ફિર દેખો યારોં : કૈસે કહેં કિ તેરે કરજદાર હમ નહીં…..

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

વિનાશના હોય કે વિકાસના, મોટા મોટા આંકડાઓ અખબારોના સમાચારના કે જાહેરખબરોના શિર્ષક પૂરતા ઠીક છે. સામાન્ય માણસને તે ખાસ સ્પર્શતા નથી. પોતાની આર્થિક ગોઠવણોનાં નાનાં નાનાં યુદ્ધો તેણે રોજેરોજ લડવા પડતાં હોય છે. એક સમય હતો કે નાની બચતનું ખૂબ મહત્ત્વ હતું અને ખુદ સરકાર દ્વારા નાની બચતને પ્રોત્સાહન આપતી અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી હતી. ‘પીગી બૅન્‍ક’ અથવા તો તેના દેશી સ્વરૂપ જેવો માટીનો ગલ્લો નાની બચતનું પ્રતીક ગણાતો. બૅન્કના મેનેજરો શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને બચતનું મહત્ત્વ સમજાવતા અને માત્ર પાંચ રૂપિયા જેવી નાની રકમથી બૅન્કમાં ખાતું ખૂલી શકે છે એમ સમજાવીને એ માટે પ્રોત્સાહિત કરતા. ઘણી બૅન્‍કો ભેટ તરીકે પ્લાસ્ટિકનો ગલ્લો પણ આપતી. વૈશ્વિકીકરણ પછી ઉપભોક્તાવાદની બોલબાલા વધી અને અવનવી ચીજોએ બજારમાં પ્રવેશ કર્યો. તેને પગલે નાણાંની બચતનું નહીં, પણ નાણાં ખર્ચવાનું મહત્ત્વ વધવા લાગ્યું. ઉપભોક્તાવાદની ખૂબી એ છે કે એમાં કોઈ પણ ચીજ કોઈની પહોંચ બહાર હોય એવું લાગતું નથી. બસ, સહેજ જોર કરીએ કે એ આપણા હાથમાં આવી જ છે, એમ લાગે છે. હાથ લંબાવીને કોઈ ચીજને મેળવી લેવાની દોડ અનંત ચાલી શકે એવી હોય છે, તેને કારણે માણસની સ્થિતિ જેની આગળ ગાજર લટકાવાયું હોય એવા ગધેડા જેવી થાય છે. આવકના સ્રોત એના એ જ રહ્યા હોય, અને ખર્ચ કરવાનાં ઠેકાણાં અનેકગણાં વધી રહ્યાં હોય ત્યારે બહુ વિચિત્ર સ્થિતિ અને સમસ્યાઓ ઉદ્‍ભવે છે. કેટલાં નાણાં એક પરિવારના ખર્ચ માટે પર્યાપ્ત થઈ રહેશે એનો અંદાજ આવવો મુશ્કેલ બની રહે છે. આટલું ઓછું હોય એમ એક સમયે મદદગાર અને મિત્રની ભૂમિકા ભજવતી લાગતી બૅન્‍ક જાણે કે ઉઘરાણીખોર પઠાણની ભૂમિકામાં આવી ગઈ લાગે છે.

બૅન્‍કોની આ બદલાયેલી ભૂમિકાનું કારણ શું છે એ સામાન્ય માણસ માટે સમજવું મુશ્કેલ છે, પણ બૅન્કોની એ છાપ દૃઢ બની રહી છે કે મોટાં માછલાંને તે આસાનીથી જવા દે છે અને નાના ખાતેદારોની તેને કશી પરવા નથી. તાજેતરમાં પ્રકાશિત કેટલાક આંકડા પર નજર કરવા જેવી છે, જે દેશની અગ્રણી ક્રેડીટ બ્યુરો ‘ટ્રાન્‍સયુનિયન સીબીલ’ (સી.આઈ.બી.આઈ.એલ.) દ્વારા પ્રાપ્ત થયેલા છે. આ અહેવાલ મુજબ 2013 થી ઉત્તરોત્તર ‘વીલફુલ ડીફૉલ્ટ’ (ઈરાદાપૂર્વક કરજચૂક) ની રકમમાં વધારો થઈ રહ્યો છે. આનો અર્થ એ કે કોઈ સંજોગોવશાત્‍ નહીં, પણ જાણીબૂઝીને બૅન્‍ક પાસેથી ઉછીની લીધેલી રકમ કરજદારો ચૂકવતા નથી. માર્ચ, 2013માં આ આંકડો 25,410 કરોડનો હતો, જે સતત વધતો વધતો માર્ચ, 2017માં 1,09,594 કરોડે પહોંચ્યો છે. માર્ચ, 2016માં તે રકમ 74, 694 કરોડ હતી, જેમાં માત્ર એક જ વર્ષમાં 45 ટકા જેટલો વધારો થઈ ગયો છે. આ યાદીમાં સૌથી ટોચે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્‍ડિયા છે, બીજા ક્રમે પંજાબ નેશનલ બૅન્ક છે, જ્યારે બૅન્ક ઑફ બરોડા ત્રીજા સ્થાને છે. સ્વાભાવિક છે કે દરેક બૅન્‍ક પાસે આવા કરજદાતાઓનાં નામઠામ હોય જ. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ બૅન્ક નાણાં ધીરે ત્યારે અને ત્યાર પછીના અરસામાં અરસામાં કરજદારના વલણ પરથી તેને કરજદારના ઈરાદા વિષેના સંકેત મળી જતા હોય છે. તેને અનુસરીને વેળાસર પગલાં લેવામાં આવે તો આટલી મોટી કટોકટીને નિવારી શકાય.

આ આંકડા અલબત્ત, રાષ્ટ્રીય સ્તરના છે. ગુજરાતની બૅન્‍કોની શી સ્થિતિ છે એ પણ જોવા જેવું છે. જૂન, 2017ના રોજ સમાપ્ત થતા પહેલા ત્રિમાસિક દરમ્યાન રાજ્યભરની તમામ બૅન્કોની એન.પી.એ.નો આંકડો પાંત્રીસ હજાર કરોડને આંબી ગયો હોવાનો સ્ટેટ લેવલ બૅન્‍કર્સ કમિટી (એસ.એલ.બી.સી.)નો અહેવાલ છે. જૂન, 2014માં નોંધાયેલા આંકડા કરતાં આ આંકડો બમણાથી વધુ છે. એન.પી.એ. એટલે ‘નોન પરફોર્મિંગ એસેટ્સ’, જેને સરળ ભાષામાં ‘પાછું ન આવવાની શક્યતા ધરાવતું કરજ’ કહી શકાય.

પહેલી નજરે આંકડાઓની માયાજાળ જણાય એવા આ અહેવાલમાં બીજી અનેક બાબતોનો સમાવેશ કરાયો હશે, જેમ કે, કયાં ક્ષેત્રે વધુ લોન અપાય છે, કયાં ક્ષેત્રેથી તે પરત થતી નથી વગેરે..

બન્ને અહેવાલોનો હેતુ અલગ છે. એકમાં જાણીબૂઝીને કરજ પરત ન કરનારાના આંકડા છે, તો બીજામાં એક યા બીજા કારણસર કરજ જતું કરવું પડવાની સ્થિતિથી સર્જાયેલા દેવાની વાત છે. આમ છતાં, બન્નેમાં સામ્ય હોય તો એટલું કે આ રકમ બૅન્કોએ હવે ભૂલી જવાની છે. ઈરાદાપૂર્વક નહીં ચૂકવાનાર કરજનો આંકડો આ લેખમાં આગળ જોયો, જે 1,09,594 કરોડનો છે. આ આંકડો કેટલો મોટો કહેવાય? માત્ર સરખામણી ખાતર જાણવા જેવું છે કે તાજેતરમાં જાપાનના વડાપ્રધાનની મુલાકાત વખતે અમદાવાદ-મુંબઈ વચ્ચેના સૂચિત બુલેટ ટ્રેન પ્રકલ્પનું ઉદ્‍ઘાટન થયું એ આખા પ્રકલ્પનો અંદાજિત ખર્ચ 1,100,000 કરોડ રૂપિયા છે. આ પ્રકલ્પના 81 % રકમ એટલે કે 88,087 કરોડ રૂપિયા જે.આઈ.સી.એ. (જાપાન ઈન્‍ટરનેશનલ કોર્પોરેટ એજન્‍સી) પચાસ વર્ષ સુધીના કરજ પેટે પૂરી પાડશે. આમ, જોઈ શકાશે કે લોનની આ રકમ કરતાં ‘વીલફુલ ડીફૉલ્ટ’ની રકમ વધી જાય છે. બીજી રીતે જોઈએ તો આનંદીબેન પટેલની સરકાર વખતે ગુજરાત સરકારે આપેલા આંકડા મુજબ નર્મદા યોજના પાછળ થયેલો કુલ ખર્ચ 47,000 કરોડ કરતાં વધુ હતો. આ આંકડાને પણ ‘વીલફુલ ડીફૉલ્ટ’ની સામે મૂકતાં સમજાશે કે આવા કરજનું શું મૂલ્ય છે? આવી અનેક સરખામણીઓ કરી શકાય એમ છે.

આમ થવાનાં અનેક કારણ હશે, જેમાંનાં કેટલાંક કદાચ સાચાં પણ હોઈ શકે. આમ છતાં કાયદાનો ભરડો નાણાંકીય અપરાધ કરનારાઓને ભીંસ લેવા માટે ટૂંકો પડે છે એ હકીકત છે. ઑલ ઈન્ડીયા બૅન્ક એમ્પ્લોઈઝ એસોસીયેશનના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચલમે બૅન્કનું કરજ ન ચૂકવવાને ફોજદારી ગુનો ગણીને પગલાં લેવાંની દરખાસ્ત કરી છે. શું આ મામલે બૅન્‍ક ખરેખર કશું કરી શકે એમ નથી હોતી? સરકારની આ મામલે કશી જવાબદારી નથી બનતી? જરૂર પડે તો નાણાંકીય અપરાધની સજાનો કાયદો વધુ કડક કેમ ન બનાવી શકાય? બૅન્‍ક પોતે જો આ રીતે આટલી મોટી રકમ જતી કરે તો એનાથી એવો ખોટો દાખલો ન બેસે કે દેવું કરવું તો મોટી રકમનું જ કરવું, જેથી કોઈ વાળ પણ વાંકો ન કરી શકે? વાસ્તવિક નથી કે ન હોઈ શકે, પણ એવી રમૂજ કરવાની લાલચ અવશ્ય થઈ આવે કે જે રીતે બૅન્‍ક હવે નાના ખાતેદારોની પાછળ પડીને અવનવા શુલ્ક લગાડીને તેને વાજબી ઠેરવી રહી છે એ જોતાં મોટા દેવાદારોએ પાડેલી ખાધ તે નાના ખાતેદારો પાસેથી વસૂલી રહી છે. નાના ખાતેદારોએ પોતાનો માટીનો ગલ્લો ક્યારનો તોડી નાંખ્યો છે. હવે બૅન્કનાં અવનવાં શુલ્ક ચૂકવવા માટે તેમણે ફરી ગલ્લો વસાવવો પડે તો નવાઈ નહીં.ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૯-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com  

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : કૈસે કહેં કિ તેરે કરજદાર હમ નહીં…..

 1. Piyush Pandya
  October 5, 2017 at 9:51 am

  હવે ગલ્લાવાળાઓનો નહીં, દલ્લાવાળાઓનો સમય આવ્યો છે. અને વિલફુલ ડીફોલ્ટર્સ તો સામાજિક/સાહિત્યિક/રાજકીય સમારંભોમાં પ્રમુખસ્થાને બેસતા થઈ ગયા છે. આભડછેટ તો આવાઓની હોવી જોઈએ.

 2. October 5, 2017 at 4:58 pm

  એમ કેમ કે ગ્રામીણ બેન્ક ના આંકડા જુદી જ બાબત પર પ્રકાશ નાંખે છે?

  સંદર્ભ લેખ …
  https://gadyasoor.wordpress.com/2010/06/25/mohammad_yunus/

  • October 6, 2017 at 10:42 am

   સુરેશભાઈ, ગ્રામીણ બેન્‍કના આંકડાની સરખામણી આ આંંકડા સાથે સરખાવાનો શો અર્થ? એ બેન્‍કનો હેતુ જુદો છે. અહીં જે આંકડા આપ્યા છે, એ વ્યવસાય કરતી મુખ્ય ધારાની બેન્‍કના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *