ફિર દેખો યારોં : કામ કરો કુછ તો કામ કરો

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

‘પોલિસ સાથે ન દોસ્તી સારી, ન દુશ્મની.’ કહેવતની કક્ષાની આ ઉક્તિ જાણીતી છે. રોહીત શેટ્ટી દિગ્દર્શીત ફિલ્મ ‘સીંઘમ’ના એક દૃશ્યમાં મુખ્ય પાત્ર આ સંવાદ બોલે છે. આપણા દેશમાં પ્રામાણિક નેતાઓ, પ્રામાણિક અફસરો, પ્રામાણિક પોલિસ અધિકારીઓ અને એ જ રીતે પ્રામાણિક નાગરિકો વગેરેનું માન ઘણું હોય છે. પ્રામાણિકતાની નાનીમોટી ઘટનાઓ અખબારોમાં ઘણી વાર ચમકતી રહે છે. કોઈ પણ હકીકત સમાચાર ત્યારે જ બને જ્યારે તે સામાન્ય રીતે ન બનતી હોય. આનો અર્થ એ થયો કે નીતિ, ચારિત્ર્ય, કર્તવ્ય, કર્મયોગ જેવા શબ્દો થોથાંમાં ઠીક છે, વ્યવહારમાં તેનું કશું મૂલ્ય નથી. એવા ગુણો ધરાવનારની ઈજ્જત વધુ હોય છે, કેમ કે, એ ગુણો આપણે ત્યાં સહજ નથી લેખાતા. પોલિસસ્ટેશનની બહાર પોલિસ જનતાની મિત્ર હોવાનું પાટિયું ભલે લટકતું હોય, કેટલા સામાન્ય નાગરિકોને એમ લાગતું હશે એ સવાલ છે. એમાં વાંક પોલિસોનો પણ નથી. છેક અંગ્રેજોના શાસનકાળથી પોલિસદળની છબિ ઈરાદાપૂર્વક એવી ઉપસાવવામાં આવી છે જાણે કે એ જુલમી અને પ્રજાવિરોધી હોય. ઈરાદાપૂર્વક એટલા માટે કહી શકાય કે આ જ અંગ્રેજોએ પોતાના દેશમાં આદર્શ પોલિસસેવાનો નમૂનો પૂરો પાડ્યો, પણ તેમનું શાસન હતું એ દેશોમાં તેમણે એવી દરકાર ન લીધી. પરિણામે અંગ્રેજોની વિદાય પછી પોલિસખાતાએ પણ પોતાની એ છબિ બદલવાની કોશિશ ભાગ્યે જ કરી. આનો સીધો લાભ રાજકારણીઓને થયો. જો કે, આપણા વર્તમાન વડાપ્રધાને ગૌહાટીમાં આપેલા એક વક્તવ્યમાં પોલીસની બગડેલી છબિ બાબતે આપણી ફિલ્મોને કારણભૂત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મોનો પ્રભાવ જનસામાન્ય પર ઘણો હોય છે, અને તેમના સહયોગ વિના પોલિસ પોતાનું કાર્ય સફળતાપૂર્વક કરી ન શકે. તેમણે વાસ્તવિકતા આધારીત તથ્યો થકી જનસામાન્યના મનમાં રહેલી પોલિસખાતાની છબિ સુધારવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના વિચારવા પર ભાર મૂક્યો હતો.
આ વક્તવ્ય કદાચ પોલિસખાતાના ધ્યાનબહાર ગયું હોય એમ બને, તેથી ગુજરાતના પાટીદાર અનામત આંદોલન વખતે પોલિસખાતાએ પોતાની મૂળભૂત છબિને અનુરૂપ વર્તન કર્યું હતું. પોલિસ દમન કરે કે એન્‍કાઉન્‍ટર, દરેક વખતે તેનો હેતુ એકસરખો ભાગ્યે જ હોય છે. પોલિસના ભાગે મોટે ભાગે બદનામી આવવાના અનેક કારણોમાંનું એક કારણ એ પણ ખરું કે કોઈકના અપાયેલા આદેશ કે કોઈકની વ્યૂહરચનામાં તેઓ અમલકર્તાની ભૂમિકામાં હોય છે. તેથી જે તે ઘટનામાં તેઓ પ્રત્યક્ષપણે જોડાયેલા દેખાય છે.

જો કે, વર્તમાન વડાપ્રધાનના મનમાં પોલિસની છબિ બદલવાની, અથવા તો એ દિશામાં પ્રયત્ન કરવાવાળી વાત બરાબર બેસી ગઈ લાગે છે. 2016ના નવેમ્બરમાં હૈદરાબાદમાં ડી.જી.પી.-આઈ.જી.પી.નું સમ્મેલન ભરાયું હતું, જેનું ઉદ્‍ઘાટન વડાપ્રધાને કર્યું હતું. આ સંમેલનમાં ડીજીટલ નાણાંકીય વહેવાર તેમજ વિમુદ્રીકરણ બાબતે કેટલીક ભલામણો સૂચવવામાં આવી હતી. એ અગાઉના બે વરસોમાં મળેલા સંમેલનમાં સૂચવાયેલી અન્ય પચીસ ભલામણો પણ એમની એમ રહી છે. ગયે મહિને વડાપ્રધાનના મુખ્યપદે મળેલી એક મીટીંગમાં ધ્યાનમાં આવ્યું કે આ ભલામણોનો અમલ કરવા તરફનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો હોય એવો કોઈ પુરાવો જણાયો નથી. આ બાબતની ગંભીર નોંધ લેવાયા પછી હવે દેશના ગૃહ મંત્રાલય દ્વારા દેશભરનાં પોલીસ સ્ટેશનોને એક પત્ર પાઠવવામાં આવ્યો છે, જેનું શિર્ષક છે ‘ડી.જી.પી.-આઈ.જી.પી. સંમેલન વર્ષ 2014, 2015 અને 2016 ની બાકી ભલામણોનો અમલ.’

આ ભલામણોમાંની મુખ્ય છે નાગરિકોને કેળવણી આપવાની. નાગરિકોને ‘કેશલેસ’ વ્યવહાર તરફ વાળવાની કેળવણી પોલિસે નાગરિકોને આપવા પર ભાર મૂકાયો છે. આ કવાયતમાં દિલ્હી પોલિસે મુખ્ય ભૂમિકા અદા કરવાની છે. મોટાં શહેરોમાં પોલિસ પોતાના કાર્યક્ષેત્રમાં આવતા વેપારીઓ તેમજ દુકાનદારોને મળીને આ બાબતે કેળવે એમ તેમાં જણાવાયું છે. 2016ના સંમેલનની મુખ્ય ભલામણ બનાવટી નાણાંને તેમજ શસ્ત્રોની દાણચોરીને તેમજ રાષ્ટ્રવિરોધી અન્ય પ્રવૃત્તિઓને નાથવાની હતી, જેથી વિમુદ્રીકરણનો ઉદ્દેશ્ય પૂર્ણપણે બર આવે. હવે એ હકીકત સ્પષ્ટ થઈ ગઈ છે કે વિમુદ્રીકરણના આકરા પગલા દ્વારા કાળા નાણાંને નાથવાનો તેનો મૂળભૂત હેતુ પાર પડ્યો નથી. ખુદ રિઝર્વ બૅન્કે જણાવ્યું છે કે 99 % નાણું પાછું આવ્યું છે. જો કે, નાક કપાઈ ગયા પછી પણ પોતાને ભગવાન દેખાતા હોવાનો દાવો કરતા વાર્તામાંના ચોરની જેમ સરકાર તેને સફળ પગલું ગણાવે છે. હવે એ પણ ઉઘાડી હકીકત છે કે જે હેતુ માટે સરકારે વિમુદ્રીકરણ જેવું પગલું લીધું એ મૂળભૂત હેતુમાં જ તેમના દ્વારા કેટલા બધા ફેરફાર કરવામાં આવ્યા. તેને પરિણામે જનસામાન્યને ભાગે ભયાનક હાલાકી સિવાય બીજું કોઈ ધાર્યું પરિણામ આવ્યું નથી. હવે સરકાર આ મામલામાં પોલિસને પણ સંડોવવા માંગે છે. આ જ રીતે શિક્ષકો, સ્વાસ્થ્ય કાર્યકરો,આંગણવાડી કાર્યકરો, સખીમંડળની બહેનો વગેરેએ પણ પોતાનું મૂળ કામ છોડીને સરકારી કાર્યક્રમમાં જોડાવું જરૂરી બની રહ્યું છે.

પોલિસનું કાર્ય કાયદો અને સલામતી જાળવવાનું છે. નાગરિકોને કેળવવાનું કામ તેમનું નથી એમ તો ન કહી શકાય. પણ આંકડાઓ અને અહેવાલ મુજબ જોઈએ તો 2016ના એક અહેવાલ અનુસાર ભારત દેશમાં પ્રત્યેક 720 નાગરિક દીઠ એક પોલિસકર્મી છે. દેશભરમાં કુલ 1.71 કરોડ પોલિસકર્મીઓ છે, જે સંખ્યા હકીકતમાં 2.26 કરોડ હોવી જોઈએ. આવા સંજોગોમાં મહત્ત્વ પ્રાથમિકતાનું હોય.

ઘણા ઉચ્ચ પોલિસ અધિકારીઓએ આ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. એક પોલિસ અધિકારીએ જણાવ્યું છે કે ગુનેગારોનું ધ્યાન રોકડ પર વધુ હોય છે. એટલે રોકડનો વ્યવહાર નાબૂદ થાય તો કદાચ નાણાંકીય ગુનામાં ઘટાડો થઈ શકે. પણ આ તર્ક મુજબ તો હાલતોચાલતો દરેક નાગરિક પોલિસની જવાબદારી બની રહે. વિમુદ્રીકરણ પછી તરત મળેલા આ સંમેલનમાં આ મુદ્દાઓ મહત્ત્વના જણાયા હોય એ માનવાજોગ છે, પણ તેના દસ મહિના પછી વિમુદ્રીકરણનાં પરિણામો નજર સામે હોય ત્યારે આ પગલાં લેવાની ભલામણ પર ભાર મૂકવો સરકારના ઈરાદા અંગે શંકા પ્રેરે છે. કેમ કે, તેમાં એક ભલામણ સાયબર સ્પેસ, આધાર કાર્ડ તેમજ આંગળીઓની છાપનો ઉપયોગ આ કામ માટે કરવાની છે. અન્ય ભલામણોમાં બાળકોને શાળામાં હાજરી આપવા માટે સમજાવવું, માતાપિતાએ પોલિયોના રસીકરણમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વગેરે છે.

સરકારી ફરમાન છે એટલે તેમાં માગ્યા મુજબનો જવાબ આપવો જ પડે. ‘ઈન્ડીયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ મોટા ભાગનાં પોલિસ સ્ટેશનોએ નામ પાડ્યા વિના ‘ભલામણોનો અમલ કરવામાં આવ્યો છે’ એમ લખીને કામ ચલાવ્યું છે. પોતાના કાર્યક્ષેત્રમાં મૂકાયેલા સી.સી.ટી.વી. કેમેરાની સંખ્યા જણાવીને તેમણે સંતોષ માન્યો છે, તો ઘણા બધાં પોલિસ સ્ટેશનોએ જવાબની નકલ કરી છે. કાગળ પર તો કાગળ પર, કામ થાય છે એ સંતોષ ઓછો છે? નહીંતર સરકારો એવી હોય છે કે કાગળ પર પણ કામ ન કરે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૯-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : કામ કરો કુછ તો કામ કરો

 1. October 12, 2017 at 5:28 pm

  બહુ જ , અત્યંત, અતિ સરસ , સુંદર અને સુમધુર !!!

 2. October 12, 2017 at 10:01 pm

  હોમ ડિપા. ના મંત્રી બનવા અથવા એ ખાતાના સેક્રેટરી બનવા લાંબી કતારો કેમ હોય છે? સૌથી વધારે હપ્તા ત્યાંથી મળતા હોય છે !

  અને આપણે નાગરિકો એ પ્રથાને પૂરો સહકાર મરજી કે નામરજીથી આપતા હોઈએ છીએ. મૂળે ખોડ આપણા સામાજિક ચારિત્ર્યની છે.
  ———
  હળવા મિજાજે…આ જણને પોલિસે ચા પીવડાવેલી !
  https://gadyasoor.wordpress.com/2008/10/10/police_tea/

 3. મનસુખલાલ ગાંધી
  October 15, 2017 at 10:36 am

  બહુ જ , અત્યંત, અતિ સરસ , સુંદર અને સુમધુર !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *