– સમીર ધોળકિયા
ઘણી વાર અમદાવાદ અને બીજાં સ્થળોએ લટાર મારતાં જૂની વિશાળ હવેલીઓ, ઇમારતો અને ઘરો જોવા મળે છે. મોટા ભાગની ઇમારતો જોઈને એમ લાગે કે આ બધાના સારા દિવસો પાછળ રહી ગયા છે અને એક ભવ્ય હવેલી ખંડેર થવાના રસ્તે જઈ રહી છે. વધારે વિચારતાં એમ પણ થાય કે એમના જૂના ભવ્ય દિવસો કેવા હશે અને તે બાંધનાર કેવા માનવો હશે. પછી એમ પણ થાય કે આટલા શક્તિમાન લોકોની પછીની પેઢી આવી ઇમારતો બાંધી ન શકે તો કંઈ નહિ પણ જાળવી પણ ન શકે ? અમદાવાદના કાપડ ઉદ્યોગના સુવર્ણકાળના મોટા ભાગના ઉદ્યોગપતિઓ/મિલમાલિકોનાં કુટુંબોની આજે હાલત શું છે? આના પર કોઈ વિદ્વાને કંઈ લખ્યું હોય/તપાસ્યું હોય તો મને ખબર નથી પણ આ એક વિચારવાનો તો વિષય તો છે જ કે મહામાનવોની પછીની પેઢી વારસો અને મિલકત વધારી ન શકે તો કંઈ નહિ પણ જાળવી પણ નથી શકતી એવું કેમ? બીજા કસ્તુરભાઈ લાલભાઈ કે બીજા અંબાલાલ સારાભાઈ કે બીજા મફત ગગલ કેમ પેદા થતા નથી?
આપણા સૌથી વધુ ચર્ચિત અને જાણીતા વિષય છે સિનેઉદ્યોગ અને રાજકારણ. આ બંને ક્ષેત્રમાં જોઈએ તો મહાન વ્યક્તિઓનાં કેટલા સંતાન તેમના વડીલોની કક્ષાએ પહોંચ્યાં? વિદિત છે કે બહુ જ ઓછાં. મને કોઈ વાર વિચાર આવે કે જે સંતાનોને સારામાં સારું શિક્ષણ અને વાતાવરણ મળ્યું હોવા છતાં એ સંતાનો વડીલોની ઊંચાઈએ કેમ પહોંચી શકતાં નથી (થોડા અપવાદને બાદ કરતાં). સંગીત અને કળા ક્ષેત્રે રાહુલ દેવ બર્મન, જાવેદ અખ્તર અને કપૂર કુટુંબ સિવાય બહુ ઓછા વરસો સાચા અર્થમાં વારસો જાળવી કે આગળ વધારી શક્યા છે. રાજકારણ ક્ષેત્રે તો વારસદારોનો મેળો છે પણ કોઈ પણ આગલી પેઢીની મૂળ વ્યક્તિઓ જેવા પ્રભાવશાળી થઈ શક્યા નથી. ઉદ્યોગજગતમાં પણ લગભગ એવી જ પરિસ્થિતિ છે
સાથે સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે આ બધા ક્ષેત્રોમાં કોઈ એવા પણ છે જેઓએ વારસાને માત્ર જાળવ્યો જ નથી પણ આગળ પણ વધાર્યો છે. પણ તેવા લોકો થોડા છે
મને હમેશા આ સવાલ મનમાં રહ્યો છે કે આવું કેમ ?
સફળતા માટે જરૂરી છે તે ક્ષેત્ર ની હોશિયારી, જ્ઞાન અને અનુભવની, પણ વધારે જરૂરિયાત છે આગળ વધવાની અદમ્ય ઈચ્છા, કંઇક નવું કરવાની ધગશ અને હાર ન માનવાની વૃતિની. જે લોકો પૈસા, સગવડ સાથે જન્મે છે તેમને તાલીમ અને વાતાવરણ તો મળી જાય છે અને તે પણ સહેલાઈથી. પણ અભાવ છે તો તે સંઘર્ષનો. પોતાની પરિસ્થિતિ સંતોષકારક હોય તો આગળ વધવાની અને કંઇક નવું તેમજ કંઇક સર્જનાત્મક કરવાની ઇચ્છા ઓછી થઈ જાય તે પણ સમજી શકાય. તેમની આગળની પેઢીને જે સંઘર્ષ કરવો પડ્યો તેને કારણે તેમને જે અનુભવ મળ્યો જેમાં હંગામી અને ઘણી વાર મોટી નિષ્ફળતા પણ સામેલ હતી તે વસ્તુઓએ એ પેઢીને સોના જેમ તપાવીને શુદ્ધ કર્યા અને લોખંડ જેમ તપાવીને મજબુત કર્યા. ત્યાર પછીની પેઢીને આ આકરી કસોટીમાંથી મુક્તિ મળી ગઈ પણ તેનો લાંબા ગાળે ગેરફાયદો થયો.
આમાં એ જરૂર સ્વીકારવું પડશે કે સંઘર્ષના અભાવ માટે આજની પેઢીનો કોઈ પણ દોષ નથી. તેઓની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ સારી હોય તેમાં એ લોકોનો વાંક કઈ રીતે કાઢી શકાય ?
આપણે પણ એટલું સમજી શકીએ છીએ કે સ્થાવર તથા જંગમ મિલકત વારસામાં આપી શકાય છે પણ સાહસિકતા, પ્રયોગશીલતા, સર્જનાત્મક અભિગમ, કંઇક નવું કરવાની વૃતિ વારસામાં આપી શકાતી નથી. તે પોતે જ જન્મે છે અથવા જન્માવવી પડે છે અથવા તો એમ પણ કહી શકાય કે આ બધા ગુણો જન્મ સાથે નહિ પણ બાહ્ય સમય-સંજોગ અને પોતાનામાંથી જ ઊગતી તીવ્ર ઇચ્છાઓ/મહત્વકાંક્ષા સાથે સંકળાયેલા છે. ડોક્ટરના પુત્ર ડોક્ટર થઈ શકે છે અને થાય પણ છે પણ આપણે કેટલા ચિત્રકારો કે કવિનાં સંતાનોને ચિત્રકાર કે કવિ બનતાં જોયાં છે. બધા અભિગમો વારસાગત નથી આવતા.
આપણી મૂળ વાત પર આવીએ કે આજે દેશને તથા સમાજને શું જરૂર છે. સગવડતા માટે એમ કહી શકાય કે મોટી તથા જૂની હવેલીઓવાળાઓનો અનુભવ અને જ્ઞાનનો લાભ જો સમાજના બીજા વર્ગને કે જે નવું સાહસ ખેડવા અને નવું વિચારવા તૈયાર છે તેને મળે તો સોનામાં સુગંધ ભળે. હા, નિષ્ફળ જવાનું જોખમ તો નવી પેઢીએ પોતે જ લેવું પડે ! પણ એ તો આદર્શ કલ્પના છે અને એવું શક્ય ન પણ બને.
નવી પેઢી જયારે જૂની પણ ભવ્ય ઇમારતો, હવેલીઓ જુએ ત્યારે તેમણે તેમની અત્યારની હાલત જોવા કરતાં તે હવેલીઓ અને ઈમારતોના પાયામાં સંકળાયેલ એ બનાવનારાઓની બુદ્ધિ, શક્તિ, તેમની દીર્ઘદૃષ્ટિ, તેમની મોટા સપના જોવાની તાકાત, તેમનું સાહસ અને સૌથી વધારે તે પેઢીની નિષ્ફળતા પચાવવાની, તેમાંથી બોધપાઠ લેવાની તેમ જ પ્રતિકૂળ સંજોગોમાં હિમત ન હારવાની શક્તિ જોવી જોઈએ.
આવું વિચાર્યા પછી હવે જયારે આપણે જૂની પણ ખખડધજ હવેલી પાસેથી નીકળીએ ત્યારે તે હવેલીઓ, ઇમારતો બાંધનારની શક્તિ અને સામર્થ્ય પર અહોભાવ થવો જોઈએ અને એવું થવું જોઈએ કે આપણે બધા આવું કંઇક સર્જન કરવાનું કેમ વિચારી ન શકીએ કે જેથી આજથી ૫૦/૧૦૦ વર્ષ પછી કોઈ વ્યક્તિ લટાર મારવા નીકળે ત્યારે આપણી બાંધેલી ઇમારતો તરફ અને એ ઇમારતો બાંધનાર તરફ અહોભાવથી જોઈ રહે….. ?!
હવેલીઓ, ઇમારતો જૂનાં થાય, ખખડધજ થાય, બિસ્માર લાગે પણ તેના પાયામાં રહેલ સાહસ અને મહેનત હમેશા નવાં જ રહે છે !
શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.







બહુ જ સુંદર, સરસ અને વિચારણીય વાત.
આભાર !
એક બીજો એન્ગલ.
કદી આવી કલાકૃતિઓના કલાકારો ( કમસે કમ મુખ્ય સ્થપતિ) ને કોઈ યાદ પણ કરે છે?
બિલકુલ સાચું. સ્થપતિઓ ને યાદ કરવાજ જોઈએ
खंडहर समझ के इनको तू ऐसे गुज़र नहीं
जीती गवाहियाँ हैं ये दीवारो – दर नहीं
સરસ આલેખ ! તમે લખતા થયા એનો પરમ આનંદ !
ખૂબ જ માહિતી સભર અને અલગ ભાત પાડતો વિષય.અભિનંદન
સમીરભાઈએ જે ચિત્ર મૂક્યું છે તે હવેલી પાસેથી પસાર થાઉં છુ ત્યારે ઘડીભર તે હવેલીના ઓટલા પર બેસવાનું મન થાય છે. આપની વાત સાચી છે કે કોઈ પણ કૃતિ જોઈએ ત્યારે તેની પાછળ ઊભેલો સર્જક દેખાવો જ જોઇએ. લેખનો પ્રથમ ફકરો વાંચતા હિંદી કાવ્ય ” ફૂલ કાંટોમેં ખીલા થા , સેજ પર મુર્જા ગયા.” યાદ આવે છે