અન્યોને દોરવણી આપતાં : અંકુશમય શા સારૂ ન થવું

Facebooktwitterredditpinterestlinkedinmail

તન્મય વોરા

પદની સત્તાનો વધારે પડતો પ્રયોગ :

નેતૃત્ત્વ વિષયના એક નિષ્ણાત સાથે વાત કરતી વખતે તેમણે કહેલું કે ‘તમારી સત્તા વાપરવા માટે જો તમારે તમારાં પદનો ઉપયોગ કરવો પડતો હોય તો તમે સત્તાશાળી ન કહેવાઓ.’ અમુક પદ પર પહોંચ્યા પછી સ્વાભાવિકપણે તમારા ભાગે બહુ ઘણા નિર્ણયો કરવાનું બનવાનું છે. સફળ નેતા આવા સંજોગોમાં બીજાંઓને વિકસાવવાની તક ઝડપી લે છે. તમારૂં એ પદ જેટલી તમારા માટે આવી એક તક છે એટલી જ એ પદને કારણે તમારા પર તમારાં સાથીદારોને વિકસાવવાની જવાબદારી પણ છે. આ તકનો લાભ લઈને તમારી ટીમનું જેટલું સામર્થ્ય વિકસશે, એટલી તમારી સફળતાની શક્યતાઓ વધે છે. તમારાં પદની સત્તાને અનુસરતી તમારી ટીમ તમારા નિર્દેશોનું પાલન કરી શકતી રહેશે, પણ તેમની અંદર રહેલી સર્જનાત્મકતાને કારણે અણધાર્યા સંજોગોમાં પણ ધાર્યાં કામ કરવાની ટીમની શક્તિ નહીં પાંગરે. તમારાં પદની સત્તા તમારી ટીમની કાંખ ઘોડી બની જશે તો ટીમનું પાંગળાપણું કદી પણ દૂર નહીં થાય. તમારાં પદની સત્તા તમારી ટીમની સક્ષમતાનાં ઘડતરમાં અંતરાય નહીં પણ સક્ષમતાને મજબૂત કરવા માટેની ઉદ્દીપક બની રહે તે જરૂરી છે.

માહિતીના ઢગ પર બેસી રહેવું :

તમારી આસપાસ, અને તમારી ટીમની અંદર પણ, શું ચાલી રહ્યું છે એ જાણવું જ જોઈએ એ વિષે બેમત નથી. તમારાં પદને કારણે બધી જ ગતિવિધિઓના અહેવાલો તમારી પાસે સમયસર પહોંચવા પણ જોઈએ જ. પણ એ માહિતીનો અતિરેક ઘણી વાર એવું છટકું પરવડે છે જે તમને નિર્ણયો કરવામાં કે જરૂરી પગલાં ભરવા દેવાની ક્ષમતાને કુંઠિત કરી દે એવું કળણ બની રહે. જૂદા જૂદા મુદ્દાઓ, જોખમો કે તકો વિષે મળતી માહિતી, એ પછી લેવાનારા નિર્ણયો અને પગલાંને અસરકારક બનાવી રહે તે તે માહિતીની મુખ્ય ભૂમિકા છે. ઘણી બધી માહિતીનું જમાસ્થાન બનવું કે સંગ્રહસ્થાન બનવું એ તમારી સત્તા નથી, એ માહિતીઓના આધારે તમે અને તમારી ટીમે લીધેલા નિર્ણયો અને પગલાંઓની અસરકારકતા એ તમારી સત્તાની નિપજ છે. માહિતીના ઢગલા પર બેસવા મળવું કે ઉપરનાં લોકોને એ માહિતી પહોંચાડવામાટેનું દ્વાર બનવાથી જે અંકુશ તમારા હાથમાં દેખાય છે તે બહુ સત્તાશાળી હોવાનો આભાસ માત્ર છે. સંજોગોનો કોઈ પણ નાનો સરખો કાંકરીચાળો આ આભાસના અરીસામાં દેખાતાં પ્ર્રતિબિંબને તહસનહસ કરી મૂકી શકે છે.

તમારી ટીમને માહિતગાર ન રાખવી :

તમારા ઉદ્દેશ્યો, તેને સિધ્ધ કરવાની તમારી વ્યૂહરચના, તેને લગતાં જોખમો કે તકોને લગતાં પરિબળો, લાંબા ગાળે મદદરૂપ કે અડચણરૂપ બાહ્ય સંજોગો જેવી જેટલી જરૂરી માહિતી તમારી ટીમ સાથે વહેંચવાથી તમારી ટીમ તમારાં કામમાં તેમનાં મનથી જોડાઈ શકે છે. અને મનથી જોડાયેલી ટીમ હંમેશાં સારાં પરિણામો લાવવા સક્ષમ હોય છે. અધૂરી માહિતી સાથેની ટીમ જેટલું તમે દોરવશો એટલી જ આગળ વધી શકશે. શું સિધ્ધ કરવું છે એટલું જ નહીં પણ શા માટે અને શી રીતે એ સિધ્ધ કરવું છે તે જાણતી ટીમ લક્ષ્યસિધ્ધિમાં પોતાની બધી જ શક્તિઓ કામે લગાડવા આપોઆપ પ્રેરિત બનતી રહેતી હોય છે. સફળ નેતા પોતાની ટીમનાં કામના આશયના સંદર્ભમાં ટીમના અલગ અલગ વિચારોની પુષ્ટિ કરવા જેટલો જ અંકુશ રાખે છે. અને તે પણ એટલા સારૂ કે આખી ટીમ લક્ષ્ય તરફ અલગ અલગ દિશામાં ફંટાઈ ન જાય, બધાંના પ્રયાસો એકસૂત્ર બની રહે. માહિતગાર ટીમ ઘણું બધું કામ જાતે કરી લે છે, પરિણામે નેતા હવે પછી આવનારા પડકારો વિષે પહેલેથી તૈયારી કરી શકવા માટેની તૈયારી કરી શકવાનો સમય મેળવી શકે છે. માહિતગાર ટીમને ખબર રહે છે કે તેમણે ક્યારે કોની શી મદદ લેવી. તે જ રીતે ટીમના અગ્રણીને પણ ખબર રહે છે કે તેની ટીમને ક્યારે શું મદદ જોઈશે. આમ ટીમમાં અનિશ્ચિતતાઓનો ડર બહુ ઓછો રહે છે.

અને છેલ્લે :

ડૉ. જોહ્ન મેક્ષવેલે બહુ સચોટપણે કહ્યું છે કે ‘ નેતૃત્ત્વની સફળતા જાતે વિજયરેખા પહેલાં પાર કરવામાં નહીં પણ તમારી આખી ટીમ પણ સૌથી પહેલાં એ પાર કરે તેમાં છે.’ તમે કોઇ પણ સ્તરે નેતૃત્ત્વના સ્થાને હો, તમારામાંની નેતૃત્વની ક્ષમતા -સત્તા-ની પુષ્ટિ તમારી સાથેનાં લોકો કરશે. માટે તમારૂં ધ્યાન તમારી તરફ નહીં પણ એ લોકો તરફ રહેવું જોઈએ. તેમની સાથે જોડાયેલાં રહેવું જોઈએ. તેમની મુશ્કેલીઓ સમજવી જોઈએ અને તેમને નવા નવા ઉપાયો ખોળવા માટે સક્ષમ બનાવવાં જોઈએ, તેમના માર્ગની અડચણો દૂર કરવા તેમને સામર્થ્યવાન બનાવવાં જોઈએ, તેમની કામગીરી વિષે સકારાત્મક દિશાસૂચન કરવાં જોઈએ, તેમને જરૂરી માહિતી પૂરાં પાડતાં રહીને તેમને ધ્યેયસિધ્ધિનાં ચાલકબળ બનાવવાં જોઈએ, તેમની આંતરિક ઉર્જા ધ્યેયસિધ્ધિમાટે પ્રવેગક બળ બની રહે તેમ કરતાં રહેવું જોઈએ. આખરે તો અગ્રણી જે સાંકળ વડે ધ્યેયસિધ્ધિની વ્યૂહરચના ઘડે છે તેની મજબૂતાઈ તેની નબળામાં નબળી કડીથી વધી નથી શકવાની!


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *