ફિર દેખો યારોં: માણસ હાથીને મારે કે હાથી માણસને, સમસ્યા સરખી જ ગણાય

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

નવા નવા વિકસેલા શહેરી વિસ્તારમાં જોયું હશે કે ક્યારેક વાંદરાઓનું ટોળું એકાએક ધસી આવે છે અને કૂદાકૂદ કરીને તબાહી મચાવી દે છે. ‘અમારે અહીં બીજી બધી શાંતિ છે, પણ વાંદરાઓનો બહુ ત્રાસ છે.’ આવું ઘણા વિસ્તારના રહીશોને મોંએ સાંભળવા મળે છે. તેમની વાત સાચી છે. પણ આ સમસ્યાને વાનરોની દૃષ્ટિએ મૂલવવા જેવી છે, એમ કહીએ તો હાસ્યાસ્પદ લાગે, તેથી એમ કહીએ કે તેને સ્થાનિક નહીં, વ્યાપક સ્વરૂપે જોવા જેવી છે.

આપણે જે સમસ્યાને ‘વાંદરાઓનો ત્રાસ’ કહીએ છીએ, એ ખરેખર તો આપણા દ્વારા વાનરો પર ગુજારાયેલો ત્રાસ છે. તેમના રહેણાક વિસ્તારમાં આપણે ઘૂસ મારી દીધી, તેમને રહેવા માટેનાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું અને ત્યાં સિમેન્‍ટ-કોન્ક્રીટનાં જંગલો ઉભાં કરી દીધાં. અલબત્ત, ન્યાય ખાતર પણ એટલું કહેવું જોઈએ કે આવો વ્યવહાર આપણે ફક્ત વાનરો સાથે જ કરીએ છીએ એમ નથી. મનુષ્યોને પણ આપણે છોડતા ન હોઈએ તો વાનરોની શી વિસાત? એક ચીજનું પહેલાં વગર વિચાર્યે નિકંદન કાઢીને તેને લુપ્તતાને આરે પહોંચાડી દેવી અને પછી તેની જાળવણી કરવા માટે જાતભાતના પ્રકલ્પો ઘડવા તેમજ એ પ્રકલ્પોની સફળતાની ગાથાઓ ગાઈને ગૌરવ લેવું-આ એક સામાન્ય ક્રમ બની રહ્યો છે. વૃક્ષ હોય કે વાઘ, આ હકીકત દરેક બાબત માટે સાચી છે. જીવમાત્રનો આદર કરવાનું જ્ઞાન આપણે થોથાંઓમાં જ પૂરી રાખ્યું છે, તેથી નાનામાં નાના જીવનું મૂલ્ય તેમજ મહત્તા દર્શાવતી પૌરાણિક કથા આપણી જીભને ટેરવે હશે, પણ વ્યવહારમાં એ ભાવના ભાગ્યે જ જોવા મળશે. ગણેશ ચતુર્થીના દિવસોમાં અસહ્ય ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ કે વાયુ પ્રદૂષણ ફેલાવ્યા પછી ગણેશજીની માટીની મૂર્તિઓ બનાવીને પર્યાવરણની જાળવણી કરવાની દુહાઈઓ આપવામાં આવે ત્યારે સો ઉંદરડાઓનો શિકાર કર્યા પછી હજ પર જતી બિલાડી સિવાય બીજું કશું યાદ ન આવે. ખુદ ગણેશજીની આ વલે આપણે કરી હોય તો ખરેખરા હાથીની શી હાલત કરી છે એ પણ જાણવા જેવું છે!

સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ઓરીસ્સા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં એક યોજનાનો આરંભ કરવામાં આવ્યો. છેલ્લા દાયકામાં અસાધારણપણે વધી ગયેલી એક સમસ્યાના સંભવિત ઉકેલ માટે પહેલવહેલી વાર આ પાંચે રાજ્યોએ હાથ મિલાવ્યા. સમસ્યા વિશિષ્ટ છે. દેશની કુલ વસતીના દસ ટકા જેટલા હાથીઓ આ પાંચે રાજ્યોમાં મળીને છે. આમ છતાં માનવ-હાથી વચ્ચે થતા સંઘર્ષને લઈને પચાસ ટકાથી વધુ મૃત્યુ આ રાજ્યોમાં થાય છે. 2014 થી 2017 દરમ્યાન આ પાંચે રાજ્યોમાં થઈને 750 થી વધુ માણસોનાં મૃત્યુ થયાં છે. અહીં દેખીતી રીતે એમ લાગે કે હાથીઓની રંજાડ વધી છે, જેને કારણે માનવો મૃત્યુ પામી રહ્યાં છે. પણ વાસ્તવિકતા શી છે?

એ હકીકત છે કે વાઘની જેમ જ હાથીની પ્રજાતિની જાળવણી અગ્રતાક્રમે આવે છે. પણ વાઘ કરતાં હાથી એ રીતે અલગ પડે છે કે વાઘ મોટે ભાગે આરક્ષિત વિસ્તાર તરીકે ઘોષિત કરાયેલા વનના વિસ્તારમાં રહે છે, જ્યારે હાથીની સંખ્યાના ફક્ત વીસ ટકા હાથીઓ જ રાષ્ટ્રીય ઉદ્યાનો તેમજ અભયારણ્યોમાં હોય છે. દિનબદિન વનોનો આ વિસ્તાર સંકોચાઈ રહ્યો છે, તેને કારણે હાથીઓ હવે માનવવસતિવાળા પ્રદેશો તરફ સ્થળાંતર કરવા લાગ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મધ્ય અને પૂર્વ ભારતના વિસ્તારોમાં અગાઉ કદી હાથીઓ માનવવસતિમાં આવ્યા હોવાનું નોંધાયું નથી. તેને બદલે આવા અનેક વિસ્તારોમાં હાથીઓ પ્રવેશી રહ્યા છે, અને તેમની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.

1980 સુધી ઓરિસ્સાના માત્ર ચૌદ જિલ્લાઓમાં હાથીની વસતિ મર્યાદિત હતી. તેને બદલે હવે આ હાથીઓ ત્રીસેક જિલ્લાઓમાં, એટલે કે રાજ્યભરમાં પ્રસરી ગયા છે. ‘સ્ટીલ સીટી’ તરીકે જાણીતા રૂરકેલામાં હાથીઓનાં ટોળાં આવી ગયાં હોવાના સમાચાર અવારનવાર પ્રસાર માધ્યમોમાં ચમકી રહ્યા છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ પ્રદેશમાં પણ હાથીઓનું આગમન થવા લાગ્યું છે, જ્યાં પાંત્રીસેક વર્ષ અગાઉ હાથીઓ જોવા મળતા નહીં. છેલ્લા દોઢેક દાયકામાં ઝારખંડના સારંડા જંગલોમાંથી હાથીઓ છત્તીસગઢમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. સારંડાનો વિસ્તાર ખાણોનો હતો, અને હવે ખાણોમાંનો પ્રાકૃતિક સ્રોત ખાલી થઈ ગયો છે. આ કારણે હાથીઓનું થયેલું સ્થળાંતર એ તારણ પર હકીકતને લાવી મૂકે છે કે માનવોનો અને તેમનો સ્રોત સમાન છે, અને તેના માટે બન્ને સ્પર્ધાત્મક વલણ અપનાવી રહ્યા છે. હાથી કે અન્ય વન્ય પશુઓની તલાશ માટે સર્ચલાઈટ, ફટાકડા કે બંદૂકોના ધડાકાનો ઉપયોગ કરવાથી આ પ્રાણીઓ ભડકે છે, અકળાય છે અને ઉગ્ર વલણ અપનાવે છે. હાથીઓના સ્થળાંતરને અટકાવવા માટે બાંધવામાં આવેલી વાડ પણ નિરુપયોગી પુરવાર થઈ છે.

આવી વિકટ પરિસ્થિતિના ઉકેલ માટે આ પાંચ રાજ્યોએ સંયુક્તપણે એવું આયોજન કર્યું છે કે હાથીઓના આવાસને મુખ્ય ત્રણ ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવે, જે આ મુજબ છે: હાથીઓની જાળવણી માટે પૂરતો વનવિસ્તાર ધરાવતું ક્ષેત્ર, હાથીઓ અને માનવોનું સહઅસિત્ત્વ હોય એવું ક્ષેત્ર અને કૃષિવિસ્તારમાંથી હાથીઓને ખસેડવાના હોય એવું ક્ષેત્ર. કૃષિવિસ્તારમાં આવી ગયેલા હાથીઓને વન્યપ્રદેશમાં ખસેડી મૂકવાનો અથવા એ શક્ય ન બને તો એવા હાથીઓને મર્યાદિત વિસ્તાર પૂરતા રાખવાની જોગવાઈનો આમાં સમાવેશ થાય છે. વનવિભાગના પ્રબંધકોએ આ ક્ષેત્રોના વિભાજન માટે પ્રાથમિક તબક્કે વિચારણા કરી લીધી છે. હવે પછીના તબક્કામાં સંબંધિત વ્યક્તિઓને આ કાર્યની તાલિમ આપવાનો અને પછી તેના અમલીકરણનો કાર્યક્રમ થશે.

આ અગાઉ 1992માં હાથીની પ્રજાતિના સંવર્ધન માટે ‘પ્રોજેક્ટ એલિફન્ટ’ અમલી બન્યો હતો, જેના અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોની વિચારણા કરવામાં આવી હતી. ત્યાર પછી 2010માં કુલ 32 વિસ્તારોને વિવિધ રાજ્ય સરકારોએ ‘હાથી માટે આરક્ષિત’ ઘોષિત કર્યા હતા, જેમાં બધું મળીને આશરે 58,000 ચોરસ કિ.મી.ના વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. આમ છતાં, માત્ર હાથીની કુલ વસતિના માત્ર દસ ટકા સંખ્યા ધરાવતા વિસ્તારોમાં પરિસ્થિતિ આટલી ગંભીર બની ગઈ છે.

વિકાસની આપણી આંધળી અને દિશાહીન દોટનાં આ પરિણામો હજી બહુ ઝડપથી નજર સામે આવી રહ્યાં છે. દૂરગામી પરિણામો કેવાં હશે એ કોને ખબર! તે આપણને ચેતવાનો સમય પણ આપશે કે કેમ એ સવાલ છે. આવા સંજોગોમાં જે સમસ્યા ઓળખાય તેના નિરાકરણનાં જે પગલાં, જ્યારથી લેવાય એને જ આશ્વાસનરૂપ ગણી શકાય.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૯-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

4 comments for “ફિર દેખો યારોં: માણસ હાથીને મારે કે હાથી માણસને, સમસ્યા સરખી જ ગણાય

 1. September 28, 2017 at 5:22 pm

  બીજો ત્રાસ છે. પોલિટિકલ વાંદરા અને હાથીઓનો. એમણે તો એક પણ ખેતરમાં ભેલાણ કરવાનું બાકી નથી રાખ્યું. છેલ્લામાં છેલ્લૂ આવું ખેતર બ્લોગિંગ છે !
  ———
  મજાક બાજુએ મુકીએ તો, માણસ જાતના વિકાસનો બીજો કોઈ જ વિકલ્પ નથી. આપણે ફરીથી હાદઝા જેવા નથી બની શકતા.

  હાદઝા
  આ એકવીસમી સદીમાં પણ પથ્થરયુગના માનવીની જેમ જ, હજુ પણ જીવતી, શીકારી, ફળાહારી ( Hunter getherer ) જાતીના જીવન વીશે એક લેખ નેશનલ જ્યોગ્રોફીક મેગેઝીનમાં વાંચવા મળ્યો હતો. ( ડીસેમ્બર – 2009 નો અંક ) વાંચવામાં આવ્યો હતો.

  આપણને વીચારતા કરી દે તેવા, એ લેખમાંથી મળેલી માહીતી ગુજરાતી વાચકો સમક્ષ મુકવાની ઈચ્છા થઈ; એના પરીપાક રુપે આફ્રીકાના ટાન્ઝાનીયા દેશની હાદઝા જાતીના જીવનનું એ આંખે દેખ્યું વૃત્તાન્ત આ સાથે રુપાંતરીત કરીને રજુ કરું છું : –

  ———————————————————————————————–

  ટાન્ઝાનીયાના ઉત્તર ભાગમાં આવેલા, વીશ્વવીખ્યાત, સરંગેટી પાર્ક ની દક્ષીણે એયાસી તળાવના કાંઠે વસેલી આ જાતી 10,000 વર્ષ પુર્વેના પથ્થરયુગમાં સ્થગીત થઈને, કશો વીકાસ કર્યા વીના થંભી ગયેલી છે. અહીંથી ઘણી નજીક, જગતમાં સૌથી પ્રાચીન માનવ હાડપીંજરો, (લ્યુસી – 32 લાખ વર્ષ પહેલાંનું માનવ હાડપીંજર ) – અશ્મીઓ અને પથ્થરનાં સૌથી પ્રાચીન હથીયારો મળી આવ્યાં છે. ફ્લોરીડા રાજ્યની યુનીવર્સીટીના પ્રોફેસર ફ્રેન્ક માર્લો પંદર વર્ષથી એમના જીવનનો અભ્યાસ કરતા રહ્યા છે. માનવવંશ શાસ્ત્રના અભ્યાસુ તજજ્ઞો આવી જાતીઓને જીવતાં અશ્મીઓ ( Living fossils) તરીકે ઓળખાવે છે. આજુબાજુ વસેલી, પશુપાલન અને ખેતી કરતી બીજી જાતીઓ સાથે સમ્પર્ક હોવા છતાં, તેમણે પોતાની જીવન પધ્ધતીમાં ખાસ કશો ફરક કર્યો નથી. તેમના જીવન વીશે આપણને વીચારતા કરી મુકે તેવી વીગતો હવે વાંચો –

  એમની વસ્તી આશરે 1,000 વ્યક્તીઓ પુરતી મર્યાદીત છે. દરેક કબીલામાં ત્રીસેક વધારે સભ્યો હોતાં નથી.
  એમના પ્રદેશની બહારની દુનીયાની કશી માહીતી એમને નથી – મેળવવા માંગતા પણ નથી. એમના ઘણા સભ્યો એમનો સમાજ છોડીને, બહારની દુનીયામાં જતા રહ્યા છે. પણ એનો એમને કશો ખેદ નથી.
  એમનું રહેણાંક પણ સ્થાયી નથી. કોઈ ઝુંપડી, તંબુ કે ઘર પણ નહીં. સાવ ખુલ્લા મેદાનમાં જ આખી જીંદગી પસાર થઈ જાય છે. વરસાદ આવે ત્યારે ઝાડની ડાળીઓ, પાંદડાં અને ઘાસથી કામચલાઉ આશરો એક કલાકમાં બનાવી લે છે.
  શીકાર કરવો અને ફળો વીણીને ખાવાં, આ સીવાય કશી પ્રવૃત્તી એ લોકો કરતા નથી – કરવા માંગતા નથી.
  અને છતાં, તેમનો ખોરાક વીશ્વના ઘણા લોકોની સરખામણીમાં વૈવીધ્ય વાળો છે.
  જંગલી ગુલાબને પીસીને મળતું ઝેર તીરની અણી પર ચોપડવામાં આવે છે. આથી આ તીર વાગે તે જાનવર છટકી શકતું નથી.જીરાફ જેવા મોટાં પ્રાણીને પણ ધરાશાયી કરવા તે સક્ષમ હોય છે.
  અત્યંત ચપળ અને લાંબી છલાંગ ભરી શકતા, બબુન નામના વાંદરાનો શીકાર કરી શકે તેની પ્રતીષ્ઠા ઘણી વધી જાય છે. પાંચ બબુનનો શીકાર કર્યો હોય તેને જ સ્ત્રીના સંગનો લ્હાવો મળી શકે છે.
  પુરુષો શીકાર કરી લાવે અને મધ લઈ આવે; ત્યાં સુધીમાં સ્ત્રીઓ ફળો વીણી, તોડી લાવે અને પાણી માટે વીરડો ખોદી તૈયાર રાખે.
  બબુન કે જીરાફ જેવા પ્રાણીનો શીકાર જ સામુહીક પ્રવૃતી હોય છે. બાકી દરેક જણ પોતાના કુટુમ્બ પુરતો નાનકડો શીકાર મળી રહે, તેનાથી સંતોષ માની લે છે. આવતીકાલે શું મળશે તેની કશી ચીંતા તેમને કદી રહેતી નથી.
  મોટો શીકાર કર્યો હોય તો આખી વસ્તી તે જગ્યાએ પડાવ નાંખી દે છે. કોઈ એક વ્યક્તીએ મોટો શીકાર કર્યો હોય તો પોતાનો અંગત પ્રયત્ન છોડી, બધા એમાં જોડાઈ જાય છે. અલબત્ત ખાણનો મોટો ભાગ શીકાર કરનારનો રહે છે.
  કોઈ પણ જાનવર કે પક્ષીનો શીકાર એમનો ભક્ષ્ય હોય છે – સીવાય કે, સાપ, જેનાથી એ લોકો દુર રહેવાનું પસંદ` કરે છે.
  ઝાડની ડાળીને અનુકુળ રીતે છોલીને, અડધાથી ઓછી મીનીટમાં, હથેળીમાં જોરથી ઘુમાવી, આગ પેદા કરી શકે છે. એમને હજુ દીવાસળીની જરુર જણાઈ નથી !
  એમને ખેતી, પશુપાલન, કોઈ જાતની ચીજ વસ્તુ કે વાહનના ઉપયોગમાં રસ નથી.
  એમને કોઈ અગત મીલ્કત હોતી નથી. કોઈની પાસે વધારે મીલ્કત હોય, એમ હોતું નથી. એમની ઘરવખરી, ચામડાના એક ચોરસામાં સમેટી લેવાય એટલી જ હોય છે – રાંધવાનું એક પાત્ર, પાણી માટે એક પાત્ર, એક કુહાડી અને એક છરો. કપડાંની માત્ર એક જ જોડ.
  આ હથીયારો અને કપડાં બાજુમાં વસેલાં ગામવાસીઓ પાસેથી મધના બદલામાં એ લોકો મેળવી લે છે. આ માટે જરુર પુરતા સ્વાહીલી ભાષાના શબ્દો જ એ શીખ્યા છે.
  ગંદા તળાવમાં પુરુષો નગ્નાવસ્થામાં સાથે નાહી લે છે અને કપડાં, ધોઈ, સુકાવી ફરીથી પહેરી લે છે.
  આશ્રર્યજનક રીતે સ્ત્રીઓ મહીનાઓ સુધી નહાતી નથી. પુરુષોને પણ સ્ત્રીઓ આમ ગંદી રહે, તે વધારે ગમે છે!
  એમની પોતાની ભાષામાં પણ, એમના સીમીત જીવન વ્યવહાર પુરતા, બહુ જ મર્યાદીત શબ્દો છે.
  ત્રણ કે ચાર થી વધારે આંકડા એમની ભાષામાં નથી.
  સમયના માપમાં કલાક કે મીનીટ નહીં પણ દીવસો પણ અગત્યના નથી. કોઈની રાહ જોવાની હોય તો; તે ન આવે ત્યાં સુધી રાહ જોવામાં એમને કશો કંટાળો નથી હોતો.
  તેમને કશો ડર હોય તો તે છે – ઠંડા પાણીનો. ઠંડા પાણીમાં ખાબકી શકે; તે ખરો વીર એમ તે લોકો માને છે.
  લડાઈ અને ટંટાથી તેઓ દુર ભાગે છે. એમણે કદી બીજી જાતીઓ પર આક્રમણ કર્યું નથી. એમની 90 ટકા જમીન બીજી જાતીઓએ હડપ કરી લીધી હોવા છતાં; તેઓએ જાતે જ ખસી જવાનું પસંદ કર્યું છે. શેષ વીસ્તાર હવે બીજાઓ માટે સાવ અનાકર્ષક છે.
  એમના પ્રદેશમાં કદી દુષ્કાળ પડ્યો નથી; કે રોગચાળો ફાટી નીકળ્યો નથી – જેથી સ્થળાંતર કરવા તેઓ લાલાયીત બને. આની વીરુધ્ધ બાજુની જાતીઓ તેમના દુષ્કાળના વખતમાં તેમની સાથે આવીને રહેલી છે; અને તેમનો તેમણે અતીથી સત્કાર કરેલો છે.
  તેમના જીવનની શૈલી બારે મહીના અને સૈકાંઓથી એકધારી રહેલી છે. તેમના દીવસનો માત્ર ચાર કે છ કલાકનો સમય જ ખોરાક શોધવામાં જાય છે. બાકીનો સમય એ લોકો આરામ અને આનંદ`પ્રમોદમાં ગાળે છે. કંટાળા જેવી કોઈ અવસ્થાની તેમને ખબર જ નથી ! વધારાના સમયમાં તીર બનાવવાનું કે કામઠાંની તુટેલી દોરીની જગ્યાએ શીકારના આંતરડાંમાંથી બનાવેલી દોરી બાંધવામાં કે એક્બીજાનાં શરીરમાંથી કાંટા કાઢી આપવામાં જાય છે.
  કદીક બાજુની વસ્તીમાં જઈ, મધની અવેજીમાં કપડાં, ચંપલ કે પ્લાસ્ટીકના મણકા ખરીદી લાવતા હોય છે.
  આજુબાજુની જાતીઓ ( ડટોગા, ઈર્ક્વા, ઈસાઝુ, સુકુમા, ઈરામ્બ્વા વી.) એમને પછાત, અછુત અને હલકા ગણે છે. કદીક કોઈ હાદઝા તેમના તળાવમંથી પાણી પીવા માંગે, તો. પોતાનાં ઢોર પી લે, પછી જ આવી વ્યક્તીને પાણી પીવા દેવાની છુટ આપવામાં આવે છે.
  હજારો વર્ષોમાં એમણે કોઈ સ્મારક કે યાદગીરી સર્જી નથી. એમને એવી ફાલતુ ચીજની કશી જરુર લાગી નથી. રહેવાની જગ્યા પણ સ્થાયી નથી હોતી. રાત્રે જ્યાં પડાવ નાંખે, તે ખુલ્લી જગ્યા, એ એમનું ઘર!
  દરેક કબીલો તેના સૌથી વૃધ્ધ માણસના નામથી જાણીતો હોય છે. એમાં ભાઈઓ, બહેનો , જમાઈઓ પણ સામેલ હોય છે. વડીલને માન આપવા છતાં , એની કે કોઈ નેતાની જોહુકમી હોતી નથી.
  સ્ત્રીઓનું સ્થાન પુર્ણ રીતે પુરુષની સમકક્ષ હોય છે. બીજી જાતીના પુરુષ સાથે લગ્ન કરેલી સ્ત્રી મોટે ભાગે એ સમાજની પુરુષ પ્રધાનતાથી વાજ આવી જઈ, થોડા જ વખતમાં પાછી આવી જવાના ઘણા દાખલા છે. .
  એક જ સ્ત્રી અને પુરુષ સહજીવન કરતાં હોવાં છતાં; એકેબીજાને છોડી દેવા સ્વતંત્ર હોય છે. આમ છતાં બહુપત્નીત્વ કે બહુપતીત્વનો ચાલ કદી રહ્યો નથી. જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી બન્ને એકમેકને જાતીય રીતે વફાદાર રહે છે. મોટે ભાગે ન ફાવવાના કારણે છુટાછેડાની પહેલ સ્ત્રી જ કરતી હોય છે!
  વીસેક કબીલાઓમાં વહેંચાયેલા સમાજમાં સભ્યો સતત બદલાતાં રહે છે. જ્યાં સુધી મનમેળ રહે ત્યાં સુધી કોઈ વ્યક્તી કબીલામાં રહે છે; નહીં તો બીજા જાણીતા કબીલામાં સ્થળાંતર કરે છે. આમ ભળનાર નવી વ્યક્તીને મોટે ભાગે પ્રેમપુર્વક આવકારવામાં આવે છે.
  બાળકો દુધ પીતાં હોય, ત્યાં સુધી જ માને વળગેલાં રહે છે. બાકી મોટાં થયેલાં બાળકો અલગ જુથમાં રમ્યાં કરતાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો ખોરાકની શોધમાં દુર ગયાં હોય ત્યારે કબીલાની ઘરડી સ્ત્રીઓ બાળકો પર ધ્યાન રાખે છે.
  જન્મ, લગ્ન કે મરણની ખાસ કશી વીધી હોતી નથી. પહેલાં તો મરેલી વ્યક્તીને ઝાડીઓમાં જ છોડી દેવાતી. પણ હવે દાટી દેવાય છે. એની યાદગીરીનું કોઈ ચીહ્ન પણ કબર પર છોડવામાં આવતું નથી. ગમે તેટલી પ્રીય તે વ્યક્તી ન હોય; તેને વીના સંકોચ વીસારી દેવામાં આવે છે.
  ઈશ્વર જેવી કોઈ માન્યતા તેઓ ધરાવતા નથી. કોઈ પણ ધાર્મીક વીધી કે પ્રાર્થના તેઓ કરતા નથી. માત્ર સુર્ય માટે તેમને ઘણું માન હોય છે.
  બીજા લોકોને એમના ભવીષ્યની વધારે ચીંતા રહે છે! ખાસ કરીને તાન્ઝાનીયાની સરકાર. એમને વીકસીત કરવા, શીક્ષીત કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમનાં ઘણાં બાળકો શીક્ષણ લઈ, બહારની દુનીયામાં સ્થાયી થયાં છે; પણ ભેદભાવની બીજી જાતીઓની નીતીને કારણે આવી વ્યક્તીઓ સાવ હલકાં કામો જ કરી શકે છે અને નવા સમાજમાં દલીત જ બની રહે છે. આથી મોટા ભાગે હાદઝા પોતે જ આવો કોઈ અનર્થકારી વીકાસ કરવા માંગતા નથી! એમને માટે તો પ્રાકૃતીક જીવન જ પુર્ણ સુખ અને આનંદથી ભરેલું છે.
  રીચાર્ડ `બાલો નામનો એક સાઠ વર્ષનો હાદઝા આગળ પડતો, વીકસીત સમાજમાં ભળેલો નેતા છે અને હાદઝાને બદલાવા માટે, વીકાસશીલ કરવા માટે આંદોલન, અભીયાન ચલાવે છે. પણ હાદઝા સમાજની બહુ ઓછી વ્યક્તીઓ આ માટે તૈયાર છે.
  મંગોલા નામના હાદઝાનો કબીલો થોડો જુદો પડીને, આ પ્રદેશની મુલાકાત લેતાં સહેલાણીઓને હાદઝાના જીવન, શીકાર પધ્ધતી વીગેરેની માહીતી આપવામાં ; પ્રવાસન ઉદ્યોગમાં જોટાયો છે. પણ એમનામાં વીકસીત સમાજની બદીઓ – મદ્યપાન, જુગાર, ગુનાખોરી, ખુન, સમ્પતી માટેની લાલસા, ચોરી, છેતરપીંડી, ચેપી રોગો, માંદગી, વેશ્યાપ્રથા વીગેરે પ્રવેશી ગયાં છે.
  આ દાખલો જોઈ, હજુ બીજા હાદઝા કબીલા આવા પરીવર્તનંથી દુર રહેવાનું પસંદ` કરે છે. પણ કદાચ થોડાંક જ દાયકાઓમાં હાદઝા સમાજ બહારની દુનીયાની ચમક ધમક જોઈ, આ નીતીનાશમાં જોડાઈ જાય અને તેમની જીવન પધ્ધતીનો અંત આણે, તેવી પુરી સંભાવના છે. .
  માઈકલ ફીન્કલ કે જેણે ‘ઓનવાસ’ નામના હાદઝાના કબીલા સાથે પંદર` દીવસ ગાળ્યા હતા; તેના કહેવા પ્રમાણે આમ હમ્મેશ જીવવાનું તે પસંદ તો ન કરે. એમના જીવનની હાલાકીઓ, પ્રાથમીક સગવડોનો અભાવ વીગેરે બહારની દુનીયામાં રહેવા ટેવાયેલાને કદાપી અનુકુળ ન જ આવે . પણ હાદઝાના જીવનની સરળતા, તાણ, ચીંતા, માનસીક વ્યથાઓનો સદંતર અભાવ – આ બધાં પાસાં તેને સ્પર્શી ગયાં હતાં. આ પંદર દીવસ તેણે અપ્રતીમ સુખમાં ગાળ્યા હતા; અને જીવનને બને તેટલી સરળતાથી જીવવાના ફાયદા સમજાયા હતા.

  એક વીદ્વાનના અભીપ્રાય મુજબ, ‘ ખેતીની શોધ એ માનવ સમાજની સૌથી મોટી અને વીનાશકારી ભુલ હતી.’

  ———————

  સાભાર – નેશનલ જ્યોગ્રોફીક મેગેઝીન

 2. September 28, 2017 at 6:29 pm

  suresh bhai,
  really inspiring-worth reading all their habits and life style.

 3. October 2, 2017 at 10:35 pm

  …..ખેતીની શોધ એ માનવ સમાજની સૌથી મોટી અને વીનાશકારી ભુલ હતી.’
  આપણે આદિ માનવ જ સારા હતા… આ સિવિલાઇઝેશને દાટ વાળ્યો……
  લતા હિરાણી

  • October 4, 2017 at 2:03 pm

   સાદગીથી વૈભવ તરફ અને વૈભવથી સાદગી તરફની દોટનું ચક્ર ચાલતું રહે છે, લતાબેન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *