લ્યો, આ ચીંધી આંગળી :: જૂનાગઢના બલીયા વંશપરંપરાના તેજસ્વી સિતારાઓ: બચુભાઈ અને દેવીદાસ બલીયા (૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડયા

અમીર શબ્દનો સીધો અર્થ ‘શ્રીમંત’ થાય છે, પણ જો કોઈ એનો ઉચ્ચાર જરા લંબાવીને લહેરથી કરે તો સાંભળનારનાં મનમાં એનો અર્થ ‘દિલનો અમીર’ એવો બેસે છે. આવા મામલે આપણે ડીક્શનેરીને એક તરફ મુકી દેવી પડે. એવો જ એક બીજો શબ્દ છે કાઠીયાવાડમાં અને તે છે ‘ઓલદોલ’. લહેરી, વિરક્ત છંતાં આપણી સાથે નિસ્બત ધરાવનાર, ઉદાર, ઉદાત્ત, મોજીલો એવો એનો અર્થ થાય.

ક્યારેક કોઈ એક વ્યક્તિ આવી હોય છે. ક્યારેક આખું એક ખાનદાન. વ્યક્તિઓ તો એકલદોકલ આવી અમીર અને ઓલદોલ ઘણી જોવા પણ મળે, પણ આખું ખાનદાન, આખો વંશવેલો, તે આજ બત્રીસ વરસના જુવાન સુધીનાનું એવું હોય એવા તો બહુ જુજ જ મળે.

આવા ખાનદાનમાંથી કોઈનું અવસાન થાય ત્યારે આપણાંથી એમ કદાપિ ના કહેવાય કે ખાનદાનીનો છેલ્લો સીતારો આથમી ગયો, ના એમ ન કહેવાય, ન જ કહેવાય. કારણ કે એના પછીની યુવાન અને મજબુત કડીને એ વારસામાં મૂકતા ગયા હોય છે.

દેવીભાઈ બલીયા હજુ ૨૦૦૩ના મેની ૧૭મી એ આ જગત પરથી વિદાય થયા, ત્યારે આવી જ કંઈક ભાવના એ કારમા સમાચાર સાંભળનારને થઈ હશે. જુનાગઢમાં તો સોપો જ પડી ગયો, કારણ કે જુનાગઢની ભૂમિનું એ ધન હતા, પણ એ વાતે ય એટલી જ સાચી કે એ જૂનાગઢનાં હતા, છંતાં એકલા જૂનાગઢના નહોતા એ વાતેય સાચી. એ આખા ગુજરાતનું, અને ગુજરાતના આખા એક યુગનું નૂર હતા. સૂરજ આકાશમાં રહેતો હોય છે, પણ એ આકાશનો નથી હોતો, ધરતીનો હોય છે, એમ જૂનાગઢ એ દેવીભાઈ તો શું પણ સમસ્ત બલીયાકુટુંબનું રહેઠાણ હતું, અરે, જૂનાગઢના પર્યાય બની ગયા હતા એ પણ સાચું, પણ એ ગરવા બલીયા વંશે એકલા જૂનાગઢમાં જાતને સંકોરી દીધી નહોતી.

(બચુભાઈ બલીયા)

આ પહેલાં ૧૯૮૩ના ફેબ્રુઆરીની ચોથીએ બચુભાઈ બલીયા ચાલ્યા ગયા ત્યારે પણ સમગ્ર પંથક પર જાણે કે અચાનક જ અંધારપટ છવાઈ ગયો હતો. જાણે કે ગ્રહણ રાત્રી! કશા પણ ઠાઠ-માઠ, ભપકાભારી વગર એ ગર્ભશ્રીમંત પરિવાર જૂનાગઢના વ્યાપાર અને સેવાકાર્યોની ધરી બનીને સૈકાઓથી જીવી રહ્યો હતો. બચુભાઈ ઉર્ફે ઈશ્વરભાઈ બલીયાભાઈ તો એના મોભી હતા. એમનો જન્મ 1933 ના સપ્ટેમ્બરની 16 મીએ ! પચાસ વર્ષ એ કંઈ જવા જેવી ઉંમર નહોતી, પણ એ ગયા. ઘડીભર જાણે કે ધરતી ધ્રુજી ગઈ, પણ પછી તરત જ બધું સમથળ થઈ ગયું. નાનાભાઈ દેવીભાઈ- દેવીદાસભાઈએ હળવેકથી વંશની ધુરા સંભાળી લીધી. તે પણ એવી રીતે કે બચુભાઈનો આત્મા, આપણી હિંદુ માન્યતા મુજબ અંતરિક્ષમાંથી જો પોતાની વિદાય પછીનાં બલીયા પરિવારનાં સત્કાર્યો નિરખતો હોય તો એ અવશ્ય પરિતૃપ્તિ અનુભવે. એવા આત્માઓનું તર્પણ કંઈ વરસનાં એક ચોક્કસ દહાડે કે સંવત્સરીએ થતું નથી હોતું. એ તો અવિરત તર્પણયજ્ઞની જેમ બારેય મહીના ને ત્રીસેય દીવસ ચાલતું જ હોય છે.

**** **** ****

દેવીદાસ નરોત્તમદાસ બલીયા જે પરંપરાની એક સુભગ કડી હતા તે પરંપરાનો ઈતિહાસ ઘણો ઉજ્જ્વળ અને રસપ્રદ છે. એના ઉપર તો આખું એક પુસ્તક અલગથી લખી શકાય. અને એ પુસ્તક લખાય તો એ એક આખા યુગના પુરા દસ્તાવેજીકરણની ગરજ સારે.

ઈશ્વરભાઈ ઉર્ફે બચુભાઈ, દેવીદાસભાઈ અને હરકીશનદાસ એ ત્રણ ભાઈઓના પિતા તે નરોત્તમદાસ શેઠ. અને એમના પિતા તે કરસનદાસ. શ્રી દશા મોઢ ગોભવા તથા અડાલજા વણિક જ્ઞાતિના મહાજન સરખા એ વ્યાપારી જૂનાગઢના નવાબી રાજના સમયમાં એમના દાદા બળવંતરાય શેઠના સમયથી મોદીખાનું પુરૂં પાડતા હતા. બળવંતરાય શેઠની વ્યાપારની કુશળતા, રખાવટ અને વ્યવહારશુદ્ધિના કારણે નવાબને બહુ વ્હાલા અને આત્મીય હતા. કાંઈ પણ જરૂર પડે તો એમના હોઠે વેણ આવે ‘બલીયા શેઠકુ બુલાઓ’.

(જૂનાગઢના નવાબ મહાબતખાનજી બીજા)

બળવંતરાય શબ્દનું લાડકું નામ ‘બલીયા’ થઈ ગયું, ને ત્યારથી અટક જ શેઠ મટીને ‘બલીયા’ થઈ ગઈ. શેઠ અટક તો કોમન પણ આ ‘બલીયા’ એક તો લાડથી બોલાતું વ્હાલું અને વળી અનોખું નામ. જેમ સારાભાઈ, જેમ મફતલાલ, જેમ હેમરાજ એવા નામો કોઈ પ્રતાપી પૂર્વજનાં હોય છે, પણ તે પાછળથી પેઢીને માટે સરનેમ બની જતાં હોય છે તેમ આ ‘બલીયા’ શબ્દ પણ એમના પછીની પેઢીની અટકરૂપે ગોઠવાઈ ગયો. વિશેષ નામ કે હુલામણુ નામ જયારે વંશની ઓળખ બની જાય ત્યારે એ પ્રતાપી પૂર્વજનું સાચું, ચીરકાળ ટકતું સ્મારક બની રહે છે, જેની તોલે કોઈ સ્ટેચ્યુ કે તકતી ના આવે. એ રીતે ૧૮૭૯ પહેલાં શેઠ બલીયા કલ્યાણના નામની પેઢી ચાલતી હતી, તે ૧૮૭૯ થી શેઠ કરસનદાસ બલીયાના નામથી ચાલવા માંડી. ઓફીશિયલ, ગેઝેટમાન્ય અટક તો શેઠ જ હતી, એટલે ૧૯૧૧થી શેઠ નરોત્તમદાસ કરસનદાસના નામની પેઢી શરૂ થઈ. પેઢી ભલે ‘શેઠ નરોત્તમદાસ કરસનદાસ’ના નામની હતી, પણ આખો મુલક એને ‘બલીયા શેઠની પેઢી’ તરીકે જ ઓળખે.

એમની કુલિનતાનો આખો ઉજળો ચોપડો તપાસવા જેવો છે. શેઠ નરોત્તમદાસ કરસનદાસને બીજા બે ભાઈઓ હતા. એક મોટા તે પ્રભુદાસભાઈ ને બીજા વચેટ તે લક્ષ્મીદાસભાઈ. કુદરતનો કાળો કોપ જુઓ કે લગ્ન થયાના થોડા જ મહિનામાં લક્ષ્મીદાસભાઈનું અવસાન થયું. નવોઢા જ વિધવા થઈ ગઈ. એ યુગમાં નવોઢા જો વિધવા થાય તો એને ‘છપ્પરપગી’, ‘કાળમુખી’ અને એવા જાતજાતનાં અપમાનો, વચનો સાંખી લેવા પડતા. પણ આ રકતની ખાનદાની એ કે જે ક્ષણે નાનો ભાઈ લક્ષમીદાસ દેવલોક પામ્યો તે જ ક્ષણથી પ્રભુદાસે નાનાભાઈની એ પોતાનાથી તો વયમાં અડધોઅડધ નાની વિધવાને ‘મા’ કહેવાનું શરૂ કર્યુ. એટલું જ નહીં, આખા ઘરમાં એવો ધારો જ પાડી દીધો. ‘બા’ કરતાં પણ ‘મા’ નું પદ મહીમાવંતુ છે. મા આપણે માત્ર દાદી-નાની કે પછી દેવીઓને જ કહીએ છીએ. આમ એ વિધવાને પણ ચોક્કસ મનમાં એ ‘મા’ની પદવી મળ્યા પછી ઉગ્યું હશે કે ના, વૈધવ્ય મારા કપાળે હશે તે આવ્યું, પણ પ્રભુએ મને કેવા કુલિન, ઉંચા ખોરડામાં સ્થાપીને પછી આપ્યું. પણ પછી?

ધંધો સંયુક્ત ચાલતો હતો અને ધમધોકાર, પ્રભુદાસભાઈ સાઠની ઉપર ગયા હતા ને કારોબારમાંથી નિવૃત્તિ લેવાનો મનસુબો સેવતા હતા. ૧૯૪૨ની સાલ હતી. સ્વાતંત્ર્યસંગ્રામ એની પરાકાષ્ટાએ હતો અને એવામાં જ સૌથી નાનાભાઈ નરોત્તમદાસનું અવસાન થયું. ત્રણ પાયાની ટીપોયમાંથી એક પાયો-લક્ષ્મીદાસભાઈ- તો અગાઉ તૂટી પડયો હતો અને આ બીજો ખમતીધર પાયો પણ ગયો. હવે એક પાયા ઉપર ઈમારત ટકે? પણ ના, પ્રભુદાસભાઈ પુરૂષાર્થી હતા અને પ્રારબ્ધને માથે ચડાવતા હતા. સાઠ વર્ષ ઉપરની ઉંમરે ફારેગ થવાના ટાણે એ ફરી ગાદી-તકીયે બેઠા, ધંધો સંભાળ્યો અને વિકસાવ્યો પણ ખરો. સામેની દિવાલ પર હાર ચડાવેલા બન્ને ભાઈઓના ફોટોગ્રાફ્સ એમણે પોતાનાં હૃદયમાં જડી દીધા, કારણ કે એ એમાંથી એ પ્રાણતત્ત્વ-જીવનબળ પામતાં હતા.

નરોત્તમદાસના પહેલીવાર મણીમુક્તાગૌરી સાથે થયેલા લગ્નમાં શેર માટીની ખોટ ના પુરાતાં તેમનાં બીજા લગ્ન કર્યા હતા અને એમાં એમને ત્રણ પુત્રો થયા હતાં. પહેલા તે ઈશ્વરદાસ ઉર્ફે બચુભાઈ, બીજા તે દેવીદાસ અને ત્રીજા તે હરકીશનદાસ. શેઠ નરોત્તમદાસ અવસાન પામ્યા ત્યારે બચુભાઈ તો મુંબઈની સિડનહામ કોલેજમાં ભણવા ગયા હતા. દેવીદાસભાઈ નવ વર્ષના હતા અને હરકીસનદાસ તો એથી પણ પાંચ વર્ષ નાના. પ્રભુદાસભાઈએ ધંધામાં ઘરના માણસની જરૂર હોય તે સ્વાભાવીક એટલે એમણે બચુભાઈને કોલેજ છોડાવીને જૂનાગઢ પરત બોલાવી લીધા. અલબત દેવીદાસભાઈનો વિદ્યાભ્યાસ જારી રહ્યો. હરકીશનભાઈનો પણ.

નરોત્તમદાસભાઈના જતાં ઘરમાં એક ગંગાસ્વરૂપ લક્ષ્મીદાસભાઈનાં પત્ની હતાં જ, પણ બીજાં બે ગંગાસ્વરૂપાઓનો ઉમેરો થયો. એ કુલ ત્રણ. પણ ત્રણે ત્રણ સન્નારીઓએ પોતાનું વૈધવ્ય દિપાવ્યું. નરોત્તમદાસભાઈનાં બીજા લગ્નથી થયેલા સંતાનો એ ત્રણે ત્રણ સન્નારીઓને ‘મા’નું સંબોધન કરતાં. એમાં પણ અપરમા મણિમુક્તાબેન અને જન્મ આપનારી જનેતા એ બેમાંથી સગ્ગી મા કોણ એ ખુદ બાળકો સમજણા થયા પછી પણ જાણતાં નહોતાં. એક વાર દેવીદાસભાઈએ સ્કુલમાં કાંઈ ‘પરાક્રમ’ કરેલું તે શિક્ષકે હુકમ કરેલો કે ‘જા, તારી બાને બોલાવી લાવ. હમણાં એને સમજણ પાડું કે તમારો આ નબીરો કેવા કેવા તોફાન કરે છે?’

દેવીદાસભાઈ જઈને જનેતાને બોલાવી લાવ્યા. ત્યારે માસ્તર એમને જોઈને ચિડાયા. ‘આ નહીં, હું તારી સગ્ગી માની વાત કરૂં છું. સાંભળીને જનેતા હસી: ‘સાહેબ, આ છોકરાની જન્મ આપનારી તો હું છું.’ ખુદ માસ્તર, એટલે કે સમાજ પણ જાણવા નહોતો પામતો કે આ બેમાંથી સગ્ગી મા કોણ અને અપર મા કોણ?

આટલી હદે અહમનું પીગળવું, માલીકીભાવ-પઝેસીવનેસનું લોપાવું, એકસૂત્રતા, એકસંપ, એક વિચાર, એક મન, એક રાગ જો એ યુગમાં સંભવી શક્યો હોય તો એ આ ખોરડાના જન્મજાત સંસ્કારોને પ્રભાવે જ.

**** **** ****

પ્રભુદાસભાઈ તો પાછળથી કાળક્રમે અવસાન પામ્યા. પેઢીની ધુરા બચુભાઈએ એવી કુશળતાથી સંભાળી કે એનું નામ જુનાગઢની બહાર-વિસ્તરીને અનેક સિમાડાઓ વટાવી ગયું. વ્યાપારમાં પણ ડાઈવર્સીફીકેશન કર્યું. નવાબી કાળનાં દિવસોમાં અનાજ-કરીયાણું, મોદીખાનું હતા, તેમાંથી આખા સૌરાષ્ટ્રમાં કાલટેક્સ પેટ્રોલીયમ કંપનીની ડીસ્ટ્રીબ્યુટરશીપ લીધી. ધંધામાં બરકત આવી એટલે અને એ પહેલાં પણ એણે ધનની સરવાણીમાંથી મોટી નીક સમાજસેવાનાં કાર્યો ભણી વાળી. દેવીદાસભાઈ ધંધામાં જોડાયા પછી તો એમાં ઓર બઢાવો થયો. એમ તો આવા દાન સખાવત, લોકોપયોગી કાર્યો એ આ પરિવારની પરંપરા હતી. લક્ષ્મીદાસભાઈ ગુજરી ગયા એ જ વર્ષે એમના સ્મારક તરીકે જૂનાગઢમાં આવતા યાત્રીકો, પ્રવાસીઓ માટે ‘બલીયા ધર્મશાળા’ સ્ટેશનની સામે જ બંધાવવાનું નક્કી કર્યું અને નવાબે એ માટે માત્ર પાંચ હજારની પ્રતિક કીંમતે જમીનનો વિશાળ પ્લોટ પણ આપ્યો. પણ પાછળથી એમને જ થયું કે બલીયા શેઠ જો આવું રૈયતની સુવિધા માટે સખાવતી કામ કરતા હોય તો રાજ્યે પણ પોતાનો ફાળો આપવો જોઈએ. આમ વિચારીને એ ધર્મશાળા- જે આજ લગી ચાલુ છે – ના ઉદ્‍ઘાટન ટાણે પાંચ હજાર પરત આપી દીધા. જો કે, બલીયા પરિવારે એ એક વાર આપી દીધેલી રકમ પાછી ના સ્વીકારતાં એમાંથી ગઢની રાંગવાળી જમીન ખરીદી અને બીજું લોકોપયોગી કાર્ય ત્યાં કર્યું.

આ પછી તો એમની દાનની પ્રવૃત્તિમાં વેગ આવ્યો. એક ભાઈ મનહરલાલ અને ફઈબાનાં એક દીકરા ભીમકુંડમાં અકસ્માતમાં ગુજરી ગયા એટલે એમનાં સ્મરણાર્થે ‘મનહરદાસ ચેરીટેબલ ટ્રસ્ટ’ સ્થાપ્યું. એમાં નાતજાતના ભેદભાવ વગર જરૂરતમંદ માણસોને શૈક્ષણિક અને વૈદ્યકીય મદદ આપવાનું રાખ્યું. એ જ ટ્રસ્ટની એક ફ્રી બેડ કેશોદ-અક્ષયગઢની ટી. બી. હોસ્પીટલમાં રાખી. દામોદરકુંડ અને રેવતીકુંડનો જીર્ણોધ્ધાર કર્યોં. વિસાવદરની અંધશાળાને બેઠી કરી. જૂનાગઢના મયરામદાસજી બ્રહ્મચર્યાશ્રમ અને સ્વ. પુષ્પાબહેન મહેતાએ 1945 માં સ્થાપેલી સંસ્થા ‘શિશુમંગલ’- આ બધામાં તેમનાં આર્થિક યોગદાનનો પ્રવાહ સતત જારી રહ્યો. અરે, બલીયા પરીવારે તો જૂનાગઢની આઝાદી માટેય નોંધપાત્ર ફાળો આપેલો. એ માટે સ્થપાયેલી આરઝી હકુમત માટે સહાયફંડ એમણે જ સ્થાપ્યું અને આરઝી હકુમતને જબરદસ્ત આર્થિક પીઠબળ પુરૂં પાડયું. જૂનાગઢમાં ‘ચેમ્બર ઓફ કોમર્સ’ માટે તે વખતનાં સ્વ. શરદ જાનીની પ્રેરણાથી ‘બલીયા ચેમ્બર’નું આલીશાન બીલ્ડીંગ ચેમ્બર ઓફ કોમર્સ માટે બંધાવી આપ્યું જે આજે પણ જૂનાગઢના એક ગૌરવરૂપ છે.

રામ-લક્ષ્મણ-ભરતની ત્રીપુટી જેવી આ બચુભાઈ, દેવીભાઈ અને હરકીશનભાઈની આ બંધુત્રીપુટીએ પોતે જે ભૂમી ઉપર જન્મ્યા, ઉછર્યા, વિકસ્યા અને ફુલ્યાફાલ્યા તે જમીનનું લેશ માત્ર ઋણ પોતાના માથે રાખ્યું નહીં.

આ પૈસો નિતીના માર્ગે આવ્યો અને નિતીના મારગે તેમણે વાપર્યો. ૧૯૮૦ની આસપાસ જયારે તેમણે જોયું કે પેટ્રોલીયમનો ધંધો ઉત્તરોત્તર વધુ ને વધુ કસદાર બનતો જાય છે પણ પેટ્રોલની અછતનાં દિવસો ભારતમાં જોવા મળ્યા તે પછી તે ધંધામાં ટકવું હોય તો ભ્રષ્ટાચારનો આશરો લીધા વિના છુટકો નથી. પેટ્રોલનાં માપ-તોલ, ભેળસેળ આ બધું જ મેનીપ્યુલેટ– સખળડખળ થઈ શકે અને એમાં ભ્રષ્ટ એવા સરકારી ખાતાઓ કે અમુક અધિકારીઓનાં ગજવાં ભરો તો તો સોનાનાં નળીયાં થાય એવું છે.

ત્રણે ભાઈઓએ સંપીને વિચાર કર્યો. આપણી પેઢીમાં અનિતીનો પૈસો ન ખપે. આપણે વૈષ્ણવ છીએ. માત્ર દેખાડાનું નહીં, પણ હૃદયથી શ્રીનાથજીને રાજી રાખવા હોય તો ભલે પેઢીઓથી જામેલો, પણ આ ધંધો ત્યજી દેવો. આ નિર્ણય લેવો કપરો હતો. કારણ કે આ તો માત્ર જાજમ નહીં, જમીન આખી ઉપરતળે કરી નાખવાની વાત હતી. અંતે એ નિર્ણય કર્યો અને પેટ્રોલીયમનો ધંધો અને પોતાની માલીકીનાં- પેટ્રોલ પંપો સદંતર બંધ કર્યાં. કોડીનાર, માણાવદર, ધોરાજી, ધાંગધ્રા, વિરમગામની આ પેઢીની શાખાઓ એમણે સંકેલી લીધી. દેશમાંથી ભ્રષ્ટાચાર રોકવાનું આપણું કામ નથી પણ કમ સે કમ આપણી જાતને તો એનાથી જરૂર અળગી રાખી શકીએ.

એ પછી આ પેઢીએ ઈલેકટ્રીક્લ ગુડ્ઝ, પંખા અને બીજી ઈલેક્ટ્રીકલ આઈટમનાં ધંધામાં નવેસરથી આરંભ કર્યોં. બહુ થોડા વખતમાં પેઢીની સૈકાજૂની આબરૂ-શાખ અને વ્યવહારશુદ્ધિના આધારે એ વ્યવસાય પણ જામી ગયો.

જૂનાગઢમાં ‘વિજયા બેન્‍ક’ નો આરંભ થયો ત્યારે શાખા મેનેજર તરીકે આ લખનારે તેનું ઉદ્‍ઘાટન જૂનાગઢના મહાજન ગણાય એવા બચુભાઈને હસ્તે જ કરાવ્યું હતું.

પોતાનો એ નવો વ્યવસાય જામવાના આરંભના દિવસોમાં જ બચુભાઈ ૧૯૮૩ની ચોથી ફેબ્રુઆરીએ દેહાવસાન પામ્યા.


(આગામી સપ્તાહે દેવીભાઈ બલીયાની ઉજ્જ્વળ કથા)

**** **** ****

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઈસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઈન-079-25323711/ ઈ મેલ- rajnikumarp@gmail.com

10 comments for “લ્યો, આ ચીંધી આંગળી :: જૂનાગઢના બલીયા વંશપરંપરાના તેજસ્વી સિતારાઓ: બચુભાઈ અને દેવીદાસ બલીયા (૧)

 1. September 18, 2017 at 1:39 am

  Very inspiring biography of this extraordinary family. A reader’s bows automatically to the elder who respected the ladies and placed them on a high pedestal. Thanks for sharing.

 2. દાદુ શિકાગો
  September 18, 2017 at 7:10 am

  સ્નેહાળ ભાઇશ્રી રજનીભાઇ,
  ૧૯૬૭ માં અમે હરિદ્વારમાં ‘બલીયા શેઠની ધર્મશાળામાં ‘ ઉતર્યા હતા તો એ આજ બલીયા શેઠની ધર્મશાળા હશે ?!?

  • રજનીકુમાર
   September 18, 2017 at 8:52 am

   હાજી.સાહેબ

 3. રજનીકુમાર
  September 18, 2017 at 8:52 am

  હાજી.સાહેબ

 4. Piyush Pandya
  September 18, 2017 at 5:57 pm

  ‘Manipulation’ શબ્દ પણ જાણીતો અને ‘સખળ ડખળ’ પણ જાણીતો. પણ એ બેયને સમાનાર્થી બનાવી/બતાવી, સુપેરે વણી લીધા! બલિયા શેઠ કોઈ સારા માણસ હતા એથી વધુ જે જાણવા મળશે એ આ લેખમાળા થકી મળશે.

 5. September 19, 2017 at 12:00 am

  Dear Rajanibhai,
  Jai shree Krishna
  Very interesting
  Waiting for next episode
  Subhash Shah ( USA )

 6. September 19, 2017 at 12:10 am

  ભૂમીએ ઘણા બધા રત્નો આ દેશને ચરણે ધયૅા છે !
  Thanks Rajnikumaji !

 7. September 19, 2017 at 4:54 pm

  વાહ બલીયા શેઠ ! વાહ એની દિલાવરી !

 8. Gajanan Raval
  September 20, 2017 at 10:07 am

  You make us take pride by giving such introduction of great persons who are worthwhile to pen picture…!!

 9. August 17, 2018 at 6:32 pm

  There are many such surnames : સ ત્ત ર શાક્વાલા.

Leave a Reply to Piyush Pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *