પાંચ ગ઼ઝલ

Facebooktwitterredditpinterestlinkedinmail

‘સિદ્દીકભરૂચી’

                      (૧)

સત્ય છું, કડવો છું, સચવાયો નથી,
હું હજી હાથોમા ઝિલાયો નથી.
એ સરળતાથી તો વંચાયો મને,
પણ સરળતાથી એ સમજાયો નથી.
આ ચરમ સીમા પ્રસિદ્ધિની તને?
તું ભલે ચર્ચાયો વખણાયો નથી.
આંધીઓ આવીને ઓલવવા મથે!
હું નજીવો દીપ ગભરાયો નથી.
ઇશ્ક આપીને એ બહેકાવે મને,
હું ચમકતા જળથી ભરમાયો નથી.

                    * * *

                       (૨)

ઇશ્કના દરિયે, સૂરજ ડૂબતો જોયો છે,
તારી ભીતર શ્રદ્ધા કરતો જોયો છે.
રાતે ચાંદસિતારાને હરખાતા જોઈ,
સૂરજને મહેફિલમાં બળતો જોયો છે.
ટેન્કો, તોપો, યુધ્ધો, લશ્કર વચ્ચે ‘બાળ’
હાથ જોડી મા..મા.. કહેતો જોયો છે.
એક ખૂણામાં ઘરની અંદર લજ્જાની,
આંખે ગમનો જામ છલકતો જોયો છે
ઘરમાં વ્હેલાં સૌનું મળસકું થૈ જાતું,
એક સૂરજને પારણે ઊગતો જોયો છે

દુશ્મન કરતાં દોસ્તની આદત સારી છે,
મતલબથી મેં જ્યાં ત્યાં મળતો જોયો છે.
ગણિત અને વિજ્ઞાન શિખવતા શિક્ષકને,
કંટાળ્યો તો પી.ટી. શિખવતો જોયો છે.
‘સિદ્દીક’ પુસ્તક રૂપે પ્રગટે એ પહેલાં,
ફેસબુક પર મેં ખુદને ફરતો જોયો છે.

                        * * *

                         (૩)


દોષ ખુલ્લા થૈ ગયા આચારથી,
આ ખબર આવી છે એક દરબારથી.
શે’રની એક ખાસિયત છે, ઓ પવન,
અર્થ સમજાશે તને વિસ્તારથી.
વૃક્ષ થૈ એ કાલ છાંયો આપશે,
બાળને સમજાવો ઘરમાં પ્યારથી.
બાગને જ્યારે સજાવ્યો વૃક્ષથી,
પંખીઓ,  લોકો, પધાર્યાં ત્યારથી.
ભાઈચારો,  દોસ્તી ,  ઇન્સાફની,
રાખુ છું ઇચ્છા દરેક સરકારથી.
વૉટસ્એપ, ટ્વિટર કે ફેસબુક, વેબ પર,
હું નજરમાં છું, ઘણાં અખબારથી.

 

                       * * *

                       (૪)

હૃદયથી હૃદયનું જુદા થઈ જવું,
મહોબ્બત કરી, બેવફા થઈ જવું.
ખુદાએ વિરાસતમાં આપી દીધું,
નીતરતા રૂદનની દયા થઈ જવું.
અગર કોઈ ભૂલા પડે રાહમાં,
તો એવી ડગરમાં શમા થઈ જવું.
વિચારીને ડગ માંડ,  કે રાહમાં,
હવે લોક સમજ્યા ખુદા થઈ જવું.
નથી શીખ્યા ક્યારે કોઈ સ્મિત પર,
કરી બંધ આખો ફના થઈ જવું.
અમલમાં નથી ચાંદતારા અગર,
તો બેકાર છે આઈના થઈ જવું.
ફકત એક ઇચ્છા છે, સેવા કરી,
ખુદાને સ્મરી અલવિદા થઈ જવું.

                              * * *

                                (૫)

સિયાસતની એવી રહી મહેરબાની,
ઘરેઘરમાં બેચેન છે જિંદગાની.
ચમકતી, રખડતી, વિહરતી, ખટકતી,
જીવિત કરતી ફિલ્મોને હલકી જવાની.
ધરમ, મોંઘવારી ને બેરોજગારી,
અમારા વતનની કહું શું કહાની.
વિચારીને મૂકો કદમ પણ સફરમાં,
સમય આજ માંગી રહ્યો સાવધાની.
મહોબ્બત, વફા, દોસ્તી, ભાઈચારો,
છે તન પર અમારા મહેક ખાનદાની.

 

                                           * * *

સંપર્કસૂત્રો :-

ઈ-મેઈલ – Siddiq Bharuchi siddiq948212@gmail.com

Mobile – 76009 48212 

* * *

(હાલમાં ભાઈશ્રી મલેક મોહંમદસિદ્દીક મોહંમદજમીલ ‘સિદ્દીકભરૂચી’ ખાનગી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકેની સેવાઓ બજાવી રહ્યા છે. તેમણે યાદોના પડછાયા, અમે ક્યાં?, એસ એમ એસ ઇન્સાન, એકવીસમી સદી એવાં ચાર પ્રકાશનો બહાર પાડેલાં છે. ‘ફેસબુક’ ઉપરની તેમની સરસ ગ઼ઝલોથી આકર્ષાઈને તેઓશ્રીને ‘વેબગુર્જરી’ ઉપર નિમંત્રણ આપતાં તેમણે તેનો સહર્ષ સ્વીકાર કરીને આ પાંચ ગ઼ઝલો પાઠવી છે, જેનો સાભાર સ્વીકાર કરવામાં આવે છે. – ‘વેગુ’ સાહિત્યસમિતિ)

3 comments for “પાંચ ગ઼ઝલ

 1. October 15, 2017 at 5:39 pm

  મહોબ્બત, વફા, દોસ્તી, ભાઈચારો,
  છે તન પર અમારા મહેક ખાનદાની.

  સિદ્દીક ભાઈની ખાનદાની શેરે શેરમાં ઝળકે છે. એ ખાનદાનીને સલામ.

  • siddiqbharuchi
   December 3, 2017 at 7:20 pm

   Khub Khub Aabhar.

 2. Shakil Bhagat
  January 27, 2020 at 7:55 pm

  Vah bhai vah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *