બીઝનેસ સૂત્ર | ૩.૩| રામાયણ અને મહાભારત

Facebooktwitterredditpinterestlinkedinmail

બીઝનેસ સૂત્ર | | ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચાર

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા ત્રણ ભાગમાં કરી, જેમાં તેમણે કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક વિષે ભારતીય પુરાણશાસ્ત્રનાં અર્થઘટનોની રસપ્રદ રજૂઆત કરી.

નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વના વિષય વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે..

બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચાર સાંકળી લીધેલ છે. પહેલા ભાગમાં ધર્મ અને સંકટ વિષેની મૂળભૂત ચર્ચા કર્યા બાદ આજના આ બીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈક માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધને ભારતીય પુરાણોના નીતિશાસ્ત્રના દૃષ્ટિકોણથી રજૂ કરે છે. આજનો ત્રીજો ભાગ ધર્મ – ખરેખર શું હોવું જોઈએ – વિષે રામાયણ અને મહાભારત એમ બન્નેના સામસામા દેખાતા દૃષ્ટિકોણને આપણી સમક્ષ રજૂ કરે છે.

બીઝનેસ સૂત્ર | ૩.૩| રામાયણ અને મહાભારત

પશ્ચિમ જગતનો રામાયણની જેમ નિયમ-આધારિત-સિધ્ધાંતોનું-પાલન કે મહાભારતની જેમ સિધ્ધાંત-આધારિત-નિયમ-પાલન દૃષ્ટિકોણ ભારતનાં પુરાણોના દૃષ્ટિકોણથી તાત્ત્વિક કક્ષાએ જ અલગ રહ્યો છે.

પશ્ચિમ જગતના દૃષ્ટિકોણમાં ધ્યેય નિયમ કે સિધ્ધાંતનાં અનુપાલનનું રહેતું જોવા મળે છે, જ્યારે હિંદુ પુરાણોમાં તે જીવન શૈલીનો આધાર બનેલો રહેતો જોવા મળે છે.પશ્ચિમ જગતનાં આ વિષય પર વર્તમાન વિચારસરણીથી પરિચિત થવા માટે અહીં ત્રણ લેખ આપની સમક્ષ રજૂ કરેલ છે:

The shift from rules-based to principles-based companies: લીન્ડા ગ્રેટ્ટન કંપનીઓની વર્તણૂકનો ત્રીસેક વર્ષથી અભ્યાસ કરી રહ્યાં છે. પણ છેલ્લાં વર્ષોમાં તેમણે જે કંઇ જોયું તે તેમને પણ અચરજ પમાડતું લાગ્યું. વૈશ્વિકીકરણ, હાઈપર-કનેક્ટિવટી અને વૈશ્વિક નાણાકીય અસ્થિરતા જેવા મહા-પ્રવાહોની અસર હેઠળ લંડન બીઝનેસ સ્કૂલનાં મૅનેજમૅન્ટ પ્રેક્ટીસનાં પ્રાધ્યાપકે સંસ્થાનાં નિયમ-આધારિત મૉડેલમાં ઘસારો જોયો છે અને સામે સિધ્ધાંત-પ્રેરિત કંપનીઓની સંખ્યામાં વધારો જોયો છે.

Principles-Based Regulation and Compliance: A Framework for Sustainable Integrity – સ્પર્ધાત્મક બની રહેવા, કે પછી આજનાં સંકુલ અને અનિશ્ચિત વાતાવરણમાં માત્ર ટકી રહેવા માટે પાયાની પ્રવર્તક વિચારસરણીઓએ કે નવપરિવર્તનોએ ઉત્પાદનો કે સેવાઓ પૂરતી દૃષ્ટિ મર્યાદાને અતિક્રમવી રહેશે.કંપનીઓનાં સામાજિક મૂલ્યના વિકાસ અને મૅનેજમૅન્ટને આવરી લેવાં રહેશે. વ્યવસ્થિતપણે વિકાસ પામતી અનુપાલન તંત્રવ્યવસ્થાનાં એન્જિનીયરીંગ અને ડીઝાઈનમાં પૂરેપૂરું ખૂંપી જવું જોઈશે. સાંસ્કૃતિક પર્યાવરણની અખંડતતાનાં મૂળીયાં જડ ઘાલી શકે એ માટે જરૂરી પ્રોત્સાહનો પૂરાં પાડવાં જોઈશે. ગતિશીલ જોખમી વાતાવરણમાં આ બધાં અનૂકુલનક્ષમતા અને સાહસના પાયાનું ઘડતર કરે છે….સામાજિક ન્યાય, પર્યાવરણીય બાબતો, આર્થિક સમાનતા જેવાં વ્યાપારઉદ્યોગના બીનબજારલક્ષી પાસાંઓ ધીમે ધીમે વ્યાપારની લાંબા ગાળાની સફળતાનાં વધારે મહત્વનાં અંગ બનતાં ગયાં છે. તે સાથે જ ,આ ગણતરીઓએ વ્યાપારને માત્ર વ્યવહારગત ન રહેવા દેતાં વધારે ને વધારે સંબંધ-આધારિત પણ બનાવેલ છે.

A 21st century model based on principles, not rules – સિધ્ધાંત-આધારિત શાસન માળખાંની જરૂરિયાતને ઈંધણ પૂરૂં પાડ્યું છે સંસ્થાઓની જાહેરમાં થતી અને વ્યાપક બનતી જતી ઝીણવટભરી તપાસે. સામાજિક માધ્યમો અને ટેક્નોલોજીના વિકાસ સાથે આ વલણ વધારે પ્રભાવશાળી પણ થતું રહેશે. લોકોની નજરોથી દૂર રહીને સંસ્થાઓ પોતાની પ્રવૃત્તિઓ કરી શકે એવાં ‘અંધારા ખૂણાઓ’ બહુ જૂજ જ બચ્યા છે. જે રીતે સરકારો પગલાં ભરી રહી છે કે વ્યાપાર સંસ્થાઓના વ્યવહારો થઇ રહ્યા છે તેમાં પણ ફેરફારો થવા લાગ્યા છે, અને હજૂ પણ થતા રહેશે. આ સંજોગોમાં દરેક સંસ્થાનો તેનાં શાસન-માળખાં વિષેનો અભિગમ હવે તેનાં મૂલ્યોને વધારે ને વધારે પ્રમાણમાં નક્કી કરશે.

આજના અંકમાં આ વિષયની ચર્ચાના, ‘બીઝનેસ સૂત્ર‘ શ્રેણીના ત્રીજા અંકના ત્રીજા ભાગમાં રામાયણની સામે મહાભારત’ – ધર્મના આચાર વિચારના બે છેડાના અભિગમ-ની વાત કરીશું.

આપણે ધર્મની વાત કરી અને ધર્મસંકટની વાત પણ કરી. મહાભારત અને રામાયણ બન્ને ધર્મ – સિધ્ધાંત – તરફના માર્ગના જૂદા જૂદા માર્ગ બતાવતાં જણાય છે. બન્નેમાં ધર્મસંકટ કોને કહેવું તે પણ અલગ અલગ રીતે સમજાવાયું જણાય છે. આજે આ વિષે એક સવાલ અજય પિરામલ આપણને કરે છે.

મહાભારત તેમ જ રામાયણમાંથી આજના યુગ માટે શું શીખ મેળવી શકાય ? ઘણી વાર આ ગ્રંથોનાં સીધાં સીધાં વાચનથી બન્નેમાં બહુ વિરોધાભાસો જોવા મળે છે. આપણે શું સમજવું તે જણાવશો?

રામાયણ અને મહાભારત બન્ને ઈતિહાસ ગણવામાં આવે છે. સામાન્ય સમજ મુજબ ઈતિહાસ એ સમયની તવારીખ મુજબની ઘટનાઓના વર્ણનનો દસ્તાવેજ મનાય છે. પણ ખરા અર્થમાં તો તે કાળનિરપેક્ષ છે, એટલે કે એમ હતું, એમ છે અને એમ હશે. આમ એક દૃષ્ટિએ તે કાલાતિત છે. બીજો દૃષ્ટિકોણ રામાયણ અને મહાભાતરતના પરિપ્રેક્ષ્યમાં છે. બન્ને જૂદા સંદર્ભ કાળમાં રહેલ છે.આમ બન્નેને સરખા ગણવા એ યોગ્ય નથી. પાશ્ચાત્ય જગત આ જ ભૂલ કરી રહ્યું છે અને આપણને પણ એ જ દૃષ્ટિએ જોવા ફરજ પાડી રહ્યું છે.

પશ્ચિમને એક સરખાં ધોરણનું ગાંડું છે, પણ આપણી જીવનશૈલી તો સ્વાદાનુસાર છે – એક છે દ્વાપર યુગનો અને બીજો છે ત્રેતા યુગનો. ત્રેતા પહેલાંનો, કંઈક અંશે નિર્દોષ, સમયકાળ છે, જ્યારે દ્વાપર એ પછીનો, થોડો ગહન સમયકાળ છે. આ સમયની સંસ્થાઓ કંઈક અંશે ભ્રષ્ટ વિચારસરણી અનુસાર ચાલતી જોવા મળે છે.

આપણે ધર્મની ફેરમુલાકાત કરીએ –

અને હવે ધર્મ અને નિયમોનાં ૨x૨નાં એક બહુ સરળ કોષ્ટક વડે રામાયણ અને મહાભારતને સમજવા કોશીશ કરીએ:

એક તરફ નિયમો છે – નિયમોનું પાલન થાય અથવા તો નિયમવિરુધ્ધ વાણીવર્તનવિચાર થાય. બીજી તરફ છે ધર્મ – સિધ્ધાંતો. ધર્મપાલન થાય અથવા તો ધર્મવિરુધ્ધ આચરણ થાય. હવે આપણે જોઇએ છીએ કે રામાયણમાં રામ ધર્મપાલન પણ કરે છે અને નિયમાનુસાર પણ વર્તે છે. એ જે કંઈ કરે છે એ બીજાં માટે છે – મોટા ભાગે પોતાનાં હિતોના ભોગે પણ. એ વનમાં જાય તો પણ વિપદાઓ નડે અને મહેલમાં હોય તો પણ દુઃખો કનડે. તેમની સાવ જ વિરુધ્ધ છે મહાબલિ, મહાજ્ઞાની એવી વ્યક્તિ જે આજે ઘણા લોકોને પસંદ પણ પડે છે, જે આજના સમયની વિચારધારાનું એક બહુ આગવું ચિત્રણ કહી શકાય.એ છે રાવણ. તેનું આચરણ ન તો ધર્માનુસાર કે ન તો કોઈ નિયમાનુસાર. તારી પત્ની એ મારી પત્ની. હું તો દાનવ છું. મારો પુત્ર મૃત્યુ પામે કે પછી ભાઈઓ મૃત્યુ પામે, હું તો મારાં રમકડાંની લીધેલી જીદ છોડું જ નહીં ને ! એ થઈ રાવણવૃત્તિ.

અને હવે આ જ ચિત્રને ફરીથી જોઈએ – કૃષ્ણ નિયમોને વાળીચોળી તોડીફોડી નાખતા જોવા મળશે, પણ સિધ્ધાંતને ઊની આંચ નથી આવવા દેતા. જે કંઇ કરે એ કરવામાં આવે બીજા માટે. અને હવે તેની સામે બીજાં એક લોકપ્રિય પાત્ર પર નજર કરીએ. એ ક્યારે પણ નિયમ નથી તોડતો , તો સિધ્ધાંતાનુસાર કંઇ કરતો પણ નથી. નિયમનું શબ્દશઃ પાલન કરે પણ નિયમ ના હાર્દનું નહીં. આમ ડાબી બાજૂને હાર્દ કહી શકાય જ્યારે જમણી બાજૂ છે શબ્દ. ડાબી બાજૂ ઉપરને ખૂણે છે માન્યતા અને જમણી બાજૂને નીચેને ખૂણે છે વર્તન. એ દેખાડો કરનારો છે.

આમાં યુધિષ્ઠિરે ક્યાં આવે?

યુધિષ્ઠિર એ એવી વ્યક્તિ છે જેને રામ બનવું છે. એ માટે તે રાવણના મર્ગ પરથી રામ તરફ ગતિ કરવા માગે છે, જેમાં તે કૃષ્ણની મદદ લે છે. તેની સત્યનિષ્ઠા નિયમો માટ એછે, સત્યનાં હાર્દ માટે નહી. એ સમજ્યો નથી કે સત્ય નિયમો અને સિધ્ધાંતો એ બન્નેથી અલગ ન હોઈ શકે. મહાભારતની આખી કથાનું કેન્દ્ર સિધ્ધાંતપાલન છે. જ્યારે એક નારીનું વસ્ત્રાહરણ થતું હોય છે ત્યારે રાજ્યસભામાં એ વસ્ત્રાહરણ કાયદા અનુસાર છે કે કેમ તેની કાયદેસરતાની ચર્ચા કરાય છે. ભિષ્મ અને દ્રોણ જેવા ખૂબ જ જ્ઞાની અને પરિપક્વ વડીલો એક નારીનાં ચીરનું હરણ થતું ચૂપચાપ જોઈ રહે છે. તેમની દૃષ્ટિએ તેઓ દુર્યોધનનું લૂણ ખાય છે એટલે નિયમાનુસાર તેઓ તેના નિર્ણયની વિરુધ્ધ ન બોલી શકે કે ન જઈ શકે.

આ વાતની સાથે યાદ આવે છે કે રામાયણ થોડા જૂના નિર્દોષ કાળના સંદર્ભમાં રચાયું છે જ્યારે મહાભારત પ્રમાણમાં ઓછા જૂના, કંઈક અંશે ગહન, કાળમાં રચાયું છે.

મહાભારત સંસ્થાના પક્વ જીવનકાળને દર્શાવે છે, તો રામાયણ સંસ્થાના એકદમ શરૂઆતના સમયને દર્શાવે છે. શરૂના સમયમાં સંસ્થાએ હજૂ તાજી તાજી સફળતા ચાખી છે – બજાર, સજોગો બધું જ સાનૂકુળ છે. સિધ્ધાંતો હજૂ હમણાં જ પ્રસ્થાપિત થયા છે. આમ ચારે તરફ ખૂબ ઉત્સાહ છે, ચોમેર નવીનતા છે. લોકો હજૂ એટલાં સ્માર્ટ નથી થયાં કે સિધ્ધાંતોને બાજૂએ કરી આગળ વધે.

પક્વ બની ચૂકેલ સંસ્થામાં લોકો સિધ્ધાંતોને ભૂલવા લાગ્યાં છે. એટલે નિયમો પર હવે વધારે ભાર મૂકવામાં આવે છે.

ભૂલાયેલા સિધ્ધાંતોની જગ્યાએ હવે નિયમો મહત્ત્વના બની રહ્યા છે. સંસ્થા હવે વધારે તુમારશાહી બનવા લાગે છે. નિયમાધીન અમલદાર માટે નિયમનો શબ્દ મહત્ત્વની બની જાય છે, નિયમનું હાર્દ નહીં. કોઈ પણ તુમારશાહીની જેમ કામ બધું નિયમાનુસાર જ થતું હોય પણ લોકો ભૂખ્યાં રહેતાં હોય. આમ સિધ્ધાંત ભૂલીને એક સ્ત્રીનું વસ્ત્રાહરણ થઇ રહ્યું છે તો પણ કોઈની ધરપકડ નથી થઈ.

લોકોને રામ જોઈએ છે, એટલે નિયમો બનાવવામાં આવે છે. પણ રામ નિયમોથી નથી બનતા.

હવે પછી આપણે દેવદત્ત પટનાઈકની બીઝનેસ સૂત્ર શ્રેણીના ચોથા અંકસંઘર્ષ-ના બે ભાગની ચર્ચા કરીશું.

નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *