વ્યંગ્યચિત્રોમાં ગાંધી (૧૧) : ફ્રેમમાં મઢેલા ગાંધી

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ગાંધીજીને આપણા રાષ્ટ્રપિતાનું બિરુદ અપાયેલું છે. તેથી દરેક રાજકીય તેમજ સરકારી સ્થળોએ તેમની તસવીર અનિવાર્ય છે. તસવીર હોય એટલે તેની સાફસૂફી થાય, હારતોરા થાય અને ટીલાંટપકાં પણ થાય. આપણી પ્રકૃતિ એવી છે કે કોઈ પણ આરંભ ટાણે માથું નમાવવા માટે આપણે એક ફ્રેમ જોઈએ. એમાં તસવીર કોની છે એ ગૌણ છે. આપણે જે કામ, જે રીતે કરવાનું છે એ જ રીતે કરવાના છીએ, છતાં ફ્રેમમાં બંધક હોય એના આશીર્વાદ લેવાનો દેખાવ કરવાની આપણી પરંપરા છે.

ગાંધીજીને તસવીરમાં દેખાડ્યા હોય એવાં કાર્ટૂનોમાં કાર્ટૂનિસ્ટોનો મુખ્ય આશય એ બતાવવાનો રહ્યો છે કે ફ્રેમની બહાર જે કંઈ થઈ રહ્યું છે એ ગાંધીજીની સાક્ષીએ થઈ રહ્યું છે. બહારના દૃશ્ય મુજબ ફ્રેમમાંના ગાંધીજીના હાવભાવ પણ બદલાતા રહે છે. અહીં કેટલાંક એવાં કાર્ટૂનો જોઈએ, જેમાં ગાંધીજીની તસવીર જુદા જુદા સંદર્ભે મૂકવામાં આવી છે.

સૌથી પહેલું કાર્ટૂન આર.કે.લક્ષ્મણનું દોરેલું છે. સ્થળ છે એક રાજકીય પક્ષનું કાર્યાલય, જેમાં ભીંત પર ગાંધીજીની તસવીર ટીંગાય છે. સુતરની આંટીને બદલે મસમોટો હાર પક્ષની સમૃદ્ધિનું પ્રતીક જણાય છે. ‘આયારામ-ગયારામ’ના યુગમાં નેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવે એ પહેલાં તેમની ‘ખ્યાતિ’ પહોંચી જાય છે. આ રીતે આવેલા એક નવા નેતાને ઓળખી જઈને પક્ષના સિનીયર નેતા કહેતા હશે, ‘અચ્છા! પેલું ખાંડનું કૌભાંડ કરેલું એ જ ને!’ આ સંવાદ આપણે કલ્પી લેવાનો છે. કેમ કે, તેના જવાબમાં બીજા નેતા કહે છે, ‘તમારી ભૂલ થાય છે. આ ખાંડકૌભાંડવાળા નહીં. (એ તો બીજા) આ તો બૅન્‍કના કૌભાંડવાળા છે.’ બિચારા નેતાઓનો પણ શો વાંક! કેટલાં કૌભાંડો તેઓ યાદ રાખે? લક્ષ્મણે ચીતરેલું આ કાર્ટૂન કદાચ એંસી કે નેવુંના દાયકાનું હશે. આજે આ કાર્ટૂન જોઈને એમ લાગે કે આમાં હસવા જેવું શું છે? હકીકત આમ જ છે ને! બસ, આ જ કાર્ટૂનિસ્ટની સફળતા છે.

થોડી વાત લક્ષ્મણે બનાવેલા ગાંધીજીના કેરીકેચર વિશે. કોને ખબર કેમ, પણ લક્ષ્મણે દોરેલા ગાંધીજીનો ચહેરો ભરાવદાર ગાલવાળો, ઘાટી અને જાડી મૂછો અને કપાળે તિલકવાળો હોય છે. આ ચહેરો દક્ષિણ ભારતીય વધુ જણાય છે.

****

મરાઠી કાર્ટૂનિસ્ટ સુરેશ સાવંતનું આ કાર્ટૂન એક પણ શબ્દ વિના બધું જ કહી દે છે. મંત્રીશ્રીની ખુરશી પાછળ જ ગાંધીજીની તસવીર લગાવેલી છે. મંત્રીશ્રી લાંચરુશ્વતરૂપે રોકડ લઈ રહ્યા છે અને એમ કરતી વખતે તેમણે ગાંધીજીની આંખો પર પોતાની હથેળી ઢાંકી દીધી છે.

નોટોનું બંડલ જોઈને તેમના મોંમાંથી લાળ ટપકવા છતાં નેતાને ગાંધીજીની બે આંખની શરમ નડે એ તેમની ઈમાનદારી દર્શાવે છે. તેમને એટલું તો છે કે ગાંધીજીના દેખતાં આ ન કરાય. અહીં પણ ફ્રેમ પર ચડાવેલો જાડો હાર ધ્યાન ખેંચે એવો છે, તેમજ ગાંધીજીના કપાળે તિલક પણ કરેલું જણાય છે.

****

અબુ અબ્રાહમના આ કાર્ટૂનમાં ફ્રેમમાં ગાંધીજી આખા દેખાય છે. બે નેતાઓ ચરખો કાંતતાં કાંતતાં વાતો કરી રહ્યા છે. આમાં એક નેતા પ્રમાણમાં જુવાન છે, જ્યારે બીજા વયોવૃદ્ધ છે. વયોવૃદ્ધ નેતા ચરખો ફેરવતાં ફેરવતાં કહે છે, ‘મારો પરિવાર છેલ્લાં પચાસ વર્ષથી ગરીબોનો ટ્રસ્ટી છે. સદ્‍ભાગ્યે ગરીબોને આની જાણ નથી.’

ચરખો, ખાદી અને ગાંધી અહીં હાજર છે, ગાંધીવિચાર છે, ગરીબની વાત પણ છે, અને છતાં નેતાજીને જે કરવું છે એ જ કરે છે. નેતાઓની નવી પેઢી માટે આવા પીઢ નેતાઓ જીવતીજાગતી પ્રેરણા બની રહે એમાં શી નવાઈ!

****

કુરીલનું આ કાર્ટૂન ઈતિહાસનું સરળીકરણ દર્શાવતું કાર્ટૂન છે. હોસ્પિટલમાં જવાહરલાલ નહેરુ બિછાને પડેલા છે. તેઓ જોડીયાં બાળકોને જન્મ આપે છે. એક બાળક એટલે પાકિસ્તાન સાથે કાશ્મીરનો વિવાદ અને બીજું બાળક એટલે 1962ના ચીન સાથેના યુદ્ધમાં ભારતનો પરાજય. કોંગ્રેસ આ બન્ને બાળકો દેશને ભેટ ધરતાં કહે છે, ‘અભિનંદન! તમારા માટે તેમણે ‘જોડિયાં’ને જન્મ આપ્યો છે. હવે તમારે કાયમ માટે તેમની સાથે રહેવાનું છે.’ અહીં ભીંત પર ગાંધીજીની તસવીર છે, જે ત્રાંસી આંખે આ બધું જુએ છે. નહેરુ સૂતા છે એ પલંગની બાજુમાં મદ્યપાત્ર તેમજ સિગારેટનું પાકિટ પણ બતાવાયું છે. જન્મેલા બન્ને બાળકોના ચહેરા પર શેતાનિયત પણ આબાદ ચીતરવામાં આવી છે. ખાસ કરીને અણિયાળા દાંત આ ભાવને વધુ ગાઢ બનાવે છે. આ બન્ને સમસ્યાઓ સમયાંતરે પેદા થઈ હતી. કાર્ટૂનિસ્ટે તેને બહુ સરળ રીતે નહેરુ તરફથી મળેલી ‘ભેટ’ તરીકે દર્શાવી દીધી છે.

****

દિલ્હીના જંતરમંતર ખાતે અણ્ણા હજારે દ્વારા આંદોલન શરૂ કરવામાં આવેલું, જેના કેન્‍દ્રમાં ભ્રષ્ટાચાર સામેની લડત હતી. અણ્ણામાં ઘણાને આધુનિક યુગના ગાંધીનાં દર્શન થયેલાં.

કન્નડ કાર્ટૂનિસ્ટ સતીશ શૃંગેરીએ બહુ સચોટ રીતે અણ્ણાનો પ્રભાવ બતાવ્યો છે. ચરખા પાછળ બેઠેલા અણ્ણા રેંટિયાનું ચક્ર ફેરવે ત્યારે તેમાં રાજકારણીનો પાયજામો તારતાર થઈને કંતાવા લાગે છે. અણ્ણાના ચહેરા પરના નિશ્ચલ ભાવ, રાજકારણીના ચહેરા પર છળી ઉઠવાના ભાવ, અને આ દૃશ્ય જોઈને તસવીરમાંના ગાંધીના ચહેરા પર ખુશીના ભાવ આબાદ ચીતરાયા છે.

કન્નડ દૈનિક ‘સંયુક્ત કર્ણાટક’ માટે ‘ડેઈલી પીલ’ શિર્ષકથી કાર્ટૂન ચીતરતા સતીશનું અવસાન 2012માં માત્ર 44 વર્ષની વયે થયું. તેમનાં કેટલાંક કાર્ટૂન તેમના બ્લૉગ http://sringericartoons.blogspot.in/ પર જોઈ શકાશે.

****

2014માં કેરળ રાજ્ય સરકારે મદ્યવેચાણને નિયંત્રિત કરવાની હિલચાલ કરી હતી. એ વખતે સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને આદેશ આપતાં જણાવ્યું હતું કે નશાબંધી બાબતે તમે ગુજરાત મોડેલ અપનાવો. સર્વોચ્ચ અદાલત ગુજરાત મોડેલ વિશે શું જાણે છે એ ખબર નથી, પણ તસવીરમાં રહેલા ગાંધીજીથી વધુ આ મોડેલની અસલિયત કોને ખબર હોય? આર. પ્રસાદે એક પણ શબ્દ લખ્યા વિના જે કહેવાનું છે એ જણાવી દીધું છે.

****

ગાંધીજીનાં કાર્યોનાં અવનવાં અને સગવડીયાં અર્થઘટનોની ફેશન જૂની ગણાય છે. સૌને પોતાના મતલબનું, પોતાને માફક આવે એવું કશું પણ ગાંધીજીમાંથી મળી રહે છે. ગાંધીજી કદી જોવા કે પૂછવા આવવાના નથી કે પોતે આમ નહોતું કહ્યું. ભારતીય જનતા પક્ષે શરૂઆતમાં ગાંધીજીને દૂર રાખ્યા પછી ‘સ્વચ્છતા અભિયાન’ થકી તેમને આગળ ધર્યા. ગાંધીજી ક્યાં કશું બોલવાના હતા? છત્તીસગઢમાં એક સમ્મેલનમાં પક્ષપ્રમુખ અમિત શાહે કોંગ્રેસને ફટકરાવાના બેટ તરીકે ગાંધીજીનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું, ‘બહુત ચતુર બનિયા થા વો, ઉસકો માલૂમ થા આગે ક્યા હોનેવાલા હૈ.’ ગાંધીજીએ કોંગ્રેસનું વિસર્જન કરવાનું સૂચન કરેલું એ તરફ અમિત શાહનો ઈશારો હતો અને તેઓ એમ સૂચવવા માગતા હતા કે હવે એ કામ પોતાનો પક્ષ કરી કાઢશે. સતીશ આચાર્યના આ કાર્ટૂનમાં અખબારમાં આ સમાચાર વાંચતા પિતાજીને તેમની દીકરી નિર્દોષતાથી બહુ સાદો સવાલ પૂછે છે, ‘ડેડી, કોનો આઈ.ક્યુ. બહેતર હતો? મહાત્માનો કે અમિત શાહનો?’ બાળકીના આ સવાલ સામું તસવીરમાંના મહાત્મા ‘ચતુર બનિયા’ની અદામાં મલકાઈ રહ્યા છે. કદાચ તેઓ બાળકીને શાબાશી આપીને કહેતા હોય, ‘ગુડ ક્વેશ્ચન, બેબી!’

****

અમીત શાહ અગાઉ ગુજરાતના ગૃહમંત્રી હતા, અને વર્તમાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાસ્તવમાં ભજવાતી કાલ્પનિક કથાઓને ઠીક ઠીક પ્રોત્સાહન મળેલું. પાકિસ્તાનથી ખાસ બદલો લેવા માટે આવેલા મુસ્લિમ ત્રાસવાદીઓ ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે, ચોક્કસ હાલતમાં જ ઠાર થઈ જતા. આ કથાઓનું શિર્ષક હતું ‘એન્‍કાઉન્ટર’. તેમાં દરેક વખતે હુમલાખોર પાત્રનું નામ બદલાતું. જો કે, એક વાત હતી કે ગુજરાત પોલિસની સમયસૂચકતા, બહાદુરી અને આયોજનને લીધે આવા ત્રાસવાદીઓ પોતાના મક્સદમાં કામયાબ થઈ શકતા નહીં. આ વાસ્તવદર્શી કાલ્પનિક કથાઓ કેટલી હદે લોકોને મોઢે ચડી ગઈ હતી એ આર. પ્રસાદના આ કાર્ટૂનમાં જોઈ શકાય છે. એક સ્વાતંત્ર્ય સેનાનીને પણ પોલિસે આઈ.એસ.આઈ.સાથે સાંઠગાંઠ હોવાના આરોપસર અટકમાં લીધા હતા.

ગુજરાતના મોદીશાસનમાં ગાંધીજીની તસવીર જોઈને એક કાર્યકર ધારી લે છે, ‘એક હિન્દુ રાષ્ટ્રવાદી તેને એન્‍કાઉન્‍ટરમાં મારી નાંખેલો. એ જરૂર કોઈ મુસ્લિમ ત્રાસવાદી જ હોવો જોઈએ.’ પોતાના નેતાઓની ઠાલી લોકપ્રિયતાથી અંજાઈ જનારા લોકોનાં આ લક્ષણ પરથી આવનારાં વરસોમાં ઈતિહાસની શી હાલત થશે એ ધારવું મુશ્કેલ નથી.

****

ફુગાવો! ભાવવધારો! કૌભાંડો! ભારત દેશરૂપી એક સામાન્ય માણસના ઘરમાં ખાતર પાડીને કોંગ્રેસની સરકાર ચોરી કરી જાય છે અને એ નાણાંનું પરિણામ આ આવે છે. અહીં ખાતર પાડીને જતા ત્રણ તસ્કરોમાં સોનિયા ગાંધી અને મનમોહનસીંઘ ઓળખાય છે. સામાન્ય માણસ પાસે અંગ ઢાંકવા પૂરતું કપડું પણ રહેતું નથી. જે અખબારના ટુકડાથી તે લાજ ઢાંકવાની કોશિશ કરે છે, તેમાં પણ રાંધણ ગેસ અને પેટ્રોલના ભાવવધારાના સમાચાર છે. વ્યથિત થયેલો તે ખાતર પાડનાર તસ્કરો તરફ જુએ છે, અને પોતાના પગ ભીડીને લાજ ઢાંકવાની વ્યર્થ કોશિશ કરે છે. ત્યારે તસવીરમાંના ગાંધીજી તેને લાજ ઢાંકવા માટે પોતાનું કપડું ધરે છે.

ગાંધીજીએ અગાઉ આ જ રીતે એક સ્ત્રીને પણ પોતાનું વસ્ત્ર પૂરું પાડ્યું હતું. ગરીબીની મારી એ સ્ત્રી પોતાની પાસેની એક માત્ર સાડી નદીમાં ધોઈ રહી હતી. આ દૃશ્યથી હલબલી ગયેલા ગાંધીજીએ પોતાનું ઉપરનું વસ્ત્ર તેને આપી દીધું હતું. આ અને આવા અનેક પ્રસંગો પછી તેમણે ઓછામાં ઓછાં વસ્ત્રો પહેરવાનો આરંભ કર્યો હતો.

શ્રેયસ નવરેના આ કાર્ટૂનમાં ગાંધીજીની આ જ વૃત્તિ બતાવાઈ છે, અને એમ સૂચવાયું છે કે દેશની વહારે કોઈ નહીં હોય ત્યારે ગાંધીજી (ગાંધીમૂલ્યો) જ તેને ખપમાં આવશે. શ્રેયસના કૉમનમેન એવા ‘ઝીરો’ નામના ગધેડાએ અહીં ‘યુ.પી.એ.’ (યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્‍સ/સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન)નું મૌલિક અર્થઘટન ‘અનલિમિટેડ પ્લન્‍ડરીંગ એલાયન્સ’/અમર્યાદ લૂંટફાટ કરતું સંગઠન’ તરીકે કર્યું છે.

****

ગાંધીજીની જેમ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પણ બીજી ઓક્ટોબરે જ આવે છે. પણ શાસ્ત્રીજી કોઈ પક્ષને ખપના નથી. તેમનો મુખ્ય ગુણ પ્રામાણિકતા હતો. આ ગુણને રાજકારણમાં આગળ કરવો અશક્ય બની રહે. આથી તેમની જન્મજયંતિ ગણ્યાગાંઠ્યા લોકો ઉજવે છે.

‘શેખર’ના નામે કાર્ટૂન દોરતા જમ્મુ-કાશ્મીરના કાર્ટૂનિસ્ટ ચંદ્રશેખરે બન્ને નેતાઓની તસવીરના કદમાં તફાવત બતાવીને આ હકીકત બતાવી દીધી છે. તસવીરમાંના ગાંધીને આ બાબત અજુગતી લાગતી જણાય છે.

****

એસ. (સિડની) હેરીસ નામના અમેરિકન કાર્ટૂનિસ્ટને પોતાના એક કાર્ટૂનમાં ગાંધીને આપેલું સ્થાન બહુ વિશિષ્ટ છે. આ કાર્ટૂનિસ્ટ મુખ્યત્વે વિજ્ઞાનલક્ષી કાર્ટૂન બનાવવા માટે જાણીતા છે. ગાંધીજીને આપણે રાષ્ટ્રપિતા, સ્વાતંત્રસેનાની, ખાદીના સમર્થક, અસ્પૃશ્યતા માટે લડનારા એમ વિવિધ રીતે ઓળખીએ છીએ. પણ ‘નેશનલ વેજીટેરિયન સોસાયટી’ (રાષ્ટ્રીય શાકાહારી સંગઠન) જગતના મહત્ત્વનાં શાકાહારીઓ ભેગું તેમને સ્થાન આપે છે. ‘વેજી હૉલ ઑફ ફેમ’ (પ્રસિદ્ધ શાકાહારીઓને દર્શાવતો ખંડ)માં થોમસ આલ્વા એડીસન, જ્યોર્જ બર્નાર્ડ શો તેમજ ડૉ. આલ્બર્ટ શ્વાઈત્ઝર જેવા શાકાહારીઓની હરોળમાં ગાંધીજી પણ બિરાજે છે. પણ વાત શાકાહાર અને તેના ઉત્તેજનની છે, એટલે આ મહાનુભાવોની સાથે અન્ય ‘જોરાવર’ મહાનુભાવો પણ બિરાજ્યા છે. એ કયાં છે એ કાર્ટૂનમાં જ જોઈ લો. મઝા એ છે કે શાકાહારના ઉત્તેજન માટે કાર્યરત આ સંસ્થાને મન આ સૌ સમાન છે, એટલે ફ્રેમો જે ક્રમમાં ગોઠવી છે એ જોવા જેવું છે. આ યાદીમાં પણ ગાંધી અગ્રક્રમે છે એવું ગૌરવ થાય તો તેમની નીચેની ફ્રેમમાં કયા મહાનુભાવ છે એ જોઈ લેવું.

****

આ હતાં ગાંધીજીને તસવીરોમાં દર્શાવતાં કેટલાંક કાર્ટૂનો. ગાંધીજી પરના વધુ એક નવી શ્રેણીનાં કાર્ટૂનો આવતી કડીમાં.


(ક્રમશ: )શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્ર:
ઇ-મેલ : bakothari@gmail.com
બ્લૉગ : Palette – અનેક રંગોની અનાયાસ મેળવણી || The Nostalgic Neuron

2 comments for “વ્યંગ્યચિત્રોમાં ગાંધી (૧૧) : ફ્રેમમાં મઢેલા ગાંધી

  1. Piyush Pandya
    October 11, 2017 at 4:50 pm

    દર વખતની જેમ ચૂનંદાં વ્યંગચિત્રો અને એકદમ સટીક વર્ણન આનંદદાયી બની રહ્યાં. અબુ અબ્રાહમે દોરેલા નેતાઓ ચરણસિંહ અને જગજીવનરામ જેવા જેવા માત્ર મને જ ભાસતા હશે કે એમ જ છે?

  2. મનસુખલાલ ગાંધી
    October 15, 2017 at 10:43 am

    બહુ જ , અત્યંત, અતિ સરસ અને સુંદર….. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *