શકીલા – મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

શકીલા [જન્મ: ૧ જાન્યુઆરી, ૧૯૩૫, બાદશાહ બેગમ] ‘૫૦ /’૬૦ના દાયકાનાં હિંદી ફિલ્મોનાં બહુ ખૂબસુરત,કમનીય તેમ જ પ્રતિભાસંપન્ન અભિનેત્રી હતાં. ૫૦થી પણ વધારે ફિલ્મોને આવરી લેતી કારકીર્દીમાંનાં બાબુજી ધીરે ચલના, નીંદ ન મુઝકો આયે, અય મેરે દિલ-એ-નાદાન તૂ ગ઼મ સે ન ગભરાના જેવાં ગીતોએ તેમનાં ચાહકોનાં મનમાં તેમની શાશ્વત તસવીર કંડારી દીધેલ છે. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ થયેલાં તેમનાં અવસાનને દરેક માધ્યમોએ ખૂબ લાગણીમય અંજલિ આપી હતી..

તેમની સુદીર્ઘ કારકીર્દી દરમ્યાન ચંદ્ર શેખર, દેવ આનંદ, રાજ કપૂર, ગુરુ દત્ત, શમ્મી કપૂર, સુનીલ દત્ત, વિજય આનંદ, મનોજ કુમાર, જયરાજ, અજિત અને તેમના જ બનેવી અને બહુ પ્રિય કલાકાર એવા જ્હોની વૉકર જેવા એ સમયના પ્રથમ હરોળના અભિનેતાઓ સાથે અનેકવિધ ભૂમિકાઓ શકીલાએ ભજવી છે.

આજના આપણા આ અંક દ્વારા શકીલાની યાદોને તાજી કરવા માટે આપણે આપણી વિસરાતી યાદમાંથી ખોળીને મોહમ્મદ રફીએ ગાયેલાં એવાં ગીતો પસંદ કર્યાં છે જે ક્યાં તો પરદા પર શકીલાને ઉદ્દેશીને ફિલ્માવાયાં હોય કે પછી જેમાં શકીલાએ સહભૂમિકા ભજવી હોય.

વિસારે પડી રહેલાં ગીતોને યાદ કરવાના ઉપક્રમને કારણે આપણે આજે તૂમ પૂછતી હો ઈશ્ક઼ ભલા હૈ કે નહીં, દીવાના કહ કે આજે મૂઝે ફીર પુકારીએ કે સૌ બાર જનમ લેંગે સૌ બાર સનમ હોંગે કે પછી ઝૂમતી હૈ નઝર ઝૂમતા હૈ પ્યાર જેવાં તેમણે ખૂદ અભિનિત કરેલાં સ્ત્રી સૉલો ગીતો જેટલી જ લોકચાહનામાં આજે પણ બરકરાર મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોને ધ્યાન પર નથી લીધાં.

આવો, મોહમ્મદ રફીએ ગાયેલાં આ ગીતો દ્વારા શકીલાને આજે યાદ કરીએ:

અય સબા ઉનસે કહ જ઼રા – અલી બાબા ઔર ચાલીસ ચોર (૧૯૫૪) – આશા ભોસલે સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી, ચિત્રગુપ્ત – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

ફિલમાં શકીલા સાથે સહ-અભિનેતા મહિપાલ છે. રફી અને આશા ભોસલે ગીતના રોમેંટીક અંદાઝમાં ખૂબ સ્વાભાવિક રીતે ખીલ્યાં છે. એસ એન ત્રિપાઠી (અને ચિત્રગુપ્ત) પણ ગીતના ભાવને બખૂબી ન્યાય આપી રહ્યા છે.

જબ રૂપ હી પ્યાસા હો કર યૂં છૂપ છૂપકે પાની પીયેગા, તો રૂપ કા પ્યાસા જો હોગા વો ફીર ક્યા પી કર ફીર જિયેગા – રત્ન મંજરી (૧૯૫૫) – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: બી ડી મિશ્રા

ઘણા ફિલ્મ વિવેચકોનું માનવું છે કે ‘આર પાર’ કે તે પછીની ‘સી આઈ ડી’ જેવી ‘એ’ કક્ષાની ફિલ્મોની ધમાકેદાર સફળતા છતાં શકીલાએ સામાન્યતઃ ‘બી’કે ‘સી’ કક્ષાની મનાતી એવી ધાર્મિક કે સામાન્ય કક્ષાની ઐતિહાસીક ફિલ્મોમાં કામ કરવાનો જે નિર્ણય લીધો તેને કારણે તેમની કારકીર્દી કોઈ અવળી ભમણ કક્ષામાં જ ચડી ગઈ.

જાને વાલે ઓ જાનેવાલે, જાનેવાલે ખુદા કી રહેમતોં કા તૂઝ પે સાયા – હાતીમતાઈ (૧૯૫૬) – સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: એસ એન ત્રિપાઠી – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

એસ એન ત્રિપાઠી જેવા ઘણા સંગીતકારોએ ‘બી’ કે ‘સી’ કક્ષાની ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિય થયાં હોય એવાં ગીતો રચ્યાં, ઘણી વાર ગીતોને કારણે ફિલ્મો પણ ચાલી હોય એવું પણ બન્યું છે. પણ આ સંગીતકારો કે ફિલ્મનાં મુખ્ય કલાકારોને આવી સફળતા સુદીર્ઘપણે ફળી હોય એવા દાખલાઓ તો અપવાદરૂપ જ રહ્યા છે.

દુનિયા કી નઝર હૈ બુરી ઝુલ્ફેં ન સંવારા કરો – આગ્રા રોડ (૧૯૫૭) – ગીતા દત્ત સાથે – સંગીતકાર: રોશન – ગીતકાર: પ્રેમ ધવન

ઝુલ્ફને ન સંવારવા માટે નાયિકાનાં સૌંદર્યનું જે કંઇ વર્ણન કર્યું છે તે જાણે શકીલાને નજરમાં રાખીને જ કર્યું હોય એવું જણાય છે.

એક દિલ હમારે પાસ હૈ નિલામ કરેગા, ફિર અપને ઘરમેં બૈઠ કે આરામ કરેગા – ચૌબીસ ઘંટે (૧૯૫૮)- આશા ભોંસલે સાથે – સંગીતકાર: બીપીન બાબુલ – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

પરદા પર જ્હોની વૉકર માટે ગાયું હોય એવી અદ્દ્લ શૈલીમાં મોહમ્મદ રફીએ આ ગીત ગાયું છે. રેકોર્ડ પર ગીતને આશા ભોસલે સાથેનાં યુગલ ગીત તરીકે બતાવાયું છે, પણ આખાં ગીતમાં તેમનો અવાજ સાંભળવા નથી મળતો. ફિલ્મમાં ખરેખર આ ગીત પરદા પર કોણે ગાયું હશે એ જાણવું રસપ્રદ બની રહેશે.

ક઼દમ ક઼દમ પે બહારેં લુટાતા યે કૌન આયા હૈ આંચલ ઉડાતા – મૅડમ એક્ષ વાય ઝેડ (૧૯૫૯)- લતા મંગેશકર સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર:પ્રેમ ધવન

‘૫૦ના દાયકાના મધ્ય ભાગ પછીથી ઓ પી નય્યરની સફળતાની સ્પર્ધામાં ઘણા સંગીતકારોએ તેમનાં જેવી ધુનો બનાવી – બનાવવી પડી. ચિત્રગુપ્ત હજૂ સુધી પોતાનું સ્થાન ચોક્કસપણે પ્રસ્થાપિત નહોતા કરી શક્યા એટલે તેમણે આ પ્રકારના પ્રયોગો કરવા પડ્યા હોય તે સમજી શકાય છે. ગીતની વાદ્યસજ્જામાં આપણે ‘૬૦ના દાયકાના જે ચિત્રગુપ્ત સાથે પરિચિત છીએ તેની છાંટ જોકે જરૂર જોવા મળે છે.

ઓ કાલી ટોપીવાલે ઝરા નામ તો બતા – કાલી ટોપી લાલ રૂમાલ (૧૯૫૯)- આશા ભોસલે સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

ફિલ્મમાં લાગી છૂટે ના અબ તો સનમ કે કુમ કુમ પર ફિલ્માવાયેલું દગા દગા વઇ વઈ જેવાં ચિત્રગુપ્તની સિગ્નેચર શૈલીનાં, ખૂબ જ સફળ રહેલાં ગીતો છે, તો પ્રસ્તુત ગીત જેવાં ઓ પી નય્યરની શૈલીની છાંટવાળાં ગીતો પણ છે. ગીતમાં હાર્મોનિકાનો કરાયેલો પ્રયોગ ગીતને એક ખાસ આભા આપે છે.ટોપરી લઈને કંઈક વેંચનારી બાઈની ભૂમિકામાં પણ શકીલાનું સૌંદર્ય પણ ગીત જેટલું જ બોલકું લાગે છે.

અજી અબ કહના માન જાઓ તૂમ હી બડે મૈં છોટી – બારાત (૧૯૬૦) – ગીતા દત્ત સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

તેમના શરૂઆતના તબક્કામાં ચિત્રગુપ્તે કેટલા બહોળા પ્રમાણમાં ગીતા દત્તના સ્વરનો ઉપયોગ કર્યો હશે એનો અંદાઝ એ વાત પરથી આવે કે રફી -ગીતા દત્તનાં યુગલ ગીતોની સૌથી વધારે સંખ્યા ચિત્રગુપ્તને ચોપડે બોલે છે.ઘણા જાણકારોન મત મુજબ પ્રસ્તુત ગીતમાં ‘આરપાર’નાં એ લો મૈં હારી પિયા અને ‘કાલા પાની’નાં અચ્છાજી મૈં હારી ચલો માન જાઓ ‘ની ઊંડી ઊંડી પૅરોડી અસર જોવા મળે છે.

ઝાલિમ કહના માન રે ચક્કી ચલ ના ખા કર પાન, ક઼તલ હમ હો ગયે નૈનાવાલી તેરા ક્યા ગયા – બારાત (૧૯૬૦) – ગીતા દત્ત સાથે

રફી-ગીતા દત્તનું એ જ ફિલ્મનું બીજું યુગલ ગીત રજૂ કરવાની લાલચ રોકી નથી શકાતી એનું કારણ ચિત્રગુપ્તે ભાંગડા નૃત્ય પર બહુ સફળતાપૂર્વક અજમાવેલા હાથનો કસબ બતાવવાનો છે જ પણ તે સાથે ગીતા દત્ત પણ તળ પંજાબી લહેકામાં કેટલાં ખીલ્યાં છે એ બતાવવાનો પણ છે. શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં શકીલાએ ખાધેલાં પાનની એમના હોઠની લાલી પર શું અસર થઇ હશે એ તો નથી કળી શકાયું, પરંતુ એમ ને એમ પણ શકીલાનું સૌંદર્ય ‘ક઼તલ હમ હો ગયે’ને સાર્થક કરે છે.

જબ ઘડી બોલે ચાર કરકે સિંગાર ચલે આના ઉસ પાર – ગેમ્બલર (૧૯૬૦) – સુમન કલ્યાણપુર સાથે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: પ્રેમ ધવન

ફ્લ્યુટના ચિતગુપ્ત દ્વારા કરાતા આગવા પ્રયોગોને બાદ કરતાં ચિત્રગુપ્તે તર્જબધ્ધ કર્યું હશે એવું માન્યામાં ન આવે એટલી હદે તોફાનમસ્તીના સુરનું આ ગીત છે. આ વખતે છેડછાડના રોકડીયા જવાબ આપવાની ભૂમિકા સુમન કલ્યાણપુરે નિભાવી છે.

યે રંગ ન છ્ટેગા ઉલ્ફતકી નિશાની હૈ – આશા ભોસલે સાથે – ચાઈના ટાઉન (૧૯૬૨) – સંગીતકાર: રવિ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

‘ચાઈના ટાઉન’ એના સમયની સફળ ફિલ્મોમાં ગણના પામે છે, એટલે એ ફિલ્મનાં કોઈ પણ ગીતને ‘વિસારે પડતાં ગીતો’ની કોઈ પણ યાદીમાં સમાવતાં થોડો ખચકાટ જરૂર થાય. રવિ અને એન દત્તા બન્ને એ એક સમયે એક સાથે હેમંતકુમારના સહાયક તરીકે કામ કર્યું હતું એ સમયમાં એકબીજાના સહવાસના પાસની અસર રૂપ પ્રસ્તુત ગીતની ધુન કંઇક અંશે એન દત્તાની શૈલીને મળતી જણાય છે –

હસીનોં સે બસ સાહબ સલામ દૂર સે અચ્છી ન ઈનકી દોસ્તી અચ્છી ન ઇનકી દુશ્મની અચ્છી – ઉસાદોં કે ઉસ્તા (૧૯૬૩) – સંગીતકાર રવિ – ગીતકાર: અસદ ભોપાલી

કોલેજિયનોના કાર્યક્રમમાં ગીત પેશ કરતી વખતે નાયક નાયિકાની મીઠી છેડછાડ કરવાનો મોકો ઝડપીને તેના પ્રેમનો ઈઝહાર કરી લેતો એ સીચ્યુએશન તો નવી નથી, પણ એ છેડછાડ પ્રદીપકુમારે કરી બતાવી છે તે એક જાણવા જેવા સમાચાર છે !

ટુનક ટુન બોલે જિયા મેરા દિલ ખો ગયા હૈ દિવાના હો ગયા હૈ – કહીં પ્યાર ન હો જાયે (૧૯૬૩) – લતા મંગેશકર સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર:ક઼મર જલાલાબાદી

નાયક અને નાયિકા બન્ને મસ્તીના મૂડમાં છે

સંગ સંગ રહેંગે તૂમ્હારે જી હૂજ઼ૂર – મુલ્ઝિમ (૧૯૬૩)- આશા ભોસલે સાથે – સંગીતકાર:રવિ – ગીતકાર: શકીલ બદાયુની

રવિનું મોહમ્મદ રફી સાથેનું ટ્યુનીંગ આ ગીતની લયસજ્જામાં છલકાય છે.

ગીતનું સૉલો વર્ઝન તો મોહમ્મદ રફીએ તેમની આગવી અદાથી, દિલથી, ગાયું છે


Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “શકીલા – મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં

  1. મનસુખલાલ ગાંધી
    October 15, 2017 at 10:26 am

    બહુ સરસ..

Leave a Reply to મનસુખલાલ ગાંધી Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.