સાયન્સ ફેર :: માસ હિસ્ટીરિયા : કારણ વિના સેંકડો લોકો માંદા પડી જાય ખરા?!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

થોડા સમય પહેલા ચોટલી કપાવાની ઘટનાએ આખા દેશને માથે લીધો, ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતને. કોઈએ આ ઘટનાઓને અંધવિશ્વાસ અને મંત્રસાધનાનું પરિણામ ગણી, કોઈએ કહ્યું કે કોઈ અલૌકિક શક્તિ આ બધું કરી રહી છે, કોઈકે કહ્યું કે અફવાનો સહારો લઈને લોકો એકબીજા સાથે આ રીતે વેર વાળી રહ્યા છે… તો વળી કોઈકે આખી વાતને માનસિક વિકૃતિ ગણીને હસી કાઢી! મોટાભાગના લોકોએ આમાં કોઈ અલૌકિક શક્તિનો હાથ જોવાને બદલે અંધશ્રદ્ધાને જ કારણભૂત ગણી! (અને એ સારું જ થયું!) શું આવી ઘટનાઓ પહેલીવાર ઘટી છે? ના!

થોડા વર્ષો ફ્લેશબેકમાં જશો તો યાદ આવશે, અનેક સ્થળોએ ગણપતિની મૂર્તિએ દૂધ પીધું હોય એવા બનાવો બનેલા! અને દક્ષિણ ગુજરાતના લોકોને ખાસ યાદ હશે, વલસાડ નજીક આવેલા તીથલના દરિયાનું પાણી એક દિવસ પૂરતું મીઠું-મધુરું થઇ ગયેલું. સેંકડો લોકોએ ચમચીએ ચમચીએ દરિયાનું પાણી પી ને કહેલું, કે હા ભાઈ, આ પાણી તો ખરેખર મીઠ્ઠું મધ જેવું છે! આવા બનાવો પાછા એકલ-દોકલ નથી બનતા. બલકે એક વાર શરુ થાય, પછી ફેલાતા જ જાય છે. ભારતમાં ગણપતિની હજારો મૂર્તિઓએ દૂધ પીધું, ત્યાર પછી છેક અમેરિકાના ગુજરાતી ઘરોમાં પણ ગણપતિની મૂર્તિઓ દૂધ પીતી થઇ ગયેલી! આવા સમાચારો વાંચીને વિજ્ઞાનમાં માનનારા લોકોને તમ્મર આવી જાય! આપણા દેશની પ્રજા કઈ હદે બેવકૂફ-અંધશ્રધ્ધાળુ છે, એવા વિચારો આવવા માંડે! પણ આમાં વાંક પ્રજાનો નથી! અને આવું માત્ર ભારતમાં નથી થતું, આખી દુનિયામાં થાય છે. જુઓ કેટલાક ઉદાહરણો.

ઇસ ૧૯૬૨માં અમેરિકાની યુએસ ટેક્સટાઈલ ફેક્ટરીના ડ્રેસ મેકિંગ ડિપાર્ટમેન્ટના વર્કર્સ એક ભેદી જીવડાને કારણે બિમારીનો ભોગ બનવા માંડ્યા. આ જીવડું જે વર્કરને કરડે, એને અચાનક ચક્કર આવવા માંડે, ઉલટી-ઉબકા શરુ થઇ જાય અમે શરીરમાં સુસ્તી આવી જાય! ફ્લુ થયો હોય એવા આ લક્ષણોને કારણે ટપોટપ બાસઠ વર્કર્સ માંદા પડી ગયા, અને એ પૈકી કેટલાકને તો હોસ્પિટલમાં દાખલ સુધ્ધા કરવા પડ્યા. વિવિધ અમેરિકન એજન્સીઓને તલસ્પર્શી તપાસ કરીને અહેવાલ આપ્યો કે આવું કોઈ જીવડું અસ્તિત્વ ધરાવતું જ નથી! આવી એક બીજી ઘટનામાં કોઈ જીવડું નહિ, બલકે એક જીવતી-જાગતી સ્ત્રીએ હોસ્પિટલના સ્ટાફને બિમાર પાડી નાખેલા! ‘ટોક્સિક લેડી’ તરીકે ઓળખાવાયેલી ગ્લોરિયા નામની અમેરિકન સ્ત્રી સર્વાઈકલ કેન્સરથી પીડાતી હતી. ઇસ ૧૯૯૪માં ગ્લોરિયા એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ. હાજર રહેલા મેડિકલ સ્ટાફના દાવા મુજબ ગ્લોરીયાના લોહીમાં કાગળના ટુકડા જેવો પદાર્થ જણાયો. વળી એના શરીરમાંથી ક્યારેક લસણ જેવી તો ક્યારેક ફળો જેવી ચાસ આવી રહી હતી! અને ખૂબીની વાત એ કે ગ્લોરિયાની સારવાર કરી રહેલા મેડિકલ સ્ટાફ પૈકીના મોટા ભાગના લોકો અચાનક અચાનક માંદા પડીને બેહોશ થઇ જવા માંડ્યા! હોસ્પિટલ ઓથોરિટી અને મેડિકલ કાઉન્સિલે આ તમામના લોહીનો રિપોર્ટ કઢાવ્યો, તો બધા બિલકુલ નોર્મલ જણાયા! સ્ટાફના કોઈ વ્યક્તિને બેભાન થઇ જવાય કે અચાનક માંદા પડી જવાય એ પ્રકારની કોઈ માંદગી હતી જ નહિ!

જો આ કિસ્સાઓ વાંચીને નવાઈ લાગી હોય, તો નવાઈનો ‘શોકિંગ ડોઝ’ લેવા માટે સીટબેલ્ટ બાંધીને તૈયાર રહો. મોટા ભાગના પુરુષો પોતાના શિશ્નની સાઈઝ બાબતે ચિંતિત રહે છે. વૈજ્ઞાનિક ઢબે થતાં સર્વે મુજબ વિવિધ ભૌગોલિક સ્થાને રહેતા પુરુષોના શિશ્ન વિવિધ લંબાઈના હોય છે. (શિશ્નની લંબાઈને પુરુષાતન કે પ્રજનનશક્તિ સાથે કોઈ લેવાદેવા નથી, એ જાણીતી અને વૈજ્ઞાનિક રીતે સાબિત થઇ ગયેલી વાત છે.) આફ્રિકાના પુરુષોને આ બાબતે સૌથી ‘નસીબદાર’ ગણવામાં આવે છે. પરંતુ આફ્રિકાની આદિવાસી પ્રજાઓમાં વારંવાર એવો વિચિત્ર વાવર જોવા મળે છે, જેમાં પુરુષોનું જનનાંગ કદમાં અતિશય નાનું થઇ જતું હોય અથવા તો પૂરેપૂરું શરીરની અંદર ગાયબ થઇ જતું હોય! શરીરવિજ્ઞાનની દ્રષ્ટિએ આવું થવું તદ્દન અશક્ય છે, તેમ છતાં દર થોડા વર્ષે આફ્રિકાના આદિવાસીઓ શિશ્ન નાનું થઇ જવાના ‘અવાસ્તવિક રોગ’નો ભોગ બને છે. આ અભણ પ્રજા શિશ્નને અદ્રશ્ય થઇ જતું અટકાવવા માટે એમાં સોયા ભોંકવાથી માંડીને દોરી બાંધી રાખવા સુધીના ‘ઉપચારો’ કરે છે! ઇસ ૧૯૬૭માં તો સિંગાપુરમાં પણ આ ‘રોગ’ દેખાયો. હજારો લોકો એના ભોગ બન્યા. અંતે સરકારે લોકોને સાચું જ્ઞાન આપવાનો અને શિશ્ન નાનું થઇ જવાના બનાવોને મીડિયામાં બ્લેક આઉટ કરવાનો રસ્તો અપનાવ્યો, ત્યારે પરિસ્થિતિ માંડ ઠેકાણે પડી!

આ તમામ ઘટનાઓમાં અનેક લોકો સાક્ષી અથવા તો ભોગ બન્યા હોવા છતાં વિજ્ઞાન આવી કોઈ ઘટનાઓ બની હોવાનું સ્વીકારતું નથી! તો શું આ તમામ લોકો ખોટું બોલતા હશે? લોકોને અમથે અમથા માંદા પડવાનો શોખ થતો હશે? અને પોતાનું શિશ્ન ઓચિંતું સંકોચાઈ ગયું હોવાની જાહેરાત કરવામાં કયા પુરુષને આનંદ આવે?! તજજ્ઞો આ તમામ ઘટના માટે ‘માસ હિસ્ટીરિયા’ને જવાબદાર માને છે. ચોટલી કપાવાની ઘટના પણ ‘માસ હિસ્ટીરિયા’થી વિશેષ કશું નથી. ગણપતિની મૂર્તિને લોકોએ દૂધ પીવડાવેલું, અને તિથલના દરિયાનું પાણી અચાનક એક દિવસ ‘મીઠું’ (sweet) થઇ ગયેલું, એમ જ! (કેટલાક કેસીસ ‘અટેન્શન સીકિંગ’ના પણ છે જ.) બાકી આજના જમાનામાં તદ્દન સીધીસાદી દુકાને પણ વાળ કાપવાના ૫૦ રૂપિયા લે છે. ત્યારે ઘરે આવીને ચોટલી કાપી આપવાની ‘નિ:શુલ્ક સેવા’ કોઈ ન કરે, એ ય પાછું નાઈટ શિફટમાં કામ કરીને!


૨૭-૧૦-૨૦૧૭ના અંકમાં આ ‘માસ હિસ્ટીરિયા’ વિષે જાણકારી મેળવશું.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *