





નયના પટેલ
હોસ્પિટાલમાંથી સીધાં જ પોલીસસ્ટેશને લઈ જતાં પોલીસવાનમાં નંદાએ ધીમે સ્વરે સ્નેહાને પોતાના ઘરે રહેવા સમજાવ્યું, પરંતુ બાજુમાં ભાવિન અને તેનાં મમ્મી ગમે ત્યારે આવી ચઢે, તેનો ડર સ્નેહાને સતાવતો હતો. પોલીસસ્ટેશને આવેલી સોશ્યલ વર્કરે હોસ્ટેલમાં રહેવાની અને ટેમ્પરરી બેનિફિટ્સની ગોઠવણ કરી આપી. તેથી સ્નેહાને રહેવાની અને તેનાં માપનાં કપડાં અને બીજી જરૂરિયાતની વસ્તુઓ માટેની ચિંતા ટળી. સોશ્યલ વર્કરે હોસ્ટેલની ગુપ્તતા સમજાવી, તેથી સ્નેહા ત્યાં રહેવા માટે ન છૂટકે તૈયાર થઈ. નંદાએ તેનો મોબાઈલ સ્નેહાને આપી તેના મમ્મી અને પપ્પાને ઈન્ડિયા ફોન કરી પરિસ્થિતિથી માહિતગાર કરવા કહ્યું, પરંતુ સ્નેહા- તેનાં મ્મમી-પપ્પા આ સમાચાર સાંભળશે ત્યારે તેમની શું દશા થશે- તેની કલ્પના માત્રથી મુંઝવણમાં પડી ગઈ. સોશ્યલ વર્કર અને નંદાએ ખૂબ સાંત્વન આપ્યું ત્યારે સ્નેહાએ માંડ માંડ ફોન જોડ્યો. ફોનની ઘંટડી વાગતી રહી…….કોઈ ફોન ઉપાડતું નહોતું ! યુ.કે.માં સાંજ પડવા આવી હતી એટલે ઈન્ડિયામાં તો રાત પડી ગઈ હશે, આ સમયે ઘરનાં બધાં ક્યાં ગયા હશે તેની ચિંતા, વળી તેમાં આજે બનેલી ઘટના અને આટ-આટલા મહિનાઓની ભયંકર સ્થિતિમાંથી ઊગર્યા પછીનો થાક શરીરે વીંટાળી તે ગૂપચૂપ બેસી રહી. સોશ્યલ વર્કર સાથે આખરે પરિસ્થિતિને મૂલવી, અને એ રાત પૂરતી તેને પોતાને ઘરે રહેવા દેવા માટેની પરમીશન આપવા માટે સોશ્યલ વર્કરને અને પોતાને ઘરે સ્નેહાને લઈ જવાનું સમજાવવામાં સફળ થઈ.
પહેલા સોશ્યલ વર્કર અને પછી પોલીસે ખાતરી કરી કે ભાવિન અને તેના મમ્મી પાછાં આવ્યાં નથી, પછી જ નંદા અને સ્નેહાને, નંદાના ઘરે મૂકી અને બીજે દિવસે ફરી આવવાની ખાતરી આપી એ લોકો ગયાં.
નંદા અને સ્નેહા બંનેના થાકનો સરલાબહેનને ખ્યાલ હતો છતાંય સ્નેહાનાં મમ્મીને ફરી ફોન કરાવ્યો અને નસીબસંજોગે તેઓ ઘરે મળ્યાં. સરલાબહેને પરિસ્થિતિ પોતાના હાથમાં લઈ પહેલા તો સ્નેહાનાં મમ્મી-વીણાબહેનને પોતાની ઓળખાણ આપી અને આજે જે બન્યું તે અને હવે સ્નેહા તમના ઘરમાં સલામત છે કહી, હૈયાધારણ આપી. સ્નેહાને ફોન આપતાં સરલાબહેને કહ્યું, ‘જેટલી વાત કરવી હોય એટલી દિલ ખોલીને વાત કરજે, બેટા. બિલની ચિંતા ન કરતી. ઓ.કે !’
મમ્મી સાથે વાત કરતા પહેલા જ ફોન હાથમાં લઈને સ્નેહા છૂટ્ટા મોઢે રડી પડી.
‘તું પહેલા વાત કર, સ્નેહા. મમ્મીને વધારે ચિંતા થાયને, બેટા? ચાલ, પહેલા વાત કર.’-કહીને તેને વાંસે હાથ ફેરવતાં ફેરવતાં સરલાબહેને તેને વાત કરવા તૈયાર કરી.
‘મમ્મી, હવે ચિંતા ન કર. હું સેઈફ છું માસીને ત્યાં (પ્રશ્નાર્થ નજરે સરલાબહેન સામે જોયું-એને મદદ કરનારનું નામ પણ હજુ તો ખબર નથી!). મમ્મી, ભાવિનને પહેલીવાર મળી ત્યારથી જ મેં તને નહોતું કહ્યું કે કાંઈક બરાબર નથી આ વ્યક્તિમાં ? ત્યારે ‘દીદીમાં તને વિશ્વાસ નથી ?’ કહીને ચૂપ કરી દીધી હતી!’
આસ્તેથી સરલાબહેન બાજુની રૂમમાં સરકી ગયાં જેથી સ્નેહા દિલ ખોલીને તેનાં મમ્મી સાથે વાત કરી શકે.
નંદા નહાવા માટે ગઈ. સરલાબહેને જમવા માટે ટેબલ તૈયાર કર્યું. કિશન અને નમન બહારથી હજુ આવ્યા નહોતા. ધનુબાએ સ્નેહાને અપાતાં સાથ તરફ પોતાની નારાજગી મોઢા પર લીંપી મોં ચઢાવી જમી લીધું અને ટી.વી. પર આવતી એમની કોઈ ઈન્ડિયન ચેનલ જોતાં બેઠાં.
સરલાબહેને થોડીવાર રહીને આગળના રૂમમાં ડોકિયું કર્યું. સ્નેહાએ ફોન ઉપર વાત કરતાં કરતાં સરલાબહેન તરફ જોયું, ‘ઓ.કે.’ કહી ફોન મૂકવા જતી હતી પરંતુ સરલાબહેને ફોન ચાલુ રાખવાનો ઈશારો કરી ફરી બારણું બંધ કરી અંદર રૂમમાં જતાં રહ્યાં.
પરંતુ તરત જ પાછળ આવેલી સ્નેહાએ ‘થેંક્યુ‘ કહી આભાર માન્યો.
‘બેટા, હું તો ફક્ત એ જોવા આવી હતી કે તું રડતી તો નથી ને ! વાત બંધ કેમ કરી દીધી?’
‘માસી, મારા મમ્મી-પપ્પા આજે વિઝા લેવા અમદાવાદ ગયાં હતાં અને ત્યાં તેમણે પરિસ્થિતિ જણાવી એટલે તરત વિઝા મળી ગયા. મારા પપ્પા જ મને લેવા આવે છે.
તેના મોં પર રાહત એવી તો પ્રસરી ગઈ હતી કે તે ધનુબાને પણ દેખાઈ !
ત્યાં તો નંદા નહાઈને નીચે આવી. સ્નેહા ઊભી થઈ અને નંદા કાંઈ પૂછે તે પહેલા જ તેને આત્મિયતાની ‘ઝપ્પી’ આપી દીધી. સરલાબહેન આ બંને જણની નિકટતા જોઈને પોરસાયા અને નંદાને સ્નેહાના પપ્પા આવે છે તે સમાચાર આપ્યા.
ધનુબા તેમની ખુશીને છાની ન રાખી શક્યા, ‘ચાલો છૂટ્યાં.
નંદા અને સરલાબહેન બે ક્ષણ માટે ધનુબાની આ હરકતથી અવાક્ થઈ ગયા. સ્નેહા પણ એકદમ ઓઝપાઈ ગઈ.
‘બા ધારોકે મને સ્નેહાની જેમ મારો વર કાઢી મૂકે અને આજુબાજુવાળા કોઈ સાથ ન આપે તો?’
‘એવું અશુભ ન બોલાય, છોકરી!
સરલાબહેને ધનુબાની વર્તણૂંક્ને ઢાંકવા પ્રયાસ કર્યો, ‘સ્નેહા, તું ખોટું ન લગાડતી. અમારા બાને બાજુમાં જ રહેવાનું એટલે લક્ષ્મીબહેનનો ડર લાગે ને?’
‘નંદુ, તારા એક જોડ કપડાં અને ટુવાલ સ્નેહાને આપ તો.’
સ્નેહા તરફ જોઈ સરલાબહેને કહ્યું, ‘બેટા, જા તું નાહી લે.’
નંદા સ્નેહાને લઈને માળ પર ગઈ.
‘બા, તમે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને થોડું તો સમજવાનો પ્રયત્ન કરો! ’ છોકરીઓ ઉપર ગઈ તે તરફ જોઈને સરલાબહેને ધનુબાને ઠપકો આપ્યો.
‘એ બધું હું કાંઈ ન સમજું, હું તો એટલું જાણું કે પાણીમાં રહેવું અને મગર સાથે વેર રાખવું આપણને ના પોષાય.’
‘પણ બા, આ સાવ નાદાન છોકરીનો તો વિચાર કરો!’
ત્યાં તો આગળનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. સરલાબહેને જોયું તો બાપ અને બન્ને દીકરાઓ સાથે જ આવી ગયા છે.
જ્યારે નંદા અને સ્નેહા પોલીસ સ્ટેશને હતાં ત્યારે સરલાબહેને મનુભાઈને શૉપ ઉપર ફોન કરીને પરિસ્થિતિથી વાકેફ કર્યા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે તેમણે પણ સ્નેહાને સંભાળી લેવા અને સાથ આપવાનું કહ્યું.
નાહવા ગયેલી સ્નેહા શાવર નીચે ઊભી જ રહી ત્યાં તો આંખો વરસી પડી. જે મિનિટે તેણે ભાવિનને જોયો હતો ત્યારે ભાવિન ખાસ કાંઈ બોલ્યો નહોતો છતાં તેની આંખોમાં જે ભાવ વાંચ્યો હતો તે સ્પષ્ટ નહોતો અને કોઈને સમજાવવા માટે પણ અસમર્થ હતી. પરંતુ અહીં આવીને પાંચ મહિનાના અનુભવે એ ભાવનો અર્થ સમજાયો હતો, એ હતો ‘આગમન પહેલા જ અવગણનાનો ભાવ !’ આ બધા વિચારમાં ને વિચારમાં કેટલો સમય થઈ ગયો તેનો પણ એને ખ્યાલ ન રહ્યો.
જાણે થાકના શાવરમાં નહાઈ હોય તેમ આખું અંગ કળતું હતું. જ્યાં વાગ્યું હતું ત્યાં પણ દુઃખે છે તે રહી રહીને યાદ આવ્યું ! વર્ષો પહેલાં એક વખત તેનાં મામી કોઈને કહેતાં હતાં તે અચાનક યાદ આવ્યું, ‘સ્ત્રીનું નસીબ લખનાર વિધાતા સ્ત્રી નહી હોય, પુરુષ જ હોવો જોઈએ, નહીં તો આવું ઘોર નસીબ કેમ કોઈ લખી જ શકે ?’
બાથરૂમને બારણે ટકોરા સાંભળી હાંફળી-ફાંફળી, જેમ તેમ કપડાં લપેટી બહાર આવી. સામે ઊભેલાં સરલાબહેને આંખોમાં વ્હાલ અને અવાજમાં ચિંતા સાથે પૂછ્યું, ‘ ઓ.કે. છે ને, બેટા ? મને થયું….’
સ્નેહા હવે થોડી સ્વસ્થ થઈ ગઈ હતી, ‘ડોન્ટ વરી, માસી.’ પછી પગ ઉપાડતાં એકદમ નિર્દોષ અવાજે પુછ્યું,
‘સ્ત્રીઓને ભગવાન વજ્રથી ઘડીને મોકલતા હશે નહીં ?’
સરલાબહેન તેનાં માથે હાથ ફેરવતાં બોલ્યા, ‘હું જે વાત વર્ષો પછી સમજી તે તું એક અનુભવે કઈ રીતે સમજી ગઈ છોકરી ? ખૂબ મીઠડી છે તું, ચાલ, બધાને કકડીને ભૂખ લાગી છે.’
દાદર ઊતરતાં ઊતરતાં અચાનક ઊભી રહી ગઈ, પછી સંકોચથી પૂછવા તો ગઈ , ‘માસી તમારા હસ…માસા…’ મનુભાઈને માટે શું સંબોધન વાપરવું તેમાં મુંઝાઈ ગઈ.
‘હા, મારા હસ…માસા આવી ગયા છે. તું જરા ય ગભરાતી નહીં. એમને બધી ખબર છે.’
બંને જણ નીચે આવ્યાં ત્યારે સ્નેહાએ જોયું કે માસીના બન્ને દીકરાઓ જમીને પરવારી ગયા હોય તેમ સીટીંગરૂમમાં ટી.વી. જોતા હતા.
‘સૉરી‘ કહી ક્યાં બેસવું તેની મુંઝવણથી ઊભી રહી એટલે નંદાએ એની બાજુની ખુરશી પર હાથ થપથપાવી બાજુમાં બેસવાનો ઈશારો કર્યો. બેસતાં બેસતાં તેણે ત્રાંસી આંખે મનુભાઈ તરફ જોયું. તે જ વખતે મનુભાઈની નજર પણ એની તરફ પડી, એક આછેરું સ્મીત આપી તેને આવકારી. અને સરલાબહેને મનુભાઈને પીરસતાં પીરસતાં આ ફેરફાર નોંધ્યો. પતિનું એક અજાણ્યું પાસું ખૂલતું જોઈને હરખાયાં.
હજુ તો જમવાનું શરું જ કર્યું ત્યાં તો, સેમી ડિટેચ્ડ (ડુ-પ્લેક્ષ) ઘર હોવાથી, બાજુના ઘરનું બારણું પછડાયાનો અવાજ સૌએ સાંભળ્યો.
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com