





નિરંજન મહેતા
આજના ઈન્ટરનેટ યુગમાં પત્રનું મહત્વ એકદમ ઓછું થઇ ગયું છે અનેક કારણોસર. પણ એક સમય હતો જ્યારે પત્રવ્યવહારની બોલબાલા હતી. આપણી ફિલ્મોમાં પણ વખતોવખત ગીતોમાં પત્રનો ઉલ્લેખ થયો છે જેમાના થોડા લોકપ્રિય ગીતોને આ લેખમાં સાંકળી લીધા છે.
૭૦ વર્ષ પર ૧૯૪૭મા આવેલી ફિલ્મ ‘દર્દ’નું એક ગીત આજે પણ એટલું જ સાંભળવા લાયક છે જેટલું તે જમાનામાં લોકપ્રિય હતું. નાયિકા પોતાના મનોભાવને વ્યક્ત કરતા જણાવે છે કે
अफ़साना लिख रही हु दिल-ए-बेकरारका
आँखों में रंग भर के तेरे इन्तेजार का
મુનાવર સુલતાના પર ફિલ્માયેલ આ ગીતની ગાયિકા છે ઉમાદેવી જે પાછળથી ટુનટુનના નામે પ્રખ્યાત કોમેડિયન બની હતી. ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ.
એવું જ લોકપ્રિય ગીત છે ૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું.
मेहरबां लिखु, हसीना लिखु या दिलरुबा लिखु
हैरान हु की आपको इस खत में क्या लिखु
વૈજયંતિમાલા પ્રત્યે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા રાજેન્દ્રકુમાર પ્રેમપત્ર લખે છે જેમાં જુદી જુદી ચીજો સાથે સરખામણી કરીને આ બધાથી તે ઉપર છે એવો ભાવ વ્યક્ત કરે છે. ગીતને કંઠ આપ્યો છે રફીસાહેબે જેના રચયિતા છે હસરત જયપુરી અને સંગીત છે શંકર જયકિસનનું.
૧૯૬૬મા આવેલ ફિલ્મ ‘આયે દિન બહારકે’માં પણ સાંવરિયાને નામે પત્ર લખવાની વિનંતિ આશા પારેખ એક નૃત્ય દ્વારા કરે છે. ગીતને કંઠ આપ્યો છે આશા ભોસલેએ. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. નીચે લિંક મૂકી છે જેનો વીડિઓ કોપીરાઇટને કારણે જોઈ નથી શકાતો.
કાગળ લખતાં લખતાં વિચાર આવે છે અને માથે ખોસેલ ફૂલ પત્રમાં બીડી મનીષ માટે નૂતન આ ગીત ગાય છે ૧૯૬૮ની ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’માં
फूल तुम्हे भेजा है ख़त में
फूल नहीं मेरा दिल है
ઇન્દીવરના શબ્દોને કંઠ આપ્યો છે લતાજી અને મુકેશે. સંગીત કલ્યાણજી આણંદજીનું.
કવિ કેવી કલ્પના કરી શકે છે તેનો દાખલો છે ૧૯૬૯ની ફિલ્મ ‘કન્યાદાન’નું આ ગીત
लिखे जो ख़त तुझे वो तेरी याद में
हझारो रंग के नझारे बन गए.
આશા પારેખ માટે શશીકપૂર આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે રફીસાહેબે, શબ્દો છે નિરજના અને સંગીત શંકર જયકિસનનું.
ગામડાઓમાં ટપાલીનું મહત્વ ઘણું કારણ તે પત્ર દ્વારા જાતજાતના સંદેશા આવે. કોઈ સારા તો કોઈ દુ:ખદાયક. આવા જુદા જુદા સંદેશાઓને સાંકળી લેતું ગીત છે ૧૯૭૭ની ફિલ્મ ‘પલકો કી છાંવ મેં’નું.
डाकिया डाक लाया, डाकिया डाक लाया,
खुशी का पयाम कही कही दर्दनाक लाया
રાજેશ ખન્ના પોતાની આગવી સ્ટાઈલમાં આ ગીતને બખૂબી ઉજાગર કરે છે જેને ગાયું છે કિશોરકુમારે. શબ્દો છે ગુલઝારના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગીતની વચ્ચે વંદના શાસ્ત્રીના અવાજમાં પણ શબ્દો છે.
અન્ય એક કલ્પના જોઈએ.
हम दोनों मिल के कागज़ पे दिल के
चिठ्ठी लिखेंगे जवाब आयेगा
૧૯૭૮ની ફિલ્મ ‘તુમ્હારી કસમ’નાં ગીતના કલાકારો છે નવિન નિશ્ચલ અને મૌસમી ચેટરજી. બંને માટે સ્વર મળ્યો છે મુકેશ અને આશા ભોસલેનો. આનંદ બક્ષીના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રાજેશ રોશને.
પત્રના સંબંધમાં ગવાતા ગીત સાથે થતું નૃત્ય પણ એક અનોખો પ્રયોગ બની ગયો છે. ૧૯૮૨ની ફિલ્મ ‘શક્તિ’માં સ્મિતા પાટિલ જ્યારે આ ગીત ગાય છે ત્યારે તેના શબ્દોના ભાવને નૃત્ય દ્વારા રજુ કરવાનો પ્રયાસ થયો છે
हमने सनम को ख़त लिखा, ख़त में लिखा,
अये दिलरुबा, दिल की गली, शहर-ऐ-वफ़ा
ગીતના ગાયિકા લતાજી અને શબ્દો આનંદ બક્ષીના. સંગીત આર. ડી. બર્મનનું.
પત્રના સંબંધમાં રચાયેલ નીચે જણાવેલ ગીતે તે સમયે લોકોને એકદમ લાગણીસભર કર્યા હતા કારણ તેના સચોટ શબ્દો. વિદેશમાં વસતાં લોકો આ ગીતને આજે પણ સાંભળવા તલસે છે.
चिट्ठी आयी है आयी है चिट्ठी आयी है
चिट्ठी है वतन से चिट्ठी आयी है
૧૯૮૬ની ફિલ્મ ‘નામ’માં વિદેશમાં યોજાયેલ એક કાર્યક્રમમાં પંકજ ઉધાસ જાતે આ ગીત ગાય છે જેને સાંભળીને ત્યાં હાજર લોકો ભાવવિભોર થઇ જાય છે ખાસ કરીને સંજય દત્ત. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
ફિલ્મ ‘નામ’ના ગીત જેવું જ એક ગુજરાતી ગીત યાદ આવે છે ‘આંધળી માનો કાગળ’. તે આ લેખને અનુરૂપ લાગ્યું એટલે તેનો ઉલ્લેખ કર્યો છે.
આવું જ એક હૃદયસ્પર્શી ગીત છે ૧૯૯૭ની ફિલ્મ ‘બોર્ડર’નું. સીમા પર ફરજ બજાવતાં સૈનિકોને ઘણા દિવસે પોતાના કુટુંબીજનો પાસેથી પત્ર આવે ત્યારે તેમના પ્રત્યાઘાતોનું આ ગીતમાં સચોટ વર્ણન કરાયું છે. તે જ રીતે પત્રની રાહ જોતા કોઈકને પત્ર ન આવે ત્યારે થતા ભાવો પણ આ ગીતમાં દર્શાવાયા છે.
संदेशे आते है हमें तड़पाते है
जो चिट्ठी आती है वो पूछे जाती है
ગીતમાં અનેક કલાકારો છે અક્ષય ખન્ના, જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, સની દેઓલ વગેરે. ગીતના ગાનારા બે જ છે સોનું નિગમ અને રૂપકુમાર રાઠોડ. ગીતના શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત અનુ મલિકનું.
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
બહુ સરસ..