





– વીનેશ અંતાણી
ડેવિડ જે. શ્વાર્ટ્ઝનું સકારાત્મક અભિગમ પર ભાર મૂકતું એક ખૂબ જાણીતું પુસ્તક છે : ‘મેજિક ઑફ થિન્કિંગ બિગ.’ તેનો પુષ્પા અંતાણીએ કરેલો ગુજરાતી અનુવાદ અમદાવાદ-મુંબઈની પ્રકાશન સંસ્થા આર. આર. શેઠની કું. દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. તે પુસ્તક પોતાના પુત્રને અર્પણ કરતાં ડેવિડે લખ્યું છે: “ મારા છ વરસના પુત્રે જ્યારે કિંડરગાર્ટન પાસ કર્યું ત્યારે મેં એને પૂછ્યું : “તું મોટો થઈને શું બનવા માગે છે?” પુત્રે જણાવ્યું કે એ ‘સુખનો પ્રોફેસર’ બનવા માગે છે. પિતાને નવાઈ લાગી, સુખનો પ્રોફેસર? એ તો બહુ મોટી મહત્ત્વાકાંક્ષા હતી.
મહત્ત્વાકાંક્ષા મોટી તો છે, પણ અશક્ય નથી. સુખના પ્રોફેસર થવું એટલે સુખના વિદ્યાર્થી પણ થવું. સુખી થવા માટે ઘણા રસ્તા છે – એક રસ્તો તો એ છે કે પોતે સુખી નથી એવું માનવું જ નહીં. તે ખૂબ સરળ ઉપાય લાગે છે, પણ દેખાય છે તેવો સરળ નથી. તમે સુખી જ છો, તમને કોઈ વાતે કશું જ દુખ નથી તેવું માનવા માટે તમારામાં ભરપૂર સકારાત્મક અભિગમની જરૂર પડે છે. સકારાત્મક અભિગમ હશે તો સફળતા સુધી પહોંચવું સહેલું થઈ પડે છે. ડેવિડ જે. શ્વાર્ટ્ઝ જેવા વિચારકો તે માટેનાં અનેક પગલાં સૂચવે છે. તેઓ જણાવે છે કે લોકોને પોતાની નિષ્ફળતા માટે જુદાં જુદાં બહાનાં કાઢવાની ટેવ હોય છે. લખે છે : “સફળતાનો સંબંધ લોકોની સાથે છે. એથી સફળ થવા માટે તમારે લોકોને બરાબર રીતે સમજવા જરૂરી છે… સફળ લોકોની જિંદગીનો અભ્યાસ કરવાથી તમે એ બધાંમાંથી એક વાત તારવી શકશો કે સફળ લોકો કદી બહાનાં કાઢતાં નથી… નિષ્ફ઼ળતાની બીમારીથી પીડાતા લોકો જ્યારે પોતાની નિષ્ફળતા માટે બહાનાં ‘શોધી’ લે છે પછી તેને જ સાચા માનીને ‘વળગી’ રહે છે. પોતે કેમ આગળ વધી શક્યા નથી તે માટે શોધેલા બહાનાને બીજા સમક્ષ રજૂ કર્યા કરે છે અને પછી એ જાતે પણ તે બહાનું સાચું જ છે તેવું માનવા લાગે છે.”
ડેવિડ જે શ્વાર્ટ્ઝ એવી માનસિકતાને ‘બહાનાંબાજીનો રોગ’ કહે છે. એમના મત પ્રમાણે લોકો પોતાના વિશે સામાન્ય રીતે ચાર પ્રકારનાં બહાનાં ઉપજાવી કાઢે છે : તબિયત વિશેનું બહાનું, બુદ્ધિમતાનું બહાનું, ઉંમર વિશેનું બહાનું અને નસીબનું બહાનું.
શ્વાર્ટ્ઝ કહે છે તેમ તબિયત વિશેના બહાનાંબાજીમાં ‘ હું શું કરું, મારી તબિયત જ સારી રહેતી નથી’ ‘ તે પ્રકારનું બહાનું મુખ્ય છે. ખરાબ તબિયતનાં બહાનાં હેઠળ લોકો તેઓ જે કામ કરી શકતા ન હોય તે માટેનાં હજારો કારણો આપી શકે છે, એ બહાનાં હેઠળ તેઓ કોઈ જવાબદારી લેવા તેયાર જ થતા નથી અને જે વ્યક્તિ જવાબદારી લેવા તૈયાર ન થાય તેની સફળતાની આશા પણ રાખી શકાય નહીં.
બીજું બહાનું છે, “મારી પાસે સફળ થયેલા લોકો જેટલી બુદ્ધિ નથી.’ ડૉ. શ્વાર્ટ્ઝના શબ્દોમાં : “આ પ્રકારનાં બહાનાં કાઢવાની આદત આપણી આસપાસ રહેતા ૯૫ ટકા લોકોમાં જોવા મળે છે. એ બીમારીથી પીડાતા મોટા ભાગના લોકો એમનામાં બુદ્ધિ ઓછી છે તે વાત જાહેરમાં કબૂલ કરતા ખચકાય છે, તેથી તેઓ એ વિશે મનમાં ને મનમાં દુખી થતા રહે છે.”
ત્રીજું બહાનું ઉંમર વિશેનું છે. નકારાત્મક લોકો તેમની સામે ઊભા થયેલા પડકારો વિશે બે રીતે વિચારે છે. એક તો તે માટે હું હજી ઘણો નાનો છું અથવા મારી તો હવે ઉંમર થઈ, આવી જવાબદારી ઉપાડવા માથે હું હવે ઘણો મોટો થઈ ગયો છું. ઘણા લોકો પોતાની કહેવાતી નાની કે મોટી ઉંમરના સંદર્ભમાં આશ્ર્ચર્યજનક રીતે નકારત્મક વલણ અપનાવી લે છે. આ પ્રકારની બહાનાબાજીને લીધે હજારો લોકો જિંદગીમાં આગળ વધવાની તકોના દરવાજા બંધ કરી નાખે છે અને પછી જાતે જ ઊભી કરેલી નિષ્ફળતાની કેદમાં સબડ્યા કરે છે. સાચી વાત તો એ છે કે માણસમાં જો સાચી શક્તિ અને સફળ થવા માટે ઊંડી ધગશ હોય તો તે કોઈ પણ ઉંમરે નવું કામ શરૂ કરી શકે છે.
આપણે કેટલા બધા લોકોને એમની નિષ્ફળતા માટે નસીબને દોષ દેતા સાંભળીએ છીએ. આ સૌથી સરળ બહાનું છે, જેની સામે કોઈ તર્ક ચાલતો નથી. એવા લોકો પોતાની નિષ્ફળતા માટે નસીબને આગળ ધરીને બીજા લોકોની સહાનુભૂતિ જીતવાનો પણ પ્રયત્ન કરે છે — અને મહદ્દ અંશે તેમાં સફળ પણ નીવડતા જણાય છે.
લોકોએ પોતાની નિષ્ફળતાઓ માટે બીજી કોઈ જગ્યાએ જોવું જોઈએ નહીં. તે પ્રકારનો અભિગમ બહાનાંબાજી તરફ લઈ જાય છે અને શોધ સાચી દિશામાં જતી નથી. તેથી તેમાંથી બહાર નીકળવાના સાચા માર્ગ પણ મળતા નથી. વિચારકોના મત મુજબ લોકોએ પોતાની અંદર જ તપાસવું જોઈએ ને જાતમાં શું ખૂટે છે તેનો વિચાર કરી તેમાંથી બહાર નીકળવું જોઈએ. તો જ સફળતા મળે.
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com