ફિર દેખો યારોં : : કાયદા દ્વારા અંધશ્રદ્ધાને મનમાંથી મિટાવી શકાતી નથી

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

જેના બંધારણમાં લોકશાહીના પાયાનાં મૂલ્યો સમા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના સિદ્ધાંતો છે, એવા આપણા દેશને સ્વાતંત્ર્ય મળ્યાને સાત સાત દાયકા વીત્યા. આમ છતાં, એમ લાગે છે કે આપણા દેશમાં ત્રણ-ચાર સદીઓનો સમયગાળો સમાંતરે ચાલી રહ્યો છે. ડામરને બદલે આર.સી.સી.ના માર્ગ બન્યા કે ગામડાંઓનું વિલીનીકરણ શહેરમાં થવા લાગ્યું, આપણા દેશના હવામાન સાથે અનુકૂલન ન સાધે એવી કાચ, લોઢું અને સિમેન્ટની બનેલી આકર્ષક દેખાતી બહુમાળી ઈમારતો બનવા લાગી. આ બધી નિશાનીઓ દેખીતી આધુનિકતા અને બાહ્ય વિકાસની છે. જોવાનું એ છે કે આપણી માનસિકતામાં સમયના વીતવા સાથે કશું પરિવર્તન આવ્યું છે? વૈચારિક રીતે આપણે ત્યાંના ત્યાં જ રહ્યા છે? કે આધુનિક ઉપકરણોની સહાયથી પીછેહઠ કરી રહ્યા છે?

આપણા દેશના દૃષ્ટિવંત આગેવાનોએ લોકશાહીનાં મૂલ્યોને કેન્‍દ્રમાં રાખીને બંધારણ ઘડ્યું, અનેકવિધ કાયદાઓની રચના દ્વારા મૂળભૂત માનવાધિકારોનું રક્ષણ કરવામાં આવ્યું. પણ ઘડાયેલા કાયદાઓ આખરે કાગળ પરનું લખાણ છે. તેના પ્રત્યેની જાગૃતિ, તેના હાર્દની સાચી સમજણ અને તેનો યોગ્ય રીતે અમલ કરવાની કે તેનું પાલન કરવાની વૃત્તિ હોય તો જ કાયદો બનાવવાનો અર્થ સરે. એમ થયું છે ખરું? આ સવાલનો જવાબ ‘હા’માં હોય કે ‘ના’માં, તેની અમુક જવાબદારી નાગરિકો તરીકે આપણી પણ રહે છે.

નવાઈ અને વધુ તો આઘાત લાગે એવી વાત છે કે વૈજ્ઞાનિક અભિગમને આપણા બંધારણની પાયાની જોગવાઈ ગણાવવામાં આવ્યો છે, છતાં અંધશ્રદ્ધાને ઉજાગર કરતા ભયાનક કિસ્સાઓ હજી બની રહ્યા છે. અજમેર જિલ્લાના કરેડા ગામમાં ગયે મહિને કન્યાદેવી નામની એક ચાલીસ વર્ષીય મહિલાની માર મારીને હત્યા કરવામાં આવી. તેના પાડોશીઓ અને સગાંસંબંધીઓએ તેને ડાકણ જાહેર કરી અને સૌએ ભેગા મળીને તેના જીવનનો અંજામ આપી દીધો. એ અગાઉ આ મહિલાને મળ ખાવાની ફરજ પાડવામાં આવી તેમજ તેને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. અન્ય એક કિસ્સામાં 80 વર્ષની એક વૃદ્ધાને ડાકણ હોવાના આરોપસર અઢાર દિવસ સુધી પૂરી રાખવામાં આવી.

કોઈક મહિલા ડાકણ હોવાની આશંકા કરવી એ મધ્યયુગીન માનસિકતા છે. એ શંકાના આધારે તેની હત્યા કરવી તદ્દન આદિમ અને બર્બર માનસનું પ્રતીક કહી શકાય. આમ છતાં, આ એકવીસમી સદીમાં પણ તે થઈ રહ્યું છે એ દર્શાવે છે કે લોકોની માનસિકતામાં ખાસ ફરક પડ્યો નથી, એટલું જ નહીં, આવા લોકોને કાયદાનો પણ ડર નથી. આવા કિસ્સાઓ ભલે સામૂહિક નહીં, અને છૂટાછવાયા હોય, વર્તમાન સમયમાં તે બની રહ્યા છે એ હકીકત જ શરમજનક ગણાય. આમ કરવાના વિવિધ હેતુઓ હોય છે, જેમાં મિલકતથી લઈને અંધશ્રદ્ધા સુધીનો સમાવેશ થતો હોય છે. મિલકત હડપ કરવા માટે એકલદોકલ સ્ત્રીનાં સગાંસંબંધીઓ જ આ તરીકો અપનાવતાં હોવાનું જણાયું છે.

રાજસ્થાન સરકારે 2015માં ડાકણહત્યા વિરોધી કાનૂનને અમલી બનાવ્યો છે. ઝારખંડ, છત્તીસગઢ, બિહાર અને ઓરિસ્સા પછી આમ કરનારું તે પાંચમું રાજ્ય છે. એપ્રિલ, 2015માં રાજસ્થાનમાં આ કાયદો લાગુ પાડવામાં આવ્યો. ત્યારથી સપ્ટેમ્બર, 2016 સુધીમાં એટલે કે દોઢેક વર્ષના સમયગાળામાં આ પ્રકારના પચાસેક કિસ્સાઓ કુલ બાર જિલ્લાઓના વિવિધ પોલિસ સ્ટેશનોમાં નોંધાયા છે. આમાંના એક પણ કિસ્સાની સુનવણી હજી સુધી થઈ નથી. આ કાયદાની જોગવાઈ અનુસાર ‘ડાકણહત્યા’ કરનાર કોઈ પણ વ્યક્તિને એકથી પાંચ વર્ષની કેદ તેમજ પચાસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે. કોઈ પણ મહિલાને ડાકણ ઘોષિત કરનાર, તેને કોઈ અખાદ્ય પદાર્થ ખવડાવવા કે પીવડાવવાની ફરજ પાડનાર, તેને નગ્ન હાલતમાં સૌની વચ્ચે ચાલવાનો આદેશ આપનાર, તેનો ચહેરો કે શરીરનો કોઈ પણ ભાગ રંગનાર કે મહિલાને તેના ઘર કે અન્ય મિલકતમાંથી ખસેડવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ માટે સજાની જોગવાઈ વધુ કડક છે. આમ કરવા બદલ સાત વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અને/અથવા એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. સામાન્ય રીતે આવાં દુષ્કૃત્યો કરનારા એકલદોકલ નથી હોતા, પણ સામૂહિક રીતે તે આચરવામાં આવે છે. આ કાયદામાં આવું કૃત્ય આચરનાર પર સામૂહિક ધોરણે દંડ કરી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે મળેલી દંડની રકમ આવા કૃત્યના અસરગ્રસ્તના પરિવારને વળતર તરીકે આપવું એમ નિર્ધારીત કરવામાં આવ્યું છે. આમ, જોઈ શકાય છે કે આ દૂષણને નાથવા માટે કાયદાનું છત્ર પર્યાપ્ત રીતે પૂરું પાડવામાં આવ્યું છે. તેની સામે એ પણ જોઈ શકાય છે કે આમ હોવા છતાં આ પ્રવૃત્તિ કરનારાઓને ભાગ્યે જ કોઈ અસર થઈ છે.

ભારત સરકારના ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો’ (એન.સી.આર.બી.) દ્વારા દર વરસે નોંધાતા અપરાધોના આંકડા પ્રકાશિત કરવામાં આવે છે. એ મુજબ વર્ષ 2001માં ભારતભરમાં સ્ત્રીને ડાકણ ઠેરવીને હત્યા કરવાના કુલ 126 બનાવો નોંધાયા હતા. પ્રતિ વર્ષ તેમાં વધઘટ થતી રહે છે. છેલ્લે નોંધાયેલા વર્ષ 2014ના આંકડા મુજબ આવા 156 બનાવો બન્યા હતા. છત્તીસગઢ, બિહાર, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા,ઝારખંડ તેમજ આંધ્ર પ્રદેશમાં આવા બનાવો નોંધાયા છે, જેમાં ઝારખંડ સૌથી મોખરે છે. આ યાદીમાં ગુજરાતનો સમાવેશ નથી એ આનંદની વાત છે, પણ યાદ રહે કે અહીં કેવળ નોંધાયેલા બનાવોને ગણતરીમાં લેવામાં આવે છે. ગુજરાતમાં પણ આવા બનાવો અખબારોનાં પાને છૂટાછવાયા દેખા દઈ જાય છે.

આ અપરાધના આંકડાઓ વાંચીને કે તે જે રાજ્યોમાં થાય છે એમાં ગુજરાતનો સમાવેશ નથી એ જાણીને માપસરનો આનંદ થવો જોઈએ, પણ સાથેસાથે એ યાદ રાખવાની જરૂર છે કે અંધશ્રદ્ધાનો આ સૌથી વરવો પ્રકાર છે, જેમાં કોઈ એક વ્યક્તિની હત્યા કરવામાં આવે છે. બીજી અનેક રીતે અંધશ્રદ્ધા નડી શકે છે, જેમાં સૌથી સરળ રસ્તો સંસ્કૃતિના નામે આચરવામાં આવતી ઉજવણીઓનો છે. અન્ય નાગરિકોને તે મારી નથી નાખતી, પણ મરણતોલ અવશ્ય કરી શકે છે. કાયદો અને તેની જોગવાઈઓ ગમે તેટલી અને ગમે તેવી ચુસ્ત હોય, વાત ફરી ફરીને છેવટે નાગરિકો અને તેમની જાગૃતિ પર જ આવે છે. વ્યક્તિગત જાગૃતિ હશે તો જ તેને પગલે પારિવારીક, અને પછી સામુદાયિક જાગૃતિ આવશે એવી શ્રદ્ધા રાખી શકાય. તેની ગતિ ઝડપી બનાવવાનું આપણા હાથમાં છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૯-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ફિર દેખો યારોં : : કાયદા દ્વારા અંધશ્રદ્ધાને મનમાંથી મિટાવી શકાતી નથી

  1. September 21, 2017 at 5:01 pm

    સાચી વાત.

  2. vimla hirpara
    September 21, 2017 at 6:24 pm

    નમસ્તે બિરેનભાઇ, તમારી વાત બરાબર છે. જેમ પોથી પઢવાથી પંડિત થવાતુ નથી એમ માત્ર કાયદા બનાવવાથી કોઇ અર્થ સરતો નથી. એની પાછળ જો સત્તા કે સમાજનુ પીઠબળ નહોય તો એ માત્ર પેપર પર જ રહે. આપણા સામાજિક ઢાચા પ્રમાણે કાયદા કરતા સામાજિક દબાણ લોકોના વર્તનમાં વધારે અસર કરે છે. કારણ કાયદાની પોકળતા લોકો જાણે છે કે કાયદો ઘડવાવાળા,પાલન કરાવવાવાળા ને એના ભંગની સજા આપવા વાળા જ કાયદાને ઘોળીને પી ગયા હોય છે. લોકશાહીમાં લોકો સ્વયમશિસ્ત નહોય તો એને માત્ર સતાની બીક જ સીધા રાખી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *