





નયના પટેલ
શૉપની કે ઘરની જવાબદારીનું બહાનું મનુભાઈને પોકળ લાગ્યું છતાંય તે સિવાય કહે તો પણ શું કહે ? નૈમેશની સંભાળ ન લઈ શક્યા તે હકીકત છે. કુટુંબમાં ક્યારેક કોઈ પ્રસંગે વનિતાબહેન નૈમેશને લઈને આવતાં તે પણ ધીમે ધીમે ઓછું થતું ગયું તેનો અફસોસ મનુભાઈ અને લતાબહેનને થયો પરંતુ ‘નાઉ ઈટ્સ ટુ લેઈટ !’
ધનુબાને ઘણીવાર નૈમેશ યાદ આવતો પરંતુ મનુ ખીજવાશેના ડરે બોલતા નહીં.
ન્યાતના પ્રસંગોમાં પણ વનિતાબહેને જવાનું ધીમે-ધીમે ઓછું કરી નાંખ્યું હતું. સરલાબહેન ઘણીવાર તેની નોંધ લેતા પણ ‘ભાભીનો વિષય’ કાઢવાની તેમની હિંમત ચાલતી નહીં.
એકવાર હિંમત કરી કોઈને પણ જણાવ્યા વગર તેમને ફોન કરી તેનું કારણ પૂછ્યું અને જવાબ મળ્યો, ‘સરલા મને આત્માના ઉધ્ધારનો રસ્તો મળ્યો છે. આ બધી સંસારી વાતોમાં મને જરાય રસ નથી. સાચું કહું? જ્યારથી તારા ભાઈએ આવું કર્યું ત્યારથી મને લોકોને મળતાં પણ સંકોચ થતો હતો. પછી મારા ગુરુજીએ કહ્યું કે-નરસિંહ મહેતાની પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમણે જે ગાયું હતું તે મારે માટે પણ સાચું છે. હવે તારો મોક્ષ મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો.’
સરલાબહેન તો તેમની વાત સાંભળીને અવાક રહી ગયા!
વનિતાબહેને તો સરલાબહેનને પણ એમાં જોડાઈ જવાની સલાહ આપી. બસ ત્યારથી સરલાબહેને ન તો એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કે ન તો તેમણે વનિતા બહેન સાથે વાત કરી હતી તે કોઈને કહ્યું.
રાતના અગિયાર થવા આવ્યા હતા એટલે સરલાબહેન અને મનુભાઈએ લતાબહેનને રોકાઈ જવા કહ્યું. લતાબહેને પણ નીલેશને ફોન કરી કહી દીધું કે તે કાલે આવશે.
સરલાબહેનને બીજે દિવસે ‘ડે ઑફ’ હતો એટલે નિરાંત હતી. ધનુબાને ખાતરી હતી કે હવે ઘરડાંઘરની વાત નીકળવાની નથી એટલે તેમને પણ નિરાંત થઈ.
ઉચાટ હતો તો મનુભાઈને! ગનુભાઈને આપેલું વચન ન પળાયું તેનો અને બીજે દિવસે સવારના તેમને તો શૉપ ખોલવાની હતી ! એટલે વાત કાઢવી હતી તો પણ ‘હોમ્સની’ વાત ન કાઢી અને સૂવા જતા રહ્યા.
ધનુબા પણ સૂવા ગયાં.
સરલાબહેન અને લતાબહેન બેસી રહ્યાં. હજુ ત્રણેય છોકારાંઓ આવ્યા નહોતાં તેની રાહ જોતાં જોતાં આગલા દિવસે જે બન્યું હતું તેની વાત શરુ કરી.
લતાબહેન જેટલા જલ્દી ગુસ્સે થતાં એટલા જલ્દી પોતાની ભૂલ હોય તો કબૂલ પણ કરી લેતાં. એટલે તેમણે ધનુબા વિષે સરલાબહેનને જે સંભાળાવ્યું હતું તેની માફી માંગી.
‘ હશે બહેન, તમે મોટા છો અને વઢો તેમાં ખોટું ન લાગે.’
આજે ખબર નહીં કેમ સરલાબહેનને સાચું કહેવાની હિંમત આવી એટલે ઉમેર્યું, ‘ પરંતુ બહેન, તમે ‘ગરીબ ઘરની’નું મહેણું મારો ત્યારે દુઃખ થાય!’
લતાબહેન સાચે જ છોભીલાં પડી ગયાં. તેમણે કદીય સરલાબહેન આમ સ્પષ્ટ કહેતાં ક્યારેય સાંભળ્યા નહોતાં. લતાબહેને માફી માંગી ઉમેર્યું, ‘ ગુસ્સો આવે ને ત્યારે મગજ પર કાબૂ નથી રહેતો. આઈ એમ રીઅલી સૉરી સરલા. આઈ ડોન્ટ મીન ઈટ.’
‘તમે ભલે તેવું વિચારીને ન બોલતાં હોવ બહેન, પરંતુ આટલાં વર્ષો પછી પણ તમે અને તમારા ભાઈ બંને આમ સંભળાવ્યા કરો ત્યારે ખૂબ તકલીફ પહોંચે છે!’
ત્યાં તો નમન અને કિશન આવી ગયા, મમ્મી અને ફોઈને આમ શાંતિથી વાતો કરતાં જોઈને બંનેને બહુ સારું લાગ્યું.
નંદાને ન જોઈ એટલે સરલાબહેનને ચિંતા થઈ, ‘કિશન, નંદા હજુ કેમ ન આવી?’
‘શી ઈઝ અ ગ્રોન અપ ડોટર્સ ઓફ યોર્સ મમ, ડોન્ટ વરી.’(મમ, હવે તારી દીકરી મોટી થઈ ગઈ છે. તું એની ચિંતા કર.)
‘એ એની ફ્રેંડ લેઝને ત્યાં જવાની હતી’ નમને હૈયાધારણ આપતાં કહ્યું, ‘વહેલી-મોડી આવશે, તમારે લોકોએ સૂઈ જવું હોય તો સૂઈ જાઓ હું અને નંદા નીચે સૂઈ જઈશું.’
સરલાબહેન તેમના પુખ્ત થઈ ગયેલા દીકરાઓને સાંભળીને પોરસાતાં રહ્યાં. તેમની નજર લતાબહેન તરફ નહોતી પરંતુ નમન લતાબહેન તરફ જોઈને બોલ્યો’ ‘ ફોઈ વ્હાઈ આર યુ ક્રાઈંગ?’(ફોઈ તમે શા માટે રડો છો?)
ત્યારે સરલાબહેનની નજર તેમના પર પડી, ‘ શું થયું બહેન ?’
લતાબહેન બોલ્યા, ‘ કાંઈ નહી.’ પછી થોડું અટકીને બોલ્યા, ‘ આ બન્ને યુનિવર્સિટીમાં ભણો અને મારો પ્રીત તમારા બન્નેથી મોટો છે પણ બસ ભણવાની ‘ના’ પાડીને બેઠો છે.’ કહીને નિસાસો નાંખ્યો.
કિશને નિખાલસતાથી તેને જે વાત પ્રીતે કરી હતી તે કહી, ‘ફોઈ, બધાં જ એકાડમિક ના હોય, તેને ફેશન ડિઝાયનિંગમાં રસ છે, તેમ મને એકવાર કહેતો હતો.’
‘મને તો કોઈ વાંધો નથી, પણ એના ડેડને નથી ગમતું!’
‘કેમ ફોઈ, ફુઆને તેમાં શું વાંધો?’
‘લે સમાજમાં તેમની આબરૂ ન રહે એટલે !’
કિશને નવાઈથી ફોઈની વાત સાંભળતા કહ્યું, ‘તેમાં આબરૂનો ક્યાં સવાલ આવ્યો?’
લતાબહેનને જગ્યા એ સરલાબહેને જવાબ આપ્યો, ‘ બેટા, અમારા જનરેશનનો એ જ તો મોટો પ્રોબ્લેમ છે ને ! છોકરી એ લાઈન લે તેનો વાંધો નહી પરંતુ દીકરો તો –ડૉક્ટર, એન્જિનિયર, આઈ.ટી એક્સપર્ટ, સોલિસીટર જ હોવો જોઈએ.’
ત્યાં તો નંદા પણ આવી ગઈ.
‘વાહ રે, આજે તો કાંઈ મીડનાઈટ મિટીંગ ભરાઈ છે ને, શું વાત છે!’
ઘડિયાળ તરફ જોતાં સરલાબહેને ઠપકો આપતાં કહ્યું, ‘ કેમ દીકરા આટલું મોડું કર્યું? હું અને ફોઈ તમારી રાહ જ જોતાં હતાં.’
‘ચલ, એ ય નંદુડી બધાને માટે સરસ ચા બનાવી લાવને.’ કિશનની ચા પીવાની ટેવ યુનિ.માં જઈને વધી ગઈ છે.
‘ જા, જા, તારી નોકરડી થોડી છું? તું બનાવને!’
સરલાબહેને વચ્ચેનો રસ્તો શોધ્યો, ‘ આવતાંની સાથે શરુ થઈ ગયું તમારા બન્નેનું? એવું કરો, તમે બન્ને ભાઈઓ ચા-નાસ્તો લઈ આવો અને નંદા તમારે માટે માળ પરથી ઓશિકાં અને ક્વિલ્ટ લઈ આવે.’
‘ધીસ ઈઝ કૉલ્ડ મેનેજમેન્ટ, કેવું આમ ધડ ધડ કામ સોંપી દીધું, મમે !’ કહી કિશન અને નમન રસોડામાં ગયા અને નંદા માળ પર ગઈ.
છોકરાઓ ગયાં એટલે લતાબેહેને મનની મુંઝવણ વ્યક્ત કરી, ‘ મારે એકનો એક છે પ્રીત, તેથી તારા કરતાં મને વધારે ચિંતા છે, સરલા.’
‘જુઓ, નાને મોઢે મોટી વાત વાત કરું છું તો માફ કરજો બહેન, પરંતુ નીલેશ જીજાએ એને ખૂબ ધાકમાં રાખ્યો, અને અધૂરામાં પૂરું….’
‘સરલા, જે તારે કહેવું છે તે કહી જ દે ને, સાચ્ચે જ મને ખોટું નહીં લાગે.’
‘અને તમે તમારી જોબ અને સોશ્યલ લાઈફમાંથી ઊંચા જ ન આવ્યાં. જ્યારે જોઈએ ત્યારે પ્રીત ઘરમાં એકલો જ હોય.’
નંદા રૂમમાં આવી ત્યારે જે વાત સરલાબહેન અને લતાબહેન કરતાં હતાં તેમાં જોડાઈ ગઈ, ‘ ફોઈ, તમે પ્રીતભાઈને બધાંના દેખતાં વઢો છોને તે મને તો જરાય ગમતું નથી. ડૅડ પણ ગમે ત્યારે અમારી ઉપર ખીજવાઈ જાય અને કોઈ બહારની વ્યક્તિ ઊભી હોયને ત્યારે તો ખાસ જ.’
કિશન રસોડામાંથી બધું સાંભળતો હતો, તે અને નમન ચા-નાસ્તો લઈને રૂમમાં આવ્યા.
કિશને પણ વાતમાં ઝંપલાવ્યું, ‘સાચી વાત છે નંદાની, ફોઈ. તમને લોકોને આ રીતે કોઈના દેખતાં ‘ટોલ્ડઑફ કરે તો તમને કેવું લાગે?’
નમન કેમ બાકી રહે, ‘ ટુ બી ઓનેસ્ટ ફોઈ, એટલે જ અમે ડેડ હોય ત્યારે તેમની આસપાસ વધારે વખત રહીએ જ નહીંને!’
લતાબહેન વાત ખૂબ ધ્યાનથી સાંભળતાં હતાં. તેમણે નોંધ્યું કે તે બધાનાં અવાજમાં આત્મીયતા અને નિખાલસતા હતી. છોકરાંઓએ કરેલી આ વાત ધીમે ધીમે એમને સમજાવા માંડીએ છે પરંતુ તેનો પ્રતિભાવ આપવાની તેમને સમજ પડતી નથી, તેથી ચૂપચાપ સાંભળે છે. સરલાબહેનને થયું કે લતાબહેનને કદાચ છોકરાંઓ કહે છે તે ગમતું નથી એટલે તેમને રોકતાં હોય તેવા સ્વરે કહ્યું, ‘ ચાલો, છોકરાંઓ, નાને મોઢે….’
લતાબહેનને છોકરાંઓની આત્મીયતા સ્પર્શી ગઈ એટલે સરલાબહેનને બોલતાં અટકવી લતાબહેને કહ્યું, ‘ ના, સરલા, તેમને બોલવા દે. આજે કેટલે વર્ષે મને થયું કે મને કોઈ પોતાનું ગણીને કાંઈ કહે છે. તેમની વાતો એટલી તો સાચી છે કે તેને પચાવવી મુશ્કેલ છે, પરંતુ અપચો થઈ જાય કે કોઈ ન ગમતું રીએકશન આવે તે પહેલાં એ વાત પચાવવી જ રહી.’
‘ફોઈ, એકવાત કહું ?’
બોલીને કિશને નમન અને નંદાની સમી જોયું, જાણે કે એ વાત કરવામાં એ લોકોનો સાથ માંગતો હોય તેમ વાતને આગળ વધારતાં કહ્યું, ‘ ફોઈ, તમે પ્રીતને મેરેજ કરવા માટે ફોર્સ ન કરો.’
લતાબહેન ચમક્યાં, ‘કેમ ?’
ત્રણેય છોકરાંઓ મોઢું નીચું કરીને બેસી રહ્યા – સાચી વાત કહેવા માટે જાણે જમીન પાસે હિંમત માંગતા હોય તેમ !’
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com