લ્યો, આ ચીંધી આંગળી :: જૂનાગઢના બલીયા વંશપરંપરાના તેજસ્વી સિતારાઓ: બચુભાઈ અને દેવીદાસ બલીયા (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડયા

 

(ગતાંકથી ચાલુ)

પચાસ વર્ષના વનપ્રવેશ પ્રસંગે જ દેવીદાસ બલીયા ઉપર આ વડલા જેવા મોટાભાઈના અવસાનને કારણે કુટુંબનાં મોભી તરીકેની જવાબદારી આવી પડી. પાછલી પેઢીનો ઈતિહાસ રીપીટ થયો. ત્રણમાંથી ટીપોયનો એક પાયો પડી ભાંગ્યો.

દેવીદાસભાઈના જીવનમાં જેમ નાનાભાઈ હરકીશનભાઈનો મજબુત ટેકો હતો તેમ જીવનસંગ્રામમાં પડખોપડખ ઉભા રહેનારા અંર્ધાગીની મનોરમાબહેનનો સાથ સંગીન હતો. એકવીસ વર્ષની વયે દેવીદાસભાઈનાં લગ્ન તેમની સાથે થયાં હતાં તે મનોરમાબહેન પણ એવાં જ ખાનદાનનું ફરજદ હતાં. તેઓ નાસિક વસતા શેઠ મનસુખલાલ રણછોડદાસ શાહનાં સૌથી મોટાં પુત્રી. ભણેલાં-ગણેલાં, વાંચન, મનન અને હરેક કળાનાં જાણકાર એવાં મનોરમાબહેન તો દેવીદાસભાઈના જીવનમાં સાગરમાં સરીતા ભળે તેમ ભળી ગયાં હતાં. મીઠપ અને કોઠાબુદ્ધિ એ તેમનાં બે આગવા સુલક્ષણોથી કુળનું આંગણું દીપી ઉઠ્યું હતું.

કોઈ સાંકળ ખેંચે ને ગાડી આંચકા સાથે ઉભી રહી જાય, તે ફરી થોડી ક્ષણો પછી યાત્રા આગળ ધપાવે તેમ જ મોટાભાઈના અવસાનનો કારમો આઘાત પચાવી જઈને દેવીદાસભાઈએ પુણ્યયાત્રા ચાલુ રાખી. વ્યવસાયમાં તો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળે તે કક્ષાની સિધ્ધી-પ્રસિધ્ધી મેળવી. જેમાં ૧૯૭૧માં જન્મેલા એમના પુત્ર શ્યામલ પણ સહભાગી ગણાય.

પણ લોકસેવાના ક્ષેત્રે એમણે જે અનન્ય કામગીરી કરી તેની યાદી તો એક આખું અલગ પરિશિષ્ટ બનાવીને અલગથી રજુ કરવી પડે, પણ જ્ઞાતિ-સમાજ અને દેશ એમ ત્રણે મોરચે તેમણે ઉદાર યોગદાન આપ્યું. જુનાગઢમાં રમણીકભાઈ અંબાણીની રાહબરી નીચે શિશુમંગલમાં એક ટ્રસ્ટી તરીકે એમણે યશસ્વી કામગીરી બજાવી.( આ લેખક પણ એમાં ટ્રસ્ટી હતો એટલે આ સાવ અંગત અને અધિકૃત અનુભવ છે.) સ્થાનીક લેવલે કોઈપણ સમસ્યા હોય કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય, પછી તે સંસ્થાની નાંણાકીય બાબતને સ્પર્શતો હોય કે પછી સંસ્થાનાં જ બાળકોનાં દત્તકવિધાન, કન્યાઓનાં લગ્ન કે સંસ્થાનાં વિકાસ અંગેનો હોય, સંસ્થાનાં કર્મઠ મંત્રી મિનાક્ષીબેન શરદભાઈ જાની( હવે તો એ સ્વર્ગસ્થ)એમનો સંપંર્ક કરે કે તરત જ એ પ્રશ્ન હલ થઈ જતો. બહુ ટૂંકા ગાળામાં આર્થિક રીતે નબળી ગણાતી ‘શિશુમંગલ’ સંસ્થા ફરી આર્થિક રીતે સ્વનિર્ભર થઈને દેશની શ્રેષ્ઠ સંસ્થા તરીકેનો એવોર્ડ રાષ્ટ્રપતિનાં હાથે મેળવી શકી. એના યશભાગી તરીકે રમણીકભાઈ, મિનાક્ષીબેન, સમીર શરદભાઈ જાની અને બીજા ટ્રસ્ટીઓ ઉપરાતં દેવીદાસભાઈનો ફાળો સવિશેષ રહ્યો.

(મનોરમાબેન બલીયા)

પાંજરાપોળ, ગૌશાળા, લાયન્સ કલબ, વેરાવળ મર્કંન્ટાઈલ બેંક, ઉષાચંદ્ર ટ્રસ્ટ, શ્રી શશીકાન્ત દવેનાં સફળ સંચાલનવાળું ‘શ્રી મણીબહેન લાભશંકર દવે નુતન અભિગમ ટ્રસ્ટ’, ટી.બી. હોસ્પીટલ કેશોદ, શ્રી રામ નિવાસ ધર્મશાળા-વેરાવળ, શ્રી દશા મોઢ ગોભવા તથા અડાલજા વણિક જ્ઞાતિ જૂનાગઢની જગ્યા, અને તેનો જિર્ણોધ્ધાર સમસ્ત વણિક સમાજ, મંદબુદ્ધિની બહેનો માટેનું ટ્રસ્ટ, મણીબેન દવે થેલેસીમીયા ટ્રસ્ટ એવી અનેક અનેક સંસ્થાઓને તેમણે મદદ કરી. તો મનોરમાબેન પણ તેમની જોડાજોડ રહીને લાયોનેસ ક્લબ જેવી સમાજસેવાની પ્રવૃત્તિઓમાં રહયાં.

સિત્તેરની ઉંમરે પણ દેવીદાસ બલીયા નિરોગી હતા. અને એ નિરોગીપણું વર્ષોથી તેમના ખુશમિજાજમાં ઉપસી આવતું. થોડા જ વર્ષો પહેલાં મુંબઈમાં ભણી રહેલા એમના યુવાન પુત્ર શ્યામલે એક પંજાબી કન્યા ગુરવિન્દર સાથે સ્નેહલગ્ન કરવા માટે પિતાની મંજુરી માંગી ત્યારે આ રૂઢિચુસ્ત ગણાય તેવા મરજાદી વૈષ્ણવ પરિવારના વડા તરીકે દેવીભાઈ પુત્રને આવી મંજુરી આપે તે શક્ય જણાતું નહોતું. પણ સમયની સાથે કદમ મિલાવીને ચાલનારા દેવીભાઈએ તત્કાળ સંમતિ આપી દીધી. મનોરમાબહેન તો પુત્રનાં સુખે સુખી જ હતાં. એ પંજાબી કન્યાએ બલીયા પરિવારની વંશવૃદ્ધિ કરી છે, અને પતિ અને સાસુની સાથે જ સમાજસેવામાં રત છે. થોડા વર્ષો પહેલાં શ્યામલભાઈએ પણ કુળના નામને દીપાવે એવું કાર્ય કર્યું હતું. ‘ગ્રેટ ગોલ્ડન સર્કસ’માં બંગાળનાં કંગાળ પરિવારની કેટલીક બાળાઓ, જે સાવ સગીર વયની હતી તેને તાલીમને બહાને ગોંધી રાખી, સિતમ ગુજારવામાં આવતો હતો. આ બાળાઓને મુક્ત કરાવીને ફરી તેમને ઘેર પહોંચાડવાનું બીડું શ્યામલભાઈએ ઝડપ્યું હતું.

દેવીભાઈ આ સાંભળીને રાજી થયા હતા. અમસ્તાય બાપ-બેટા વચ્ચે ટયુનીંગ ગજબનું હતું. કોઈ કોઈ વાતે પિતા તેમના ઉપર તપી ગયા હોય તેવું શ્યામલને મહામુશ્કેલીએ પણ યાદ નથી આવતું. અરે, પાકટ વયે પહોંચ્યા પછી પણ મનોરમાબહેનને ફોનમાં “બોલ, ડાર્લિગ કહું કે ડોશી ?” એમ કહીને લાડ લડાવતા હતા એ યાદ કરીને મનોરમાબહેનની આંખો આજે પણ બે કાંઠાની નદીની જેમ છલકાઈ ઉઠે છે.

(દેવીભાઈ બલીયા)

પહેરવેશ સાદો, કોઈ ઠાઠમાઠ ભપકો, ફેલફિતુર નહીં, ધર્મપરાયણ જીવન, પરિવાર સાથે બેસીને થોડો ઘણો ટેલીવીઝન જોવાનો રોજનો ક્રમ, સાંજે બધાએ સાથે બેસીને જમવાનું અને કોઈ મોટો આલીશાન બંગલો શહેરથી જરા અળગી જગ્યાએ બંધાવીને રહેવાનું પુરેપુરૂં પરવડે એમ હતું, છતાં પણ જૂનાગઢના ગીચ વસ્તીવાળા છાયાબજારમાં એ જ પેઢી, જૂના પણ વિશાળ મકાનમાં નિવાસ.

આ બધી દેવીભાઈની અને એમનાં બલીયા વંશની સાચી ઓળખ હતી. ને એક જયોતની જેમ પ્રત્યેક જૂનાગઢવાસીના હૃદયમાં સ્થિર થઈને સ્થપાઈ ચુકી હતી. અને એ જ જુનાગઢની જનજીવન પર શીળો-શાંત પ્રકાશ પાથર્યા કરતી હતી.

**** **** ****

“સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ- જૂનાગઢના જીવનસાથી પસંદગીમેળાનો કાર્યક્રમ આપણા તરફથી ક્યારે ગોઠવાયો છે ?”

મનોરમાબહેને હસીને દેવીભાઈને જવાબ આપ્યો : “ભૂલી ગયા ? જુનની આઠમી તારીખે, પણ જો જો હોં…” મનોરમાબહેને આ પચાસ વરસનાં દામ્પત્યના આરે આવીને મીઠી મશ્કરી કરી, “તમારે એમાં ભાગ લેવાનો નથી !”

મજાક સમજતાં થોડી સેકંડો જ થઈ, પણ સમજાઈ ત્યારે એ ખડખડાટ હસી પડયા અને બોલ્યા, “મારે ભાગ લેવો હોય તો હું તનેય ભાગ લેવાનું કહું, કારણ કે તો જ હું તને પાછો પસંદ કરી શકું ને!”

આવી ટોળટિખળમાં હળવી ક્ષણો પસાર થતી હતી. અને આ જ વાત પરથી દેવીભાઈને યાદ આવ્યું : “ ઠીક યાદ આવ્યું. આ હવે આવે તે ૨૦૦૩ની વીસમી મેએ આપણે આપણા લગ્નજીવનના પચાસમા વર્ષમાં પ્રવેશ કરશું. તને લાગતું નથી કે આપણે આ પ્રસંગે પરિવાર વચ્ચે મોજથી ઉજવવો જોઈએ ?”

“તમે શું કહેતા’તા ?” મનોરમાબહેન બોલ્યાં, “આપણા ઘરનાં સૌ એનું પ્લાનીંગ કરીને જ બેઠા છે. આપશ્રીને સરપ્રાઈઝ આપવા ખાતર જ આપણને અગાઉથી કહેતા નથી બાકી !”

સુખનો ઓડકાર આવ્યો હોય એવી એ બન્નેની મોં-કળા થઈ રહી. ત્યાં અચાનક યાદ આવ્યું. “પણ એ પહેલાં તો આપણે જામનગર આપણી દીકરીના લગ્નપ્રસંગે જવાનું છે. એની તારીખ નક્કી થઈ?”

“બહુ ભુલકણા બાકી !” મનોરમાબહેન બોલ્યાં, “છોકરીનાં બચાડીનાં ચાર તો ફોન આવી ગયા. ૧૮મી એ તો એને ત્યાં આપણે કન્યાદાન કરવાનું છે. ૧૯મી એ પાછા આવી વીસમીએ પછી આપણા મેરેજના પચાસમા વર્ષની ઉજવણી….”

દેવીભાઈ ગંભીર થઈ ગયા, “યસ યસ, તો એમ કરીએ પછી ભેગા ભેગા આપણે મહાપ્રભુજીની બેઠકોનાં દર્શન પણ કરી લઈએ. થોડી ઘરની ગાડીઓ છે, બાકી લકઝરી કરી લઈએ.”

ચેઈનબંધ આયોજનો હતા. મહાપ્રભુજીની બેઠકોનાં દર્શનની એમને નવાઈ નહોતી. પણ આ વખતે આ મેરેજની અર્ધશતાબ્દીના અવસરે ફરી વાર એકવાર ત્યાં જઈને ધન્યતા ઉજવવાનો મનોરથ મનમાં ઉગ્યો.

જામનગરમાં કોઈ પુત્રી હતી ? હા, જ્ઞાતિની જ એક વર્ષો પહેલાં મા-બાપ ગુમાવી બેઠેલી બાળાને દેવીદાસભાઈ અને મનોરમાબહેને ગોદ લીધી હતી. વર્ષો થયાં. એ પછી ભણાવી-કારવી મોટી કરી અને પરણાવી અને હવે એના સાસરે જામનગર એની જ પુત્રીનો પ્રસંગ હતો. પેટની જણી દીકરી જેટલો જ કે અદકોભાવ એ દીકરી માટે હતો. એના એક એક પ્રસંગ સાચવ્યા છે, તો આ કેમ નહીં? અરે, બલીયા પરિવાર જેવા પહોંચતા પામતા પરિવારની પુત્રી ગણાય. એનો પ્રસંગ દિપાવો.

આ તરફ પોતાના જ લગ્નજીવનની અર્ધશતાબ્દીની ઉજવણીનો ઉમંગ સમગ્ર પરિવારમાં.

સોળમી મેએ શુક્રવારે બન્ને દ્ધારકા થઈને જામનગર ગયા અને હોટલમાં રાત રોકાયા. સત્તરમીએ એ પ્રસંગની પ્રાથમિક વિધીઓમાં હાજરી આપી. બધાને હળ્યા-મળ્યા, હેત કરીને ભેટયા જમ્યા અને રાત્રે પાછા હોટલ ઉપર આવી ગયા.

રાત્રે સમયસર સુઈ જવાની એમને વર્ષોથી ટેવ હતી. બન્ને નિરાંતે સુતા. દેવીભાઈના તરફથી કશોક અસ્પષ્ટ અવાજ સંભળાયો. પહેલાં તો એ સામાન્ય ઓડકાર જેવું હશે એમ સમજી બહુ વિચાર ન કર્યો. પણ ફરી હેડકી જેવું સંભળાયું.

મનોરમાબહેને સફાળા ઉભા થઈને બત્તી કરી. જોયું તો દેવીભાઈ પલંગમાં નહોતા. ઉભા થઈને બાજુની ખુરશીમાં બેસી ગયા હતા. મનોરમાબહેન કશું વિચાર કરે તે પહેલાં એક બીજી હેડકી આવી.

ના કશો સંવાદ, ના કોઈ શબ્દ, ના કોઈ વિદાયચેષ્ટા અને આત્મપંખી હળવેકથી પિંજરની બહાર ઉડી ગયું, ના કોઈ કષ્ટ, ના કોઈ પીડા, કોઈ રીબામણી નહીં, ચહેરા ઉપર વેદનાનું કોઈ જાળું નહીં., પરમ સંતોષની રેખા. આછી સ્મિતરેખા સાથે એ કાયમ માટે પોઢી ગયા. જોનારને તો એમ જ લાગે કે આ તો ખુરશી ઉપર બેઠા બેઠા ઝોલું આવી ગયું છે દેવીભાઈને. હમણાં ખભેથી ઢંઢોળશો કે તરત જ વાત કરશે. સોરી, સોરી, જરા ઝોકું આવી ગયું હતું હો! બોલો, બોલો, શું છે ?

પણ ના, આપણી આશા, આપણી ઝંખના, આપણો ઝુરાપો આપણી પાસે એવી કલ્પના કરાવે છે. બાકી સ્વર્ગનું વિમાન પેસેન્જરને ટેઈક ઓફ કરાવ્યા પછી ફરી કદી નીચે ઉતરતું નથી, એ આપણને હથેળી ફરકાવી વિદાય આપવાની વેળા પણ બક્ષતું નથી.

રાતના પોણા અગિયાર વાગ્યા હતા. એક ક્ષણમાં જોડી ખંડીત થઈ. મનોરમાબહેન પતિથી વિછોડાઈ ગયા.

એ પછી જે બન્યું તેણે જિંદગીની તેજછાયા બનાવી. મનોરમાબહેને કાઉન્ટર ઉપર રડતા અવાજે ફોન કર્યો. મદદ આવી પહોચી. હજી પણ બ્રહ્માંડમાં તાળવે જીવ હોય તો ! એમને ઈરવીન હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં પણ ડોકટરોએ હાથ ઉંચા કરી દીધા. લાઈલાજ, લાઈલાજ, જામનગરના બારદાનવાળા ફેમીલી સાથે ખાનદાની સંબંધ.ચંદુભાઈ બારદાનવાલા તો એ કોઈ પણને અર્ધી રાતે હોંકારો દે તેવો જણ ! લોકો સૌ દોડી આવ્યા અને થોડી માનવસર્જીત આડખિલી અડચણોને પાર કરીને દેવીભાઈના દેહને બહાર લાવ્યા.

જે દીકરીને ત્યાં પ્રસંગ હતો તેનો પ્રસંગ આ સમાચારથી બગડે તો કાયમનો અફસોસ રહી જાય. તેને ત્યાં જાણ કરી કે અચાનક મનોરમાબહેનની તબીયત જરા બગડતાં તેઓ જુનાગઢ પાછા ફર્યા છે.

દેશી તીથી પ્રમાણે ૧૮મી મે એ એમની લગ્નતિથિ આવતી હતી. અને અંગ્રેજી તારીખ પ્રમાણે ૨૦મી મેએ. એજ દિવસે જૂનાગઢના વ્યથીત, રડતા હૈયાવાળા હજારોનાં માનવસમુદાય વચ્ચે દેવીભાઈની અંત્યેષ્ઠી ક્રિયા સંપન્ન કરવામાં આવી.

અરે દેવીભાઈ, લગ્નની અર્ધશતાબ્દીની ઉજવણી શું આ રીતે કરવાની હતી ?Sad smile


(સંપૂર્ણ)


(નોંધ: આ લેખ 2013માં લખાયેલો છે.)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઈસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઈન-079-25323711/ ઈ મેલ- rajnikumarp@gmail.com

1 comment for “લ્યો, આ ચીંધી આંગળી :: જૂનાગઢના બલીયા વંશપરંપરાના તેજસ્વી સિતારાઓ: બચુભાઈ અને દેવીદાસ બલીયા (૨)

  1. Piyush Pandya
    September 25, 2017 at 11:35 am

    જેવું જીવન જીવ્યા, એવી જ ભવ્ય વિદાય પણ લીધી. આવા લેખો દ્વારા Unsung Heroes નો પરિચય સરસ રીતે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *