Science સમાચાર (૨૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

. સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે ઉદાર હોય છે!

માનવીય વ્યવહાર સંબંધી મનોવૈજ્ઞાનિકો એવાં તારણ પર પહોંચ્યા છે કે સ્ત્રીઓ ‘આપવા’માં પુરુષો કરતાં વધારે ઉદાર હોય છે. પુરુષો પણ આપે છે પણ એની પાછળ ‘સ્વાર્થ વૃત્તિ’ પણ રહેલી હોય છે.

ઝ્યૂરિખ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે આના માટે કારણ સ્ત્રી અને પુરુષના મગજની થોડી જુદી પડતી રચના જવાબદાર છે. ‘આપવા’નો નિર્ણય કરવામાં મગજનો ‘સ્ટ્રીએટમ’ નામનો ભાગ સક્રિય કામ કરે છે. આ ભાગ મગજની મધ્યમાં હોય છે. બીજાને લાભ થાય એવા નિર્ણય લેવામાં સ્ત્રીઓનું સ્ટ્રીએટમ વધારે સક્રિય હતું, જ્યારે પોતાના ફાયદાની વાત આવી ત્યારે પુરુષોનું સ્ટ્રીએટમ કામમાં મચી પડ્યું!

સંશોધકોએ પછી એક બીજો પ્રયોગ કર્યો. એમણે સ્ત્રી-પુરુષોના એક જૂથને અમુક દવા આપી અને બદલો આપવાની પ્રક્રિયા ખોરવી નાખી. બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. હવે સ્ત્રીઓ બહુ સ્વાર્થી વર્તન કરવા લાગી અને પુરુષો પરગજુ બની ગયા!

સંશોધકો કહે છે કે આનો અર્થ એ થાય છે કે મગજ માટે દવાઓ વાપારતી વખતે સ્ત્રીઓ અને પુરુષોનો પ્રતિભાવ અલગ હશે એ ધ્યાનમાં રાખવું પડશે.

સંદર્ભઃ ઝ્યૂરિખ

. હવે ટાંકા નહીં લેવા પડે, બસ ચામડી ચોંટાડી દો!

ક્યાંય ઊંડો ઘા થયો હોય તો ઘાને ટાંકા લઈને બંધ કરવામાં આવે છે. આમાં પણ સૅપ્ટિક થવાનું જોખમ તો રહે જ છે. હવે સ્વિટ્ઝર્લૅંડની ઍમ્પા સંસ્થાએ ટાંકા લેવાને બદલે નવી રીતે વિકસાવી છે. એમણે નૅનોપાર્ટિકલનો ગૂંદર બનાવ્યો છે. એનાથી ચામડીના બે કપાયેલા છેડાને ભેગા કરીને ચોંટાડી દેવાશે.

શરીરના અંદરના કે બહારના કેટલાયે ભાગો એવા છે કે ટાંકા લેવાનું લગભગ અશક્યવત્ હોય છે. સંશોધકોએ સિલિકોન ડાયોક્સાઇડ અને આયર્ન ડાયોક્સાઇડના નૅનો પાર્તિકલ્સ લીધા અને એનાથી શરીરની છૂટી છવાઈ પેશીઓને ભેગી ગોઠવીને ચોંટાડી દીધી. એવું જાણવા મળ્યું છે કે નૅનો પાર્ટિકલ્સમાં એવો ગુણ છે કે એ બે પેશીઓને ભેગી ચોંટાડવા ઉપરાંત રૂઝ વળવામાં પણ મદદ કરે છે. જ્યાં આ ગૂંદર અને બાયોગ્લાસ ભેગાં વાપર્યાં ત્યાં લોહી તરત ગંઠાવા લાગ્યું. ઍમ્પાના સંશોધકોની મદદે ડૉક્ટરો પણ આવ્યા. એમણે એક ડુક્કરના આંતરડાના કપાયેલા ભાગને ચોંટાડવાનો અખતરો કરી જોયો અને એમાં એમને આશ્ચર્યજનક સફળતા મળી.

સંદર્ભઃ એમ્પા

. આઈ. આઈ. ટી. રૂડકીના સંશોધકો ચિકુન્ગુન્યાને હરાવશે?

ચિકુન્ગુન્યાની બીમારીનો હજી સુધી કોઈ ઉપાય નથી મળ્યો, પરંતુ આઈ. આઈ. ટી.. રૂડકીના સંશોધકોની એક ટીમે દેખાડ્યું છે કે ઉપાય શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. ચિકુન્ગુન્યાનો ઇલાજ એમાં દેખાતાં લક્ષણોને હળવાં બનાવવા પૂરતો જ થાય છે, એટલે રોગનાં મૂળ પર હુમલો થતો નથી.

પ્રોફેસર શૈલી તોમરના નેતૃત્વ હેઠળની ટીમે કૃમિઓના ઇલાજ તરીકે વપરતા પાઇપરેઝાઇન ડ્રગનો ઉપયોગ કર્યો. આ ડ્રગ માણસ માટે સલામત છે એવું તો પ્રમાણિત છે જ એટલે પ્રાણીઓ પરના અખતરા સફળ થયા પછી માણસ પરના અખતરામાં સલામતીની શંકા નથી.

સંશોધકોએ જોયું કે ઑરા વાઇરસના કૅપ્સિડ પ્રોટીન પાઇપરેઝાઇન ડ્રગના અણુ સાથે જોડાઈ જાય ચે. એમણે ચિકુન્ગુન્યાના વાઇરસને પણ પાઇપરેઝાઇનના અણુ સાથે જોડવાનો પ્રયોગ કરતાં એમને સફળતા મળી. કૅપ્સિડ પ્રોટીન વાઇરસની વૃદ્ધિ માટે જરૂરી છે પણ ડ્રગના અણુ સાથે જોડાઈ જતાં એમની એ શક્તિ નથી રહેતી. પહેલા ૨૪ કલાકમાં ચેપી કોશ જેટલા વાઇરસ બનાવે તેની સંખ્યા ૯૮ ટકા જેટલી ઘટેલી જોવા મળી, પરંતુ ૪૮ કલાક પછી એની અસર મંદ પડી ગઈ હતી.

હવે સંશોધકો પાઇપરેઝાઇન આધારિત ડ્રગના નવા અણૂ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે, કે જેથી વધારે વાઇરસને કેદ કરી શકાય. જો કે હજી એ જોવા નથી મળી શક્યું કે આ પ્રક્રિયા નવા વાઇરસ બનવા પર અંકુશ મૂકે છે કે કેમ. માત્ર એમનો ફેલાવો રોકાતો હોવાનું જાણી શકાયું છે.

દરમિયાન, રૂડકીના સંશોધકોને હજી પણ સફળતા મળે એવી આ દિવાળી નિમિત્તે શુભેચ્છાઓ.

સંદર્ભઃ ચિકુનગુન્યા

. માનવનિર્મિત ઉપગ્રહને પૂરાં થયાં ૬૦ વર્ષ

૧૯૫૭ની ૪થી ઑક્ટોબરે સોવિયેત સંઘે પહેલી વાર માનવનિર્મિત ઉપગ્રહ સ્પુતનિક અવકાશમાં મોકલ્યો. આ સાથે માનવની અંતરિક્ષ ખોજની શરૂઆત થઈ. સ્પુતનિકનો વ્યાસ માત્ર ૫૮ સે.મી. હતો અને વજન ૮૪ કિલોગ્રામ. તે સાથે જ અંતરિક્ષની હોડ શરૂ થઈ ગઈ.

image

સોવિયેત સંઘે જાહેર કર્યું કે “અમે અમેરિકા જેટલા તવંગર નથી તો પણ અમારે ત્યાં આ શક્ય બન્યું કારણ કે સમાજવાદી રાજ્યવ્યવસ્થામાં નફાનો વિચાર નથી થતો.” અમેરિકા માટે આ હાર પચાવવાનું મુશ્કેલ હતું એણે મોટા પાયે અવકાશ ખોજના પ્રયાસો આદરી દીધા અને ચંદ્ર પર માનવીને મોકલવાનો નિર્ણય કર્યો અને ૧૯૬૯માં એને સફળતા મળી. આજે તો ભારત પણ અંતરિક્ષ ખોજમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઇસરોના ઉપગ્રહોને સતત સફળતા મળતી રહી છે. મંગલયાન ભારતની એક મોટી સિદ્ધિ છે.

સંદર્ભઃ બીબીસી


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

2 comments for “Science સમાચાર (૨૨)

 1. મનસુખલાલ ગાંધી
  October 15, 2017 at 10:31 am

  બહુ સરસ..

 2. October 15, 2017 at 10:42 am

  સ્પુટનિક પણ સિનિયર બની ગયો !
  —————
  સ્ત્રીઓ ઉદાર હોય છે. માતાઓ તો અવશ્ય હોય જ છે. પણ દરેક નિયમને અપવાદ પણ હોય છે. ટૂંકા જીવ વાળી સન્નારીઓ અને દરિયાવ દિલ ભાયડાઓ પણ જોવા મળે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *