





– અમિત જોશી
આખું નામ દેવચંદભાઈ બી.મિસ્ત્રી પણ એમના પત્ની સહિત આખા ગામ માટે ‘મિસ્ત્રી સાહેબ’. વ્યાયામ,ચિત્ર અને ભૂગોળ જેવા અંત: અને બાહ્ય વિરોધાભાસી વિષય એમના તાબા હેઠળ. અલગ અલગ ગુજરાતી શાળાઓમાં ચાર ચોપડી ભણ્યા પછી હાઈસ્કુલના પ્રાયમરી વિભાગમાં પાંચમા ધોરણથી એમનો દીકરો (ઉત્તર ગુજરાતની ભાષામાં છોકરો ) રાજ્યો ઉર્ફે સુમતી અમારી ભેગું ભણે. રાજુ ભણવા ગણવામાં ઘણો હોંશિયાર. પાંચમાં ધોરણમાં મને સાયકલ ચલાવતા નહોતી આવડતી ત્યારે રાજ્યો ડબલ સવારી ચલાવતો એ મહેણું મારા ઘરમાં મારે છેક (પોતાનું વાહન હોય તો જ શીખવું એવા નિર્ધારને પગલે આજે ય સાયકલથી આગળ નથી વધ્યો) દસમા સુધી સાંભળવું પડ્યું જ્યાં સુધી મારા ઘરમાં સાયકલ ના આવી અને હું શીખ્યો નહિ. ભણતર સહિત લગભગ તમામ કૌશલ્યોમાં કુશળ રાજુએ પાંચમા કે છઠ્ઠા ધોરણમાં લાકડાની પટ્ટીઓ અને ટાયર ટ્યુબના રબરનો ઉપયોગ કરી AMJ અક્ષર કોતરી એવો પર્સનાલાઈઝ્ડ સ્ટેમ્પ મારા માટે બનાવી લાવ્યો હતો એ ગિફ્ટનો જે રોમાંચ મળ્યો હતો એવો આજે સાઉથ બ્લોકના સરકારી સિક્કામાં તો ખસૂસ નથી. ખો-ખોમાં તે રાજય કક્ષાએ રમી આવેલો. આમ સર્વકૌશલ સંપન્ન રાજુ શાળામાં ઘણો લોકપ્રિય અને છોકરીઓ સામે જોવાની તસ્દી નહિ એવી વયમાં રાજુ બધી છોકરીઓ સાથે હસે-બોલે એ અમારા માટે વિસ્મય હતું. એ વખતે સાતમા આઠમા ધોરણ સુધી આ મુદ્દો ઈર્ષ્યાનું તત્વ નહોતો બન્યો. હા,ઘણીવાર છોકરીઓ ચાલુ વર્ગે શિક્ષકને ફરિયાદ કરતી કે “ બેન,આ પુથ્યો ચાન્નો મારી હોમું તાક તાક કર સ.’ અને પૃથ્વીસિંહ બે મિનિટમાં શાળા આખીમાં પંકાઈ જતો. એટલે અમારા માટે ‘લોહી હાળા ધક્કામુક્કી થવા’ કે ‘છોકરીના હાથમાંથી રૂમાલ પડી જવા’ જેવી ઘટનાઓ હજી છ અક્ષરના નામ જેટલી છેટી હતી. જયેશ/જયલો, કમલેશ/કમો, રાજેન્દ્ર મહેતા/કાક્સ , હાર્દિક/HK વર્ગના પ્રથમ પંક્તિના ફ્રન્ટ બેન્ચર્સ, પણ રાજુ ફર્સ્ટ અમોંગ ઇક્વલ્સ.આ બધું સમુસૂતરું ચાલતું હતું પણ આઠમા પ્રવેશ સાથે જ રાજુ નામનો અસવાર ડગમગવા લાગ્યો. શક્ય છે એણે હડિયાપટ્ટીની ઉમ્મરમાં જ હયડાની આપલે કરી લીધી હતી.
મારી સ્કુલ ગ્રામીણ વિસ્તારમાં હતી જ્યાં એક જ જોડ ગણવેશમાં આખું વરસ ખેંચી કાઢવું એ સહજ બાબત હતી. કદાચ આજ કારણસર બુધવારે ગણવેશ મુક્તિ રહેતી (હજી આજેય કધોણા પડી ગયેલાં કપડાં સાવ કાઢી નાખવા મારું મન નથી માનતું). ઘરમાં મોટો ભાઈ એટલા માટે નસીબદાર ગણાતો કે એને કોરીકટ ગણવેશ જોડી મળતી બાકી અનુજોને ભાગે તો મોટાભાઈનાં ઊતરણ જ જણસ ગણાતી. સ્લીપરનો સર્વત્ર દબદબો, થોડાક જણા ચપ્પલ પહેરતા પણ NCCના અપવાદ સિવાય બુટધારી તો ભાગ્યે જ મળે.(દરબાર સહિત અમુક જ્ઞાતિઓમાં બાળવિવાહનું ચલણ ખરું. ઘરમાં હાંલ્લાકુસ્તી વચ્ચે ‘બાબસિંહ NCCના બુટ પે’રી લગન કરવા જ્યોતો’ એવી ચાડી ઊઘડતી નિશાળે શાળાના NCC ઓફિસરના કાને જરૂર પડતી )૧૦મા ધોરણમાં વાદળી ચડ્ડીની જગાએ સફેદ પેન્ટે સ્થાન લીધું ત્યારે ત્રણેત્રણ વરસ સફેદ શર્ટ અને લેંઘો પહેરી આવનારાઓની સંખ્યા બહુમતીમાં જ રહેતી.પ્રાથમિક વિભાગમાં વર્ગશિક્ષક ફીની ઉઘરાણી કરે કે ‘ચાર દા’ડાથી રજાચિઠ્ઠી વગર કેમ ગેરહાજર હતો’ એના જવાબમાં ‘બેન,ઘરમોં દોણા ન’તા’ જેવા કારમા વિકરાળ જવાબો આપતા બાળકોનું અસ્તિત્વ ધરાતલ પરના ચમત્કારથી કશું ઓછું નહોતું.વરસ દા’ડે ત્રણ ચાર વાર પ્રાર્થના પછી ’બે મિનિટનું મૌન પાળ્યા બાદ ‘શૈક્ષણિક કાર્ય’ મુલતવી રહેવાની જાહેરાત થતી ત્યારે રજા પડ્યાના હાશકારામાં એ વાતની કોઈને પરવા જ નહોતી કે એક ‘હાજો હમો’ છોકરો કુપોષણનો ભોગ બન્યો છે.
પ્રાથમિક વિભાગ પૂરતા પ્રાર્થના ચાલુ થઇ ગયા પછી જ શાળામાં માર-માર સાયકલ રેસ છતાં મોડા પડતા કે ગણવેશ વગર આવતા અથવા ચાલુ પ્રાર્થનાએ સળીઓ કરવાના એકમાત્ર ઉદ્દેશથી કતારની અંતિમ છેડે જાણી જોઈને બેસતી હસ્તીઓ મિસ્ત્રી સાહેબના ખૌફથી પરિચિત હતી. (એકવાર લોક સાહિત્યકાર પુષ્કર ચંદરવાકરનું શાળામાં પ્રવચન ગોઠવેલું,બોરિંગ વિષય પર પુષ્કરભાઈ પુષ્કળ બોલ્યે જાય કે એમને અટકાવવા પુષ્કળ તાળીઓ પાડ્યા કરીએ. છોકરાંવની અવળચંડાઈ જોઈ મિસ્ત્રી સાહેબ અસરગ્રસ્ત વિસ્તારમાં આવી પહોચ્યા પણ એથીયે મોટી કમનસીબી એ થઈ કે ‘છોકરાવને મજા આવે છે’ એમ સમજી પુષ્કરભાઈએ નવેસરથી બમણા ઉત્સાહભેર પુષ્કળ મારો યથાવત ચાલુ રાખ્યો. આ ભાષણથી હેબતાયેલા અમે અભ્યાસક્રમમાં આવતું તેમના લિખિત સાંધાવાળું એકાંકી સ્વયં રદબાતલ કરી દીધેલું).
ઓમકારને મૂળ અને પ્રથમ ધ્વનિ માનવામાં આવે છે પણ અમારા મિસ્ત્રી સાહેબનો મૂળ અને અમોઘ ધ્વનિ હતો “ફાડ્યા’! મહેંદીની સોટી તેમનું રામબાણ. અચૂક શસ્ત્ર સાથે હલ્યા કરતા હાથને એવી ટેવ પડી ગયેલી કે શાળાના સમય બાદ પણ એ હાથ સોટીના વિરહમાં સતત સળવળ્યા કરતો. હવે ‘ફાડ્યા’ શબ્દની અર્થ છાયાઓ અને વિચાર વિસ્તાર માટે કમેન્ટમાં ના પૂછવું એ માટે તમારે એટલિસ્ટ એક ભવ ‘મેહોણિયા’ તરીકે અવતાર લેવો પડે. પ્રાથમિક વિભાગમાં અમારે ભાગે ૧૫મી ઓગષ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી પૂર્વેની પરેડ પ્રેકટીસમાં પદુડી તેમની એડ ઑન ધાક સ્વરૂપે આવતી જેનાથી અમારે માટે રાષ્ટ્રીય તહેવાર દરમ્યાન દેશભક્તિ ’૪૨ની ચળવળ જેવી હિંસક બની રહેતી અને અમે પ્રખર નિરાશાવાદી તરીકે ખાતરી ધરાવતા હતા કે બારમું પતાવ્યા પહેલાં ભલભલા મો.ક ગાંધીની તાકાત નહોતી કે મિસ્ત્રી સાહેબની ચુંગાલમાંથી છોડાવે.
આઠમા ધોરણથી તેમના સીધા સંપર્કમાં આવવાનું થયું જયારે મિસ્ત્રી સાહેબ ભૂગોળ લેતા હતા. શરૂના જ વર્ગમાં પૃથ્વીની આકૃતિ ખોટી પડતાં આખા વર્ગને પચાસ-પચાસ વખત પૃથ્વીની આકૃતિ દોરવાની સજા આપેલી જેમાં અડધા વર્ગની આખે આખી નોટો માટે તો આ સજા જનમટીપ સમી બની રહી, વાલીઓની ફરિયાદ પણ આવી પણ આપણા મિસ્ત્રી સાહેબની પૃથ્વી ધરી ટસથી મસ થોડી થાય ! વ્યાયામ શિક્ષક તરીકે ખો-ખો કે કબડ્ડી રમાડે પણ તે ચુનિંદા ખેલંદાઓ પુરતું મર્યાદિત; બાકીનાં બાળકો પ્રેક્ષક હોય.પણ જયારે વાર્ષિક વ્યાયામ પરીક્ષા આવતી ત્યારે બધાને અચાનક એક દિવસે સો સો ઉઠક-બેઠક કે સૂર્ય નમસ્કાર કરવાના આવતા. પગ જ નહિ પેટમાંનાં આંતરડાં પણ મિસ્ત્રી સાહેબ પર ફિટકાર વરસાવતાં. વૃક્ષારોપણ સિઝનમાં તો મેદાનમાં ખોદકામ પુરણ માટે શ્રમનો માર્યો એક વિદ્યાર્થી એવો ના જડે જેણે કતેડા માથે ના ચઢાયા હોય.
આ બાજુ અમે મિસ્ત્રી સાહેબના પરિઘમાં આવી રહ્યા હતા તો રાજુ ધીમે ધીમે ગુરુત્વાકર્ષણ ગુમાવી રહ્યો હતો. પાંચમા ધોરણમાં જે પાંચમાં પુછાતો છોકરો હતો તે આઠમું આવતાં સુધીમાં પચાસ બાળકોના વર્ગનો એક હિસ્સો માત્ર હતો.આ બેચમાં અમે પાંચ-છ જણા સ્ટાફ સંતાન હતા જેમાંથી મારા ઉપરાંત રાજુ ઝડપથી આગલી પંગતમાંથી ‘આર્ટ્સમાં જ જશે’ શ્રેણીમાં આવી ગયેલો પણ અહીં મિસ્ત્રી સાહેબના ઈરાદા કઈંક જુદા જ હતા.એ જમાનો ડિપ્લોમા, પી.ટી.સી. અથવા તો મેડીકલના ત્રિભુવન પૂરતો સીમિત હતો. મિસ્ત્રી સાહેબનો દોલાયમાન સ્વભાવ,ધાર્યું કરવા-કરાવવાની ટેવ,વચ્ચે ગમે ત્યાં અણધાર્યો ઉગી આવતો ચિત્ર શિક્ષક અને ભૂગોળ જેવી પરફેક્ટ ભૂરેખા માટેનો આગ્રહી બાપ અને શાળાથી ઘર સુધી વિસ્તરેલું એકાધિકાર શાસન – આ બધાનું ભારણ રાજુ માટે અસહ્ય થઇ પડેલું. સહકાર્યકર હમઉમ્ર શિક્ષકો વચ્ચે પોતાના છોકરાને ડોક્ટર એન્જીનીયર બનાવવાની છુપી હોડ અને એક પુરુષાભિમાનથી હું એટલે જ બચી શક્યો કે શિક્ષક તરીકે મારાં મમ્મી હતાં. લંગોટિયા ભાઈબંધો છોડી ટયુશનમાં અન્ય સ્કૂલથી આવતા મોજીલા મિત્રોમાં તે વધારે દેખાવા લાગ્યો. દસમામાં તો ખાસ વાંધો ન આવ્યો કારણ દસમાના ટકા તો બધાના સારા જ આવતા એમાં બારી પાસે આવતી પરીક્ષાર્થીની બેઠક વ્યવસ્થા અને પ્રાંતિજ કેન્દ્રનો પણ લંગીસફાળો ખરો.
અગિયારમામાં ગણિત છૂટ્યાની વેળા બાદ હવે હું આર્ટ્સમાં હતો, નવા વાતાવરણમાં; કારણ અહીં ગામડાંના મિત્રો વધારે હતા, મારા જેવા ‘લોકલ અર્બન’ રડ્યાખડ્યા. મારો સમય નવી નવી શીખેલી સાયકલ સાથે લાયબ્રેરી કે રોજ શાકભાજી ખરીદ્યા પછી વધેલા પૈસાની ટાવરે અમારી રાહ જોતા ભૈયાજીની પાણી પૂરી આરોગવાના ધર્મચુસ્ત પ્રણ સાથે પૂરો થતો.સાયંસમાં ગયેલા મારા સાથીઓ શાળા અને ટ્યુશન બેચો વચ્ચે અહર્નિશ (સાયકલ )પેડલ મહે હતા.સાયંસ લીધેલા અમુક મિત્રો માત્ર ઇલાસ્ટિકવાળો લેંઘો પહેરતા જેથી બટન વાસવાનો સમય બચી શકે. એમ તો ગામમાં દિગંબર જૈનોની ખાસ્સી એવી વસ્તી હોવા છતાં મારા સાયંસ મિત્રોને એડવાંસ પ્રેરણાઓ કેમ નહિ મળી હોય એનું આજેય આશ્ચર્ય છે.
શાળામાંના શિક્ષક-પિતા ઘેર પણ પિતા – શિક્ષક બની રહે તો ખાસ વાંધો નહિ પણ શિસ્ત અમલીકરણના સર્વેસર્વા ઘેર પણ હાકોટા પડકારા કરે ત્યારે પેલા બાળકની જે દશા થાય એ રાજુની થઈ. એક તો સિંગલ ચાઈલ્ડ અને સાહેબના આકરા સ્વભાવના મુકાબલા માટે માસીએ (રાજુના મમ્મીએ )અપનાવેલા પ્રતિઘાતી વલણ વચ્ચે ભીંસાઈને રાજુ વાસ્તવિક્તાથી ભાગતો અને થોડોક બળવાખોર બની ગયો. ગાળો અમારા માટે જોયેલી જાણેલી વિધા હતી પણ કદી જીભવગી નહોતી પણ રાજુના મોઢે નવા જ ચીલા સમાન હતી. એ ઉંમરે સહજ સાહસો માટે અમને પડકારતો અને આનાકાનીના સંજોગોમાં અમારી પોકળતાને અટ્ટહાસ્યથી વિભૂષિત કરતો. તલોદ બજાર અને અમારી સ્કુલ વચ્ચે કેન્દ્રબિંદુ સમું મિત્ર કલ્પેશનું ઘર સંદેશ આપલે માટે ઘણું અનુકૂળ પડતું. વખત જતાં ખબર પડી કે નીરસ પ્રયોગપોથીઓની આપ-લે ગુલાબી અખતરાઓમાં પલટાઈ રહી હતી.
ગણિતે સાલ મૂકી હતી એટલે મારા માટે હવે આખી જિંદગી બખ્ખા લાગતી હતી. વર્ગ પ્રતિનિધિ ચૂંટણીમાં ગામડાના છોકરાઓની બહુમતી સામે લોકલ લઘુમતી તરીકે ઝંપલાવવાનું સાહસ ખરેખર તો કીક કરતાં હવે સાયંસમાં જતા રહેલા ભાઈબંધોની વછોઈપ્રીત અને આગળની અનિશ્ચિત જિંદગીની છટકબારી કેવળ હતી. અને આવા સંજોગોમાં અવનવાં ધતિંગ ન સૂઝે તો જ નવાઈ ! અમારી એક કલાસમેટ છેક પાંચમા ધોરણથી પ્રાર્થના ગવડાવે અને અગિયારમામાં પણ આ પ્રાર્થના શો અમારી દૃષ્ટિએ બળજબરીથી ગો ઓન મોડ પર હતો.હવે સહપાઠી ગાયિકા આલિશા ચીનાઇમાંથી લતા મંગેશકર બની ચુકી હતી તો અમે અમસ્તા જ ઓ પી નૈય્યરની પેઠે વૈકલ્પિક ટેલેન્ટની શોધમાં હતા તો એકવાર અરીસામાં લટિયા પાડતાં પાડતાં મને અને મિત્ર કિરણ ઉપાધ્યાયને સમાન વિચાર આવ્યો કે આપણા પોતાનામાં જ ટેલેન્ટની થોડી કમી છે ! નેકી ને પૂછ પૂછ ? તરત અમે મિસ્ત્રી સાહેબને રજૂઆત કરી કે છોકરીઓ પાસે પ્રાર્થના ગાવાનો ઈજારો થોડો છે? અમને છોકરાઓને પણ તક મળવી જોઈએ. છમકલું કરી અમે તો રવાના થયા પણ મિસ્ત્રી સાહેબે કાતરી નજરે અમારા માટે આઈડોલના અનુ મલિક બનવાનું મનોમન નક્કી કરી લીધું હશે. તેમણે બીજા દિવસે છોકરીઓને પ્રાર્થના માટે ના પાડી દીધી એ ઘટનાક્રમથી અમે અજાણ.બીજા દિવસે સવારે પ્રાર્થના માટે બધા લોબીમાં ગોઠવાઈ ગયા પણ ગાવાવાળું કોઈ ગળું ન જોતાં મિસ્ત્રી સાહેબે કદી ન અપનાવેલી મરક મરક શૈલીમાં નવતર પ્રયોગની જાહેરાત કરી કે આજે બહેનો નહિ, ભાઈઓ પ્રાર્થના ગાશે. ઊંઘતા ઝડપાયેલા મારી અને કિરણની તો વગર ગાળિયે ગળામાં ફંદો આવી પડ્યો હોય એવી હાલત થઈ ગઈ. હટેલેન્ટની આજ નહિ તો કાલે પરખ થશે પણ આ તત્કાળ ટેલેન્ટ ટિકિટ અમારા માટે અત્યારે તો આફત હતી. અમે બંને લાઈનમાં જુદા જુદા બેઠા હતા, ઉભા થયા પ્રાર્થના ઝીલનાર તમામ વિદ્યાર્થી સમુહે તાળીઓ અને અટ્ટહાસ્ય સાથે અમને વધાવ્યા. ગળું ભીંસીને ગળું સુરીલું રાખવાના અમારા ભરપુર પ્રયત્ન સાથે પ્રાર્થના શરુ કરી પણ સાથે એકસૂરે ગાવું એ ડબલ સવારી સાયકલ જેવું સહેલું નહોતું એ સમજાયું અને કદાચ શાળાનો છેલવેલ્લો જાહેર ઠપકો અમને માંડ પતાવેલા દોગાના સાથે જ શરુ થયો અને મિસ્ત્રી સાહેબનું ગળું આજે અમારા બંનેના ગળાના શરસંધાન સામે તો દિવાળીના ફટાકડા નહિ સેનાના આયુધ ભંડારમાં લાગતી આગ જેવું સ્ફોટક હતું.આમ, મારી અને કિરણની સંગીત કારકિર્દીનો સકાળે અંત આવ્યો નહીતર અમારી કારકિર્દી ગુલશન પ્રવેશ બાદ કોરાણે મુકાયેલા અસલ અવાજના ગાયકો જેવી હોત. ખેર, આ બધી મસ્તી ઉપરાંત અમને પણ આ બે વરસમાં ગામડાના વિવિધ જ્ઞાતિના જે મિત્રો મળ્યા એ મારું સદભાગ્ય હતું. હજી આજેય તલોદની ઊડતી મુલાકાતે જાઉં તો પાસેના વલીયમપુરા ગામમાં મહેશ પ્રજાપતિને મળ્યા વગર પાછા ફરવાની કલ્પના જ ન થાય. જો આર્ટ્સ ન લીધું હોત તો એક અદભુત બરછટ દુનિયાથી વંચિત રહી જાત.
આ બાજુ બારમા ધોરણની પરીક્ષા આવી અને અપેક્ષિત પરિણામ પણ. રાજુ માટે આ ‘નાપાસ’ પરિણામ એક લાંબા સિલસિલાનો આરંભ માત્ર હતો.હું S Y માં આવી ગયો અને રાજુ માટે હજી બાર સાયન્સનો કોઠો અણભેદ્યો હતો એવામાં બજારમાં એકવાર મિસ્ત્રી સાહેબનો ભેટો થયો. સાહેબે હાલચાલ પૂછ્યા અને વળતા વિવેકમાં મેં સલાહ આપવાની ગુસ્તાખી કરી કે ‘રાજુને સાયન્સની પૈડ મુકાવો અને આર્ટસ લેવડાવી બચારાને છૂટો કરો.’તરત મિસ્ત્રી સાહેબે ચિરપરિચિત અંદાજમાં પરખાવી દીધું કે ‘આર્ટ્સ તો ‘સોડીયો’ની લાઈન,રાજુ ભણશે તો સાયંસમાં નહિ તો નહિ’. હું માનું છું અર્લી નાઇનટીઝ યુગનું આર્ટસ પ્રત્યેનું દૃષ્ટિબિંદુ કે શિક્ષકોના એકવિધ અને પૂર્વ નિર્ધારિત આગ્રહોનું આ એક પ્રતીક માત્ર હતું પણ કમનસીબી એ છે કે આજના સમયમાં હાલત બદતર જ થતી ચાલી છે. છેલ્લે જાણકારી મુજબ મિસ્ત્રી સાહેબ નિવૃત્ત થઇ વતન જિલ્લા મહેસાણામાં શેષ જીવન ગુજારી રહ્યા છે, તો રાજુ મહેસાણામાં જ સુથારીકામનો અદભુત કારીગર છે એવું સાંભળ્યું છે. સ્કુલમાં મિસ્ત્રી સાહેબના અનુગામી તરીકે આવેલા ગામેતી સાહેબમાં બાય ડીફોલ્ટ એક જ દીર્ઘ ‘ઈ’ હતી મિસ્ત્રી સાહેબની જેમ જોડાક્ષર તેમ જ હ્રસ્વ અને દીર્ઘ એમ બંને ‘ઈ’ નહોતી એટલે શાળાએ શિસ્તનું બલિદાન આપી બદલામાં કેવી કેવી સમસ્યાઓ વહોરી હશે એ હવે કલ્પના જ કરવી રહી.
રાષ્ટ્રીય તહેવારના પૂર્વાભ્યાસ દરમ્યાન મિસ્ત્રી સાહેબની પરેડ પદુડી અને મહિયલના એકમાત્ર સ્વાતંત્ર્ય સેનાની નાનુકાકાનું વરસમાં બે વખત અચૂક સહન કરવું પડતું પડતું ભયંકર લાંબુ પ્રવચન – આ બંનેથી ત્રાહિમામ અમારા માટે ‘આના કરતાં ગુલામી સારી હતી’ એવા વડીલ મુખેથી ક્વચિત્ સાંભળવા પડતા ઉદ્ગારોને અનુમોદન આપવા સિવાય કોઈ છૂટકો નહોતો.પૂર્વાભ્યાસ દરમ્યાન રાષ્ટ્રગીત બાદ છેલ્લે મિસ્ત્રી સાહેબ ‘ભારત માતા કી’ બોલે ત્યારે વિદ્યાર્થીઓએ ‘જય’ ના ઉદ્ઘોષ વડે ઝીલવાનું રહેતું. હવે અમુક ઉપદ્રવીઓ ‘જય’ પછી ‘હો’ પણ બોલતા. મિસ્ત્રી સાહેબ તાડુકીને કહે કોઈએ ‘હો’ નથી બોલવાનું છતાં ચોતરફ જાપ્તો ચૂકવીને એકાદ ‘હો’ તો બળવો કરી જ લેતો. મૂળ ફંક્શન વખતે ગુજરાતી શાળા સાથેના સંયુક્ત સમારંભમાં હાઈસ્કુલ પણ મન મૂકીને ‘ભારત માતા કી જય હો’ નો ગગનચુંબી નાદ લગાવતું, એમાં દેશપ્રેમ કરતાં મિસ્ત્રી સાહેબ સામેનો સામુહિક ‘મીંદડી વિદ્રોહ’ વધુ હતો.
શ્રી અમિત જોશીનો સંપર્ક pakkagujarati@gmail.com વિજાણુ સરનામે થઇ શકશે.
બહુ જ સચોટ સ્મરણો. અમારા બે શિક્ષકો યાદ આવી ગયા. કાનુગા સાહેબ અને મણીભાઈ પટેલ. પણ એ બન્નેને ભેગા કરો તો પણ મિસ્ત્રી સાહેબને ના પહોંચે !
—————–
ચિતાણિયા સાહેબ આમ તો નરમ પણ એમની એક વાત ઈમેલથી મોકલું ? ના … બધા વાચકોને પણ એ વાંચવાની મજા આવે માટે અહીં જ…
–
–
નવ્વાણું માર્ક
હું ભણવામાં ઠીક ઠીક હોંશીયાર હતો. ગણીત, વીજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત આ વીશયોની પરીક્ષામાં હમ્મેશ મારા વર્ગમાં હું સૌથી વધારે માર્ક લઈ આવતો. અમારી શાળામાં દરેક ધોરણમાં ચાર વર્ગ રહેતા. દસમા ધોરણમાં બધા હોંશીયાર વીદ્યાર્થીઓને એકઠા કરી એક અલાયદો વર્ગ ‘ક’ બનાવાતો; જેથી અગીયારમા ધોરણની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં ઝળકી શકે તેવા હોંશીયાર વીદ્યાર્થીઓ પર શીક્ષકો ધ્યાન કેન્દ્રીત કરી; તેમને એ મેરેથોન દોડ માટે તૈયાર કરી શકે.
આ વાત દસમા ધોરણની વાર્શીક પરીક્ષાની છે. હું અલબત્ત ‘ક’ વર્ગમાં હતો અને ક્લાસમાં મારો પહેલો નમ્બર આવ્યો હતો. ગણીત સીવાય બધા વીશયમાં આખા વર્ગમાં મારા સૌથી વધારે માર્ક આવ્યા હતા. આવું કદી બન્યું ન હતું. સમાજશાસ્ત્ર અને હીન્દીમાં પણ મને સૌથી વધારે ગુણ મળ્યા હતા; પણ ગણીતમાં દર વખતે સો લાવનાર મને 99 માર્ક જ. આટલા સારા પરીણામ છતાં હું ખીન્ન થઈ ગયો. મેં 12 માંથી આઠ સવાલ નહીં, પણ ત્રણ કલાકના પેપરમાં બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. છતાં પણ આમ કેમ બન્યું?
પરીણામ મળ્યા બાદ છુટીને હું અમારા ગણીતના શીક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે રડમસ ચહેરે ગયો. અને ડરતાં ડરતાં પુછ્યું,” મને 99 માર્ક આપ્યા છે તો મારી ભુલ કયા પ્રશ્નમાં થઈ છે તે મને જણાવશો? ”
સાહેબ બોલ્યા, “ ભાઈ, જો! તેં બારે બાર સવાલ સાચા ગણ્યા, તે વખાણવા લાયક છે. રીત પણ બરાબર છે; અને અક્ષર પણ સારા છે. એક ભુમીતીની સાબીતી તો તેં બે રીતે આપી છે. આટલું બધું કામ ત્રણ કલાકમાં ભાગ્યે જ કોઈ કરી શકે.”
મેં કહ્યું, ” તો સાહેબ! મારો એક માર્ક કેમ કાપ્યો?”
સાહેબ બોલ્યા,” તું મને મળવા આવે તે માટે મેં આમ કર્યું. મને ખબર જ હતી કે તું મને મળવા જરુર આવશે. ”
હવે મારાથી ન રહેવાયું. હું લગભગ રડી જ પડ્યો અને બોલ્યો,” તો સાહેબ ! મારો વાંક શું?”
સાહેબે છેવટે કહ્યું,” જો, ભાઈ! તેં ઉત્તરવહી ઉપર પહેલા જ પાને લખ્યું છે કે – ગમે તે આઠ જવાબ તપાસો. આ તારું અભીમાન બતાવે છે. એ તારા અભીમાનનો એક માર્ક મેં કાપ્યો. એકાદ જવાબમાં તારી ભુલ થઈ હોત; અને મેં તેના માર્ક કુલ માર્કમાં ગણ્યા હોત તો તને દસેક માર્કનો ઘાટો પડત. મેટ્રીકમાં બોર્ડમાં નમ્બર લાવનારાઓમાં એક એક માર્ક માટે રસાકસી હોય છે. તેમાં આવું થાય તો?એનાથીય વધારે, તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભીમાન તને નડશે. ”
મેં કાનપટ્ટી પકડી લીધી અને ચીતાણીયા સાહેબને હ્રદયપુર્વક નમસ્કાર કર્યા.
ત્યાર બાદ જ્યારે જ્યારે મારા જીવનમાં ગર્વ લેવા જેવા પ્રસંગો આવ્યા છે ત્યારે ત્યારે મને એ ચીતાણીયા સાહેબ અને એ 99 માર્ક યાદ આવી જાય છે.
આવા મિસ્ત્રી સાહેબો તો ઘણાને મળ્યા હશે પણ એમને વિશે આવી બારીક રમૂજથી ભરપૂર લેખ એક અમિત જોશી જ લખી શકે. આવું આવું આપતા રહો.