





નયના પટેલ
લતાબહેન અને ધનુબાને ખ્યાલ આવી ગયો કે ફોન ઈન્ડિયાથી જ હશે, તો જ સરલા ફોનમાં આટલું મોટેથી બોલે છે.
આશ્ચર્ય અને આનંદનાં સૂરે સરલાબહેને વાત કરવા માંડી, ‘ ક્યા બાત હૈ, આજે તમને નાનીબહેનની યાદ આવીને કાંઈ ! કેમ છે બધાં તમારે ઘરે ? અચ્છા…..બા-બાપુ મઝામાં છે ને ?…….હા, હા, આ તો એ લોકોનીય હવે ઉમ્મર થઈ એટલે, ઈન્ડિયાથી ફોન આવે એટલે શંકા જાય. અચ્છા ક્યારે આવો છો?…..સરસ… વિઝા મળી ગયાને? સાથે સાથે યુરોપના વિઝા પણ લઈને જ…. અહીં સુધી આવો છો ને…..હા, એ બરાબર છે, પણ તમારું ધર્મનું કામ પતી જાય પછી તો….એની વે… મારું માનો તો વિઝા લઈ લીધેલા સારા, હં….પછી ન જવાઈ તો કાંઈ નહીં…. ભલે, ભલે,…….આ ધનુબા બેઠાં, હા તબિયત સારી છે એમની. છોકરાંઓ કાલે જ આવ્યા યુનિ.માંથી. હા, હા એ શોપ પર ગયા છે…..ચાલો ત્યાં બધાને યાદ કહેજો….આવજો….જેશ્રી કૃષ્ણ.’
ફોન મૂકી, સરલાબહેને ભારતથી એમની મોટી બહેન કલાનો ફોન હતો તે જણાવ્યું.
કોઈનો પણ ફોન આવે એટલે ધનુબાને એ કોણ હતું, શું વાત કરી તે શબ્દશઃ જાણવું હોય, ‘ તે…, એ ખાલી જ આવે છે એક પછી છોકરીનું ગોઠવવા?’
સરલાબહેને ટૂંકમાં માહિતી આપવા ધારી, ‘ના, કહેતા હતા કે કોઈ ધાર્મિક ગૃપ સાથે આવે છે.’
રાત્રે મોટાભાભીની વાતોથી ડરેલા લતાબહેને પૂછી લીધું, ‘આ આપણા વનિતાભાભી જેવું તો કાંઈ નથી ને?’
સરલાબહેનનેય ક્યાં પૂરી ખબર હતી, ‘એમ તો મારા જીજાજી સૂંઘી સૂંઘીને પાણી પીએ એવા છે, પછી તો કોને ખબર?’
લતાબહેને એમનો એ બાબતનો અનુભવ ‘શેર’ કરતાં કહ્યું, ‘તારી વાત સાચી, તોય મેં તો ભલભલા ભણેલા લોકોને આવા સંપ્રદાયોમાં આંખ, મન અને મગજ સાવ બંધ રાખીને ભળી જતાં જોયા છે, તેમાં…’
ધનુબાને ક્યારની મનુ સાથે થયેલી વાત આ લોકોને કહેવી છે, એટલે હવે ધીરજ ન રહેતાં લતાબહેનેની વાત વચ્ચેથી જ અટકાવી, નાના બાળક જેવા ઉત્સાહથી બોલ્યા, ‘હવે મને મનુ ઘરડાંઘરમાં નથી મોકલવાનો, સવારનાં જ મને એણે કહ્યું.’
લતાબહેનને વૃધ્ધ બાની દયા આવી ગઈ, ‘બા, કોઈ તમને એમ કાંઈ થોડું જ ઘરડાંઘરમાં ધકેલી દે ! છતાંય ઘણીવાર મોટી ઉંમરના લોકો પોતે જ રહેવાનું પસંદ કરે છે.’
અત્યાર સુધી અંદર ને અંદર સાચવી રાખેલો ધનુબાનો ધૂંધવાટ નીકળ્યો ખરો, ‘ લે, આખી ઉંમર અમે બધાંને સાચવ્યા, હવે…’
‘બા, જ્યાં સુધી તમારી વાત છે ત્યાં સુધી હું તમને ત્યાં ન જવા દઉં, એટલો મારી પર વિશ્વાસ રાખો. મારે એકવાર જોબ છોડી દેવો પડે તેનો મને વાંધો નથી,’ સરલાબહેને હૈયાધારણ આપી.
‘સરલા, મને ખાતરી છે કે તું , મનુ કહે તોપણ એમ બાને ન જવા દે. પણ હું તો પ્રેક્ટિકલ વાત કરું છું. મારા સગ્ગા કાકીસાસુએ પોતે જ એમના દીકરા-વહુને કહ્યું કે તેમને હોમમાં રહેવા જવું છે.’
ધનુબાને એ વાતમાં કેમ કરીને વિશ્વાસ બેસે ?-‘લે કર વાત !’
‘બા, જરૂર પડ્યે જવાની તૈયારી રાખવાની, સમજ્યાં ?’લતાબહેને જાણે આજે, ધનુબાને માનસિક રીતે તૈયાર કરવાનો નિર્ણય કર્યો હોય તેમ કમર કસી.
‘મારે કંઈ સમજવું નથી, પછી શું ખોટી પંચાત !’
‘તમને કોઈ મોકલવાનું નથી પણ બહેનની વાત સમજવા જેવી છે, સાંભળો તો ખરાં, બા !’
‘જ્યારે ૨૪ કલાકની સંભાળ રાખવાની હોય ત્યારે વૃધ્ધવ્યક્તિની સાથે ઘરની એક વ્યક્તિએ પૂરેપૂરો સમય રહેવું પડે કે નહીં ? બા, આ દેશમાં તમેય છોકરાં મોટા કર્યાં છે, તમે ય બીલો ભર્યાં છે, મોરગેજ તો ખરું જ પાછું, તમે જ કહો, સહેલું હતું એ ?’
મૂળ વિષય ભૂલી, થોડી ક્ષણ માટે ધનુબા ભૂતકાળમાં સરી પડ્યાં, ‘ કેમ કરીને બે છેડાં ભેગા કરતી તેની મને ખબર નહીં હોય ? પણ યુગાન્ડા કરતાં સારું. કોઈ પણ કામ કરવાની શરમ અહીં કોઈને નડતી નથી, એટલે તો લોન્ડ્રીમાં કામ કરીને તમને ત્રણેયને મોટાં કર્યાં, ભણાવ્યાં, પરણાવ્યાં !’
લતાબહેને એમની વાતને સમર્થન આપતાં ધનુબાની વાતનો દોર પકડી લીધો, ‘ખરી વાત છે તમારી બા, પણ જેમ જમાનો બદલાતો જાય તેમ તેમ ખર્ચા વધતા જાય અને આજકાલ પહેલાની જેમ જોબ એટલા સહેલાઈથી ક્યાં મળે છે ? વૃધ્ધની સંભાળ લેવા બેમાંથી કોઈ એક જણે તો કામ છોડવું જ પડેને, બા ?
‘ તે છોડે, તેમાં કાંઈ ઉપકાર નથી કરતા. આખી જિંદગી તેમને માટે ઘસી નાંખી તો તેમનાથી એટલું ન થાય ?’
‘ પણ બા, પછી ફક્ત એક જ જણના પગારમાં આ જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ નહીં લગભગ અશક્ય છે.’
‘તો મેં એકલા પગારમાંથી જ તમને સૌને…’
‘તમારી વાત સાચી, પણ પહેલાં છોકરાંઓને ભણાવવા સિવાય પણ ઘણી બધી આર્થિક મદદ સરકાર કરતી હતી તે હવે ખૂબ ઓછી કરી નાંખી છે તેની તમને ખબર છે?’
‘હશે, મારે કાંઈ જાણવું નથી. સો વાતની એક વાત મારે ત્યાં જવું નથી.’
‘બા, ઘડપણમાં જે વૃધ્ધો પરિસ્થિતિ પ્રમાણે બદલાય નહીં, અને વધારે ને વધારે હઠીલા બનતા જાય તે પોતે તો હેરાન થાય અને બીજાનેય હેરાન કરે.’
ધનુબા રડવા જેવા અવાજે બોલ્યાં,’ તું મારી દીકરી થઈને…’
‘હું તમારી દીકરી છું એટલે જ સાચું કહું છું. મને નથી જોઈતું કે મારી મા, પોતાની ભૂલને લીધે દુઃખી થાય.’
‘એ તો તું ઘરડી થઈશને એટલે તને ખબર પડશે.’
‘બા, લતાબહેને કીધું તે એકલા તમારે માટે નથી અમે પણ ઘરડાં થતાં જ જઈએ છીએ ને ? અમારે પણ અમારી જીદ્ છોડતાં શીખવું પડશે અને અમારેય પરિસ્થિતિ પ્રમાણે બદલાવાની તૈયારી રાખવી જ પડશે, બરાબરને બહેન?’
‘ચાલ સરલા, હવે હું જાઉં, જો ને, આ સાડા દસ થયાં. અને બા, તમારે થોડા દિવસ મારે ઘરે આવવું છે ?’
‘ના રે, દીકરીને ત્યાં થોડું જ રહેવાય?’
‘બા, એ બધાં જૂનવાણી વિચારો છોડો હવે.’
સરલાબહેને ખૂબ સહજતાથી ધનુબાની પરસ્પર વિરોધે વાત તરફ અંગુલિનિર્દેશન કર્યું, ‘ બા, ઘરેથી લતાબહેનને ત્યાં જવા નીકળી ગયા, તેની તો આટલી બધી રામાયણ ઊભી થઈ, અને હવે કહો છો કે દીકરીને ત્યાં ન જવાય?’
ફરી એ વાત નીકળી એટલે અવાજમાં નરમાશ લાવી ધનુબાએ તેમના મનની વાત કહી, ‘ એ તો મનુનો ડર લાગ્યો હતો એટલે, બાકી આટલાં વર્ષોમાં ક્યારેય ગઈ છું એને ત્યાં ?’
સરલાબહેન ચા-નાસ્તાના ખાલી વાસણો લઈને રસોડા તરફ જતાં હતાં એટલામાં ફોનની રીંગ વાગી, કોટ ચઢાવતાં લતાબહેને ફોન ઉપાડ્યો.
‘હેલો, કોણ બોલે છે ?….ઓ નૈમેશ…ના બેટા હું સરલાકાકી નથી….હું ફોઈ બોલું છું. કેમ છે દીકરા ?…..યાદ તો ઘણીવાર આવે ….પણ સાચી વાત છે તારી….પણ હવે એવી ભૂલ નહી કરું……મને તારો મોબાઈલ નંબર આપ.(સરલાબહેનને લખવાનો ઈશારો કરી લખવા કહ્યું) સામે છેડેથી નૈમેશ નંબર બોલતો હતો તે લતાબહેન રીપિટ કરતાં ગયા અને સરલાબહેને લખવા માંડ્યો.
‘ભલે બેટા, આવજે, હા, લે, કાકીને આપું’ કહી સરલાબહેનને ફોન આપ્યો.
‘ કેમ છે બેટા, હા એક મિનિટ હમણાં આપું હં, મને તારા કાકાનો મોબાઈલ જલદી યાદ નથી રહેતો, શૉપનો નંબર આપું? ઓ.કે લખ…. હલો…હલો….નૈમેશ…નૈમેશ…’
સામે છેડેથી ઓચિંતો ફોન મુકાઈ ગયો એટલે મૂંઝાયેલા સરલાબહેને કહ્યું, ‘ લતાબહેન, દાળમાં કાંઈ કાળું લાગે છે !’
‘કેમ શું થયું ?’
‘હું હજુ તો નંબર લખાવું, ત્યાં તો સામે છેડે બેકગ્રાઉંડમાં બારણું ખૂલવાનો અવાજ આવ્યો અને નૈમેશ ‘પછી ફોન કરીશ ક્હી ફોન મુકતાં મુકતા બોલતા સાંભળ્યો-‘મમ..અત્યારે…’
‘એણે મોટાભાભી નહી હશે એટલે ખાનગીમાં ફોન કર્યો હશે?’
‘ લાગે છે તો એમ જ ‘
એક ધ્યાને વાત સાંભળી રહેલાં ધનુબાએ વાતમાં ઝંપલાવ્યું, ‘ વનિતા તો વહેલી સવારથી તેના ધરમના ગૃપમાં જતી રહે છે એવું મેં સાંભળ્યું હતું.’
‘ હશે, બહેન, હવે તમે બપોરનાં જમીને જ જજોને!’
‘ના રે, મારા કાકાસસરા આજે સાંજે માંચેસ્ટરથી આવવાના છે, મારે જવું જ પડશે.’
લતાબહેન આગળનું બારણું ખોલી બહાર નીકળ્યા, સરલબહેન પણ બારણામાં ઊભાં હતાં અને ત્યાં જ પડોશીને ત્યાં બારણું ખોલવાનો અને જોરથી કાંઈ બહાર પડવાનો અવાજ આવ્યો, સાથે કોઈની ચીસ સંભળાઈ. લતાબહેન અને સરલાબહેન પણ ‘બાપરે’ કહેતાં એકદમ તે તરફ દોડ્યાં!
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com