કચ્છીયત અને કચ્છના ગુજરાતી સર્જકો

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

દેશના વિવિધ પ્રદેશોમાં યદ્ચ્છા વિહાર કર્યા પછી વિદિશાના અંતિમ નિબંધ ‘તેષા દિક્ષુ’માં ભોળાભાઈનો સંભળાય છે વતનનો સાદ : ‘મારું મન ઊડવા માંડે છે તે દિશામાં માત્ર વિદિશા નથી. દશે દિશા છે…સાત સમુંદર, તૈરો નદી, પહાડ પર્વત, નગર, જનપદ, ઝાડ જંગલ…પછી આવે છે મારું ગામ…બધે ફરીને ઘણી વાર હું મારા પેલા ગામની ભાગોળે જઈ પહોંચું છું. જાણે આખા બ્રહ્માંડમાં ફરીને ત્યાં જઈ ઊભું છું…’

ગામ, દેશ, પ્રદેશના બંધનોથી મુક્ત થઈ, સ્વમાંથી સર્વનો બની જતો સર્જક પણ વતનના પરિવેશથી મુક્ત થઈ શકતો નથી. એ તેની આસક્તિ નથી પણ નિસબત છે જ્યાં એ વસ્યો-શ્વસ્યો છે એ ધરતી પ્રત્યેની નિસબત.

સામાન્ય રીતે તો દરેક પ્રદેશના સર્જકના સર્જનમાં આ પ્રકારની નિસબત અભિવ્યક્તિ પામતી જ હોય છે. પણ પરિવેશની દ્રષ્ટિએ અન્ય પ્રદેશોમાંથી સવિશેષપણે જુદા પડતા કચ્છ પ્રદેશ પ્રત્યેની કચ્છના વતની એવા ગુજરાતી સર્જકોની નિસબત, ગુજરાતી સાહિત્યના દર્પણમાં આગવી ભાત પાડે એ એ રીતે ઝિલાઈ છે. કચ્છ પ્રદેશે એના સર્જકોને ધધગતું રણ અને વિશાળ દરિયો આપ્યો છે. કુદરતે દીધેલી પાર વિનાની વિષમતાઓની વચાળે એનું કાઠું બંધાયું છે. પ્રદેશના પરિવેશથી ઘડાયેલો કચ્છનો જ સર્જક પોતાના સર્જનને સર્વદેશીય બનાવવાની અનોખી ક્ષમતા દર્શાવી શક્યો છે. કચ્છ સર્જકની આ વિશેષતાને નિરીક્ષતાં બે સમર્થ નિરીક્ષણો નોંધપાત્ર છે. કચ્છના સમર્થ વાર્તાકાર વનુ પાંધીના વાર્તાસંગ્રહ છીપલાંની પ્રસ્તાવનામાં ગુલાબદાસ બ્રોકર નોંધે છે : ‘આ લેખક પાસે તો નિરૂપવા માટે તો એક નવી જ સૃષ્ટિ છે. અત્યાર સુધી આપણા સાહિત્યમાં જે સૃષ્ટિ ઝાઝારો ચિતાર પામી નથી એ સાગરની ને એના સહેલાણીઓની, રણની અને એની અસહ્ય એકલતાની, કચ્છની ને એના ગુજરાત-સૌરાષ્ટ્રની બીજી પ્રજાથી સહેજે અલગ તરી આવતાં ખમીરવંતા નરનારીઓની.’

તો જશવંત શેખડીવાલાના નિરીક્ષણ મુજબ : ;કચ્છી લેખકો કંઈક ઊજળું ભવિષ્ય લઈ આવી રહ્યા છે એવું હંમેશા લાગ્યા કરે છે […] જિંદગી અને મોતના જેવી ખરબચડી, ભીષણ, રોમાંચક, દારુણ અને છતાં જીવંત અને તાજગીસભર વાર્તાઓ કચ્છી લેખકો લખે છે. વિશિષ્ટ ધરતીની સોડમ એમાં ઉમેરાતી હોય એ કારણે એમ થતું હોય, હું માનું છું કે અંગ્રેજીમાં જેવું સ્થાન આઇરિશ લેખકોનું છે, એવું સ્થાન ગુજરાતીમાં કચ્છી લેખકોનું છે.’

કચ્છ પ્રદેશના ગુજરાતી સર્જક જુદા પડે છે એની કચ્છીયતથી. આ કચ્છીયત કંઈ તરત નજરે ચઢે કે સર્જનમાં ડોકાયા કરે એવું તત્વ નથી. એ તો વખત આવ્યે અચાનક પ્રગટ થાય એવું તત્વ છે. ધીરેન્દ્ર મહેતા આ મુદ્દાની વિશદ છણાવટ કરતાં યથાર્થ નોંધે છે તેમ, ‘પરિસ્થિતિ સામાન્ય હોય ત્યારે નહીં, પરંતુ અસામાન્ય, વિષમ, પડકારરૂપ, કટોકટીભઈ હોય ત્યારે કચ્છીયત આપમેળે જાગી ઊઠે છે. એને જગાડવી ન પડે, આવી પડેલો પડકાર જ એને જગાડે.’

આ બન્ને નિરીક્ષણો, અલબત્ત, વાર્તા સંદર્ભે કચ્છના લેખકોની પરિવેશ પ્રત્યેની નિસબત સૂચવે છે, પણ વાર્તા ઉપરાંત કાવ્ય, નિબંધ, નવલકથાને લક્ષતાં પણ આ નિરીક્ષણ વ્યાપી શકે તેમ છે.

કચ્છ પ્રદેશના વતની ન હોવા છતાં કચ્છના પરિવેશને સમક્ષ રીતે પોતીકું બનાવી શક્યા હોવાનો યશ જેમને સાંપડે છે એવા અમૃત ઘાયલને આ પંક્તિઓમાં આ કચ્છ પ્રદેશ પોતીકો બનીને ઊઘડ્યો છે :

‘લોહીના પાણીનો આ તો મુલક,

કમ મળે ‘ખળખળ’, વધુ ધખધખ મળે.’

તો આધુનિક કવિ ઉદયન ઠક્કર સેલ્લારામાં કચ્છનું રણ ખારું કે ? એ કાવ્યમાં કચ્છના રણને વાચા આપે છે :

‘માથે આકાશ અને પગ તળે

ના, હવે તો પગ તળે ધરતીય નથી

કચ્છની આંખ ડબ ડબ ડબ

આંસુનો સ્વાદ કેવો હોય ? એટલે જ કચ્છનું રણ.’

પણ કચ્છનાં રણ, દરિયો, દુકાળ ને ધૂળમાં પગળીઓ પાડી ચૂકેલા કચ્છના સર્જકના સર્જનનો મિજાજ એની સ્વાનુભૂતિમાંથી, એના વિષાદમાંથી પ્રગટ્યો છે. પોતાની ધરતીના કણે કણને પ્રમાણતા ને ચાહતા જયંત ખત્રીથી માંડીને તમામ અગ્રણી સર્જકોની કલમ દ્વારા આલેખાયેલું રણ, દરિયો, ખારવો, ખારવણ ને ધૂળમાં ને ભીતર પ્રગટ્યું છે. અહીં પ્રદેશની ઓળખમાં માત્ર સંવેદન નહીં, અનુભૂતિનો ચેતોવિસ્તાર પણ સધાયો છે. આ સર્જકોમાં કચ્છ પ્રદેશ ક્યાંક વર્ણનરૂપે, ક્યાંક અલંકારરૂપે, ક્યાંક જીવનમૂલ્ય તરીકે, ક્યાંક દ્રશ્યાલેખનરૂપે તો અનેક જગ્યાએ જીવતરના ભેદ ઉકેલવાના રૂપક તરીકે વિષાદ અને પ્રસન્નતા પ્રગટાવતો-આલેખતો રહ્યો છે.

સર્જકની લગોલગ આસન માંડીને બેઠેલો જ જયંત ખત્રીમાંનો ચિતારો પોતાની ધરતીનાં ઝીણાં ઝીણાં દ્રશ્યાંકનો કરી શક્યો છે તેમની વાર્તાઓમાં : ‘અમારી ડાબે અને જમણે વાંઝણી ધરતી, માટી ઢેફાં, પથરા, ક્યાંક શણનું એકાદ છોડવું, ક્યાંક પટરીંગણી અને ક્યાંક બાવળ અને થોર ! એવી વાંઝણી ધરતી મૃગજળ બતાવતી, નિરાશ અને હતાશ, ક્ષિતિજને અડી જતી લાંબી થઈ સૂતી હતી.’

પાત્રાલેખનમાંય ખત્રીએ પરિવેશને કામે લગાડ્યો છે : ‘વંટોળ પછી જેમ દરિયો લોથપોથ થઈ સુસ્તીથી પડી રહે, તેમ માલમ ચતોપાટ પડ્યો રહ્યો.’

‘હીરો ખૂંટ’માં વેરાન ધરતીને આલેખતા ખત્રીનું આ ચિત્ર રણપ્રદેશનું તીક્ષ્ણ સંવેદન વ્યક્ત કરે છે.

‘દૂર ત્યાં ભૂખી ધરતી સિવાય બીજું કશું નહોતું. પથ્થર, ઢેફાં, ધૂળ, કાંટાળા, કાબર, ચકલી અને કાગડો ! અને એ બધાં પર ફરી વળતો દઝાડે તેવો તડકો અને હવે ઝંઝાવાતી પગન ! ધરતીના પેટમાં કશું કંઈ નહોતું-ગર્ભાધાનની તાકાતેય નહોતી. બીક અને સંશયથી એ વેરી આકાશ તરફ જોઈ રહી હતી.’

વનુ પાંધી અને મનુભાઈ પાંધીની વાર્તાઓમાં દરિયો નાયક તરીકે પ્રયોજાયો છે. કેવાં કેવાં સ્વરૂપે આ સર્જકોની વાર્તાઓમાં એ આકારાયો છે :

‘પહાડ જેવડાં મોજાં વહાણની દીવાલને અફળાતાં, એનાં પાટિયાંના કકડાટ બોલાવી પાટિયે પાટિયું છૂટું કરવા મથી રહ્યાં. એના ખીલા થવા માંડ્યા અને પવનની ઝાપટ અને વરસાદની હેલીએ માઝા મૂકી.’ (‘ફીણોટા’, પૃ.૨૧૮)

આ દરિયામાં આવતાં તોફાન પહેલાંની ક્ષણો ભાવકના શ્વાસને ઉપરતળે કરી દે એ રીતે ઝિલાઈ છે :

‘પાણીએ રંગ બદલ્યા, દરિયાના જીવ ઊંડે ઊતરી ગયા. આકાશ ધૂંધળું થઈ ગયું. પવન છીંકોટા મારતો હતો. વહાણ એક મોજેથી બીજા મોજે કૂદતું હતું. રાત આખીમાં એણે પાંચ દિવસ જેટલો દરજ્જો કાપી નાખ્યો. સવારે આકાશ આખું લાલ થઈ ગયું અને તેમાં વીજળી આંટા મારવા લાગી.’ (‘સઢ અને સુકાન’, છીપલાં,પૃ.૧૧૭)

તો ઉમિયાશંકર અજાણીકૃત ‘ધરતીના વખ’ નવલિકામાં વર્ણનરૂપે ને પાત્રાલેખનની બેવડમાં કચ્છીયતની અસ્સલ સુગંધ પ્રગટી છે :

‘અરબસ્તાનના રણમાંથી ફૂંકાતા પવને જમાવેલ રેતીના ઢગ, સતમી આપવાનું થાન (કસ્ટમ), આવળના બુથાળા છોડ, ધરતીની મીથી સુવાસ ને દતિયાનો પૂંઠ સોંસરવો અથડાતો પવન ઘરની વાટે જતાં એના સાથે હજી પણ ગેલ કરતા હતા! એંસી એંસી વર્ષની રિયા સાથે પ્રીતે હતી. પોતે દસ વર્ષનો થયો ત્યારે એના કાકાએ સઢ પર નાખ્યો. કુવાથંભ જોઈને પોતે ધ્રૂજી ઉઠ્યો. બીજી જ પળે આલાદના રસ્તાના સોળ એની પીઠ પર ઊઠી આવ્યા. અને એક વખત પોતે જીવનની માયા મૂકી.’

આધુનિક સમયગાળામાં શ્વસેલા કસબી સર્જકની અભિવ્યક્તિ બદલાય છે, પણ સંવેદના તો એ જ છે. ‘તરસના કૂવાનું પ્રતિબિંબ’ માં વીનેશ અંતાણી પ્રદેશનો દુષ્કાળ કોમળ પ્રણય સંવેદનનો વેરી બની બેસે છે એની વાત વ્યંજના દ્વારા સૂચવે છે. કૃતિની ભાષા પ્રણયના મર્મને નાજુકાઈથી ઊંચકે છે અને પડઘાય છે બરડ પ્રદેશ. રણની વચાળે વસતો નાયક વાવડાની વચ્ચેય મોરચંગના સૂર છેડે છે ને વાવડો ચડી આવે છે. વાવડોય કેવો ? ‘આ તોફાન હવે દિવસો સુધી ચાલશે. હાથ, વાળ, નખ, દાંત અને કાનમાં રેતીના કણ લટકવા માંડશે. રોટલા ખાવા કાઢે ત્યારે રેતી પણ ચવાય. આ અંધકાર, પવન અને રેતીની વચ્ચે સમય પસાર થતો ગયો અને એ મોટો થતો ગયો.’ આ રાજેશ અંતાણીના વાવડાસંગ્રહની વાર્તા ‘વાવડો’માં વાવડો જ વાર્તાનું ચાલક બળ છે. વાર્તાનાયક ઉગો વાવડાના અનુભવમાં સપડાય છે એનું ચિત્ર વિષાદપ્રેરક છે :

‘ઉગાએ કાનમાં પેસેલી રેતીને આંગળીથી ખંખેરી, આખુંય શરીર રેતીથી લથબથ, રેતીનો એક એક કણ ચૂભે છે. આંખોની કિનાર પર પોપચાંની કતારમાં લટકતા રેતીના કણેકણ ચૂભે છે. ખટકે છે. અંદર મનની સૂકી જમીનન એક એક ચોસલામાંથી રણની રાતોમાં સંભળાતા સૂસવાટા જેવા બહાર ઉભરાય છે. જાણે અંદરની બધી જ વેદના રેતીના એક એક કણમાં પેસી જઈ ચૂભ્યા કરે છે.’

વાવડોનું તો અર્પણ કચ્છીયતને ચીંધતું છે. પોતાના મિત્ર વીનેશ અંતાણીને પોતાનો આ નવલિકાસંગ્રહ અર્પણ કરતાં રાજેશ અંતાણી નોંધે છે : ‘આ તો ઊંટ વાવડો બનીને દોડવા લાગ્યું, યાર !’

જયંત ખત્રીથી માંડીને માવજી મહેશ્વરી સુધીના વાર્તાકારોની વાર્તાઓમાં પ્રણયની અભિવ્યક્તિ, પ્રણયભંગ, જીવનની આશાઓ-નિરાશાઓ-સઘળા મનોભાવો પ્રદેશની સાથે આલેખાયા છે. જટુભાઈ પનીયા દુષ્કાળનું વેધક ચિત્રણ કરે છે. નારાણ દામજી ખારવાએ દરિયાકિનારાની વાર્તાઓ લખી છે.

વાર્તા કરતાંય કચ્છપ્રદેશનો ગુજરાતી સર્જક કવિતામાં પ્રદેશનું સૂક્ષ્મતર આલેખન કરવામાં સફળ રહ્યો છે. ‘પવનના વેશ’માં સંગ્રહના કવિ ધીરેન્દ્ર મહેતાના ખારવણ નાયિકા દરિયાને અને દરિયાખેડુ માલમને ચાહતાં ચાહતાં દરિયામય તો બની જ છે, પણ દરિયાની ખેડથી અજાણ એવા સહૃદય માટે એનું સમર્પણ કરુણનો વિભાવ બને છે. માલમ સાથે જોડાતી ખારવણનું સ્વપ્ન મનોરમ છે : ‘દરિયે બરિયે જઈશું માલમ,

કોડિયે બોડિયે રમશું:

શંખમાં છીપલાં વીણશું માલમ,

રેતમાં મોર ચીતરશું:

નાવિક કેરા ગીત-તરાપે લય બની તરશું ! (ખારવણનું ગીત)

દરિયામાં પ્રિતમ સાથે ડગ માંડતી ખારવણ પછી તો બને છે દરિયો :

દરિયો હસવામાં સંભળાય,

દરિયો રડવામાં ભીંજાય,

દરિયો રાતે બા’ર પછાડે,

નળિયામાંથી આવી જગાડે,

ભીંડે મુને માલમના ભુજબંધ,

રે દરિયાની એમાં ગંધ !

દરિયો જ બન્યો એનો વરદાતા ને વેરી,

દરિયો સાથી જનમ જનમનો,

દરિયો વેરી ઓલા ભવનો !

રમણિક સોમેશ્વરની નાયિકા ખારવણની છાતીમાં છલકાતી વેદના દરિયાનો ડૂમો બની થીજે છે :

’ખારવણ હીબકાં ભરે છે ને

દરિયાની છાતી મૂંઝાય છે

દરિયામાં ઓગળેલ દરિયાને ફંફોસે

ખંખોળી સાતે પાતાળ.

ખારવણનો ખારવો તો હવે હાથમાં આવે

તેમ નથી; કેમ કે-

દરિયામાં ખારવો ને ખારવામાં દરિયો

લે ઉછાળા ભૂલેને ભાન.

ખારવા વિના સૂની પડેલી ખારવણ હવે તો –

ખારવણ માદળિયે દરિયાને બાંધે.’

                         *

’કરગઠિયાં બાળીની દરિયાની

દોણીમાં

વીતેલા દિવસોને રાંધે.’

                             *

‘માદળિયું ખારવો ને માદળિયું રામ,’

કવિની ખેતી તો ક્રોઆ કાગળ પર છે. પોતાની વ્યર્થતાને ચીંધતા કવિ કણસી ઊઠે છે:

’ક્યાં છે એવું સમરથા ટીપું

લઈ હલેસું

દરિયો ખેડું

ખેતર ખેડું

કાચી-પાકી ક્ષણો ડાળથી વેડું

ટીપેટીપું ચસચસ પીતી રેતી

કોરા કાગળ પર પીતી.’

જીવન અને કવિતાની અભિન્નતામાં પ્રદેશની અનુભૂતિના સોળ કવિતામાં વાર્તા કરતાંય તારસ્વરે ઊઠ્યા અનુભવાય છે. વંચિત કુકમાવાલા અને વ્રજ કજકંધ જેવા કવિઓની કલમમાં પણ આ રીતે પ્રદેશ ડોકાયો છે.

કવિતાની લગોલગ બેસતા લલિત નિબંધમાંય કચ્છનો સર્જક પ્રદેશની ગંધનો અનુભવ કરાવે છે. રણની કાંધ માથે ચંદ્રમાં પોતીકા મુલક અને પોતીકા માણસું વિશે વીનેશ અંતાણી સગર્વ ઉદઘોષણા કરે છે :

‘રણએની સુક્કી, ખારી, સપાટ જમીન પર જીવન વિસ્તર્યું છે. એ રણનું આકાશ જુદું જ આકાશ છે. વિધવાના ખાલી કપાળ જેવું, વાદળો વિનાનું ખાલીખમ આકાશ. પેશાબની ધાર હજી પૂરી થાય તે પહેલાં તો જમીન પર પડેલા પેશાબના રેલાનું બાષ્પીભવન થઈ જાય, આંખોમાં રેતીના કણા ખૂંચ્યા હોય, છાતીના વાળમાં ધૂળ ભરાઈ ગઈ હોય, છતાંએ લોકો ગીતો ગાય છે. હલકભેર ગવાતી કાફીઓથી રણનું આકાશ છલોછલ ભરાઈ જાય છે. મીણ ગોઠવી જોડિયા પાવાના સૂરો ગોઠવાય છે. બાવળ નીચે ખાટલો નાખીને, અજરખનો ગોટો વાળી ઓશીકું બનાવ્યું છે અને લહેરથી સૂતો છે મારો એ જણ….’ (પોતપોતાનો વરસાદ)

જીવનની ચિંતાઓને પચાવી બેઠેલા આ જણને જોઈને સર્જકની વેદના દ્વિગુણિત બને છે. પ્રદેશથી દૂર જઈને સીમાપાર બેઠેલા સર્જકની હૃદયગુહામાં પ્રદેશ સળવળે છે અને એકાંતની ક્ષણોમાં દેખાય છે પોતાનું રણ, રણમાં વરસતો વરસાદ: ‘કોઈ નહીં હોય, રણમાં વરસતા વરસાદને કોઈ જોતું નહીં હોય. સીમાપારથી ચડી આવેલો દાણચોર જેવો વરસાદ કચ્છના રણમાં એકલો એકલો વરસતો હશે….ધખધખતા ઉનાળામાં સળગતી રહેવા ટેવાયેલી ધરતી પણ અણધાર્યા વરસાદને લીધે અવાચક બની ગઈ હશે.’

રણની આ અનુભૂતિ માત્ર રણની જ બની રહેવાને બદલે રણ બનેલા સર્જકનીય બની છે :

વરસાદ રણને ઠારતો નથી. એને વધુ સળગાવે છે. એ નાનકડા ઝાપટાનું સુખ જાણે આખી જિંદગીની પીડા બની જાય છે.’ (ધૂમાડાની જેમ)

જિંદગીની આ પીડાને પોતાની પચાસમી વર્ષગાંઠે અનુભવતો આ સર્જક પાછું વળીને જુએ છે તો :

‘ઊંટની ગંધ મને ઘરી વળે છે….પ્રવાસના આરંભ વખતે લાગી હતી તેવી જ તરસ અત્યારે પણ મને લાગી છે. હું કાન દઈને સાંભળું છું. મણિયારાના લયમાં થપ થપ અવાજ સંભળાવા લાગે છે. ઊંટ દોટી રહ્યું છે. મારી આસપાસ ઓગણપચાસ વર્ષનું રણ વિસ્તર્યું છે. રણની ક્ષિતિજ પર રાતોચોળ સૂર્ય દેખાય છે. ક્ષિતિજની કેડી પર વણઝારાની પોઠ ચાલી જતી દેખાય છે.’ (ધૂમાડાની જેમ)

‘રણ-સમંદરની કાંધે’ બેથેલા કવિ રમણિક સોમેશ્વર વિધાયક બનીને પ્રદેશની વિષમતાને પચાવે છે :

‘ખરા બપોરે રણની ગરમ હવામાં શેકાઈને લાલઘૂમ બનેલું જીવન રાત્રે ચન્દ્રમાની સમસ્ત શીતળતાને આંખમાં આંજી ભેટી પડે એવા રણ-સમંદરની કાંધે કોઈ કિનારો નહીં, આરો કે ઓવારો નહીં…તમારી હયાતીમાં પણ ક્યાંક રણ હશે, ક્યાંક સાગર હશે, જોડિયા પાવા પર સાગરના ગીતની ધૂન વાગતી હશે અને વિજયી આકાશ તાંબાવરણો ચહેરો લઈ હસતું હશે-મંદમંદ.’

માવજી મહેશ્વરીનું પ્રદેશદર્શન પણ માર્મિક અભિવ્યક્તિ પામ્યું છે :

‘એક જુદો જ પ્રદેશ સર થઈ ગયો છે. વિસ્તરીને પડેલી ટેકરીઓવાળો સૂકોભઠ્ઠ પ્રદેશ. નાનામોટા ડુંગરો વર્ષોથી એમને એમ જ બેઠા છે. કોઈ અનાસક્ત જોગીઓ જેમ ! કોઈ વરસે કુદરત રીઝે અને સારો વરસાદ થાય તો વળી, ત્રણેક મૌસમ લીલપ ઓઢીને મલકેય ખરા […] પણ આ ડુંગરાઓના નસીબમાં ખેર ખીજડાનાં ઓશિયાળાં મોઢા જ જોવાનું લખાયું છે.’ (બેક વ્યૂ મિરરમાં દેખાતાં કેસૂડાં)

વાર્તા, કવિતા કે નિબંધમાં રૂપક કરતાં વિસ્તૃત એવા નવલકથાના પટ પર પ્રદેશનું આલેખન કરવાનુંયે કચ્છના સર્જકે પસંદ કર્યું છે. ખોવાઈ ગયેલી વસ્તુ નવલકથામાં ધીરેન્દ્ર મહેતા કચ્છની કણબી કોમની કથા માંડે છે. આ કોમનું મુખ્ય કામ મૂલે જવાનું. કચ્છપ્રદેશની જ એ વિશેષતા. પછીથી ભૌતિક જગતમાં પડી ગયેલી આ કોમે એની આ લાક્ષણિકતા ગુમાવી દીધી એની વાત અહીં લેખકને કરવી છે. કૃતિની પ્રસ્તાવનામાં પોતાના મનમાં રહેલા આ વસ્તુને સ્પષ્ટ કરતાં ધીરેન્દ્ર મહેતા નોંધે છે:

‘વાત કંઈ રત્નાની અને કુટુંબમાં જોવા મળતા સંબંધોની નથી, જીવનમૂલ્યુ (મૂલ)નું રૂપ લેતા, જીવન વિશે શ્રદ્ધા જગવતા, જીવન માટે નિષ્ઠા પ્રેરતા અને જીવનમાં બળ પ્રેરતા પરિશ્રમની છે. અમારે ત્યાં એ પરિશ્રમ તેમ એના મહેનતાણાં માટે ‘મૂલ’ શબ્દ પ્રચારમાં છે. ખાસ કરીને બાંધકામ અને ખેતીને લગતા શ્રમ માટે અને તેમાં જોતરાયેલી સ્ત્રીઓ મૂલૈયાની તરીકે ઓળખાય છે, આ એમના વ્યક્તિત્વનો અંશ છે અને એમો મહિમા પણ છે.

આ કોમમાં પરિવર્તન આવતું ગયું. ખાસ કરીને વધુ કમાવાની લાલચે એ પરદેશ ભણી વળી ત્યારથી. આ અમારા પ્રદેશને સામાજિક ઘટના છે. એનું નિરીક્ષણ કરવું હતું. તે દસ્તાવેજ ન બની જાય એ રીતે.’

વીનેશ અંતાણી ક્ર્ત કાફલો નવલકથામાંય દુષ્કાળનો પરિવેશ મહત્વનો ભાગ ભજવે છે. તેમની અન્ય નવલકથા ધાડ નવલકથા જયંત ખત્રીની નવલિકા ધાડ પરથી થયેલ સ્વતંત્ર સર્જન છે જેમાં પ્રદેશનો પરિવેશ પાત્ર તરીકે ભાગ ભજવે છે. કૃતિનો આરંભ જ નાન્દી સ્વરૂપે પરિવેશને વ્યક્ત કરે છે :

‘ક્યાંક મોરચંગ વાગે હ્હે. એનો અવાજ નજીક નથી આવતો અને દૂર પણ નથી જતો. જાણે સ્થિર થઈ ગયો છે-આકાશ અને ધરતીની વચ્ચે, ખુલ્લા અને વેરાન પટની સમાંતરે, ચામડી બાળી નાખે તેવા તડકાની આરપાર, અણુએ અણુમાં ભોંકારો તીક્ષ્ણ રણકાર.

‘ધીરે ધીરે આખી ક્ષિતિજ, ઊંચકાઈ હોય તેમ, ભૂખરા રંગની અફાટ ધરતી પર ઊપસી આવી. ખાલી અને નિર્જન, કોઈ વૃક્ષ, ઠીંગરાયેલો કોઈ છોડ, એકાદ ઝાડી-કશું જ નહીં જાણે મારમાર પવન બધું જ ઉસેટી ગયો છે. અહીં પવન જ બધું કરે છે. એ જ દોરે છે, એ જ ભૂંસે છે.’

કચ્છના વતની એવા ગુજરાતી ભાષાના સમર્થ લેખકની કલમમાં આકાર લેતા કચ્છપ્રદેશ માત્ર વર્ણન કે દ્રશ્ય બનીને ઊભરતો નથી, અનુભૂતિ બનીને સાહિત્યમાં રૂપાંતરિત પણ થાય છે. એની પ્રતીતિ એનાં વાર્તાઓ, કાવ્યો, નિબંધો ને નવલકથાઓમાં થાય છે. આવળ-બાવળ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં પોતાના સર્જનમાં પ્રદેશ લેખનને અનિવાર્ય આવશ્યકતા તરીકે દર્શાવતાં વનુભાઈ પાંધી નોંધે છે :

‘માનવીના હાથે સમાંતર ચાલતી ધરતી પણ પોતાના અંતરમાં કથાવસ્તુ ધરબી બેઠી છે […] અબોટ ધરતી મહેરામણ અને મરુભૂમિ, વનવગડાનાં ફૂલો, આવળ અને બાવળનાં જંગલોમાં રહેતા માનવીની વાત પણ કોઈક તો કહેવી જ પડશે. ત્યાં મનવી વધુ એકાકી છે. એનો વિષાદ વધુ ઘેરો છે. પેટની ભૂખ વધુ વસમી છે. જ્યાં માનવી પોતાનો જ અવાજ કોઈ બેઠો છે તેની બેજબાનીને કાના આપવા પડશે.’

વિષમ પરિસ્થિતિની વચાળે જીવવા છતાં કચ્છના સર્જકની ખુમારી એને નોખો પાડે છે. આ ખુમારી પણ એને પ્રદેશે જ આપેલી દેન છે. જયંત ખત્રીની ‘ધાડ’ વાર્તાના નાયક ઘેલા પાસેથી સર્જકને મળેલું નોખાપણાનું વરદાન રહસ્ય સ્ફૂટ થાય છે. સૂકી ધરતી પર જીવતી પ્રજાની કાબેલિયતને વર્ણવતાં ઘેલો જણાવે છે :

‘આ ચેરિયાનું ઝાડ નર્યા કદાવ પર ખારા પાણી વચ્ચે કેમ પોષણ પામ્યું, એ કેમ મોટું થયું હશે તેનો વિચાર આવ્યો છે તને કોઈ દહાડો ? આ છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઊંડા જાય છે. તેથી એ છોડ પોતાના થડ પર મજબૂત બને છે. પણ કાદવમાં પોષણ ન મળતાં એ મૂળિયાં પાછાં બહાર નીકળી થડ આસપાસ પથરાઈ જઈ, પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે, સમજ્યો ?’

જીવતરના જંગ સામે ઝઝૂમવાની શક્તિ કચ્છની પ્રજાના લોહીમાં છે. સતત ખેલાતા રહેતા આ જંગની વચાળે પોતાના સર્જકત્વની શગને સંકોરતા રહેલા સર્જકને એના સર્જકત્વને આદરાંજલિ અર્પતા જયંત ખત્રી એક પત્રમાં યથાર્થ રીતે નોંધે છે :

‘રણની આસપાસના વિસ્તારમાં હજીય કોઈ વાર રેતી પર પ્રવાસ કરતું ઊંટ જોવા મળે છે કે જેની ઉપર ઘરવખરીનો સામાન લાદેલો હોય. એટલી હદ સુધી કે એની પીઠ પર બાંધેલા ખાટલા પર એક સુવાવડી સ્ત્રી સૂતી હોય. બન્ને પાયા વચ્ચે બાંધેલા પારણામાં જ જન્મેલું બાળક હીંચકા ખાતું હોય અને વૈશાખનો બપોર ધોમ ધખતો હોય. ધૂળની ડમરીઓ લઈને ઉના પવનના વાયરા બેફામ નાસભાગ કરતા હોય. આવું જોવા મળે ત્યારે એમ થાય કે માનવીનાં ધૈર્ય અને સહનશક્તિને કોઈ સીમા નથી. છતાં એ જ માનવી સાંયકાળે ઘરના ઉંબરામાં ગીત લલકારતું સંભળાય ત્યારે એક વિશ્વાસ બેસે કે વિષમ પરિસ્થિતિની એરણ પર ટીપાઈને કસોટીની, જીવનની સાચી સમજ એને મળે છે. એ માનવી સર્જક બને ત્યારે નવું વિશ્વ રચવાની શક્તિની ખુમારીથી જીવતો હોય છે. એવા માનવીને પ્રોત્સાહનના નહીં, સમજદારીના સલામ હોજો.’ (રણની આંખમાં દરિયો)

ગુજરાતીમીં લખતા કચ્છના સર્જકના સર્જનમાં પ્રતિબિંબાતા પ્રદેશને અનુભવતો સહૃદય, જયંત ખત્રી સાથે-ખત્રી સહિતના સર્જકોને અભિવંદવા પ્રેરાય એવો આ સર્જકોએ પ્રદેશનો મહિમા કર્યો છે એટલું તો ચોક્કસ.

******

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *