સાયન્સ ફેર :: ડિઝાસ્ટર મેનેજમેન્ટ : હજી કેટલી દુર્ઘટનાઓ વેઠીશું?!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

જૂન મહિનામાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે કુદરતી આફતની જે પરિસ્થિતિ સર્જાઈ, અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ સામે જે સવાલો ખાડા થયા, એના અનુસંધાને અહીં ડિઝાસ્ટ મેનેજમેન્ટ વિષે ત્રણેક લેખની સીરીઝ લખવાનું નક્કી કરેલું.પ્રથમ લેખમાં ‘એક્ટ ઓફ ગોડ’ વિષે અને મોરબીની મચ્છુ ડેમ હોનારત વિષે લખેલું. ત્યાર બાદ એજ પ્રકારની હોનારતમાં, જાપાને પડોશી દેશ ઇન્ડોનેશિયામાં આવેલ “વે એલા ડેમ” દુર્ઘટના પહેલા જ, ટેકનોલોજીના ઉપયોગ અને યોગ્ય મેનેજમેન્ટના સહારે કઈ રીતે બાજી સંભાળી લીધી અને અંદાજે પાંચેક હજાર લોકોની જાન બચાવી, એ વિષે જાણેલું. મચ્છુ ડેમ દુર્ઘટના અને વે એલા ડેમ દુર્ઘટનાની સરખામણી કરીએ, તો જાનહાનીના આંકડાઓ વચ્ચે જે તફાવત દેખાય છે, (વે એલા ડેમ ફાટી પડ્યો એમાં માત્ર ત્રણ વ્યક્તિએ જાન ગુમાવેલી!) એને માટે જવાબદાર છે જાપાનનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ. મચ્છુ ડેમ દુર્ઘટના ચાર દાયકા જૂની વાત છે, અને જાપાનનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છેક ૨૦૧૩માં જોવા મળ્યું. જાપાનને અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો, એવી દલીલ પ્રથમ નજરે સાચી લાગે તો પણ એ વાત સ્વીકારવી જોઈએ કે કુદરતી આફતો ખાળવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું આપણા જીન્સમાં જ નથી. આપણી સરકારો ગમે એવો દાવો કરે, તો પણ ચોમાસા પહેલા ‘આગોતરું આયોજન’ના નામે રસ્તાના ખાડા પૂરવાથી વિષેશ કોઈ કામ ભાગ્યે જ થાય છે! ડેમમાં પાણીના સ્તરના રીડીંગ લેવાય છે ખરા, પણ અતિવર્ષા વખતે ડેમના દરવાજા ખોલવાનો આખરી ફેંસલો ઘણી વાર ઉચ્ચ સ્થાને બેઠેલા ટેકનિકલ ઓફિસરને બદલે નેતાઓ કરતાં હોય છે!

મચ્છુ ડેમ, વે એલા ડેમ અને તાજેતરની ગુજરાતની આફત માટે એક જ કુદરતી પરિબળ જવાબદાર છે, અતિવર્ષા! વરસાદે આ વર્ષે ગુજરાતને રીતસરનું ડૂબાડી દીધું છે એમ કહીએ તો ચાલે! વરસાદની જે સરેરાશ છે, એના કરતાં બનાસકાંઠામાં ૨૬૭%, પાટણમાં ૨૦૮%, ગાંધીનગરમાં ૧૮૯% અને મોરબીમાં ૧૭૪% જેટલો વધુ વરસાદ ખાબક્યો! અ વખતે કાકરાપાર વિયર (ઊંચાઈ ૧૬૦ ફૂટ) પણ છલકાયો હોવાના સમાચાર હતાં! જરા કલ્પના કરો, વિયરમાં નાનીસરખી તિરાડ પડે તો શું થાય? એક પ્રજા તરીકે હવે તાતી જરૂર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાઠ ભણી લેવાની. કેમકે વસ્તી ગીચતાની બાબતમાંયે આપણે જાપાન કરતાં આગળ છીએ. ભૌગોલિક દ્રષ્ટિએ ભારત પણ જાપાનની જેમ જ વૈવિધ્ય ધરાવે છે. ભારતની દક્ષિણે ઉંચાઈવાળા વિસ્તારો (Deccan Plateau) આવેલા છે. ગંગા અને આસપાસના પ્રદેશો (મુખ્યત્વે મધ્ય-ઉત્તર ભારત) મેદાની પ્રદેશો છે. પશ્ચિમ ભારતમાં કચ્છ અને રાજસ્થાનના રણપ્રદેશો છે, તો પૂર્વ ભારતમાં ભેજવાળા વનીય પ્રદેશો તો ખરા જ! એ સિવાય ભારતની ઉત્તર પૂર્વ સરહદે પર્વતરાજ હિમાલય! આ બધી ભૌગોલિક પરિસ્થિતિને કારણે આપણે વારંવાર પૂર, ભૂકંપ (ઇસ ૨૦૦૧માં કચ્છ), ત્સુનામી (ઇસ ૨૦૦૪), સુપર સાયક્લોન (ઇસ ૧૯૯૯માં ઓરિસ્સા) જેવી મહાવિનાશક આફતોનો ભાગ બનતા રહીએ છીએ. ઉપરાંત બદલાતા ઋતુચક્રને કારણે આવી આફતો લગાતાર આપણી મુલાકાત લેતી જ રહેવાની છે! ગ્લોબલ વોર્મિંગ કે ઋતુચક્રમાં આવતો બદલાવ એ દાયકાઓ સુધી ચાલતી પ્રક્રિયા છે. હાલને તબક્કે ઋતુચક્રને કંટ્રોલ કરવું અશક્યવત છે. બચવાનો એક જ રસ્તો છે, નેચર સાયન્સ-ટેકનોલોજી અને શિસ્તબદ્ધ આયોજનના સમન્વયથી યોગ્ય ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન’ ઘડવો અને એનું ચુસ્ત અમલીકરણ કરવું!

આપણે ત્યાં બહુ મોડેથી, છેક ઇસ ૨૦૦૪માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેનું ફ્રેમવર્ક ઉભું કરવાની કવાયત હાથ ધરવામાં આવી. ઇસ ૨૦૦૫માં ‘ડીએમ એક્ટ-૨૦૦૫’ તરીકે જાણીતો કાયદો અમલમાં મુકાયો. આ કાયદાની ધારાઓ મુજબ ૨૦૦૫ના ડિસેમ્બર મહિનામાં ‘નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-“એનડીએમએ”ની રચના કરવામાં આવી. એનડીએમએમાં પોલીસી, પ્લાનિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, સંદેશવ્યવહાર, હવામાનશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાંથી આવતા નવ સભ્યોની સમિતિ કાર્ય કરે છે અને ભારતના પ્રધાનમંત્રી પોતાના હોદ્દાની રુએ એનડીએમએના પ્રમુખ બને છે. આ સંસ્થા માટે વાર્ષિક સાડા ત્રણ અબજ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નેપાળ ભૂકંપ વખતે ભારત સરકાર દ્વારા જે રીતે ત્વરિત મદદ પહોંચાડી શકાઈ, તે એનડીએમએની કામગીરી અને ગુજરાત ભૂકંપના બોધપાઠોને આભારી છે! (કાશ, અતિવૃષ્ટિ બાબતે પણ તંત્ર પોતાના અનુભવોને કામે લગાડે!)

તેમ છતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે આપણે જાપાનની સાપેક્ષે અતિશય પછાત છીએ. આપણું હવામાન ખાતું દર ચોમાસે ઊંઘતું ઝડપાય છે. જરા વિચારો, જો ભૂકંપના કોઈ જોરદાર ઝાટકાને લીધે ઉકાઈ ડેમમાં તિરાડ પડી જાય, તો? જો ઉકાઈ ડેમમાં અતિભારે વરસાદને કારણે ૨૦૦-૨૫૦% પાણી વધારે આવી જાય અને એ જ સમયે ડેમમાં તિરાડ પડે તો?…તો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો સહિત આખું સુરત મહાનગર હડપ્પા અને મોહેંજોદડોની કક્ષામાં આવી જાય! કુદરતી આપત્તિઓ અંગેની આવી ‘જો અને તો’ની પરિસ્થિતિ ઉપર આખો એક રસપ્રદ લેખ થઇ શકે છે. આપના નેતાઓ અને અધિકારીઓને રોજિંદા રાજકારણથી ઉપર ઉઠીને આવા ‘જો…તો’ પ્રકારના વિચારો આવતા હશે ખરા?! એમને ય જાપાન જેવું ટેકનોલોજી બેઝ્ડ સજ્જડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર વિકસાવવાની જરૂર જણાતી હશે ખરી?! અત્યારની પરિસ્થિતિઓ જોતા આવું લાગતું નથી! ડિઝાસ્ટર મેનેજમેન્ટના અભાવે હજી કેટલી દુર્ઘટનાઓ વેઠીશું?!

હાલ પૂરતો એટલી વાતથી સંતોષ માનવો રહ્યો, કે અમેરિકા જેવા વિકસિત દેશના લગભગ સાઠ ટકા ઉદ્યોગો ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતે જાપાની સ્ટાન્ડર્ડને આંબી નથી શક્યા!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

3 comments for “સાયન્સ ફેર :: ડિઝાસ્ટર મેનેજમેન્ટ : હજી કેટલી દુર્ઘટનાઓ વેઠીશું?!

 1. September 30, 2017 at 1:08 am

  જો ભૂકંપના કોઈ જોરદાર ઝાટકાને લીધે ઉકાઈ ડેમમાં તિરાડ પડી જાય, તો?
  ભયાનક કલ્પના, પણ એકદમ ચોટદાર. આશા રાખીએ કે, આ બાબત જાગૃતિ આવશે.
  ———–
  જવાહર બક્ષીની એક ઓછી જાણીતી પણ ગજબનાક ગઝલ યાદ આવી ગઈ…

  ‘આખોને આખો મહેલ બસ પળવારમાં તૂટી પડે.’

  http://gujlit.com/book-index.php?bIId=1135&name=%E0%AA%AA%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87-/-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80

  • Jwalant
   October 11, 2017 at 7:15 pm

   હા સુરેશભાઈ… કલ્પના કરવા માત્રથી રાતની ઊંઘ ઉડી જાય એવું જ છે. હું પોતે સુરતમાં રહું છું… એટલે નદીની રેલના ભયાવહ દ્રશ્યો જોયા છે. બક્ષી સાહેબની સરસ રચના.

  • Jwalant
   March 23, 2018 at 1:15 pm

   આભાર સુરેશભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *