બાવડાંથી બોલતો મૂંગો પહેલવાન

Facebooktwitterredditpinterestlinkedinmail

લેખક – અનિલ હડિયાણવી , (મુંબાઈ સમાચાર)

રજૂઆત અને સંકલન : સુરેશ જાની

clip_image002

જ્યારે કોઇ વ્યક્તિમાં કોઇ શારીરિક ખોડ હોય ત્યારે ભગવાન એનામાં અન્ય ઘણાં ગુણો અને આવડતો ભરી આપીને એની શારીરિક કમીને પૂરી દે છે. ઇન્સાનની એક ઇન્દ્રિય ઓછું કામ કરે તો અન્ય ઇન્દ્રિયો વધુ સતેજ બની જતી હોય છે અને ઉપરવાળાની મહેરબાની વિના સંભવ પણ નથી. એટલે જ કદાચ પ્રજ્ઞાચક્ષુઓ સંગીત ક્ષેત્રે કમાલનું સર્જન કરી શકતા હશે. લોકો પોતાની નાની-નાની પરેશાનીથી દુ:ખી થાય હોય છે. ત્યારે એક એવી વ્યક્તિ પણ છે જેણે ક્યારે પોતાની શારીરિક કમજોરીને મન પર હાવી થવા નથી દીધી. ઊલટુ પોતાની પાસેની આવડતને ઉત્તમ રીતે વિકસાવીને દુનિયામાં દૃષ્ટાંત પૂરું પાડ્યું આ વાત એક મૂક-બધીર પહેલવાનની છે. સામાન્ય રીતે અખાડો જ પહેલવાનની દુનિયા હોય છે, પરંતુ આ પહેલવાને પોતાને અખાડાની બહાર લાવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર મૂકી દીધી. એની પાસે વાચા નથી, પરંતુ તેણે પોતાનો બુલંદ અવાજ વિશ્વભરમાં પહોંચાડ્યો. 

clip_image004

ગુંગા પહેલવાન તરીકે જાણીતો થયેલો વિરેન્દ્ર સિંહ યાદવે નાની વયે જ કુસ્તીના દાવપેચ ચાલુ કરી દીધા હતા. કુસ્તીમાં દિવસે ને દિવસે કાબેલિયત પ્રાપ્ત કરનારા ગુંગા-પહેલવાને અખાડાની સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને સતત જીતતો રહ્યો. એ જ્યાં પણ કુસ્તી લડવા જાય ત્યાંથી જીતીને આવતો.

વિરેન્દ્ર સિંહના પિતા સી.આર.પી.એફમાં હતા અને તેમને કુસ્તી બહુ જ પસંદ હતી. સ્વાભાવિક રીતે વિરેન્દ્ર સિંહ મૂક-બધીર હોવાથી કુટુંબને એની પાસેથી કોઇ આશા-અપેક્ષા ન હતી. બીજી તરફ અખાડાના અન્ય કુસ્તીબાજો એની શારીરિક ખોડની મજાક ઉડાવતા. વિરેન્દ્ર સિંહ કસરત કરતો ત્યારે કુસ્તીબાજો એવો ટોણો મારતા કે હવે મુંગો-બહેરો પણ પહેલવાન બનશે! પરંતુ વિરેન્દ્ર સિંહે કડવા ઘૂંટડા ઉતારી જઇને પોતાનું કામ ચાલુ રાખ્યું. અખાડામાં નિયમિત જવું, કસરત કરીને શરીર કસાયેલું-મજબૂત રાખવું અને કુસ્તી લડવાને તેણે લક્ષ્ય બનાવ્યું હતું. વિરેન્દ્ર સિંહ તેને મારવામાં આવતા પ્રત્યેક મહેણાં ટોણાનો જવાબ અખાડામાં કુસ્તીમાં હરીફને પરાજિત કરીને આપતો. વિરેન્દ્ર સિંહની પહેલવાની જોઇને ધીરેધીરે અન્ય કુસ્તીબાજોની જીભ સિવાઇ ગઇ. અચ્છા-અચ્છા અખાડિયનોને ધૂળ ચાટતા કરનાર વિરેન્દ્ર સિંહ છત્રસીલ સ્ટેડિયમમાં પહેલવાનોને તાલીમ આપવા લાગ્યો હતો.
હરિયાણાના ઝાઝુર જિલ્લાના સિસરોલી ગામે જન્મેલા વિરેન્દ્ર સિંહ ૨૦૦૨માં નેશનલ ચેમ્પિયનશિપમાં ટૉપ-થ્રીમાં હતો, પરંતુ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી ન હતી. આ વાતે દુ:ખી થવાને બદલે તેણે વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. એના કઠોર પરિશ્રમ અને સંર્ઘષનું પરિણામ એ આવ્યું કે ઇન્ટરનેશનલ સ્તરે તેણે ગોલ્ડ મેડલો જીત્યા. ૨૦૦૫માં મેલ્બર્ન ડેફલિમ્પિક્સમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૦૯માં તાઇપેઇમાં યોજાયેલી ડેફલિમ્પિક્સમાં કાસ્યચંદ્રક જીત્યો હતો. ૨૦૦૮ અને ૨૦૧૨ની ડેફ સટલિંગ ચેમ્પિયનશિપમાં પણ વિરેન્દ્ર સિંહે રજત અને કાસ્ય ચંદ્રકો જીત્યા હતા.

બીબીસીને આપેલી મુલાકાતમાં વિરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘મારા પિતાના પ્રોત્સાહનથી મેં કુસ્તીબાજ બનવાનું નક્કી કર્યું હતું.’ કુસ્તી કરવાનો વિચાર કઇ રીતે આવ્યો એવું સવાલના જવાબમાં તેણે કહ્યું કે ‘મારા ઘરની નજીક જ એક અખાડો હતો. મારા પિતા પણ કુસ્તી કરતા હતા.’

વિરેન્દ્ર સિંહે ધીરે ધીરે મેડલો જીતી બતાવ્યા છતાં ય સરકાર તરફથી કોઇ સહાય કે પ્રોત્સાહન ન મળ્યું. આનાથી નિરાશ થયેલા વિરેન્દ્ર સિંહને એના પિતા ૨૦૧૧માં દિલ્હીના છાત્રસાલ સ્ટેડિયમમાં લઇ ગયા ત્યાંના કૉચ રામફલ માનેએ તેને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. રામફલે એના વિશે કહ્યું હતું કે ‘વિરેન્દ્ર સિંહ એક શિસ્તબદ્ધ પહેલવાન છે. અન્ય કુસ્તીબાજોની સરખામણીમાં એનું દિમાગ વધુ તેજ છે. સફળતા મેળવવા માટે એ હંમેશાં મહેનત કરે છે.’

મૂક-બધીર વિરેન્દ્ર સિંહના જીવનકવન પર એક ડૉક્યુમેન્ટરી બની છે જેનું નામ ‘ગુંગા પહેલવાન’ છે એનું કારણ વિરેન્દ્ર સિંહ યાદવ ‘ગુંગા પહેલવાન’ તરીકે વધુ લોકપ્રિય બન્યો છે.
તૂર્કીમાં યોજાયેલી સમર ડેફલિમ્પિક્સમાં પાંચ મેડલો જીતનાર વિરેન્દ્ર સિંહનું બાળપણ સંઘર્ષ અને ભવિષ્યની યોજનાને આવરી લેતી આ ડૉક્યુમેન્ટરી શારીરિક રીતે સક્ષમ ન હોય એવી વ્યક્તિઓને માટે પ્રેરણારૂપ છે. મહેનત અને સંઘર્ષ કરવાની તૈયારી હોય તો તમે પંગુતા છતાં ય ધ્યેય હાંસલ કરી શકો છો એનું જીવતું-જાગતું ઉદાહરણ વિરેન્દ્ર સિંહ છે. અર્જૂન અવૉર્ડ નવાજિત વિરેન્દ્ર સિંહે પણ પોતાનું લક્ષ્ય અર્જૂન જેવું જ રાખ્યું હતું. 

વરસો પહેલાં અમદાવાદના દિગ્દર્શકો વિવેક ચૌધરી, મિત જાની અને પ્રતીક ગુપ્તાએ ‘ગુંગા પહેલવાન’ વિશે જાણ્યું હતું. એમનાં સંઘર્ષની પ્રેરણાદાયી વાતથી પ્રેરાઇને તેમણે ડૉક્યુમેન્ટરી બનાવવાનું નક્કી કર્યું હતું. વિવેક ચૌધરીએ એના વિશેનો એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો ત્યારથી ડૉક્યુમેન્ટરી બનાવવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો. 

આ સર્જકોને ‘ગુંગા પહેલવાન’ પર ડૉક્યુમેન્ટરી બનાવવાનો વિચાર કે પ્રેરણા ક્યાંથી મળ્યા? દિગ્દર્શક વિવેક ચૌધરીએ એના વિશે પ્રકાશિત એક ન્યૂઝ રિપોર્ટ વાંચ્યો. જેમાં લખ્યું હતું કે વિરેન્દ્ર સિંહ મૂક-બધીર કુસ્તીબાજ છે, આમ છતાં તેણે વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે, ગોલ્ડ મેડલો પણ જીત્યા છે, છતાંય સરકારે એના તરફ ઉદાસીનતા દાખવી છે, એને જોઇએ એટલી પ્રસિદ્ધિ મળી નથી એની આ વિરલ સિદ્ધિઓની જાણે કે કોઇએ નોંધ જ લીધી નથી. આ ડૉક્યુમેન્ટરી દ્વારા અપંગ રમતવીરોની અવહેલના, ઉપેક્ષા પ્રત્યે ધ્યાન દોરવાનો પ્રયાસ થયો છે. 

અપંગ રમતવીરોને પૂરતી તક મળતી નથી. શારીરિક રીતે સક્ષમ ન હોય એવા રમતવીરોની સમાજ તરફથી ઉપેક્ષા થતી હોય એવું ચિત્ર ઊભું થયું છે. જે ચિંતાનો વિષય છે. આ ડૉક્યુમેન્ટરી બનાવવા પાછળનો નિર્માતાઓનો અન્ય એક આશય એના ભાઇ શક્ય એટલો વધુ સપોર્ટ ઊભો કરવાનો હતો. 

વક્રતા તો એ વાતની છે કે વિરેન્દ્ર સિંહ યાદવે એટલે કે ગુંગા પહેલવાને એક અચ્છા કુસ્તીબાજ તરીકે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં તેણે જીવનનિર્વાહ ચલાવવા માટે શારીરિક રીતે સક્ષમ કુસ્તીબાજો સામે કુસ્તી લડવી પડી હતી.

ડૉક્યુમેન્ટરીના આ સર્જકોએ આ સમસ્યાનો મૂળ તંતુ પકડીને એનો ઉકેલ લાવવા તેમ જ આ સંઘર્ષમાં નીતિવિષયક ફેરફારો કરવાની માગણી કરતી રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) અને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ) પણ કરી છે. 

‘ગુંગા પહેલવાન’ ડૉક્યુમેન્ટરીને નૉન-ફીચર કેટેગરીમાં બેસ્ટ ડેબ્યુ ફિલ્મનો ૨૦૧૪માં ૬૨મો નેશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. તે ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ઇન્ડિયન પેનોરમાની ઓપનિંગ ફિલ્મ તરીકે પસંદગી પામી હતી.

૨૦૧૪માં કેરળમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ડૉક્યુમેન્ટરી ઍન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવમાં આ ડૉક્યુમેન્ટરીને ‘સ્પેશ્યલ મેન્શન’ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું હતું. દક્ષિણ એશિયામાં અલ્ટરનેટિવ ફિલ્મ ફેસ્ટિવલ તરીકે વિખ્યાત બનેલા વિગબ્યૉર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ડૉક્યુમેન્ટરી દર્શાવાઇ હતી. ૨૦૧૫માં વી કૅર ફિલ્મ ફેસ્ટિવલ તેમ જ એન એફ ડી સી દ્વારા આયોજિત અપંગો માટેના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પણ આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મના અવૉર્ડસ મળ્યા હતા. 

ચિત્તા જેવી ઝડપ અને સ્ફૂર્તિ ધરાવતા વિરેન્દ્ર સિંહની રગેરગમાં કુસ્તી છે. એનામાં ગજબનો લાવા ધગધગે છે એની ચિત્તા જેવી ચકળ વકળ થતી આંખો હરીફ કુસ્તીબાજની ચાલને પામી જાય છે. ઘડીના છઠ્ઠા ભાગમાં એ હરીફને પક્કડમાં લઇ લે છે, જમીન પર પટકાવે છે. વિરેન્દ્ર સિંહ મૂક-બધીર હોવાનું કોઇ માની શકે નહીં એવું એનું વ્યક્તિત્વ છે.
દિગ્દર્શકોએ વિરેન્દ્રસિંહ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. ગુગલ પર પણ કોઇ માહિતી ઉપલબ્ધ નહીં હોવાનું જણાયું. એક મૂક-બધીર કુસ્તીબાજની આવી ઘોર ઉપેક્ષા?

પરિણામે તેને મળવાની ઉત્કંઠા વધુ સતેજ બની. રૂબરૂ મુલાકાત થઇ ત્યારે એક કદાવર કુસ્તીબાજ – ઋજુ સ્વભાવ અને લાગણીસભર દિલ સાથે ઊભો હતો. એમની વચ્ચે તરત જ ઘરોબો સ્થપાઇ ગયો. એમની સાથે વાતચીતનો દોર શરૂ થયો, સંઘર્ષ, અને સપનાના પાનાં એકપછી એક ઉઘડતા ગયા. ડૉક્યુમેન્ટરીમાં વધુ ને વધુ જાન રેડાતી ગઇ.
એક મૂક-બધીરે આંતરાષ્ટ્રીય સ્તરે ભારતને નામના અપાવી હોવા છતાં એની ઉપેક્ષા થાય અથવા તો આવા અન્ય રમતવીરોને પ્રોત્સાહન આપીને ઇન્ટરનેશનલ લેવલે લઇ જવાની દરકાર સુધ્ધાં સરકાર ન કરે ત્યારે સરકાર જ મૂક-બધીર લાગે. સરકારી સિસ્ટમ અપંગ બની ગઇ હોય એવો અહેસાસ થાય. સ્વાભાવિક છે ને?


વિડિયો


સંદર્ભ

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=380756

https://en.wikipedia.org/wiki/Goonga_Pehelwan

https://yourstory.com/2017/08/virender-singh-deaflympics/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *