શિક્ષણ ચેતના : એક વિદેશિની ભારતીય – ભગિની નિવેદિતા

Facebooktwitterredditpinterestlinkedinmail

– નિરુપમ છાયા

લંડનમાં ઈ. સ. ૧૮૯૬ના નવેમ્બરના કડકડતા શિયાળાની એક સાંજ. વેસ્ટએન્ડમાં આવેલા એક મકાનના ખંડમાં ફાયરપ્લેસની આસપાસ અર્ધચંદ્રાકાર વર્તુળમાં ૧૫-૧૬ લોકો બેઠા છે. સૌમ્ય આકૃતિ, તેજસ્વી મુખમુદ્રા, કરુણાપૂર્ણ દૃષ્ટિ ધરાવતા, ઢીલા ભગવા રંગના ઝભ્ભામાં શોભતા એક ભારતીય સંન્યાસીને સહુ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા છે. સંન્યાસીના ધીર ગંભીર કંઠધ્વનિ સાથે વાણીની અસ્ખલિત ધારા વહી રહી છે. તેમના આધ્યાત્મિક તેજથી ઝગારા મારતા લલાટથી તેઓ જાણે હિંદુ ધર્મની સાક્ષાત પ્રતિકૃતિ સમા લાગતા હતા. તેમના વ્યક્તિત્વ અને વાણીમાં સહુ ખેંચાતાં જતાં હતાં. દૂર ભારતના કોઈ ગામની ભાગોળે, ઘટાદાર વૃક્ષની છાયામાં બેસીને કોઈ સંત ગામના લોકોને વેદાંતનાં રહસ્યો જાણે સમજાવી રહ્યા છે એવું આહ્લલાદક દૃશ્ય ભાસતું હતું. એક અધ્યાપિકા યુવતી તેમને શાંત ચિત્તે સાંભળી રહી હતી. સંન્યાસીની વાણી એના હૃદયમાં કોઈ અનોખાં સ્પંદનો જગાવી રહી હતી. જો કે, બુદ્ધિ તેમની વાતો સ્વીકારવા ઢચુપચુ હતી, હૃદયના ભાવો સાથે બુદ્ધિ, પ્રશ્નો અને વિચારથી ખલેલ પામી. પણ પછી સમય જતાં જેમ જેમ તેમણે એ સંન્યાસીને વધુને વધુ સાંભળ્યા, તેમની સાથે ચર્ચા કરી, સમાધાન મેળવતાં રહ્યાં તેમ તેમ એ સંન્યાસીના વિચારો તેમનાં હૃદયમાં સ્થિર થતા ગયા. આ સંન્યાસી એ સ્વામી વિવેકાનંદ અને યુવતી એ લંડનની પ્રયોગશીલ શિક્ષિકા માર્ગારેટ એલિઝાબૅથ નોબલ.

clip_image002સ્વામીજી તો લંડનથી પાછા અમેરિકા ગયા. પણ, એમના ગયા બાદ તેમની સાથેના પત્રવ્યવહાર દ્વારા પણ તેમનો સંપર્ક સતત રહ્યો. ઊંડાણપૂર્વકનાં ચિંતન અને ખુબ જ મંથન પછી માર્ગારેટને સ્વામીજીની વાણીમાં સાક્ષાત્કારની અનુભૂતિ જણાઈ. જાણે પ્રકાશ લાધ્યો. તેઓ સ્વામીજીનાં શિષ્યા બની રહ્યાં. Master as I Saw Himમાં તેઓ લખે છે તેમ, “મેં તેમના તેજસ્વી અંશને ઓળખી લીધો…” તેમને જીવન અંગેનું નવું જ દર્શન પ્રાપ્ત થયું.

તે પછી જયારે સ્વામીજી બીજી વાર લંડન આવ્યા ત્યારે યોગ, હિન્દુધર્મ, વેદાંત વગેરે અનેક વિષયો પરના સ્વામીજીના વ્યાખ્યાનો અને તેમની સાથેની પ્રશ્નોત્તરીથી માર્ગારેટ માટે જીવનની નવી દિશાઓ ખૂલી. એક વખત સ્વામીજીએ કહ્યું, “મારા દેશની સ્ત્રીઓ માટે મારી પાસે યોજના છે અને મને લાગે છે કે તેમાં તમે મને ઘણાં મદદરૂપ થઈ શકો તેમ છો.” માર્ગારેટ માટે આ આનંદ અને રોમાંચની પળો હતી. તેઓ ભારતમાં જઈને સ્વામીજીનું કાર્ય કરવા થનગની રહ્યાં. પણ સ્વામીજીને થયું કે ભારતની સામાજિક સ્થિતિ, વાતાવરણ, આહાર અને અન્ય વ્યવસ્થાઓ વગેરે માર્ગારેટને માફક નહિ આવે એટલે પહેલાં તો ના જ પાડી. પણ છેવટે માર્ગારેટની ઉત્કટ અભીપ્સા અને દૃઢ નિશ્ચયની અસર સ્વામીજી પર થઈ. તેમણે માર્ગારેટને ભારત આવવાની રજા આપી અને ૧૮૯૮ના જાન્યુઆરી માસની ૨૮મી તારીખે તેઓ કલકત્તા પહોંચ્યાં. તેમનાં જીવનમાં એ પુણ્યદિન પણ આવ્યો જયારે તેમણે મા શારદાદેવીનાં દર્શન કર્યાં અને “મારી દીકરી” કહી તેમણે સ્નેહપૂર્વક સ્વીકાર્યાં. તે પછી એવો જ આનંદમય દિવસ આવ્યો જયારે તેમને સ્વામીજીએ દીક્ષા આપી નિવેદિતા નામ આપ્યું અને રામકૃષ્ણ સંઘમાં તેઓ ‘ભગિની નિવેદિતા’ તરીકે ઓળખાયાં. તેમણે સ્વામીજી સાથે ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રવાસ કરીને ભારતનાં સમાજજીવન, રીતરીવાજો, વ્યવસ્થાઓ, સંસ્કૃતિ, કળા વગેરેનો પરિચય મેળવ્યો.

ભગિની નિવેદિતાનું ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં બહુમૂલ્ય પ્રદાન છે. તેઓએ ભારતને જાણે આત્મસાત કરી લીધું. શિક્ષણ, સેવા, નારી જાગરણ, ભારતના પ્રાચીન કલાવારસા સાથે ભારતના આધુનિક વિજ્ઞાનમાં પ્રદાન વિષે વિશ્વને દર્શાવવું , ભારતના ઇતિહાસ વિષે લખવું અને ભારતમાં રાષ્ટ્રીય જાગરણ જેવાં મહત્વનાં કાર્યોમાં તેઓ સતત પ્રવૃત્ત રહ્યાં. આ બધાં વિષે આપણે જાણીએ તો તેમના અખંડ, ઓજસ્વી પુરુષાર્થનો ખ્યાલ આવે. ગુરુને દક્ષિણા આપવાની પ્રાચીન ઉદાત્ત પરંપરાનું અનુસરણ કરતાં પોતાના ગુરુ વિવેકાનંદજીએ જે મહત્વની વાત કરી તે, શિક્ષણ, સેવા અને ભારતમાતાના પુનઃ જાગરણના સંદેશને માટે પોતાનાં જીવનનું સમર્પણ કરી, એક આદર્શ આપ્યો જે તેમની એવી જ ઉદાત્ત ગુરુદક્ષિણા બની રહે છે.clip_image004

જયારે સ્વામીજીએ એમ કહ્યું કે મારા દેશની સ્ત્રીઓ માટે એક યોજના છે ત્યારે સ્વામીજીના મનમાં સ્ત્રીઓને શિક્ષણ દ્વારા આગળ લાવવાની કલ્પના હતી. માર્ગારેટ લંડનમાં શિક્ષણના કાર્યમાં જ જોડાયેલાં હતાં. આમ એક ઉમદા સંયોગ રચાયો અને ભગિની નિવેદિતાએ પણ કલકત્તામાં પોતે જ્યાં રહેતાં હતાં ત્યાં કન્યાઓ અને ભણવા ઇચ્છુક સ્ત્રીઓ માટે વિદ્યાલયનો પ્રારંભ કર્યો. સ્વામીજી પોતે એ માટે યોજાયેલી પ્રથમ બેઠકમાં હાજર રહ્યા અને સભામાં ઉપસ્થિત ગૃહસ્થોને પોતાની બાલિકાઓને ભણવા મોકલવા પ્રોત્સાહિત કર્યા. કેવાં કષ્ટોનો સામનો નિવેદિતાએ કર્યો હશે એની કલ્પના કરવા જેવી છે. પોતે વિદેશી, ભાષાની સમસ્યા અને સ્ત્રીકેળવણીનું હજુ ભળભાંખળું પણ ભારતમાં માંડ થયું હતું એ સંજોગોમાં નિરાશ થયા વિના તેમણે સ્ત્રીકેળવણી માટે દૃઢ નિર્ધાર કર્યો. ધીમે ધીમે તેમણે કેળવણીની સાથે સાથે સ્ત્રીઓને પગભર બનાવવા વ્યવસાય પ્રશિક્ષણનો પણ પ્રારંભ કર્યો.

ભગિની નિવેદિતાએ પોતાના શિક્ષણકાર્ય દ્વારા સ્ત્રીકેળવણીની સાથે સાથે આધુનિક ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની એક સ્પષ્ટ માર્ગદર્શક રૂપરેખા આપી છે. રવીન્દ્રનાથના શાંતિનિકેતન અને ગાંધીજીની નઈ તાલીમની જેમ સ્વદેશી શિક્ષણના પાયામાં તેમનું પણ મહત્વનું યોગદાન રહ્યું. એમના વિચારો આજે પણ શિક્ષણ નીતિનિર્ધારણ અને સંશોધન માટે એટલા જ મૂલ્યવાન છે.

તેમણે ભારતીય શિક્ષણની સંકલ્પના આપતાં બે બાબતો દર્શાવી છે. એક, એ શિક્ષણ રાષ્ટ્રીય –ભારતીય – હોવું જોઈએ અને બીજું, એ રાષ્ટ્રઘડતર કરનારું હોવું જોઈએ. શિક્ષણ ભારતીય ક્યારે કહેવાય એના વિષે પણ તેમનો ખ્યાલ સ્પષ્ટ છે. કોઈ એક પંથ કે મત નહિ પણ ભારતમાં જે સમાયા છે સર્વ મત- જેમાં બૌદ્ધ , ઇસ્લામ, અરે બ્રિટીશ પણ ખરો –નાં સાંસ્કૃતિક તત્વો રસાયેલાં હોય એ ભારતીય શિક્ષણ. બધાજ મત કે પંથની પાર એવા ભારતનું દર્શન તેમણે કર્યું હતું. ભારત આ વિવિધતાઓ થકી જ સમૃદ્ધ થયું. આ transmission of culture શિક્ષણનું એક પાસું છે અને એ સર્વધર્મસમભાવ કે બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણથી સમાવવું જોઈએ. INDIAN NATIONAL IDEALSમાં તેઓ લખે છે, “આપણા દેશની સામાન્ય પ્રજામાં દેખાતો અને ભગવદ્‍ગીતામાં ગવાયેલો આદર્શ છે: પવિત્રતાનો… આપણે જે કંઈ કરીએ તે મોજમજા માટે નહિ પણ કર્મના શુદ્ધ ઉદ્દેશ સાથે જ કર્મ કરવું જોઇએ. અર્થાત આદર્શને લક્ષ્યમાં રાખીને કાર્ય કરવું જોઈએ. જીવન આનંદપ્રમોદ કે ભોગો ભોગવવા ન જીવીએ ત્યારે જ આ શક્ય બને…. અને આ બાબત સર્વસ્પર્શી છે… ભારતે તેના ૯૦૦૦ વર્ષોના ઇતિહાસમાં આ આદર્શ માટે સિદ્ધ, પ્રમાણભૂત પથ રચ્યો છે. ઋગ્વેદના ઋષિ દધીચિથી લઈને સ્વામી વિવેકાનંદ સુધી આ દૃષ્ટિ અક્ષુણ્ણ રહી છે – વિશ્વ આપણા માટે નથી, આપણે વિશ્વ માટે છીએ.” Hints on National Education in India તેમણે કહ્યું છે, “બાળકનો સમગ્ર રીતે જ શિક્ષણમાં વિચાર થવો જોઈએ. હૃદય, બુદ્ધિ, ભાવનાઓ આ બધાનો વિચાર કરવામાં આવે ત્યારે જ વ્યક્તિને શિક્ષણ આપ્યું એમ કહેવાય.” નિવેદિતાને આ ત્રણેય બાબતોની સંવાદિતા અપેક્ષિત છે, જે ઉપનિષદમાં મનુષ્યના પંચકોષની વાત કહી છે એની સાથે કેટલું સામ્ય ધરાવે છે! શિક્ષણ માટે જ્ઞાતથી અજ્ઞાત તરફના સિદ્ધાંતને વ્યાવહારિક બનાવતાં કહે છે કે ભારતીય પરંપરાને અનુરૂપ ઉદાહરણો દ્વારા મૂલ્યો સ્પષ્ટ કરવાં જોઈએ. પણ ફક્ત જ્ઞાત જ શિક્ષણનું લક્ષ્ય ન બનવું જોઈએ, જ્ઞાનની ક્ષિતિજો અનંત હોવી જોઈએ. એટલે આધુનિકતા સાથે પણ તાલ મેળવવો જોઈએ. શિક્ષણ દ્વારા વૈશ્વિક દૃષ્ટિ કેળવવી જોઈએ, વળી ભારતીય ઇતિહાસ અને ભૂગોળનો પણ સમાવેશ હોવો જોઈએ. આમ એમનો સ્પષ્ટ વિચાર હતો કે ભારતીય પરંપરાની જે સમૃદ્ધિ છે તેને સાચવવાની સાથે સાથે સમયના પ્રગતિમય પરિવર્તનને પણ આત્મસાત કરવું જોઈએ.

તેમણે જયારે વિદ્યાલયનો પ્રારંભ કર્યો ત્યારે રવીન્દ્રનાથ ઠાકુર તેમને એમ વિચારીને મળવા ગયા કે બ્રિટનથી આવેલાં છે એટલે એમની પાસે પોતાની પુત્રી સારું અંગ્રેજી શિક્ષણ મેળવી શકશે. પણ નિવેદિતાએ નમ્રપણે સ્પષ્ટ વાત કરી કે પોતે તો માતૃભાષામાં જ કેળવણી આપશે. એક વખત અંગ્રેજી શબ્દ Lineનો બંગાળી ભાષામાં તેઓ અર્થ શોધી રહ્યાં હતાં. પોતાની વિદ્યાર્થિનીઓને પણ પૂછ્યું. બધાં વિચારમાં પડી ગયાં. છેવટે એક વિદ્યાર્થિનીને યાદ આવ્યું અને એ બોલી, “રેખા.’ ને તરત નિવેદિતા ખુશ થઈ ગયાં. પછી તેમણે સહુને માતૃભાષાને મહત્વ આપી તેનો આદર કરવાની સાથે વ્યવહારમાં અપનાવવા સમજાવ્યું. આમ તેમનામાં ભારતીય કે સ્વદેશી શિક્ષણ કેવળ આદર્શ કે વિચારો પૂરતું જ હતું એવું નહોતું, પણ વ્યવહારમાં પણ એટલું જ રસાયેલું હતું. અહીં તો આપણે ફક્ત આચમન જ કર્યું છે પણ, એમના ઉપલબ્ધ વિશાળ ચિંતનનો આસ્વાદ ચોક્કસ પ્રેરક બની રહેશે.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *