





નિરંજન મહેતા
પોતાનું ઘર હોય તેવી દરેકને ઈચ્છા હોય અને તેવું આપણી ફિલ્મોમાં દર્શાવાયું છે ગીતો દ્વારા. આવા કેટલાક ગીતોની નોંધ અહી લઉં છું.
અમર ગાયક કે.એલ.સાઈગલને કેમ ભૂલાય? ૧૯૩૭મા આવેલી તેમની ફિલ્મ ‘પ્રેસિડેન્ટ’નાં આ ગીતે તો તે વખતે ધૂમ મચાવી હતી:
एक बंगला बने न्यारा
रहे कुंभा जिसमे सारा
કેદાર શર્માના કલ્પનાસભર શબ્દોને સંગીત આપ્યું છે આર.સી.બોરાલે. ગીત કે.એલ.સાઈગલ પર ફિલ્માયું છે અને તે વખતની પ્રથા પ્રમાણે તેમણે જ આ ગીત ગાયું છે.
૧૯૫૧ની ફિલ્મ ‘આવારા’માં રાજ કપૂરે પ્રિયતમ ઘરે આવે તેની ખુશીને એક ભવ્ય નૃત્ય ગીત તરીકે રજૂ કર્યું.
घर आया मेरा परदेसी
प्यास बूझी मएरे नैनकी
લતા મંગેશકર અને મન્ના ડેનાં જૂદાં જૂદાં કહી શકાય એવાં શૈલેન્દ્રનાં લખેલાં ગીતોને એક સૂત્રે વણી લીધાં છે શંકર જયકિશને.
તો ૧૯૫૪મા આવેલ ફિલ્મ ‘નૌકરી’ના આ ગીતમાં કરાયેલ ઘર માટેની કલ્પના પણ અનેરી છે.
छोटा सा घर होगा बादलो की छांव में
आशा दीवानी मन में बांसुरी बजाये
શીલા રામાણી અને કિશોરકુમાર ઉપર રચાયેલ આ ગીતના રચનાકાર છે શૈલેન્દ્ર અને સંગીત છે સલિલ ચૌધરીનું. ગાનાર કલાકાર કિશોરકુમાર અને શૈલા બેલે.
૧૯૬૩માં આવેલી ફિલ્મ ‘તેરે ઘર કે સામને’નું આ ગીત એક પ્રેમીની ઉત્તેજનાને તાદૃશ કરે છે જ્યારે તે પોતાની પ્રિયતમા આગળ ગાય છે કે:
तेरे घर के सामने
एक घर बनाउंगा
दुनिया बसाऊंगा
तेरे घर के सामने
ગીતના કલાકારો છે દેવઆનંદ અને નૂતન. ગીતકાર હસરત જયપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન. કંઠ આપ્યો છે રફીસાહેબ અને લતાજીએ.
ઘરની કલ્પના જુદી જુદી કેટલીયે રીતે કરાય છે. આનો દાખલો છે ૧૯૭૦ની ફિલ્મ ‘જીવનમૃત્યું’નું આ ગીત:
झिलमिल सीतारो का आँगन होगा
रिमजिम बरसता सावन होगा
ऐसा सुन्दर सपना अपना जीवन होगा
રાખી અને ધર્મેન્દ્ર પર રચાયેલ આ ગીતના ગાનાર છે રફીસાહેબ અને લતાજી. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.
એક કોળી નૃત્યના રૂપમાં ઘર માટે છેડછાડની પ્રકૃતિનું એક ગીત છે ૧૯૭૬ની ફિલ્મ ‘સબ સે બડા રૂપૈયા’નું આ ગીત
दरिया किनारे इक बंगलो गो पोरी जई जो जई
जई जो जई, जायेगी कहाँ ऐ पोरी
अरे जायेगी कहाँ तेरे पीछे ये पोरा ऐय जो ऐय
વિનોદ મહેરા અને ફરીદા જલાલ પર રચાયેલ આ ગીતના ગાનારા છે કિશોરકુમાર અને લતાજી જેના શબ્દો છે મજરૂહ સુલાતાનપુરીના અને સંગીત છે બસુ મનોહરીનું.
ઘર ન હોવાથી થતી તકલીફો અને વેદનાને વાચા આપે છે ૧૯૭૭ની ફિલ્મ ‘ઘરોંદા’નું ગીત:
दो दीवाने शहर में रात में और दोपहर में
आबोदाना ढूंढते है इक आशियाना ढूंढते है
ગીતના રચયિતા ગુલઝાર અને સંગીતકાર જયદેવ. ઝરીના વહાબ અને અમોલ પાલેકર માટે કંઠ આપ્યો છે રુના લૈલા અને ભુપિન્દરે.
યુવાન પ્રેમીઓના ઘર માટેના સ્વપ્નાને તાદૃશ કરે છે ૧૯૮૧ની ફિલ્મ ‘લવ સ્ટોરી’નું ગીત:
देखो मैं ने देखा है यह एक सपना
फूलो के शहरमे है घर अपना
क्या समा है तू कहा है
मै आई आई आई आई आ जा
કુમાર ગૌરવ અને વિજયતાના આ સ્વપ્નને શબ્દો મળ્યા છે આનંદ બક્ષી પાસેથી જેને સ્વરબદ્ધ કર્યા છે આર. ડી. બર્મને. સ્વર આપ્યો છે અમિતકુમાર અને લતાજીએ.
સ્વપ્નશીલ દુનિયાના વર્ણનથી અલગ એક વાસ્તવિક રૂપમાં ઘરને વર્ણવે છે ૧૯૮૨ની ફિલ્મ ‘સાથ સાથ’નું આ ગીત:
ये तेरा घर ये मेरा घर कीसी को देखना हो मगर
तो पहेले आके मांग ले तेरी नज़र मेरी नज़र
ફારુખ શેખ અને દીપ્તિ નવલ ઉપર ફીલ્માયેલ આ ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીત છે કુલદીપ સિંઘનું. ગાનાર કલાકાર જગજીત સિંઘ અને ચિત્રા સિંઘ.
આમ ઘર માટેની ઝંખનાને જુદી જુદી રીતે રજુ કરતા કેટલાક ગીતો આમાં સમાવાયા છે પણ અન્ય ગીતો પણ હોવાની શક્યતા છે જે મારા ખયાલમાં નથી આવ્યા. રસિકોને તેની જાણકારી હશે જ.
સંપર્ક સૂત્રો :-
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com