





૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ ‘૫૦-‘૬૦ના દાયકાનાં લોકપ્રિય અભિનેત્રી શકીલાનું ૮૨ વર્ષની ઉમરે મુંબઈમાં અવસાન થયું. શ્રી હરીશ રઘુવંશીની શ્રેણી ‘ઈન્હેં ના ભુલાના’માં આપણે શકીલાની કારકિર્દીનો પરિચય વેબ ગુર્જરી પર કર્યો હતો. આપણી જૂની સાઈટ ક્રેશ થઈ જવાને કારણે એ લેખને આજે ફરીથી રજૂ કરીને આપણે શકીલાની યાદને અંજલિ આપીએ.
-સંપાદકો
બાબુજી ધીરે ચલના: શકીલા
હરીશ રઘુવંશી
ફિલ્મી દુનિયામાં જોડીઓનું ભારે માહત્મ્ય રહ્યું છે. જૂના સમયમાં માસ્ટર નિસાર-ઝૂબેદા-કજ્જનની સ્ટાર જોડીથી માંડીને સાયગલ-કાનનબાલા, સાયગલ-લીલા દેસાઈ, સાયગલ-ઉમાશશી, માધુરી-ઈ. બીલીમોરિયા જેવી જોડીઓ કામયાબ ગણાતી હતી. ત્યાર પછીની પેઢીઓમાં અશોકકુમાર-લીલા ચિટનીસ, અશોકકુમાર-નલિની જયવંત, દેવ આનંદ-સુરૈયા, રાજ કપૂર-નરગિસ, નિરૂપા રોય-ત્રિલોક કપૂર, શશી કપૂર-નંદા, રાજેશ ખન્ના-શર્મિલા ટાગોર, દારાસિંઘ-મુમતાઝ, ધર્મેન્દ્ર-હેમા માલિની, અમિતાભ બચ્ચન-રેખા, અમિતાભ- પરવીન બાબી, ઋષિકપૂર-નીતુ સિંઘ, મિથુન ચક્રવર્તી-રંજિતા, અનિલ કપૂર-શ્રીદેવી, ગોવિંદા-કરિશ્મા કપૂર સુધીની અનેક જોડીઓ બની છે. જોડીઓ કેવળ ટોચના કલાકારોની જ હોય એવું જરૂરી નથી. ધંધાની ભાષામાં ‘સી’ ગ્રેડની કહી શકાય એવી ૧૯ ફિલ્મોમાં કામ કરનારી એક જોડી હતી : મહિપાલ-શકીલા.
શકીલાનું મૂળ નામ બાદશાહજહાં હતું. તેમનો જન્મ ૧-૧-૧૯૩૭ના રોજ મુંબઈમાં થયો હતો. તેને બે બહેનો હતી. (તેમાંની એક નૂરે જોની વોકર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.) શકીલાના એક કુટુંબીને એ.આર. કારદારનાં પત્ની બહાર અને મહેબૂબખાનનાં પત્ની સરદાર અખ્તર સાથે સંબંધ હતો. કારદાર એ વખતે (૧૯૫૦માં) રાજ કપૂર-સુરૈયાને લઈને ‘દાસ્તાન’ બનાવી રહ્યા હતા. તેમાં અભિનેત્રી વીણાની નાનપણની ભૂમિકા માટે બાદશાહજહાંને પસંદ કરવામાં આવી અને તેનું ફિલ્મી નામ પડ્યું શકીલા. આ ફિલ્મમાં વીણાની નાનપણની ભૂમિકા ભજવતાં શકીલા માટે અભિનયની કારકિર્દીના દ્વાર ખૂલી ગયાં. તે પછી ૧૯૫૩ સુધી શકીલાએ બાળભૂમિકા અને કિશોરીની ભૂમિકા ભજવી હતી. એ ફિલ્મો હતી :‘ગુમાસ્તા’, ‘ખૂબસૂરત’, ‘રાજરાની દમયંતિ’, ’સલોની’, ‘સિંદબાદ ધ સેલર’, ’આગોશ’, ‘અરમાન’, ‘ઝાંસી કી રાની’, ‘મદમસ્ત’, ‘રાજમહલ’ અને ‘શહનશાહ’. ‘શહનશાહ’ ફિલ્મમાં શકીલાએ અભિનેતા રંજનની બહેનની ભૂમિકા ભજવી હતી, જ્યારે પાછળથી બનેલી ‘પરિસ્તાન’માં શકીલા રંજનની હીરોઈન બની હતી. ‘શહનશાહ’માં એસ.ડી. બર્મનના સંગીતમાં શમશાદ બેગમે ગાયેલા નશીલા ગીત ‘જામ થામ લે’ ઉપર શકીલાએ નૃત્ય કર્યું હતું, પરંતુ હીરોઈન તરીકેની તેમની કારકિર્દી 1954થી શરૂ થઈ. એ વર્ષે આવેલી તેમની આઠ ફિલ્મોમાં ગુરુદત્તની ‘આરપાર’ વિશેષ ઉલ્લેખનીય હતી. તેમાં ક્લબ ડાન્સરની ભૂમિકામાં
‘બાબુજી ધીરે ચલના’
અને ‘હૂં અભી મૈં જવાં’
જેવાં ગીતો પડદા પર શકીલાએ રજૂ કર્યાં.
એ જ વર્ષે હોમી વાડિયાએ ‘અલીબાબા ઔર ચાલીસ ચૌર’માં પહેલી વાર શકીલા અને મહિપાલની જોડી રજૂ કરી. તેમાં શકીલાએ અભિનયમાં માદકતા અને આંખના આકર્ષક હાવભાવથી આરબ સૌંદર્ય ખડું કરીને આ ફેન્ટસી ફિલ્મની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો. આ ફિલ્મથી બનેલી શકીલા-મહિપાલની જોડી બીજી 18 ફિલ્મોમાં આવી. એ ફિલ્મો હતી : ‘લાલપરી’, ‘મસ્ત કલંદર’, ‘કારવાં’, ‘રત્નમંજરી’, ‘હુસ્નબાનો’, ‘ખુલ જા સિમસિમ’, ‘મલિકા’, ‘રૂપકુમારી’, ‘અલ્લાદીન’ ‘લૈલા’, ‘ચમકચાંદની’, ‘માયાનગરી’, ‘નાગપદ્મિની’, ‘અલહિલાલ’, ‘સિમસિમ મરજીના’, ’ટેક્સી 555’, ‘ડૉક્ટર ઝેડ’, ‘અબ્દુલ્લા’ અને ‘બગદાદ કી રાતેં’. (‘ટેક્સી 555’માં મહિપાલની મુખ્ય ભૂમિકા હતી, પણ હીરો પ્રદીપકુમાર હતા.)
પાછળથી વિલન તરીકે જાણીતા બનેલા એ સમયના હીરો અજિત સાથે શકીલાએ ‘ગેસ્ટહાઉસ’, ‘બારાત’, ’દિલ્હી જંક્શન’, ‘નીલી આંખે’, ‘ટાવર હાઉસ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. ‘ગેસ્ટહાઉસ’માં ‘દિલ કો લાખ સંભાલા જી’
ગીતના ડાન્સ વખતે શકીલાનો અભિનય ચરમસીમાએ પહોંચે છે. પ્રેમનાથ સાથે શકીલા‘ ચૌબીસ ઘંટે’, ‘ચાલીસ દિન’, ‘ડૉ. શૈતાન’ અને ‘ગેમ્બલર’ ફિલ્મોમાં હતી. પ્રદીપકુમાર (ટેક્સી 555, મુલ્ઝિમ, ઉસ્તાદોં કે ઉસ્તાદ), કિશોરકુમાર (પૈસા હી પૈસા, બેગુનાહ), જયરાજ (હાતિમતાઈ, પાતાલપરી), મનોજકુમાર (રેશમી રૂમાલ, નકલી નવાબ) અને દલજિત (લૈલા, નૂરમહલ, શાહી ચોર, પાસિંગ શો) સાથે પણ શકીલાએ કામ કર્યું.
(શકીલા અને રાજ કપૂર – શ્રીમાન સત્યવાદી)
માત્ર એક ફિલ્મમાં જ શકીલાએ જેમની સાથે જોડી જમાવી હોય, એવા હીરો અને ફિલ્મો :
હેમંત (ગુલબહાર), સજ્જન (હલ્લા ગુલ્લા), મોતીસાગર (ખૂશબૂ), મનહર દેસાઈ (વીર રજપૂતાની), વિજય આનંદ (આગ્રા રોડ), રંજન (પરિસ્તાન ઉર્ફે ગુલ બકાવલી), સુનિલ દત્ત (પોસ્ટ બૉક્સ ૯૯૯), ચંદ્રશેખર (કાલી ટોપી લાલ રૂમાલ), સુરેશ (મૈડમ એક્સ વાય ઝેડ), કરણ દીવાન (સ્કૂલ માસ્ટર), અભિ ભટ્ટાચાર્ય(દો ભાઈ) અને મહેમૂદ સાથે (કહીં પ્યાર ન હો જાયે).
૧૪ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં શકીલાએ ૭૨ ફિલ્મોમાં અભિનય કર્યો. સી.આઈ.ડી. (દેવ આનંદ), શ્રીમાન સત્યવાદી (રાજ કપૂર), હથકડી (મોતીલાલ), વોરંટ (અશોકકુમાર), ચાયના ટાઉન (શમ્મીકપૂર) જેવા અપવાદોને બાદ કરતાં તેને નામી હીરો સાથે કામ કરવાની તક ન મળી. એટલે તે કદી પહેલી હરોળમાં ન ગણાઈ.
અભિનેત્રી નંદા સાથે શકીલાની પાકી દોસ્તી હતી. તે બન્ને બુરખો પહેરીને સાથે ફિલ્મ જોવા જતાં હતાં. ‘ચમકચાંદની’ (1957)ના શૂટિંગ વખતે શકીલા તેમનાથી બમણી ઉંમરના પરણેલા પુરુષના પ્રેમમાં પડી અને તેની બીજી પત્ની તરીકે રહેવાનું કબૂલ્યું. થોડા સમય પછી વાસ્તવિકતાનું ભાન થતાં શકીલાએ એ વ્યક્તિનો સાથ છોડ્યો. ‘નકલી નવાબ’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તે સેટ પર આવતા એક અફઘાન યુવક હમીદના પ્રેમમાં પડી. તેની સાથે લગ્ન કરીને શકીલા અફઘાનિસ્તાન પહોંચી ગઈ, પણ ત્યાંનું રૂઢિચુસ્ત ધાર્મિક વાતાવરણ તેને શી રીતે માફક આવે ? થોડાં વર્ષો પછી તે પતિને ત્યજીને ભારત પાછી ફરી. ત્યાર પછી અંગ્રેજી ફિલ્મોના વિતરક ઈલિયાસભાઈ સાથે પરણીને શકીલા ઠરીઠામ થઈ. તેમની જુવાનજોધ, ભણેલીગણેલી (સાવકી) પુત્રી અકસ્માતે બાલ્કનીમાંથી પડી જતાં અકાળે મૃત્યુ પામી. એ ઘટનાએ શકીલાને ભારે આઘાત પહોંચાડ્યો. એ ઘટનાને ભૂલવા માટે શકીલા મરીન ડ્રાઈવનું જૂનું ઘર છોડીને બાંદ્રામાં રહે છે.
**** **** ****
શકીલા પર ફિલ્માવાયેલાં અનેક ગીતોમાંનાં કેટલાકની વિડીયો લીન્ક અહીં આપી છે.
૧. ‘અલીબાબાઔર ચાલીસ ચોર’નું આ ગીત ‘દેખોજી ચાંદ નીકલા’ એસ.એન.ત્રિપાઠી ચિત્રગુપ્ત દ્વારા સ્વરબદ્ધ થયું છે.
૨. ‘આગ્રા રોડ’નું આ ગીત ‘ઉનસે રીપ્પી-ટીપ્પી હો ગઈ’નું સંગીત રોશને આપ્યું છે.
૩. ‘અલ હિલાલ’નું ગીત ‘ચાકૂવાલા છૂરીવાલા’ બુલો સી. રાની દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવ્યું છે.
૪. ‘પોસ્ટ બોક્ષ નં ૯૯૯’ નાં ગીત આરા રા રા મૈં તો ગીરી રે ગીરી રે ને સંગીતબદ્ધ કર્યું છે કલ્યાણજી-આણંદજીએ….
૫. ‘ક્યોં ઉડા ઉડા જાતા હૈ’ ગીત ‘શ્રીમાન સત્યવાદી’નું છે, જેના સંગીતકાર છે દત્તારામ.
૬. ‘આજા રે તેરા એક સહારા’ગીત ફિલ્મ ‘બારાત’નું છે, જે ચિત્રગુપ્તે સ્વરબદ્ધ કર્યું છે.
૭. ‘સી.આઈ.ડી.’નું આ અમર ગીત ‘લે કે પહલા પહલા પ્યાર’ પડદા પર શીલા વાઝે ગાયું છે, પણ તે શકીલાને ઉદ્દેશીને ગવાયું છે.
૮. ‘નકલી નવાબ’ના આ ગીત ‘મસ્ત આંખેં હૈં’ના સંગીતકાર છે બાબુલ.
૯. ‘ટાવરહાઉસ’નું ગીત ‘એ મેરે દિલે નાદાં’ રવિએ સંગીતબદ્ધ કર્યું છે.
૧૦. ‘કહીં પ્યાર ના હો જાયે’નું આ ગીત ‘હમ કો તુમ સે પ્યાર હૈ’ના સંગીતકાર છે કલ્યાણજી આણંદજી.
હરીશ રઘુવંશીનું સંપર્કસૂત્ર: harishnr51@gmail.com