ત્રણ દિવસની દૃષ્ટિ

Facebooktwitterredditpinterestlinkedinmail

હેલેન કેલરની કાંસ્ય પ્રતિમાને અમેરિકાના National Statuary Hall Collectionમાં ૭ ઑક્ટોબર, ૨૦૦૯ના દિવસે વિધિવત પ્રસ્થાપિત કરાઈ હતી. આ પ્રતિમામાં સાત વર્ષનાં હેલેન કેલરને એક પાણીના પંપ પાસે ઊભેલાં બતાવાયાં છે. એ દિવસે તેમનાં શિક્ષિકા એન. સુલિવને તેમના હાથ પર લખેલ W-A-T-E-R એ તેમને આવડેલો પહેલો શબ્દ હતો.

આવતી કાલે ૭મી ઑક્ટોબર છે. એ દિવસની યાદમાં શ્રી નિરંજન મહેતાનો આ અનુવાદ સાદર પ્રસ્તુત કરેલ છે.

– સંપાદકો


ત્રણ દિવસની દૃષ્ટિ

અનુવાદક : નિરંજન મહેતા

(પ્રજ્ઞાચક્ષુ સ્વ. ડો. હેલન કેલર જે જન્મથી અંધ અને બધિર હતા તેમને જ્યારે સવાલ પૂછાયો કે તેમને જો ત્રણ દિવસ માટે દૃષ્ટિ મળે તો તેઓ શું કરે? તેના જવાબમાં તેમણે જે વાત કહી તે અંગ્રેજી લેખનો અનુવાદ.)

મને ઘણી વખત વિચાર આવે કે જો દરેક વ્યક્તિની વયસ્ક જિંદગીની શરૂઆતમાં થોડાંક દિવસ માટે અંધત્વ કે બહેરાપણું આવી જાય તો તેને કારણે અનુભવાયેલ અંધકાર તેને દૃષ્ટિ પ્રત્યે વધુ કદર કરતાં શીખવાડશે; નિરવતા તેને ધ્વનિના આનંદનો પાઠ સમજાવશે.

અવારનવાર મેં મારા દૃષ્ટિવાળા મિત્રોને કહ્યું છે કે તેઓ જે જુએ છે તે માટે સભાન થાય. હાલમાં મેં મારી એક મિત્ર, કે જે દૂર સુધી ચાલીને પાછી આવી હતી, તેને પૂછ્યું કે તેણે એ દરમિયાન શું જોયું. ‘ખાસ કાંઈ નહિ’ તેણે કહ્યું.

આ કેવી રીતે શક્ય હોય? મેં મારી જાતને પૂછ્યું. એક કલાક જંગલમાં ચાલવું અને કાંઈ ખાસ કે અગત્યનું ન જોવું? હું, જે કશું જોઈ શકતી નથી, તેને ફક્ત સ્પર્શના આધારે મારા રસની સેંકડો ચીજો મળી આવે છે. હું પાનની નાજુક સમાનતા અનુભવી શકું છું. હું રૂપેરી ડાળની મુલાયમ ત્વચા ઉપર અથવા પાઈનની લાંબી બરછટ છાલ ઉપર મારો પ્રેમાળ હાથ ફેરવી શકું છું. હું વસંતઋતુમાં વૃક્ષોની ડાળોને સ્પર્શ કરું છું અંકુરની શોધમાં, જે પાનખર પછીની કુદરતની ચેતનાની પ્રથમ નિશાની છે. ક્યારેક, જો હું નસીબદાર હોઉં તો, હળવેથી એક નાના વૃક્ષ પર હાથ મૂકું અને પક્ષીના ગીત દ્વારા એક સુખદ કંપન અનુભવુ.

જો ફક્ત સ્પર્શથી મને આટલો આનંદ મળતો હોય તો મને જો દૃષ્ટિ હોત તો કેટલી વધુ સુંદરતા નિખરતે? આથી ઘણી વખત મારું હૃદય આ બધું જોવા માટે ઉત્કંઠિત થાય. તેને કારણે મેં કલ્પના કરી કે જો મને ફક્ત ત્રણ દિવસ માટે દૃષ્ટિ મળે તો મને શું શું જોવાની ઈચ્છા થાય.

હું આ ત્રણ દિવસને ત્રણ ભાગમાં વહેચી નાખું. પહેલે દિવસે હું તે બધી વ્યક્તિઓને જોવા ઈચ્છું જેમનાં સદવર્તન અને મિત્રતાને કારણે મારી જિંદગી જીવવા લાયક બની છે. કોઈ મિત્રના હૃદયમાં, ‘આત્માની બારી’ આંખ દ્વારા શું જોવું તેની મને અત્યાર સુધી ખબર નથી કારણ હું ફક્ત આંગળીઓના ટેરવાથી મુખની રૂપરેખાને ‘જોઈ’ શકું છું. હું હાસ્ય, દુ:ખ અને બીજી ઘણી લાગણીઓને અનુભવી શકું છું. હું મારા મિત્રોને તેમના ચહેરા પરથી ઓળખી શકું છું.

તમારા જેવા દૃષ્ટિવાળા લોકો માટે કેટલું બધું સરળ અને કેટલું બધું સંતોષકારક છે કે બીજી વ્યક્તિની મહત્વની ખાસિયતો જેમ કે તેની વ્યક્ત કરવાની હોંશિયારી, સ્નાયુઓનાં કંપન, હાથનું હલનચલન, આ બધું તમે સરળતાથી જોઈ શકો છો. પરંતુ તમને ક્યારેય એમ લાગ્યું છે કે તમે તમારી દૃષ્ટિ દ્વારા તમારા મિત્રના આંતરિક સ્વભાવને જોઈ શકો છો? મોટાભાગના તમે તમારા મિત્રના બાહ્ય દેખાવને સહજતાથી જુઓ છો અને ત્યાં જ અટકો છો.

શું તમે તમારા પાંચ સારા મિત્રોના ચહેરાને ચોક્કસ રીતે વર્ણવી શકો છો? અખતરારૂપે મેં કેટલાક પતિઓને તેમની પત્નીની આંખના રંગ વિષે પૂછતાં તેઓએ મોટે ભાગે મૂંઝવણભરી મનોદશા અનુભવી અને જણાવ્યું કે તેમને તેની જાણ નથી.

ઓહ, જો મને ત્રણ દિવસ માટે દૃષ્ટિ મળે તો હું શું જોઉં !

મારો પહેલો દિવસ એકદમ વ્યસ્ત દિવસ રહેશે. હું મારા સર્વ મિત્રોને બોલાવી લાંબા સમય સુધી તેમના ચહેરાને જોયા કરીશ અને તેમના અંતરમાં રહેલ સુંદરતાના બાહ્ય ચિહ્નો મારા મનમાં અંકિત કરી દઈશ. હું મારી આંખો કોઈ શિશુના મુખ ઉપર સ્થિર કરીશ જેથી હું મનુષ્યની જિંદગીમાં ઉદભવતા સંઘર્ષ પહેલાંની આતુરતા અને નિર્દોષ સુંદરતાને નિહાળી શકું. હું તે પુસ્તકોને જોવા ઈચ્છું જે મને વાંચી સંભળાવવામાં આવ્યા હતા અને જેણે મને મનુષ્યની જિંદગીની ગહનતા દેખાડી હતી. હું મારા કૂતરાઓ, નાનું સ્કોટી અને ખડતલ ગ્રેટ ડેનની વફાદાર અને વિશ્વાસુ આંખોમાં જોવા માંગુ.

બપોરના હું જંગલમાં દૂર સુધી ચાલીને કુદરતી સૌન્દર્યની દુનિયાના કેફથી મારી આંખોને ભરી દઉં અને એક રંગીન સૂર્યાસ્ત માટે પ્રાર્થું. મને લાગે છે કે તે રાતે હું સુઈ નહિ શકું.

બીજે દિવસે મળસ્કે જ ઊઠી જાઉં જેથી રાતનું દિવસમાં થતું રોમાંચક પરિવર્તન જોઈ શકું. હું અવાચક થઇ સૂર્યના પ્રકાશનું એ વિહંગમ દ્રશ્ય જોઉં જેને લઈને નિદ્રાધીન ધરતી જાગે છે.

આ દિવસ હું ભૂતકાળની અને આજની દુનિયાનું ઉતાવળિયું વિહંગાવલોકન કરવામાં ગાળીશ. હું મનુષ્યના વિકાસના સોપાનને જોવા માંગું અને તે માટે હું સંગ્રહાલયોમાં જઈશ. ત્યાં મારી આંખો ધરતીના સંક્ષિપ્ત ઇતિહાસને જોશે – જેમ કે મનુષ્ય અને પ્રાણીઓ તેમના જન્મજાત વાતાવરણમાં ચિત્રિત તેમ જ પ્રાણીજગતના ડાયનોસોર અને માસ્ટોડોનના મહાકાય હાડપિંજર જે મનુષ્યના અસ્તિત્વ પહેલા ધરતી પર વિહરતા હતા અને જેમને વામનકાય મનુષ્યે પોતાની બુદ્ધિમત્તાથી મહાત કર્યા હતા.

મારું ત્યાર પછીનું રોકાણ હશે કળાસંગ્રહાલયમાં. હું મારા હસ્તસ્પર્શને કારણે પુરાતન નાઇલ-સંસ્કૃતિના કંડારેલ દેવો અને દેવીઓને સારી રીતે જાણું છું. તે જ રીતે એથેન્સના લડવૈયાઓની આક્રમક સુંદરતા પણ અનુભવી છે. હોમરનો દાઢીયુક્ત ઘૂરકતો ચહેરો પણ મને પ્રિય છે કારણ તે પણ અંધત્વને સમજતાં હતાં.

તો આ બીજા દિવસે હું મનુષ્યના આત્માનું તેની કળા દ્વારા સંશોધન કરું. જે ચીજોને હું સ્પર્શથી જાણતી હતી તેને હવે હું જોઇશ. વળી વધુ પ્રશસ્ત, મારી સમક્ષ સંપૂર્ણ અને પ્રભાવશાળી ચિત્રજગત ખૂલશે. મને તો ફક્ત ઉપરછલ્લી છાપ જોવા મળશે. કલાકારોએ મને કહ્યું છે કે યોગ્ય અને સાચી કદર માટે વ્યક્તિએ પોતાની આંખોને કેળવવી જોઈએ. રેખાઓની ગુણવત્તા, ઘડતર, આકાર અને રંગોને મૂલવવા અનુભવ દ્વારા શીખવું જરૂરી છે. મને જો આંખો હોત તો આ આકર્ષક અભ્યાસ કરવા માટે મને અત્યંત ખુશી થતે!

બીજા દિવસની સાંજ હું કોઈ નાટ્યગૃહ કે સિનેમાગૃહમાં વિતાવું. હેમલેટનું મોહક રૂપ જોવા કે તોફાની ફેલસ્તાફને રંગબેરંગી એલીઝાબેથિયન શણગારમાં જોવા હું કેટલી ઉત્સુક છું. હાલમાં હું તાલબદ્ધ ગતિની સુંદરતાને માણી નથી શકતી જે મારા હાથના સ્પર્શના ક્ષેત્ર સુધી સીમિત છે. પણ હું કોઈ નૃત્યકારના હલનચલનની મોહકતાની ધૂંધળી ઝાંખી કરી શકું છું, જો કે મને સંગીતની તાલબદ્ધતાનો ખયાલ છે, કારણ ઘણીવાર હું સંગીતના તાલથી ભોંય પર થતા કંપનને મારા પગ વડે અનુભવું છું. હું ધારું છું કે ચઢઉતર થતું હલનચલન એ જગતનું એક અદભુત અને આનંદદાયક દ્રશ્ય હશે. કંડારેલ આરસની રૂપરેખાને મારા સ્પર્શથી મહદ અંશે મેં આ અનુભવ્યું છે; જો આ સ્થિર સુંદરતા આટલી રોચક હોય તો આ સુંદરતાને હલનચલન થતી જોવાનો રોમાંચ કેટલો બધો આનંદદાયક હશે!

પછીના દિવસે સવારે હું પરોઢને આવકારું, નવા આનંદપ્રમોદને શોધવા, સુંદરતાની નવી શોધ કરવા. આજે, આ ત્રીજા દિવસે હું કાર્યકારી જગતમાં વિતાવું, માનવીઓનાં કાર્યકારી જીવનની વચ્ચે. શહેર મારું નિર્દિષ્ટ સ્થાન બનશે.

પહેલા તો હું એક વ્યસ્ત ખૂણે ઊભી રહી લોકોને જોયા કરું અને તેમની રોજીંદી જિંદગીને સમજવા પ્રયત્ન કરું. તેમને હસતાં જોઈ હું ખુશ થાઉં, તેમનો ગંભીર નિર્ધાર જોઉં અને હું ગર્વ અનુભવું. હું પીડા જોઉં અને હું દયાળુ બની જાઉં. હું ન્યૂયોર્કનાં ફિફ્થ એવેન્યુમાં લટાર મારું. હું મારી આંખોને ફોકસની બહાર રાખું જેથી હું કોઈ ચોક્કસ વસ્તુ ન જોતાં રંગોના વૈવિધ્યને નિહાળું. મને ખાત્રી છે કે ટોળામાં ફરતી સ્ત્રીઓના વસ્ત્રોના રંગ એ એક ભવ્ય દ્રશ્ય હશે જે જોતાં હું નહિ થાકું. પણ જો મને દૃષ્ટિ હોત તો હું પણ બીજી સ્ત્રીઓની માફક હોત – ફેશનમાં રસ રાખતે અને રંગોની ભવ્યતા તરફ ધ્યાન રાખતે.

ફિફ્થ એવેન્યુથી આગળ હું શહેરનો પ્રવાસ કરું – શહેરની ઝૂપડપટ્ટીમાં, કારખાનાઓમાં, બગીચાઓમાં જ્યાં બાળકો રમતાં હોય. હું પરદેશનાં ઘરોમાં રહેવા બહારગામ પ્રવાસ કરું. મારી આંખો હંમેશા પ્રસન્નતા અને દુ:ખને જોવા ખુલ્લી રાખું જેથી હું ઊંડાણથી તપાસ કરી શકું કે લોકો કેવી રીતે કામ કરે છે અને રહે છે અને તે જોઈ મારી સમજમાં વધારો કરું.

મારો દૃષ્ટિનો ત્રીજો દિવસ. અંત નજીક આવે છે. કદાચ બીજી ઘણી ગંભીર પ્રવૃત્તિઓ હશે જેમાં હું મારાં બાકી રહેલા કલાકો અર્પું, પણ હું દ્વિધામાં છું એટલે સાંજે કદાચ હું ફરી નાટ્યગૃહ તરફ દોડી જાઉં, કોઈ પ્રહસન જોવા જેથી હું મનુષ્યના સ્વભાવમાં રહેલ રમૂજની કદર કરી શકું.

મધ્યરાત્રિએ મારામાં કાયમ માટેની રાત્રિ છવાઈ જશે. એ હકીકત છે કે આ ત્રણ દિવસમાં મારે જે બધું જોવાનું હતું તે હું જોઈ નથી શકી. જ્યારે અંધકાર મને ઘેરી વળશે ત્યારે મને સમજાશે કે મારે કેટલું બધું જોવાનું બાકી રહ્યું છે.

જો તમે જાણતા હો કે તમે અંધત્વને પામવાના છો તો કદાચ તમે નક્કી કરેલ કાર્યક્રમની સાથે આ ટૂંકી રૂપરેખા સુસંગત ન પણ થાય. પણ મને ખાત્રી છે કે જો આની જાણ હોય તો તમે તમારી આંખોનો ઉપયોગ પહેલાં કદી ન કર્યો હોય એટલો કરશો. તમે જે પણ જોયું હશે તે તમારા માટે અતિપ્રિય બની રહેશે. તમારી આંખોની મર્યાદામાં જે વસ્તુ હશે તેને તે સ્પર્શશે અને તે દરેક ચીજને નજરબદ્ધ કરશે. પછી અંતે તમે ખરેખર જોઈ શકશો ત્યારે સુંદરતાની એક નવી દુનિયા તમારી સમક્ષ પ્રગટ થશે.

હું એક અંધ વ્યક્તિ છું પણ દેખતા લોકોને એક સૂચન કરું છું. તમારી આંખોનો એટલો ઉપયોગ કરો જાણે કાલે તમે અંધ થવાના છો. અને એ જ રીતે અન્ય ઇન્દ્રિયોનો પણ ઉપયોગ કરો. સાંભળો અવાજના સંગીતને, પંખીના ગીતને, ઓરકેસ્ટ્રાના સુરોને, જાણે તમે કાલે બધિર થવાના છો. દરેક ચીજને એ રીતે સ્પર્શો જાણે આવતી કાલે તમારી સ્પર્શની શક્તિ લુપ્ત થવાની છે. ફૂલોની સુગંધને માણો, દરેક કોળિયાનો આસ્વાદ લો, જાણે આવતી કાલે તમે સૂંઘવાની કે સ્વાદ માણવાની શક્તિ ગુમાવશો. દરેક ઈન્દ્રિયનો ભરપૂર લાભ લો, જગતના દરેક આનંદ અને સુંદરતાના ભવ્યતાનાં પાસાને પરખો જે કુદરત તમારી સમક્ષ જુદા જુદા સંપર્કના માધ્યમ દ્વારા પ્રગટ કરે છે. પણ આ બધી શક્તિઓમાં મને ખાત્રી છે કે દૃષ્ટિની શક્તિ અતિ આનંદદાયક હશે.


સંપર્ક સૂત્રો :-

નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *