





નયના પટેલ
સરલાબહેન અન્ને લતાબહેન ફૂટપાથ ઉપર પડેલી વ્યક્તિ પાસે દોડીને ગયા અને જોયું તો પાડોશીના દીકરાની વહુ હતી. એક સેકંડ તો કાંઈ સમજાયું નહી, પરંતુ જોયું તો ઘરનું બારણું બંધ હતું અને તે ફૂટપાથ ઉપર ઊંધે મોંઢે પડી પડી ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. પહેલા તો એને બેઠી કરી, અને જોયું તો, એના નાકમાંથી અને કપાળ ઉપરથી લોહી, આંસુ ભેગું વહી રહ્યું હતું. રસ્તે જતા-આવતા લોકો પણ ઊભા રહી ગયા. એક-બે કાર પણ ઊભી રહી અને મદદ જોઈતી હોય તો કરવાની તૈયારી બતાવી. ધનુબા પણ તેમનાં ઘરનાં બારણામાં ઊભાં ઊભાં જોતાં હતાં. લતાબહેન અને સરલાબહેનને ખ્યાલ આવી ગયો કે તેને તેના ઘરમાંથી કોઈએ કાઢી મૂકી છે, એટલે તેને બેઠી કરી અને સરલાબહેન તેને પોતાના ઘર તરફ લઈ જવા માંડ્યા. ત્યાં તો તેમનું ધ્યાન બાજુના ઘર તરફ ગયું અને તેમણે જોયું કે કોઈ સહેજ બારીનો પડદો ખસેડી જોતું હતું. જેવી તેમની નજર ત્યાં પડી કે તરત પડદો પડી ગયો.
આ બાજુ ધનુબા, લતાબહેનને એ છોકરીને એમને ઘરે ન લાવવા અને એને ઘરે જ મૂકી અવવા ઈશોરો કરીને સમજાવતા હતાં.
‘બા, તમે હમણાં ખસો, જોઈએ.’ કહી બંને જણે પેલી ગભરુ છોકરીને ઘરમાં લીધી.
સરલાબહેન ફરી બહાર ગયા અને પાડોશીનું બારણું ખખડાવ્યું, બેલ વગાડ્યો પરંતુ કોઈએ બારણું ખોલ્યું નહી.
લતાબહેને સરલાબહેનને પોલીસને બોલાવવા કહ્યું.
પેલી છોકરીને એક જ વખત સરલાબહેને તેના સાસુ સાથે ગાર્ડનમાં કપડાં સૂકવતાં જોઈ હતી, તેનું નામ પણ તેમને ખબર નહોતું.
એટલે હીબકાં લેતી એ છોકરીને આસ્તેથી તેનું નામ પૂછ્યું.
ધ્રૂસકાને માંડ માંડ ખાળતાં એ બોલી, ‘ મારું નામ સ્નેહા, માસી, મહેરબાની કરી પ્લીઝ પોલીસને નહીં બોલાવતાં, એ લોકો મારું જીવવાનું હરામ કરી દેશે..’
પરિસ્થિતિન સમજી લતાબહેને સ્વસ્થતાથી સ્નેહાને કહ્યું, ‘ પહેલા તો શું થયું તે કહે. પરંતુ સૉરી, બેટા, પોલીસને તો બોલાવવા જ પડશે, કારણ કે તને આટલું બધું વાગ્યું છે, એટલે હોસ્પિટલ-ઈમર્જન્સીમાં તો જવું જ પડશે. અને ત્યાં વાગવાનું કારણ તો પૂછશે જ !’
‘ ના, માસી મારે ઈમર્જન્સીમાં ય નથી જવું.’
લતાબહેને બને એટલી માહિતી મેળવવા, અહીં કોઈ એનું કોઈ ઓળખીતું છે કે નહીં તે પૂછ્યું. ‘ ના, મને કોઈને મળવા જ નહોતા દેતાં આ લોકો ‘, કહી તેના કહેવાતા ‘ઘર’ તરફ હાથ કર્યો.
‘લતાબહેન તમારે જવું હોય તો જાઓ, તમને મોડું થશે. હું છોકરાઓને ઉઠાડું છું.’
ત્યાં તો નંદા અને નમન નીચે આવ્યા.
તેમને કાંઈ ગડ બેઠી નહીં, એટલે આશ્ચર્યથી સરલાબહેન તરફ જોયું.
લતાબહેને ટૂંકમાં જણાવ્યું, ત્યાં સુધીમાં સરલાબહેને પાણી આપી તેને શાંત કરી.
સૌએ સમજાવી એટલે સ્નેહા પોલીસ બોલાવવા કબૂલ થઈ. લતાબહેનને જવાનું મોડું થતું હતું એટલે ઊઠ્યાં.
સ્નેહાએ એની આપવીતી ટૂંકમાં કહેવા માંડી : સૌરાષ્ટ્રના એક શહેરમાં સારી સ્થિતિવાળાં તેના માતા-પિતાને કુલ ચાર સંતાનો- બેપુત્રીઓ અને બે પુત્રો. તેની મોટી બહેન લગ્ન કરીને અમેરિકા ગઈ અને ખૂબ સુખી છે. તેના સાસરાના કુટુંબના સગાં કે જે સરલાબહેનનાં પાડોશી થાય, તેઓ સ્નેહાની મોટી બહેન કુંજલને ત્યાં ગયા વર્ષે અમેરિકા ગયા હતા ત્યારે ‘કોઈ સંસ્કારી છોકરી ધ્યાનમાં છે’ તેમ પૂછ્યું હતું. સ્વાભાવિક રીતે જ કુંજલે એની નાનીબહેનની ભલામણ કરી. સ્નેહાની ફોરેન જવાની જરાય ઈચ્છા નહોતી પરંતુ મોટીબહેને અને પછી તેના મમ્મી-પપ્પાએ પણ થોડું પ્રેશર મૂક્યું એટલે ભારત આવેલા લક્ષ્મીબહેન અને ભાવિનને મળવા તૈયાર થઈ….’
ત્યાં તો પોલીસની વાન આવી ઘર પાસે ઊભી રહી એટલે વાત ત્યાં જ અટકી. આ બધું ચાલતું હતું ત્યારે નમને કિશનને પણ ઉઠાડ્યો. પોલીસે ડોરબેલ માર્યો અને બારણું ખૂલે ત્યાં સુધીમાં આજુબાજુનું નિરિક્ષણ કરતાં પોલીસોએ જોયું તો બાજુના ઘરમાંથી બે જણ કારમાં બેસી જતાં રહ્યાં ! પોલીસને થોડી ખબર હતી કે અહીં બોલાવવાનું મૂળ કારણ એ લોકો જ હતાં?
પોલીસે ઘરમાં આવી હકીકત પૂછી.
સરલાબહેને જે જોયું તે કહ્યું, અને પછી સ્નેહાએ જે બન્યું હતું તે રડતાં રડતાં ગુજરાતીમાં કહ્યું, અને પોલીસો માટે એનો અનુવાદ નંદા અને સરલાબહેન ઈંગ્લીશમાં કરતાં ગયા : લગ્ન કરીને યુ.કે. આવી અને બીજે જ દિવસે તનાં સાસુએ પાસપોર્ટ અને ઘરેણાં સેઈફ ડિપોઝિટમાં મૂકવા છે કહીને માંગી લીધાં. ઈન્ડિયામાં જે ભાવિનને જોયો હતો તે જ ભાવિન યુ.કે.માં આવીને સાવ જ જુદો નીકળ્યો- તોછડો, ઉધ્ધત અને વારંવાર ગુસ્સે થઈ શબ્દે શબ્દે ગાળો બોલતો ! તેણે નોંધ્યું કે રોજ બહાર ગયેલો ભાવિન ખૂબ મોડો ઘરે આવે છે. પરંતુ એક વખત તો ચાર દિવસ સુધી સતત તે ઘરે જ ન આવ્યો. ત્યારે તેના સાસુ લક્ષ્મીબહેને તેને ધીરજથી કામ લેવાની સલાહ આપતાં આપતાં અસલ પરિસ્થિતિથી માહિતગાર કરતાં કહ્યું કે ભાવિન તો કોઈ અંગ્રેજબાઈ સાથે લગ્ન કર્યા વગર છેલ્લા ચાર વર્ષથી રહે છે. અને હવે સ્નેહાએ એક ભારતીય નારી તરીકે એને સાચે રસ્તે લાવવાની સૂચના આપી !
સ્નેહા તો અવાક્ રહી ગઈ! તેની સાથે કપટ કરવામાં આવ્યું હતું, તે તેને સમજાયું. પરંતુ ઘરમાં તે તેઓ ત્રણ જણ જ રહે અને એમનાં બે-ત્રણ સગાં સિવાય કોઈની સાથે તેમને સંબંધ જ નહી. કોઈને વાત કહેવી હોય તો પણ કોને કહે? સ્નેહા ઉપર તેના સાસુનો ચોવીસ કલાકનો પહેરો. ન ફોન કરવા દે કે ન ફોન ઉઠાવવા દે. ન તો શોપીંગ કરવા જાય કે ન શોપીંગ કરવા જવા દે. દર અઠવાડિયે ભાવિન બંને ઘર માટે શોપીંગ કરી આવે.
એ ઘરે આવે ત્યારે સ્નેહાએ કરેલી – ન કરેલી ભૂલની સજા રૂપે બળાત્કાર કરે.
પાંચ મહિના તેણે કેમ વેતાવ્યા તે કહેતાં કહેતાં તે ખરે ખર ધ્રૂજતી હતી.
તેની મમ્મી-પપ્પા કે તેની બહેન કુંજલનો ફોન આવે ત્યારે લક્ષ્મીબહેનની કડક નજર હેઠળ ‘તબિયત સારી છે અને હું ખૂશ છું’ કહેવું પડે, અને પછી લક્ષ્મીબહેન ઔપચારિક વાતો કરી ફોન મૂકી દે. તેને મમ્મીને વહેમ ગયો હશે એટલે એક વખત ઝડપથી પૂછ્યું હતું કે ‘તે સુખી છે કે નહીં?’ પરંતુ સામે જ બેઠેલા લક્ષમીબહેનની સામે જવાબ દેવાની એની હિંમત ન ચાલી. પાંચ મહિનામાં પહેલી વખત ગઈકાલે લક્ષ્મીબહેન ફોન બાથમાં સાથે લઈ જવાનું ભૂલી ગયા તેનો લાભ લઈને તેણે હિંમત કરી, તેની મમ્મીને ફોન કરી, ખૂબ ઝડપથી પરિસ્થિતિનો ચિતાર આપી દીધો. અને ફોન મુક્યો જ ત્યાં તો જોરથી તેના વાળ ખેંચાયા અને તેના સાસુએ તેને ઘસડીને સોફા પરથી નીચે નાંખી. તરતજ ભાવિનને મોબાઈલ પર ફોન કર્યો પરંતુ તે ઑફ હતો. આખો દિવસ એમણે ભાવિનને ફોન કરવાનો પ્રયત્ન કર્યા કર્યો પરંતો કોઈ પણ કારણસર એનો સંપર્ક કરી શક્યા નહીં. તેમાં એક દિવસ નીકળી ગયો. આજે સવારે ભાવિન આવ્યો અને વાત જાણી, સ્નેહાને ખૂબ મારી. લક્ષ્મીબહેને તેને વાર્યો અને કોઈ રસ્તો કાઢવાની સલાહ આપી. પરંતુ ભાવિનને તો હવે આ અણગમતી જવાબદારીમાંથી છૂટવું જ હતું. લક્ષ્મીબહેનની સાથે પણ ઝઘડ્યો અને ‘આ બધાનું મૂળ તેઓ જ છે’ કહી ઉમેર્યું કે, ‘ જો તેઓએ તેનાં લગ્ન ઈન્ડિયાની છોકરી સાથે જ કરાવવાની જીદ્ ન લીધી હોત તો આજે આ લપ ઊભી ન થાત !’
અંતે ‘હવે તારો બાપ તને લેવા આવવાનો જ છે તો અત્યારથી જ ચાલવા માંડ’ કહી બહાર ફેંકી દીધી.
સ્નેહા ધ્રુસ્કે ચઢી ગઈ અને છેવટે તેણે કહ્યું કે , ‘ મમ્મી, પપ્પા કે મોટાભાઈ, કોઈએ પણ યુ.કે. આવવું હોય, તો વિઝા મળે તો મને લેવા આવી શકશે ને? અને એ તરત તો ન મળે ને?’
વાત સંભળીને બન્ને પોલીસે ઘરમાં આવતા પહેલા જે જોયું તેના પરથી સ્નેહાના સાસુ અને પતિનું વર્ણન પૂછ્યું અને ખ્યાલ આવી ગયો કે એ લોકો ભાગી ગયા.
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com