અવલોકન :: ચા

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

) ઊભરો

સવારે રોજની જેમ ચા બનાવતો હતો. બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતિ દેખાતી હતી. ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી. કોઈક પરપોટો સપાટી પરથી ઊપસી આવતો હતો. મનમાં એમ થતું હતું કે, ‘હમણાં ઊભરો આવવો જોઈએ.’ ધીરે ધીરે પરપોટા વધવા માંડ્યા. 

અને ત્યાંજ એકાએક, ન જાણે ક્યાંથી, એકદમ તે ચઢી આવ્યો. સમસ્ત સપાટી એક તીવ્ર આંદોલનથી ભરાઈ ગઈ, ખળભળાટ મચી ગયો. મને અંધારામાં રાખીને ઊભરો આવી ગયો હતો ! બધી વરાળ એકસામટી બહાર આવવા મથી રહી હતી, અને સાથે આખી સપાટીને પણ ઉપર તરફ પ્રવેગિત કરી રહી હતી. બધું ઉપરતળે થઈ રહ્યું હતું. ચાની તપેલીમાં એક વિપ્લવે જન્મ લઈ લીધો હતો.

————————–

કેટકેટલી જાતના ઊભરા જીવનમાં આવતા હોય છે?

મનના કો’ક ખૂણે, ક્યાંક કોઈક ગમો, અણગમો આકાર લઈ રહ્યો હોય, વિવેકે તેને દબાવી રાખ્યો હોય. પણ કો’ક ક્ષણે એ વિવેકની પાળ ટૂટી જાય, અને બધો આક્રોશ, બધો અણગમો ક્રોધ બનીને ઊભરાઈ આવે.

કોઈ પ્રિય વ્યક્તિની આપણે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ – ‘તે હમણાં આવશે. હમણાં તેની ટ્રેન આવશે.’ અને ટ્રેન આવી પહોંચે, પ્રિય વ્યક્તિ તેમાંથી ઊતરે અને પ્રેમ ઉભરાઈ આવે.

આપણી કો’ક પ્રિય વ્યક્તિનું અકસ્માત મૃત્યુ થયાના સમાચાર આવે. મન હતપ્રભ બની જાય. ગળે ડૂમો ભરાઈ જાય. છાતી પર મણ મણના ભાર ઠલવાઈ જાય. અને ત્યાં કોઈ આપણને પુછે , ‘કેમ શું થયું?’ અને બધો શોક આંખોના આંસુઓ વતી ઊભરાઈ આવે.

જાદૂનો ખેલ જોવા ગયા હોઈએ, અને જાદૂગર આપણને અંધારામાં રાખીને, ઘડીના છઠ્ઠા ભાગમાં અદ્રશ્ય થઈ જાય. આપણે આશ્ચર્યના ઊભરામાં ગરકાવ થઈ જઈએ.

મનમાં કોઈક ભાવ જાગ્યો હોય, ચિત્ત અભિવ્યક્તિ કરવા મથામણ કરતું હોય, અને કો’ક વિચારનો ઊભરો ઊમટી આવે. કો’ક કવિતા સરજાઈ જાય.

કોઈ રાજકીય કે ધાર્મિક નેતા પોતાના વક્તૃત્વના પ્રવાહમાં લોકોને મંત્રમુગ્ધ કરી, કોઈ એક મનોવૈજ્ઞાનિક ક્ષણે એવો નારો લગાવવાનું એલાન આપે; જે સાંભળતાં જ સમગ્ર મેદની એકી અવાજે તે આદેશનું પાલન કરે.  અને એક આંધી સરજાઈ જાય; લોહીની નદીઓ વહેવા માંડે; આગ અને લૂંટનાં તાંડવો રચાઈ જાય. આ ટોળાંનો ઊભરો.  પોતાના બાળકને ય એક તમાચો મારવાનું ન વિચારનાર માણસ ટોળામાં કોઈ દુકાનના કાચ પર પથ્થર ફેંકી દે, તેવો ટોળાંશાહીના પાગલપનનો એ ઊભરો.

એક કલાકાર કર્ણપ્રિય બંદિશમાં કોઈ રચના રજૂ કરતો હોય, તેની ચરમસીમા આવતાં સુકોમળ રીતે તેની સમાપના કરે, અને શ્રોતાઓ એકી અવાજે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લે – તે રસ-સમાધિનો પણ ઊભરો.

અમેરિકાના પ્રમુખની ઓફિસમાં બહુ જ સંરક્ષણ વાળી સ્વિચો છે.  અમેરિકન કોંગ્રેસની અનુમતિ મળી હોય અને પ્રમુખ એમાંની સ્વિચો દબાવે તો, છેવટના ઉપાય તરીકે,  અણુશસ્ત્રો લઈ જતી આંતરખંડીય મિસાઈલો કાર્યરત થાય અને થોડા સમય બાદ શત્રુ પ્રદેશ ઉપર સેકંડોમાં અભુતપૂર્વ તારાજી થઈ જાય.

નિબિડ અંધકાર અને કેવળ સ્થૂળ જડતામાં રમમાણ ‘શૂન્ય’માં, સર્જનની આદિમ પળે કો’ક પ્રચંડ વિસ્ફોટ ઊભરે ( બિગબેન્ગ) ; અને તેના ખર્વાતિખર્વ અણુબોંબોથીય વધુ શક્તિશાળી તાંડવમાં બ્રહ્માંડ ઊભરતું રહે, ફેલાતું રહે, કરોડો મહાસૂર્યો સર્જાતા રહે; તે પણ અનંતનો ઊભરો જ ને?

ઊભરા સાથે આપણા કેટકેટલી જાતના સંબંધ હોય છે? કેવા કેવા ઊભરા અજાણતાં ઊભરાઈ જતા હોય છે? પણ દરેક ઉભરાની પાછળ કોઈક પ્રક્રિયા, કશીક પૂર્વભુમિકા અજ્ઞાત રીતે કામ કરતી હોય છે. કોઈક ગોપિત સ્વિચ કે ઉત્તેજના ક્યાંક, ક્યારેક, કશાક સંજોગો એકત્રિત થતાં કાર્યરત થાય અને બધી સામાન્યતાને બાજુએ ધકેલી દઈ એક પ્રચંડ ઊભરો, એક વિપ્લવ, એક પ્રભંજન, એક ધડાકો, એક અકલ્પનીય ઘટના ઊભરાઈ આવે.  ઊભરા વગરનું જીવન હોઈ શકે? ગીતાના પેલા સ્થિતપ્રજ્ઞને ઊભરા આવતા હશે? રાગ અને દ્વેશથી પર, સુખ અને દુઃખથી પર, ક્રિયા અને પ્રતિક્રિયાથી પર થવાતું હશે? તપોભંગ ઋષિઓની વાતો ક્યાં અજાણી છે?   અને શૂન્યનો એ ઊભરો , એ બિગબેન્ગ જ ન થયો હોત તો?

પણ ઊભરા તો થવાના જ. ઊભરાનું કાંઈ કહેવાય નહીં. ઊભરાનુંય એક અનિશ્ચિત હોવાપણું હોય છે.

          ‘ જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.’

) કુકિન્ગ પ્લેટફોર્મ

જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે.

ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, અને ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, અને અલબત્ત પ્યાલા -રકાબી પણ પ્લેટફોર્મ પર આવી જાય છે. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું. સમયાન્તરે એમાં ઊભરો આવે છે. નિયત સમય માટે એને ઊભરવા દઈ, એમાં હવે માપથી દૂધ ઉમેરું છુ. એ પછી નિયત માપથી ખાંડ ઉમેરું છું. બીજો ઊભરો આવતા છેલ્લે, ચપટીક મઘમઘતી ઈલાયચી પણ એમાં હોમાય છે. અને લો! સરસ, સોડમવાળી ચા તૈયાર. માપમાં ક્યાંક સહેજ ફેર થઈ જાય તો ચાનો સ્વાદ અને સોડમ અણગમતા બની જાય.

ચા ગળી, નકામા થઈ ગયેલા કૂચા કચરાપેટીમાં પધરાવું છું.  બધી મહેનતના પ્રતાપે બનેલી ચાથી છલોછલ,  પ્યાલા ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે. માંજવા માટે તૈયાર તપેલી અને અન્ય વાસણો સિન્ક્માં સ્થાન પામે છે. ગંદું થયેલું કુકિન્ગ પ્લેટફોર્મ પોતાં વડે સાફ થઈ જાય છે.

અને ફરી પાછું એ પ્લેટફોર્મ હતું તેવું, પ્રારંભની સ્થિતિમાં આવી જાય છે.

……..

આ અવલોકન કુકિન્ગ પ્લેટફોર્મનું છે કે, આપણા જીવનનું? – જરા વિચારી જોજો!

) ચા બનાવતાં

ચા બનાવવાનો સવારનો સમય એ મારે માટે સૌથી વધુ વ્યસ્ત સમય હોય છે. બધા ચા દૂધ પીને, નાસ્તો કરીને ઓફિસ, શાળાએ વિદાય થાય ; તે બાદ મારો ઈન્ટરનેટ પિરિયડ શરુ થાય! પણ સવારના એ વ્યસ્ત સમયમાં મને સૌથી વધારે અવલોકનો સ્ફૂર્યાં છે.

તે દિવસે ચા બનાવતાં રોજની જેમ, પાણીમાં આદુ છીણીને નાંખ્યું, ચાની ચમચીઓ માપ ભરીને નાંખી અને ગરમ સ્ટવ પર ચમચા વડે મિશ્રણને બરાબર હલાવ્યું. નજર એ મિશ્રણ પર કેન્દ્રિત થઈ. કાળાબખ દ્રાવણમાં બધાં કણો ચક્કર ચક્કર ઘૂમરી લઈ રહ્યાં હતાં. ધીમે ધીમે તેમનો વેગ ઓછો થયો અને છેવટે દ્રાવણ સાવ સ્થિર થઈ ગયું. બે ત્રણ વાર હલાવ્યું અને દરેક વખતે એ જ પ્રક્રિયા – ધીમી અને ધીમી થતી જતી ઘૂમરીઓ અને અંતે સ્થિરતા.

ઊકળવાનો સમય થયો અને આખુંય દ્રાવણ એક વિપ્લવમાં પરિવર્તિત થઈ ગયું. સ્ટવ પરથી તૈયાર ચાની તપેલી બાજુએ મુકી દીધી અને થોડીક વારમાં ઊભરોય શાંત પડી ગયો.

આનાથી ઊંધું – જો ગતિમાન ચીજને અટકાવનાર, ઘર્ષણ જેવું કોઈ બળ ન હોય; તો તે ચીજ સતત ગતિમાં જ રહ્યા કરે. તે કદી સ્થિર ન થઈ શકે. તેની ગતિ ધીમી પણ ન પડી શકે. જેમ કે, બરફ પર સ્કેટિંગ ; સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી, ગ્રહો, તારાઓ ; અણુના કેન્દ્રની આજુબાજુ ઘૂમતા ઈલેક્ટ્રોન વિ.

યંત્રશાસ્ત્રનો પહેલો નિયમ – ન્યુટનનો નિયમ, જડત્વનો નિયમ.

……. અને મન વિચારે ચઢી ગયું.

કોઈ પણ ચીજને ગતિમાન રાખવા માટે ચાલક બળની જરુર પડે છે. એ બળ હાજર હોય ત્યાં સુધી જ ગતિ ચાલુ રહે છે. જેવું એ દૂર થયું કે, તરત જ ગતિ ધીમી પડી ગઈ. આ જ રીતે ગતિમાં આવેલ ચીજને અટકાવવા પણ તાકાત જરુરી છે.

કોઈ પરિવર્તન લાવવા માટે પણ તાકાત જોઈએ છે; પરિશ્રમ જોઈએ છે. સતત પરિવર્તન એ સૃષ્ટિનો અફર નિયમ છે. પરિવર્તન વિશે જેટલું વિચારીએ કે લખીએ તે ઓછું જ પડે. પણ દરેક નાનામાં નાનું પરિવર્તન કોઈક બળ વિના આકાર લઈ શકતું નથી – એ પણ સૃષ્ટિનો અફર નિયમ છે. ખાલી વિચારો અને સંકલ્પ કર્યાથી પરિવર્તન શક્ય બનતું નથી. જમાના જૂની રુઢિઓ એમની જાતે ટૂટી શકતી નથી – એમને નષ્ટ કરવા અથાક પ્રયત્ન કરવા પડે છે.

અભિગમ બદલીએ તો આઝાદ બની શકાય છે, મુક્ત થઈ શકાય છે. પણ એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે; સતત તપશ્ચર્યા કરતા રહેવું પડે છે. મનોનિગ્રહ કરીએ તો, સ્થિતપ્રજ્ઞ બની શકાય છે. પણ મનને વશ કરવું કે નિર્વિકાર કરવું કેટલું કઠણ છે; સૌ જાણે છે એના ક્લાસ ભરવાથી કે કથા સાંભળવા માત્રથી સ્થિતપ્રજ્ઞ ન બની શકાય. એ માટે તપ કરવું પડે !


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

2 comments for “અવલોકન :: ચા

  1. Chiman Patel
    October 13, 2017 at 9:11 pm

    ઊભરો વાંચી પ્રતિસાદ આપવાનો ઊભરો આવ્યો! ચાના ઊભરામાંથી ક્યાંના કયાં ખેચી ગયા મને!

  2. ઉમાકાન્ત વિ.મહેતા
    October 15, 2017 at 7:33 am

    ચ્હા દુધના ઉભરાને વશ કરવા સાધનો પર્યાપ્ત છે, ણ મનના ઉભરાને વશ કરવો સહેલ વાત નથી. તદ્દન સાચી વાત કહી શ્રી સુરેશ ભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *