કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૭

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

યુગોથી પગ નીચે દબાયેલી ધરતી કિશનને હિંમત ન આપી શકી. ત્રણે જણને ખબર છે કે જ્યારે ફોઈ જાણશે કે, પ્રીત…’ગે’ છે ત્યારની કલ્પના કરવી જ મુશ્કેલ છે. નમન અને નંદાની હિંમતે પણ રજા લઈ લીધી હોય તેમ નમન બોલ્યો, ‘ ફોઈ, જે વાત અમે કહેવા જઈએ છીએ તે વાત અમને પ્રીતે પોતે જ કહી હતી.’

‘શું કહ્યું હતું ?’

‘ કે એને લગ્ન નથી કરવા.’

સરલાબહેનની સરળતાને એમાં કાંઈ નવું ન લાગ્યું, ‘ અમેય લગ્ન થયા ત્યાં સુધી, લગ્ન કરવાની ના જ પાડતાં હતાં! ’

હવે કિશને પણ ઝુકાવ્યું, ‘ફોઈ, એ વાત કરી ત્યારે તે સીરિયસ હતો.’

‘ કેમ એને કોઈની સાથે પ્રેમ છે ? એને એમ હશે કે, અમે એને એ વ્યક્તિ સાથે લગ્ન કરવાની ના પાડીશું ?’

હવે નંદા પણ ભાઈઓની મદદે આવી, ‘ ફોઈ, અમને એવી કાંઈ ખબર નથી, પણ હમણાં જ્યારે વિનુમામાને ત્યાં લગ્નમાં અમે સાથે બેઠાં હતાં ત્યારે, તેણે અમને કહ્યું હતું, અને કિશને કહ્યું તેમ ગંભીરતાથી તેણે કહ્યું હતું.’

નમનને થયું કે આ વાત અહીં જ અટકે તો સારું એટલે સરલાબહેન અને લતાબહેન તરફ જોઈને કહ્યું, ‘ ચાલો તમે લોકો અમારા રૂમમાં સૂઈ જાઓ અને હવે મને અને કિશનનેય ઊંઘ આવે છે.’

સરલાબહેનની નજર ઘડિયાળ તરફ ગઈને સફાળાં ઊભા થતાં બોલ્યાં, ‘ બાપ રે બહેન, સાડા ત્રણ થયાં ! ચાલો સવારે વાતો કરીશું.’ કહી રસોડામાં ગયાં.

લતાબહેને ત્રણે ય છોકરાંઓને કહ્યું, ‘હવે એ એનું દિલ ખોલીને તમારી સાથે વાત કરે છે તો પૂછી લેજોને, કે એ લગ્નની ના કેમ પાડે છે?’

નંદાએ ઠાલો સધિયારો આપવો પડ્યો, ‘ ઓ.કે ફોઈ, યુ ડોન્ટ વરી.’ અને સૌને ‘ ગુડ નાઈટ, જેશ્રી કૃષ્ન ‘ કહી ઉપર ગયાં.

કિશને નિરાંતનો શ્વાસ લેતાં નમનને કહ્યું, ‘ બાલ બાલ બચ ગયે, યાર!’

‘ આજે તો બચી ગયાં પણ ક્યારેક તો કહેવું પડશેને?’

કિશને બગાસું ખાઈ ‘હં’ કહી આંખો મીંચી દીધી.

સવારના સાત વાગ્યે મનુભાઈ ઊઠ્યા ત્યારે, આખું ઘર સૂતું હતું. ધનુબા બાથરૂમ ખાલી થાય તેની રાહ જોતાં હતાં. મનુભાઈ પરવારીને નીચે ગયા એટલે ધનુબા પણ રોજની જેમ, બાથરૂમમાંથી પરવારી પ્રસાદમાં ધરવાની બદામ અને સાકર લેવા નીચે ગયાં. સામાન્ય રીતે તો રોજ સાંજે કામે જતાં પહેલાં, સરલાબહેન એ બધું તૈયાર કરીને ધનુબાના રૂમમાં રાખેલા મંદિર પાસે રાખીને જાય. એટલે સવારનાં નહાઈ-ધોઈ, પૂજા-પાઠ, માળા કરીને જ ધનુબા એકવગા નીચે આવી જાય. પરંતુ ધનુબાને ખબર છે કે રાત્રે એ લોકો ખૂબ મોડા સૂતાં હતાં. અને હવે ‘ઘરડાંઘરમાં મોકલી દેશે’ના ડરે તેમને થોડાં ઢીલાં કર્યા છે. બાકી સરલાથી થઈ ગયેલી ભૂલ, પહેલાં ફક્ત તેમના પૂરતી જ ન રહેતી, મનુભાઈને જરુર પહોંચતી. સરલાબહેનને એક નહીં બે વઢ ખાવાની ટેવ છે.

રસોડામાં બદામની બરણી ઉપરની અભરાઈએ હતી એટલે તેમનાથી લેવાશે નહીં, મૂંઝાઈને ઊભા હતાં ત્યાં મનુભાઈ તેમના બ્રેકફાસ્ટના ખાલી વાસણ મૂકવા રસોડામાં આવ્યા.

કપડાં બગડવાની ઘટના પછી પહેલીવાર મા-દીકરા વચ્ચે વાતચીત થશે !

‘ શું જોઈએ છે તમારે?’

‘ બદામની બરણી ’

બરણી આપવાનું સાંભળ્યું જ ન હોય તેમ, ‘ ઘરડાંઘર ‘નો ધાક ન આપતાં મનુભાઈએ બીજી ચેતવણી આપી, ‘ તમે હવે પછી કોઈને કહ્યા વગર જો ઘરની બહાર ગયા છોને તો…’

ધનુબા બે હાથ જોડી બોલ્યા, ‘નહીં જાઉં, દીકરા… હવે ક્યારેય નહીં જાઉં અને હવેથી સાંજે તું કહે છે તેમ હલકો ખોરાક જ લઈશ, બસ, પણ મને….’

બે હાથ જોડીને ઊભેલી માને જોઈને મનુભાઈ પીગળી ગયા, ‘ અમને થોડું કાંઈ તમને એમ ઘરડાંઘરમાં મોકલી દેવાનું ગમે ? પણ તમે સાંભળો નહીં એટલે, બાકી અમેય સમજીએ છીએ કે ઘડપણ છે, થઈ જાય એ તો કો’કવાર.’

જે વાતનો ડર હતો એ વાતે સમાધાન થઈ જતાં ફરી ધનુબાને યાદ આવી રાતની વાત, ‘બેટા, વનિતાનું હવે શું કરવું છે?’

મનુભાઈને ખબર છે કે કાયદેસર રીતે કાંઈ થઈ શકે તેમ નથી, આખરે એ પ્રોપર્ટી ગનુભાઈ અને ભાભીને નામે હતી એટલે હવે શું કરી શકાય તેની શક્યતા વિચારતાં કહ્યું, ‘ બા, આમ તો આપણે કાંઈ કરી શકીયે નહીં, તો ય નૈમેશ સાથે વાત કરી જોઈશ, એનો શું વિચાર છે તે પણ જાણવું જોઈએ ને? એને જો એના બાપની મિલકત જોઈતી હશે તો એની માને કોર્ટે લઈ જવામાં હું એને પૂરેપૂરો સહકાર આપીશ.’

સરલાબહેન તે જ વખતે રસોડામાં આવ્યા, તેમણે વાત સાંભળી. કાંઈ પણ બોલ્યા વગર ધનુબાને બદામની બરણી આપી, ગરમ પાણી પીવા માટે કેટલ પાસે જતાં જતાં પૂછ્યું, ‘ બા, તમે પરવારી ગયાં?’

હમેશાં વડકિયા ભરતાં ધનુબાએ કદાચ જિંદગીમાં પહેલીવાર એકદમ નરમાશથી જવાબ આપ્યો, ‘હા, તારે જવું હોય તો જા, હું તો પ્રસાદ લેવા…’

મનુભાઈ દસ-સાડા દસે ફ્રુટ ખાઈ લ્યે એટલે પછી કેશ એન્ડ કેરીમાંથી આવતાં મોડું-વહેલું થાય તો ચિંતા નહી એટલે રોજ દુકાને, એકા-બે ફ્રુટ લેતાં જાય. આજે કેળું અને એપલ લીધાં. તેમનેય આજે ખબર નહીં કેમ સરલા પર દયા આવી, ‘ બપોરે તારાથી ન અવાય તો વાંધો નહી, કિશન કે નમનમાંથી કોઈને મોકલજે.’

સરલાબહેને હંમેશની જેમ એ લોકોની લાગણી સમજીને કહ્યું, ‘હજુ કાલે જ આવ્યા છે, ભલે બે-એક દિવસ આરામ કરી લે, પછી મોકલીશ.’

મનુભાઈને ખબર હતી કે રાતનાં સૌ ખૂબ મોડાં સૂતાં’તાં, એટલે આજે રાજુ અને નીલેશની મદદ લઈને આજના પૂરતું એડજેસ્ટ કરી લેશે એમ કહ્યું ત્યારે સરલાબહેનને તેમનો સુખનો સુરજ ક્ષિતિજે ઊગું-ઊગું થતો લાગ્યો!

લતાબહેન ઘણે દિવસે પિયર આવ્યાં હતાં એટલે તેમને સૂવા દેવાનો વિચાર કરી સરલાબહેન અવાજ કર્યા વગર ધીમેથી નીચે આવ્યાં હતાં, પરંતુ જતી વખતે મનુભાઈએ આગલો દરવાજો એટલ તો જોરથી બંધ કર્યો કે એ અવાજથી નીચે સોફા પર સૂતેલા કિશન અને નમન તો ઊઠી જ ગયા પરંતુ માળ પર સૂતેલાં લતાબહેન પણ જાગી ગયાં.

અધૂરામાં પૂરું, ધનુબાની પૂજા-પ્રાર્થનાના અવાજે લતાબહેનને ખાટલામાંથી ઊઠવા મજબૂર કરી દીધાં. માંડ ચાર-પાંચ કલાક સૂતાં એટલે ખૂબ જ આળસ આવતું હતું તોય માંડ માંડ ઊઠ્યા પરંતુ સરલાબહેન બાથરુમમાં હતાં એટલે ધનુબાનાં રૂમમાં જઈને આડા પડ્યાં. બાની પૂજા ધ્યાનથી જોતાં લતાબહેને જોયું કે બાના મંદિરમાં કેટલા બધાં દેવી-દેવતા!

ત્યાં તો બાથરૂમમાંથી બહાર આવી સરલાબહેને લતાબહેનને રૂમમાં ન જોયાં, એટલે બાના રૂમમાં જ હશે ધારી ત્યાં ડોકિયું કર્યું. લતાબહેનને મલકાતાં જોઈ પૂછ્યું, ‘ શું યાદ આવ્યું બહેન?’

‘કાંઈ નહી’ કહી સરલાબહેન પાસે ટુવાલ માંગ્યો, અને બાથરૂમમાં ગયાં. તેમના બે જોડી કપડાં અહીં જ રાખતા હોવાથી, ‘શું પહેરીશ’ની ચિંતા નહોતી.

પરવારીને નીચે આવેલાં લતાબહેને જોયું તો બા નાસ્તો કરતાં હતાં અને બન્ને છોકરાઓ અને સરલાબહેન નાસ્તો કરવા બેઠાં. લતાબહેને નોંધ્યું કે, ધનુબા નાસ્તામાં ગાંઠિયા અને ખારી બિસ્કિટ ખાતાં હતાં. ટેબલ ઉપર તો ખરું જ પરંતુ નીચે પણ કેટલું બધું વેરાતું હતું ! તેમના સફેદ સડલા પર પણ ચાનાં ટીપાં પડતાં જોઈ લતાબહેનથી ન રહેવાયું, ‘બા, તમે થોડી કાળજી રાખીને ખાતા હોવ તો!’

ધનુબા મૂંઝાયા, ‘એટલે?’

લતાબહેન થોડાં ગુસ્સામાં બોલ્યા, ‘જુઓને આ સડલા પર ચાના ટીપાં અને નાના બાળકની જેમ આ ટેબલ પર અને નીચે કેટલું વેર્યું છે !’

સરલાબહેને સાસુનું ઉપરાણું લીધુ, ‘ કાંઈ નહીં એ તો રોજનું છે, લતાબહેન, ઘડપણ છે ચાલે એવું તો.’

આ ઘરમાં પહેલી વખત એવું બન્યું કે જ્યારે લતાબહેન પોતાના બાની ભૂલ જોઈ શક્યા, અને ભાભીની હાજરીમાં બાના મોઢે તે કહી શક્યા, અને ભાભેનો પક્ષ લેતા બોલ્યાઃ ‘સોરી સરલા, પણ ઘડપણ અને બેકાળજીને શું લાગેવળગે? હજુ બાના હાથ ધ્રુજતાં હોય તો જુદી વાત છે.’

ઓશિયાળા અવાજે ધનુબા બોલ્યાં, ‘ એવો ખ્યાલ જ નથી રહેતો હવે.’

લતાબહેનને તેમના બાળપણમાં વારંવાર વઢતાં ધનુબા નજર સમક્ષ આવી ગયાં, ‘અમે નાના હતાં ત્યારે અમારાથી આવું થતું તો તમે જ અમને વઢતાં, કારણ કે તે વખતે તમારે સાફ સફાઈ કરવી પડતી. બા, સરલાને કેટલું કામ હોય, આવી નાની નાની બાબતોમાં કાળજી રાખો તો એનું કામ કેટલું ઓછું થઈ જાય !’

આજે સાચ્ચે જ સરલાબહેનનો સુખનો સુરજ ક્ષિતિજે પગલાં પાડતો હતો કે શું ?

ત્યાં તો ફોનની રિંગ વાગી.

સરલાબહેને ફોન ઉઠાવ્યો, ‘હલો….. હલો….. કોણ બોલો છો?…’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *