ચોરસ દુનિયા : (ઝિંદાને શામ – Syria)

Facebooktwitterredditpinterestlinkedinmail

લેખક અને અનુવાદક  વલીભાઈ મુસા

(મુસ્લીમોના ગમગીનીના માસ મહોરમનો આજે આશુરા (દસમો દિવસ) છે. આ દિવસે કરબલા (ઈરાક)ના મેદાનમાં શહીદે આઝમ હજરત ઈમામ હુસૈન અ.સ.ને તેમના ૭૨ સાથીઓ સાથે શહીદ કરી દેવામાં આવ્યા હતા. એ દિવસ હતો ૧૦ મોહરમ, શુક્રવાર હિજરી સંવત ૬૧, ઈ.સ. ૬૮૦ ઓક્ટોબર માસની ૧૦ તારીખ. આ દિવસને અનુલક્ષીને આ લેખ અત્રે આપવામાં આવી રહ્યો છે. કેદખાનાંના જુલ્મો અંગેનો આ લેખ છે. જો કે લેખમાંની આ ઘટના હજરત ઈમામ હુસૈન અ.સ.ની શહાદતના કેટલાક દિવસો બાદ ઘટી હતી, તેમ છતાંય તેને અત્રે આજરોજે આપવામાં આવે છે કે જેથી ‘વેગુ’ના વાચકો કરબલાની કરુણાંતિકાનો આછો પરિચય મેળવી શકે. – લેખક)

* * *

આ ઘટના એ ઐતિહાસિક સત્ય છે અને આખી દુનિયા અને ખાસ કરીને શીઆ મુસ્લીમો માટે પરિચિત એવી ‘કરબલાની કરુણાંતિકા’ ની અહીં વાત કરવાની છે. કરબલાના મેદાનમાં હજરત ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના વફાદાર સાથીઓની શહાદત લોકોના માનસપટમાં લગભગ ચૌદસો વર્ષ થયાં હોવા છતાં હજુ જીવંત છે અને તેમને અનુસરનારાઓનાં દિલો આજે પણ તેમના ઉપર થયેલા જુલ્મોને યાદ કરીને અપાર વેદના અનુભવે છે.

કરબલાના કરુણ ઇતિહાસ ઉપર અસંખ્ય ગ્રંથો લખાયા છે, પણ અહીં મારા આ લેખમાં ખૂબ જ સંક્ષિપ્તમાં એ બતાવવાનો પ્રયત્ન કરીશ કે કેવી રીતે જનાબે ઝયનબ (અ.સ.) જેવાં નેક ખાતુનને, પોતાનાં નિકટનાં આપ્તજનો અને પુરુષ સાથીઓમાં એક માત્ર ચોથા ઈમામ હજરત ઝયનુલ આબિદીન (અ.સ.) સાથે ઈસ્લામ અને પયગંબરે ઈસ્લામ (સ.અ.વ.).ની અહલેબયત સાથેની જાની દુશ્મની ધરાવનાર એવા ઘાતકી યઝીદ (અલ્લાહની લાનત હજો તેના ઉપર) દ્વારા કેદ કરવામાં આવ્યાં હતાં. એ પણ એક એવો સમય હતો કે જ્યારે જનાબે ઝયનબ (અ.સ.)ને હજરત ઈમામ અલી (અ.સ.)ની પુત્રી અને રસુલે ખુદા હજરત મહંમદ (સ.અ.વ.)ની દોહીત્રી તરીકે ખૂબ જ માનસન્માન આપવામાં આવતાં હતાં. કરબલાના મેદાનમાં હજરત ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના સાથીઓની શહાદત પછી તેમનાં કુટુંબીજનોમાં જીવિત સ્ત્રીસભ્યો અને એક માત્ર બીમાર પુત્ર હજરત ઝયનુલ આબિદીન (અ.સ.)ને યઝીદ મલઉનના દરબારમાં કેદ કરીને લાવવામાં આવ્યાં હતાં.

કરબલાથી દમાસ્કસ સુધીની સફર બહુ જ કઠિન હતી. ખાતુનોનાં માથાંઓ ઉપર ચાદરો ન હતી. તેમને રસ્સીઓથી બાંધીને લઈ જવામાં આવી રહી હતી અને પલાણ વગરના ઊંટોની ખુલ્લી પીઠો ઉપર તેમને સવારી કરાવવામાં આવી હતી. રણની બળબળતી રેતી અને આકરા સૂર્યના તાપમાં પણ તેમની સફર ચાલુ રહેતી. ભૂખ્યાં અને તરસ્યાં નાનાં બાળકોને પણ પાણી આપવામાં આવતું ન હતું. શારીરિક જુલ્મો ઉપરાંત શબ્દોમાં ન વર્ણવી શકાય તેવો માનસિક ત્રાસ પણ તેમને આપવામાં આવી રહ્યો હતો.

મઝલુમ કાફલાની મનોયાતના એવી હૃદયદ્રાવક હતી કે ચારે તરફ ઝાલિમોના ભાલાઓની અણીઓ ઉપર આપ્તજનોનાં સરમુબારક બધાંને પ્રત્યક્ષ દેખાતાં હતાં. પાણી માટે ટળવળતાં નાનાં બાળકોનાં રુદન કાળજું કંપાવી નાખે તેવાં હતાં, તો વળી ઈમામ ઝયનુલ આબિદીન (અ.સ.)ના હાથોમાં હાથકડીઓ અને પગોમાં જંજીરો સાથે તેમને બધાયથી આગળ રાખવામાં આવ્યા હતા. રસ્તાઓ ઉપર દયાજનક દૃશ્યને તમાશાની જેમ જોવાવાળા બદતમીઝ લોકો મઝલુમો ઉપર રહેમ બતાવવાના બદલે તેમની ઠઠ્ઠામશ્કરી કરતા હતા. સંક્ષિપ્તમાં કહેતાં વાતાવરણ જાણે એવું હતું કે ચારે તરફ દુશ્મનો અને તેમની નજરોમાં નિર્દોષો પરત્વેનો નર્યો તિરસ્કાર હતો. એડવર્ડ ગિબન (Edward Gibbon) નામના અંગ્રેજ ઇતિહાસકારે નોંધ્યું છે કે હજરત ઈમામ હુસૈન (અ.સ.) તથા તેમના વફાદાર સાથીઓને શહીદ કરવા ઉપરાંત તેમનાં સ્ત્રીસભ્યો અને બાળકો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે તમામ દૃશ્યોનાં વર્ણનો ભવિષ્યનાં અગણિત એવાં હજારો વર્ષો સુધી કઠોર દિલના વાચકોનાં દિલોમાં પણ સહાનુભૂતિ જગાડ્યા વગર રહેશે નહિ.

હવે હું કારાવાસના વિષય ઉપર આવું છું અને આપ સૌ વાચકોને એ ભયાનક જગ્યાએ લઈ જઈશ કે જ્યાં દુ:ખી અને મઝલુમ કેદીઓને કેદ કરવામાં આવ્યાં છે. આ ભોંયરામાંની અંધકારમય એવી કાળકોટડી હતી કે જ્યાં બિચારાં દુખિયાંઓને કોળિયાભર વાસી ખોરાક અને સાવ જૂજ પાણી આપવામાં આવતું હતું. અન્ય એક ખ્યાતનામ ઇતિહાસકાર અલ-બિરૂની લખે છે કે “માનવજાતના ઇતિહાસમાં આવો ઘોર અત્યાચાર કોઈએ જોયો નહિ હોય.” થોમસ કાર્લાઈલ, ડો. કે. શેલ્ડરકે, પંડિત જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરોજિની નાયડુ, ડો. રાજેન્દ્રપ્રસાદ અને જગતભરની કેટલીય બિનમુસ્લીમ મહાન વિભૂતિઓએ કરબલાના કરુણ બનાવ, હજરત ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના અઝીઝોની શહાદત અને વિશેષે તો આશુરા પછી સ્ત્રીઓ અને બાળકો ઉપર થયેલા જુલ્મોને અનુલક્ષીને પોતપોતાના વિચારો અને અભિપ્રાયો જે આપ્યા છે તે સઘળા હું મારા સંક્ષિપ્ત લેખમાં વિગતે આપી શકવા અસમર્થ છું.

ફરી એક વાર આપણે પેલા બિહામણા કેદખાના તરફ પાછા ફરીએ છીએ કે જ્યાં આપણે સકીના નામે એક બાળકીને ત્યાં જોઈ શકીએ છીએ કે જે ઈમામ હુસૈન (અ.સ.)ને ખૂબ જ દુલારી હતી અને જે હંમેશાં પિતાની છાતી ઉપર સૂવા ટેવાયેલી હતી. આજે એ જ સકીના પોતાના પ્રેમાળ પિતાની યાદમાં ખૂબ જ રડ્યા કરે છે. જનાબે ઝયનબ (અ.સ.)ની સકીનાને સાંત્વન આપવાની, રડતી છાની રાખવાની અને ઉંઘાડવા માટેની લાખ કોશિશ વ્યર્થ પુરવાર થાય છે. કોઈકવાર એવું પણ બને છે કે સકીના પોતે જ પોતાની મેળે ચૂપ થઈ જાય છે એમ વિચારીને કે જેથી કોટડીમાંનાં અન્ય કુટુંબીજનો પોતાના મોટા અવાજે રુદનના કારણે વ્યથિત ન થાય. આમ સમજદારી બતાવતાં તે છૂપું રૂદન કરી લે છે અને જલ્દી જલ્દી પોતાનાં આંસું પણ લૂછી નાખે છે. જ્યારે જ્યારે બધાંયને કોઈકવાર કોટડી બહાર લઈ જવામાં આવે છે ત્યારે સકીના સાંજના સમયે પોતપોતાના માળાઓ તરફ પાછાં ફરતાં પક્ષીઓને એકી નજરે જોઈ રહે છે અને ફુઈઅમ્મા જનાબે ઝયનબ (અ.સ.)ને પૂછી બેસે છે કે તેઓ પોતે બધાં ક્યારે પેલાં પક્ષીઓની જેમ પોતાનાં ઘરે પાછાં ફરશે!

ત્યાર પછી તો એક કાળરાત્રી આવે છે, જ્યારે બાળકી સકીના જેલની ઠંડી ફર્શ ઉપર સુતેલી છે. ખૂબ લાંબા સમય સુધી ખુલ્લી આંખે કોટડીના અંધકાર સામે જાણે કે જોયા કરે છે! સવારની નમાજનો સમય થાય છે. બીબી (બાળકી) સકીના પોતાની પહોળી અને ખુલ્લી આંખોએ સુતેલી જ છે. માતા શહરબાનુ અને ફોઈ ઝયનબ (અ.સ.) બૂમ પાડે છે, ‘બેટી સકીના, ઊઠો. નમાજનો સમય થયો છે.’ અરેરે! પણ આ શું? કોઈ જવાબ મળતો નથી. વહેલી પરોઢે વેદનાસભર શાંતિ જ વર્તાય છે! ચોથા ઈમામ ઝયનુલ આબિદીન (અ.સ.) બહેન સકીના જ્યાં સૂતી છે તે તરફ દોડી જાય છે, તેના કપાળ ઉપર પોતાનો હાથ મૂકે છે તો તે સાવ ઠંડું છે. તેમનો હાથ મોંઢા અને નાક આગળ ધરે છે તો માલૂમ પડે છે કે સકીના (અ.સ.)ના શ્વાસની આવનજાવન બંધ પડી ગઈ છે. ધ્રૂસ્કાંભર્યા રડતા આવાજે બોલી ઊઠે છે, ‘ઈન્ના લિલ્લાહી વ ઈન્ના અલયહી રાજેઉન.’ (ખરે જ, આપણે સર્વશક્તિમાન અલ્લાહ તરફથી આવ્યા છીએ અને તેની જ તરફ પાછા ફરવાના છીએ.) જેલમાંનો તમામ સ્ત્રીવર્ગ પોતાની વ્હાલસોયી બાળકીના મૃત દેહ આસપાસ ઊભો રહીને કારમું રુદન શરૂ કરી દે છે.

જનાબે સકીના (અ.સ.)ને એ જ કારાવાસની કોટડીમાં દફન કરવામાં આવે છે. જનાબે ઝયનબ (અ.સ.) મૃત સકીના (અ.સ.)ના નિશ્ચેતન શરીરને ઊંચકી રાખે છે અને ઈમામ ઝયનુલ આબિદીન (અ.સ.) ત્યાં જ કબર ખોદે છે. જનાબે સકીના (અ.સ.)નાં કપડાં કરબલામાં ખયમાઓમાં દુશ્મનોએ લગાડેલી આગના કારણે બળી ગયાં હતાં અને શરીરે થએલી ઈજાઓના કારણે ઘાવ ઉપર ચોંટી ગયેલાં હતાં. જનાબે સકીના (અ.સ.)ને એ જ બળેલાં અને ચીંથરેહાલ કપડાં સહિત સિરિયા (ઝિંદાને શામ)માં દફન કરી દેવામાં આવે છે. જેવી દફનક્રિયા પૂરી થતાં જ કબર પુરાઈ જાય છે, ત્યારે માતા શહરબાનુ એક કારમી ચીસ નાખે છે. બધી જ સ્ત્રીઓ દોડી જઈને તેમને બાઝી પડતાં કારમા રુદને સાંત્વના આપવા માંડે છે. જેલની દિવાલો પણ તમામના રુદનથી જાણે ધ્રૂજવા લાગે છે. તમામના રુદનના શબ્દો – “યા બેટી સકીના! યા મઝલુમા! ઓ સકીના! અરે ઓ, પીડિત સકીના!” – આજે પણ આપણાં દિલોને હચમચાવી દે છે. આવો દુ:ખદ અંજામ હતો હાશ્મી કૂળની ઈમામજાદી જનાબે સકીના (અ.સ.) નો! આ એ સકીના હતી કે જેના અબ્બાજાન ઈમામ હુસૈન (અ.સ.)ને કરબલાના મેદાનમાં બેરહમ રીતે કતલ કરી દેવામાં આવ્યા હતા! આ એ જ સકીના હતી કે જેના નાના ભાઈ અલી અશગર (અ.સ.)ના નાજુક ગળાને તીરથી વીંધી દેવામાં આવ્યું હતું! આ એ જ સકીના હતી કે જેના કાકા હજરત અબ્બાસ (અ.સ.)ના બેઉ હાથને કલમ કરી દેવામાં આવ્યા હતા!

હું ભારે હૃદયે મારા લેખને અહીં સમાપ્ત કરું છું એ નિષ્કર્ષ સાથે કે માત્ર કેદીઓ પરત્વે જ નહિ, પણ કોઈ આમ ઇન્સાન સાથે પણ આવો અમાનવીય અત્યાચાર થતો હોય તો તે સખત ઘૃણાને પાત્ર છે. જો આપણે આપણી જાતને સુસંસ્કૃત વ્યક્તિ તરીકે ઓળખાવતા હોઈએ તો આવાં જુલ્મી કૃત્યોને આપણે વખોડી કાઢવાં જોઈએ.

આપણે અલ્લાહ (ઈશ્વર)ને દુઆ અર્થાત્ પ્રાર્થના કરીએ કે *”આપણા હાથોને એ સર્વશક્તિમાન સર્જનહાર કોઈનાય ઉપર પણ જુલ્મ કરતાં રોકી રાખે. એ મહાન અલ્લાહ લોકોની ગરિમા જળવાઈ રહે અને સૌ કોઈને મનની શાંતિ મળી રહે તેવી આપણા ઉપર કૃપા કરે. જગતભરના કેદીઓને એવી આત્મિક શક્તિ અર્પે કે જે વડે પોતાનાં ગુનાહિત કાર્યો બદલ પસ્તાવો કરે, એવી સમજ આપે કે તેઓ પાપ કે ગુનાહના માર્ગોથી પાછા ફરે અને તેમને આઝાદી અને શાંતિ નસીબ થાય. હે અલ્લાહ, જગતભરના દેશોના શાસકો (રાજ્યકર્તાઓ)ને એવી પ્રેરણા આપ કે જે વડે તેઓ ન્યાયી રીતે અને દયાપૂર્વક શાસન કરે. હે અલ્લાહ, જેમના ઉપર શાસન કરવામાં આવે છે તે અર્થાત્ પ્રજા સાથે સદ્વ્યવહાર આચરવામાં આવે તથા તેમનાં અને પ્રજાનાં ચારિત્ર્યો ઉમદા કોટિનાં સિદ્ધ થાય.”*


Note:-

Translated from English Version titled as “The Square World” published on January 08, 2008.


* (લેખના અંતે આપવામાં આવેલી દુઆ (પ્રાર્થના)ના શબ્દો શીઆ મુસ્લીમોના અકીદા મુજબના બારમા ઈમામ અલ કાયમ અલ મહદી અ.સ. (સલામ અને શાંતિ હજો આપ ઉપર)એ પોતે ફરમાવેલી દુઆ ઉપર આધારિત છે. આપ ઈમામ (અ.સ.) રસુલે ખુદા હજરત મહંમદ (સ.અ.વ.)ની અહલેબેતના વંશજ છો. આપ માનવતાના ન્યાયી નેતૃત્વ કરનારા છો, આપ હયાત, પણ ગયબતમાં છો. આપ શીઆ અકીદતના મતે જમાનાના ઈમામ છો અને અલ્લાહ દ્વારા નિર્ધારિત મુદ્દત થયે આપ જાહેર થનાર છો.) *

* * *

સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

4 comments for “ચોરસ દુનિયા : (ઝિંદાને શામ – Syria)

 1. October 1, 2017 at 5:45 pm

  અલ્લા હુ અકબર,
  જો ભારતીય મુસ્લિમબંધુઓ એ ૧૯૮૯-૯૦માં ૩૦૦૦+કત્લ થતા કાશ્મિરી હિન્દુઓ અને બેઘર થતા ૫૦૦૦૦૦+ થતા કશ્મિરી હિન્દુઓ પ્રત્યે સંવેદના બતાવી હોત તો …?
  ઇન્સાલાહ દુનિયાની વાત છોડો, ભારતીય મુસ્લિમો તરફનો નજરીયા જ અલગ હોત.

 2. Husainali vohra
  October 1, 2017 at 7:42 pm

  ……sukraan.

 3. October 2, 2017 at 5:43 pm

  I do agree with the views presented here.

  My Article “Life on earth, possible but not safe!” is recommended to be read by ‘Vegu’ Readers with the following Link to justify the Gandhian philosophy of non-violence. Gujarati version is also available by clicking on the first line.

  https://musawilliam.wordpress.com/2008/08/15/life-on-earth-possible-but-not-safe/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *