને ખરતાં વાર શી લાગે ? પણ મરતાં પહેલાં એક પ્રતીતિ થઈ ગઈ છે :

“કબીરા વોહી પીર હૈ, જો જાને પરપીડ,

જો પરપીડ ન જાનઈ, વોહ કાફિર બેપીર.”(નિર્દય)

આ પંચ્યાસી વર્ષના ડોસા પાછા નીચે લખે છે :

“શુભેચ્છક રાણપુરીનાં સાદર વંદન…”

લો, એમણે તો મને પાપમાં નાખ્યો. અરે, અમે લખનારા તે કંઈ વંદનજોગ હોતા હોઈશું ?

સલામ તો કામ કરનારાંને હોય, હઈસો હઈસો કરનારાંને નહીં, ને બાપા! તમે વળી પીળું પાન ક્યાં છો ? તમે તો સોનેરી પાન !’⓿


(નોંધ: અઠ્ઠાવીસ વર્ષ પહેલા લખાયેલો લેખ.)


લેખક સંપર્ક- રજનીકુમાર પંડ્યા.

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 (વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

9 comments for “લ્યો, આ ચીંધી આંગળી :: સોનેરી પાન: વૈદ્ય બદરુદ્દીન રાણપુરી (ભાગ 2 જો અને છેલ્લો)

 1. Piyush Pandya
  October 16, 2017 at 10:09 am

  ખરા અર્થમાં ‘સોનેરી પાન’નો વિસ્તરે પરિચય કરાવવા માટે ધન્યવાદ.

 2. October 17, 2017 at 3:10 am

  “કબીરા વોહી પીર હૈ, જો જાને પરપીડ,

  જો પરપીડ ન જાનઈ, વોહ કાફિર બેપીર.”(

  એ દોહાનું ઉદાહરણ એટલે આવા સંત.

 3. Ishwarbhai Parekh
  October 17, 2017 at 4:35 am

  BADRUDDIN BAPA E JIVI JANYU ,RAJNIKUMAR TAMNE PAN SALAM

 4. Gajanan Raval
  October 17, 2017 at 9:14 am

  I also remember his meeting in Rajula during my Padyatra before 47 years….!! What a great person he was…!
  How nice of you to draw such a penpicture of him…!

 5. Amrit Gangar
  October 17, 2017 at 11:28 am

  Wah! What a wonderful and inspiring story and the way you narrate it, it is so unique, Rajnikumarbhai. Long live… Thank you so much i am sorry for not responding on or in time, but i do read them…

 6. Ajay rabadiya
  October 17, 2017 at 11:47 am

  ખરા અર્થમાં ‘સોનેરી પાન’નો વિસ્તરે પરિચય ખૂબ સુંદર લાગ્યો સર.

 7. નન્દ્કિશોર પરિખ
  October 17, 2017 at 4:47 pm

  અદ્ભુત ! વ્યક્તિત્વ અને અદ્ભુત લેખ! અભિનન્દન- બસ લખતા રહો- સ્વશ્ત રહો અને ઇશ્વર દિર્ઘઆયુશ આપે

 8. Prafull Ghorecha
  October 17, 2017 at 4:47 pm

  વાર્તા કરતા પણ વધુ રોમાંચ ભરી હકીકત.

 9. Chandrika Ben Solanki
  October 22, 2017 at 8:51 am

  વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે..

  વૈદ્ય બદરૂદીન બાપાની સેવા સાધનાને સલામ .

  રજનીભાઈ ની કલમના પ્રવાહમાં વાચક સમયનું ભાન ભૂલી વહેતો રહે.એકી બેઠકે જ વંચાય જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *