પરિસરનો પડકાર: ૦૪ : ગાંધીજી અને પર્યાવરણ

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા.

મિત્રો, હમણાં જ આપણે સૌએ તારીખ ૨ ઓક્ટોબરના રોજ સ્વ. પૂજ્ય ગાંધીબાપુને યાદ કર્યા. તેઓના જીવન અને ભારત વર્ષ માટે તેઓના અમૂલ્ય પ્રદાનને યાદ કરતાં એટલું તો સ્પષ્ટ થયા વિના ન રહે કે ગાંધીજી તેમના સમય કરતાં ઘણા જ આગળ હતા. આજના લેખમાં ગાંધીજીના પર્યાવરણ વિષયક આચાર અને વિચાર વિષે અવગત થવાનું યોગ્ય ગણાશે. બહુ ઓછા લોકો પર્યાવરણ અને વિકાસ સંબંધિત ભવિષ્યને ભાખી શક્યા હોત, ખાસ કરીને એવા સમયે જયારે પર્યાવરણીય સમસ્યાઓ તરફ આપણે ઉચિત રૂપે સભાનતા કેળવી શક્યા ન હતા અથવા તો આવી સમસ્યાઓ તેના પ્રાથમિક સ્વરૂપમાં જ હતી. તેને પારખવા માટે, ચર્ચવા માટે અને તેના વિષે લખવા માટે ‘મહાત્મા’ જેવી નજર અને મનોચક્ષુઓની જરૂર હતી. આ ગાંધીજીની દૂરંદેશી અને ભવિષ્યને ભાખવા માટેની દિવ્યદૃષ્ટિ બાબત દાખલા રૂપ છે.

ગાંધીજીના જીવનનો એક ઉપરછલ્લો અભ્યાસ જ એ સ્પષ્ટ કરી આપે છે કે તેઓ પર્યાવરણ પ્રત્યે સતત જાગૃત અને એક આચરણ કરતા ‘પર્યાવરણીય-યોગી’ હતા જેનો તેમણે કદી પણ દાવો કર્યો ન હતો. સામાન્ય શબ્દોમાં, ‘યોગ’ એટલે શરીર અને મન ઉપર ભૌતિક ક્રિયાઓ (હઠયોગ) અને નૈતિક આચાર સંહિતા (રાજયોગ) વડે નિયંત્રણ અને શિસ્તનું આચરણ. રાજયોગના આચરણમાં આઠ પ્રકારની ઔપચારિક શાખાઓ (formal disciplines) નો સમાવેશ થાય છે જેમાંની પ્રથમ બે (યમ અને નિયમ) પર્યાવરણ અને સંસાધનોના નીતિપૂર્ણ ઉપયોગ સંબંધિત છે. ગાંધીજીએ આ બંનેનું પાલન કર્યા બાદ પ્રચાર કર્યો હતો.

યમ, એ માનવના અન્ય માનવીઓ તેમ જ સજીવો સાથેના સંબંધો તથા અજૈવિક પદાર્થો પ્રત્યેના આચરણ સંબંધિત નૈતિક સિદ્ધાંતો (ethical principles) છે. પાંચ પ્રકારના યમ એટલે ૧. તમામ સજીવ અને નિર્જીવ પ્રત્યે અહિંસાની ભાવના ૨. સત્યનું આચરણ . અનીતિથી મેળવવામાં આવેલ ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરવો અને વિનાશ તેમ જ બર્બરતાથી દુર રહેવું (અસ્તેય) ૪. બ્રહ્મચર્ય કારણ કે પ્રાણીઓ અને પશુઓ કરતાં માનવીમાં સમાગમ-વૃત્તિ વધારે હોવાથી તેણે વસ્તીને અંકુશમાં રાખવી જરૂરી બની જાય છે નહિતર સંસાધનોની માંગ બેહદ વધી જાય છે અને છેલ્લે . જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓનો સંગ્રહ/લોભવૃત્તિ (અપરિગ્રહ).

પાંચ પ્રકારના નિયમમાં સ્વ-આધારિત આચારસંહિતાનો સમાવેશ થાય છે. આ નિયમોમાં માનવીએ સ્વચ્છતા જાળવવા માટે શું કરવું તે કહેવામાં આવ્યું છે જે ઘરના કે શહેરના, માનસિક તેમ જ શારીરિક ગંદવાડને દૂર કરવાની બાબતને સ્પર્શે છે (શૌચ-નિકાલની વ્યવસ્થા). માનવી એક અતિશય અસ્વચ્છ પ્રાણી છે અને બીજાં પ્રાણીઓની સરખામણીએ પુષ્કળ કચરો પેદા કરે છે. વળી ઘણીવાર માનવ-સર્જિત કચરો જૈવિક રૂપે વિઘટિત થઈ શકે તેવા સ્વરૂપમાં નથી હોતો (non bio-degradable) જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. શૌચમાં હદ ઉપરાંતની વિષયવાસના (કામ), ક્રોધ અને લોભનો પણ સમાવેશ થાય છે. બીજા નિયમોમાં સંતોષ, સાદગી, સ્વાધ્યાય, પ્રાર્થના અને ધ્યાનનો સમાવેશ કરવામાં આવે છે જેથી યમ, નિયમ, પ્રકૃતિ તેમ જ માનવી જે જૈવિક આવરણનો હિસ્સો છે તેના વિવિધ ઘટકો પ્રત્યેની પોતાની ફરજોથી વિમુખ ના થાય. એક યોગી પોતાની જાતે જ પોતાને નિયંત્રણમાં રાખે છે, પરોપકારની ભાવના સેવી શકે છે અને સ્વર્ગીય સુખનો આનંદ લઈ શકે છે. આગળ જણાવ્યા પ્રમાણે ગાંધીજી પોતાને યોગી ગણાવ્યા વિના તમામ યમ નિયમનું પાલન કરતા.

ગાંધીજી ગ્રામ્ય સ્તરે સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને સ્વાવલંબન (સ્વદેશી)ને અને સ્થાનિક શાસન-વ્યવસ્થા (સ્વરાજ)ને પ્રોત્સાહન આપતા. કચડાયેલા વર્ગનું કલ્યાણ (અંત્યોદય) અને ત્યાર બાદ તમામ વર્ગના લોકોનું કલ્યાણ (સર્વોદય) તેમની અગ્રતા-યાદીમાં રહેતું. તેમણે ભારતને બ્રિટિશ હ્કુમતથી આઝાદ કરાવવા માટે અને ભારતના સંસાધનોની લૂંટ થતી અટકાવવા માટે સત્ય અને અહિંસા રૂપી શસ્ત્રોનો ઉપયોગ કર્યો.

ગાંધીજીની હત્યા પછીના પાંચ દાયકા દરમ્યાન કથળતા જતા પર્યાવરણ સંબંધિત ચિંતા અને તેને સુધારવા માટેની રણનીતિઓનો વ્યાપ વધતો ગયો. શરૂઆત આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘની ઉત્તરોત્તર ઘટી રહેલી સંખ્યા પ્રત્યે સજાગ બની તેનું સંરક્ષણ કરવાથી થઈ અને અંતમાં આપણા કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સુધી ચાલી. ધરતીને વૈશ્વિક માતા તરીકે જોવામાં આવે છે જે કરોડો સજીવોનું પાલનપોષણ કરતી આવી છે. આજ સુધી અંદાજિત ૧.૮ મિલિયન (અઢાર લાખ) પ્રજાતિઓ વિષે જ આપણું જ્ઞાન મર્યાદિત રહ્યું છે. માનવી જો કે વિચારશક્તિ ધરાવતું પ્રાણી હોવાથી એકહથ્થુ શાસન કરતો આવ્યો છે.

ગાંધીજી માનતા કે દરેક સજીવમાં દિવ્યત્વ રહેલું છે અને તેથી જ તેની વિવિધતામાં એકતા રહેલી છે. અહિંસા અને શાકાહારીપણા પ્રત્યે તેમનો વિશ્વાસ અને શ્રદ્ધાએ જ તેમને વિવિધ પ્રકારના સજીવો, સમુદાયો, સંસ્કૃતિઓ, ધર્મો અને પરંપરાઓના સંરક્ષણ પરત્વે ચુસ્ત હિમાયતી બનાવ્યા હતા. જૈવિક વિવિધતાના સંરક્ષણ સંબંધિત તેમના વિચાર સાવ સરળ હતા – માનવી સજીવનું નિર્માણ કરી શકતો નથી અને તેથી જ તેને કોઈ પણ સજીવનો વિનાશ કરવાનો હક નથી. ગાંધીજી માનતા કે કુદરત તરફ થતી હિંસા રોકવા માટે માત્ર પર્યાવરણ બચાવવાની ચળવળ પૂરતી નથી. માનવ-સંસ્કૃતિના પ્રાકૃતિક લક્ષણના કેન્દ્રમાં અહિંસાના સિદ્ધાંતનું સિંચન જરૂરી બની જાય છે.

ગાંધીજી પશ્ચિમી ઔદ્યોગીકરણના આંધળા અનુકરણના વિરોધી હતા કારણ કે તેની સાથે પર્યાવરણીય, સામાજિક અને આર્થિક સમસ્યાઓ જોડાયેલી હતી. આ પ્રકારની ઔદ્યોગીકરણ પ્રક્રિયા સાથે એવી માન્યતા પ્રવર્તમાન હતી કે કુદરતી સંસાધનો અમર્યાદ રૂપે ઉપલબ્ધ છે. જયારે ખરેખર આ એક ભ્રામક માન્યતા જ હતી. પૃથ્વી પરના જૈવિક આવરણમાં આવેલી નૈસર્ગિક સંપદા, બિન-ટકાઉ વિકાસની પ્રક્રિયા સાથે તાલ મેળવી શકે તેટલા પ્રમાણમાં મોજૂદ હોતી નથી. વસ્તી વધારો અને જરૂરિયાતો હંમેશા ઉત્તરોત્તર વધતાં જ રહેવાનાં, જયારે કુદરતી સંપદા જેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેટલી માત્રામાં જ રહેતી હોય છે. તેના પ્રમાણમાં વધારો અસંભવ છે. જો કે તેઓ ઔદ્યોગીકરણના કટ્ટર વિરોધી ન હતા. ઉર્જા અને અન્ય સંસાધનોનો ઉપયોગ જ્યાં વિવેકપૂર્ણ રૂપે થયો હોય તેમ જ ગ્રામોદ્યોગ અને મજૂર-વર્ગનું સ્થળાંતર ન થયું હોય તે પ્રકારના કુટિર ઉદ્યોગોની તેઓ હિમાયત પણ કરતા હતા.

પ્રિય વાચક મિત્રો, ગાંધીજીના પર્યાવરણ વિષયક વિચારો અને માન્યતાઓના અભ્યાસથી આપણે સ્પષ્ટ પણે સમજી શકીએ છીએ કે તેઓ સાચા અર્થમાં પરિસર-તંત્રની ચિંતા કરનાર એક ક્રાંતદૃષ્ટા ‘યોગી’ હતા. આપણે સૌ ગાંધીજીનાં પ્રિય ૧૧ મહાવ્રતથી સુપેરે પરિચિત છીએ.

            ગાંધીજીનાં પ્રિય અગિયાર મહાવ્રત

સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું,

બ્રહ્મચર્ય ‘ને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું.

અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવાં

એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાં.

આ મહાવ્રતને સમજવાથી તેની પાછળની પર્યાવરણ અંગેની જાગૃતિ ઉજાગર થયા વિના નથી રહેતી. સમગ્ર બ્રહ્માંડનો વિચાર કરીએ તો માનવીનું એકમાત્ર ઘર એ આપણી પૃથ્વી જ છે. જો તેની યોગ્ય સંભાળ લેવામાં નહીં આવે તો તેનું પર્યાવરણ ખૂબ જ કઠોર, દુશ્મનાવટ ભરેલું અને નિષ્ઠુર બની જશે. પર્યાવરણીય હોનારત સર્જાશે જેમાં માનવ-જાત સંપૂર્ણ રૂપે હોમાઈ જશે. તેથી કુદરતમાં સમગ્રપણે જે નાજુક સંતુલન જળવાઈ રહ્યું છે તેનો આદર કરવાનું અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. પર્યાવરણનું સંરક્ષણ અને જતન ફક્ત ‘વાઘ’ બચાવવાની પ્રક્રિયા સાથે જ જોડાયેલ માનવામાં આવતું તે સમય હવે જતો રહ્યો છે. આજે સૌર-મંડળની સદસ્ય આપણી પૃથ્વી અને તેની ઉપર વસી રહેલા સજીવોનું હિત તેમ જ અજૈવિક પદાર્થોનું અસ્તિત્વ, પર્યાવરણની તંદુરસ્તી પર અવલંબિત છે. કુદરતી સજીવ સંસાધન અને અજૈવિક સંપદા વચ્ચે એક જબરદસ્ત પ્રકારનું અન્યોન્ય અવલંબન અને જોડાણ રહેલું છે. સાથોસાથ સામાજિક, આર્થિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક, ફિલસુફી સંબંધિત અને નૈતિક જોડાણ પણ પ્રવર્તે છે. આ તમામ પ્રમાણોનો સમાવેશ પર્યાવરણમાં થતો જ આવ્યો છે.


ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧૯૮૨૫૦ ૩૦૬૯૮

1 comment for “પરિસરનો પડકાર: ૦૪ : ગાંધીજી અને પર્યાવરણ

  1. Piyush Pandya
    October 13, 2017 at 5:51 am

    ગાંધીજીની મહાનતા સાથે એમનો આ દ્રષ્ટિકોણ તો ક્યારેય ધ્યાને આવ્યો જ ન હતો. વળી યમ – નિયમ અને અગિયાર મહાવ્રતોને પણ જો યોગ્ય રીતે પાળવામાં આવે તો ‘પરિઆવરણ બચાવો’ ના પરિસંવાદો અલગથી ન કરવા પડે એ આ લેખ વડે સમજાયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *