





નિરંજન મહેતા
જુદા જુદા વિષય પર હિન્દી ફિલ્મોના ગીતો રચાયા છે જેમાં એવા પણ ગીતો છે જે જુદા જુદા શહેરોના નામને સાંકળીને રચાયા છે.
સૌ પ્રથમ યાદ આવે લગભગ ૭૦ વર્ષ પહેલાનું ૧૯૪૯ની ફિલ્મ ‘પતંગા’નું આ ગીત જે આજે પણ જૂની પેઢીના લોકો માણે છે.
मेरे पीया गए रंगून
वहाँ से आया है टेलिफोन
तुम्हारी याद सताती है
जिया में आग लगाती है
ગીતના શબ્દો સાંભળો અને ગીતનો વિડીયો જુઓ તો સમજાઈ જશે કે ગીતમાં કહેવાય છે એક વાત અને હકીકતમાં તે જુદી જ છે. આ ગીતમાં રંગૂન અને દહેરાદુન (કદાચ પ્રાસ માટે) બંનેને સમાવી લેવાયા છે.
નિગાર સુલતાના અને ગોપ પર ફીલ્માયેલ આ ગીતના રચનાકાર છે રાજીન્દર ક્રિષ્ણ, સંગીતકાર સી. રામચંદ્ર અને ગાયક સી.રામચંદ્ર અને શમશાદ બેગમ
મુંબઈ શહેરને લગતા ઘણા ગીતો છે જેમાનું આ ગીત મુંબઈનું જીવન કેટલું મુશ્કેલ છે તે વર્ણવે છે. તે છે ૧૯૫૬ની ફિલ્મ ‘સી.આઈ.ડી.’નું આ ગીત:
ऐ दिल है मुश्किल जीना यहाँ
ज़रा हट के ज़रा बच के
ये है बोम्बे मेरी जान
જોની વોકર પર ફીલ્માયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે રફીસાહેબ અને સાથે સ્વર છે ગીતા દત્તનો પણ.
એક જુદા જ અંદાજમાં જોની વોકર મુંબઈને યાદ કરે છે ૧૯૫૭ની ફિલ્મ ‘નયા દૌર’માં.
मै बम्बई का बाबू नाम मेरा अनजाना
इंग्लीश धुन में गाऊ मै हिन्दुस्तानी गाना
સાહિર લુધિયાનવીનાં શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે રફીસાહેબનો.
ફિલ્મનું નામ ‘હાવરાબ્રીજ’ હોય તો કલકતા (કોલકાતા)ને કેમ ભૂલાય? ૧૯૫૮ની આ ફિલ્મમાં ઘોડાગાડી ચલાવતા ચલાવતા ઓમ પ્રકાશ કલકત્તાના જુદા જુદા વિસ્તારોમાં ફરે છે અને તે વિસ્તારોને વર્ણવતું આ ગીત ગાય છે:
ईंट की दुक्की पान का इक्का
कही जोकर कही सत्ता है
सुनो जी ये कलकत्ता है
ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે રફીસાહેબનો.
‘સિંગાપોર’ આ નામની એક ફિલ્મ ૧૯૬૦માં આવી હતી. સિંગાપોરની રાત્રીજીવનને અનુલક્ષીને શમ્મીકપૂર કારમાં સિંગાપોર શહેરની સહેલગાહે નીકળે છે અને રૂપસુંદરીઓને જોઇને જે ગીત ગાય છે તે છે:
ये शहर बड़ा अलबेला है
हर तरफ हसीनो का मेला है
पर और भी है कुछ आगे तू चला चल
सिंगापुर सिंगापुर सिंगापुर
શૈલેન્દ્રના શબ્દોને સ્વર મળ્યો છે મુકેશનો. સંગીત છે શંકર જયકિસંનનું.
કશ્મીર એટલે પૃથ્વી પરનું સ્વર્ગ. તેમાં સ્ત્રી સૌન્દર્ય ભળે એટલે વાહ, વાહ! પરંતુ એ સૌંદર્યવાન લલનાની ઉપેક્ષા થાય ત્યારે જે ગીત નીકળે તેના શબ્દો પણ માણવા જેવા છે: ૧૯૬૧ની ફિલ્મ ‘જંગલી’નું આ ગીત જુઓ:
कश्मीर की कली हु मै
मुझसे ना रूठो बाबूजी
मुरझा गई तो फिर ना खिलूंगी
कभी नहीं कभी नहीं कभी नहीं
નાકનું ટેરવું ઊંચું રાખીને ફરતા શમ્મીકપૂરને કશ્મીર સુંદરી સાયરા બાનુ આ ગીત દ્વારા મનાવવાનો પ્રયત્ન કરે છે. ગીતના શબ્દો હસરત જયપુરીના અને સંગીત શંકર જયકિસનનું. સ્વર લતાજીનો.
૧૯૬૬ની ફિલ્મ ‘મેરા સાયા’ના આ ગીતમાં બરેલી શહેરનો ઉલ્લેખ છે.
झुमका गीरा रे
झुमका गीरा रे
बरेली के बझारमे
झुमका गीरा रे
આજે પણ આ ગીત જોઈએ તો ગીતના સંગીત સાથે તાલ મેળવ્યા વગર નહિ રહેવાય. સાધનાની અંગભંગીઓથી આ નૃત્યગીત ઓર નિખરે છે. ગીતના શબ્દો રાજા મહેંદી અલી ખાનના, સંગીત મદનમોહનનું અને સ્વર આશા ભોસલેનો.
વળી એક વિદેશી શહેરની યાદ અપાવે છે ૧૯૬૭ની ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પારિસ’નું આ ગીત. પારિસનાં રંગીન જીવનની ઝાંખી કરાવતા આ ગીતના શબ્દો છે:
अजी ऐसा मौका फीर कहाँ मिलेगा
हमारे जैसा दिल कहाँ मिलेगा
आओ तुमको दिखलाता हु
पारिस की एक रंगीन शाम
પોતાની આગવી સ્ટાઈલમાં શમ્મીકપૂર પારિસની સુંદરીઓ સાથે રાતના સમયે આ ગીત ગાય છે. ગીતના રચયિતા હસરત જયપુરી અને સંગીત શંકર જયકિસનનું. સ્વર રફીસાહેબનો.
૧૯૬૮માં આવેલી ફિલ્મ ‘આશીર્વાદ’નું આ બાળગીત પણ અનેરું છે કારણ તેમાં એક નહિ પણ અનેક શહેરોના નામ વણી લેવાયા છે.
आओ बच्चो खेल दीखाये
छुक छुक करती रेल चलाये
सिटी दे कर सीट पर बैठो
ऐक दूजे की पीठ पर बैठो
ગીતમાં શહેરના નામો પણ એવી રીતે મુકાયા છે કે એકબીજા સાથે પ્રાસમાં આવે જેમકે મેંગલોર-બેંગલોર, માંડવા-ખંડવા, કોરેગામ-ગોરેગામ. શબ્દોની આ માયાજાળના રચયિતા છે હરીન્દ્રનાથ ચટોપાધ્યાય અને સંગીત છે વસંત દેસાઈનું. અશોકકુમાર પર રચાયેલું આ ગીત ખુદ અશોકકુમાર પોતાની આગવી સ્ટાઈલમાં ગાય છે.
પોતાની ઓળખ આપતા રણધીર કપૂર ૧૯૭૨ની ફિલ્મ ‘રામપુર કા લક્ષ્મણ’માં કહે છે:
रामपुर का वासी हु मै लक्ष्मण मेरा नाम
सीधी सादी बोली मेरी सीधा सादा काम
કોઈ પાર્ટીમાં નાચતા આ ગીત ગવાય છે જેના શબ્દો મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આર.ડી.બર્મનનું. સ્વર છે કિશોરકુમારનો.
ટ્રેઈનમાં ગવાતું એક આગવું ગીત છે ૧૯૭૫ની ફિલ્મ ‘રફૂચક્કર’નું. આગવું એટલા માટે કે પુરુષ કલાકારો સ્ત્રી વેષમાં આ ગીત ગાય છે જેમાં મુંબઈ અને વડોદરાનો ઉલ્લેખ છે.
छुक छुक छक छक
बोम्बे से बरोडा तक
तुम कहो जब तक
गाते रहे बजाते रहे
કોલેજ યુવતીઓનો પીછો કરતાં કરતાં રિશીકપૂર અને પેન્ટલ સ્ત્રી વેષમાં આ ગીત ગાય છે જેને કંઠ આપ્યો છે મહેશકુમાર, ઉષા મંગેશકર અને આશા ભોસલેએ. શબ્દો છે ગુલશન બાવરાનાં અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું.
ફરી એકવાર મુંબઈને યાદ કરીએ. વાત છે ૧૯૭૭ની ફિલ્મ ‘આપ કી ખાતિર’ની જેમાં મુંબઈથી આવેલા દોસ્ત(!)ને સંબોધીને આ ગીત ગવાય છે. વિલનની ધુલાઈ કરતા આ ગીતના શબ્દો છે:
बम्बई से आया मेरा दोस्त
दोस्त को सलाम करो
रात को खाओ पियो
दिन को आराम करो
વિનોદ ખન્ના ઉપર ફીલ્માયેલું આ ગીત લખ્યું છે શૈલી શૈલેન્દ્રએ અને સંગીત અને કંઠ છે બપ્પી લાહિરીનાં.
એક અન્ય શહેર બનારસને યાદ કરીએ. બનારસના પાનની વાત જ ન્યારી છે અને એટલે એને આવરી લેતું ૧૯૭૮ની ફિલ્મ ‘ડોન’નું આ ગીત હંમેશાં તરોતાજા રહ્યું છે.
अरे भंग का रंग जमा हो चकाचक फिर लो पान चबाय
अरे ऐसा झटका लगे जिया पे पुनर जनम होई जाय
મન મુકીને નાચતા અમિતાભ બચ્ચનને જોવો એ પણ અનેરો લહાવો છે. ગીતના રચનાકાર અનજાન અને સંગીતકાર કલ્યાણજી આણંદજી. સ્વર છે કિશોરકુમારનો.
આગળ જણાવ્યું તેમ કશ્મીર એ પૃથ્વી પરનું સ્વર્ગ છે અને તેનાં કુદરતી સૌન્દર્યનું વર્ણન કરવા શબ્દો પણ એવા જ જરૂરી છે. ૧૯૮૨મા આવેલી ફિલ્મ ‘બેમિસાલ’માં એવું જ એક ગીત છે:
कितनी खुबसूरत ये तसवीर है
मौसम बेमिसाल बेनजीर है
ये कश्मीर है ये कश्मीर है
અમિતાભ બચ્ચન, રેખા અને વિનોદ મહેરાની ત્રિપુટી પર કશ્મીરમાં ફિલ્માયેલ આ ગીતના શબ્દો આનંદ બક્ષીના છે જેને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. ગાનાર કલાકારો સુરેશ વાડકર, કિશોરકુમાર અને લતાજી.
૧૯૯૩ની ફિલ્મ ‘ગુરુદેવ’માં બે શહેરની નોંધ છે – દિલ્હી અને જયપુર.
जयपुर से निकली गाडी देहली चले हल्ले हल्ले
छोरी का दिल छोरे संग धक् धक् बोले हल्ले हल्ले
રિશીકપૂર અને શ્રીદેવી આ ગીતના કલાકાર છે જેને કંઠ આપ્યો છે આશા ભોસલે અને શૈલેન્દ્ર સિંઘે. રચનાકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત આર. ડી. બર્મનનું.
૨૦૦૯મા આવેલ ‘દિલ્હી ૬’ ફિલ્મમાં પણ દિલ્હીને વર્ણવતું આ ગીત છે:
यह दिल्ही है यार, बस इश्क मुहब्बत प्यार
बस्ती है मस्तानो की दिल्ही है दिलवालों की
અભિષેક બચ્ચન અને સોનમ કપૂર પર આ ગીત રચાયું છે જેના ગીતકાર છે પ્રસૂન જોશી અને સંગીતકાર એ. આર. રહેમાન. સ્વર બેની દયાલ, તન્વી અને બ્લાઝેનો.
અહી ૧૯૭૭ની ગુજરાતી ફિલ્મ ‘માબાપ’ના ગીતનો ઉલ્લેખ કરવાની લાલચ રોકી નથી શકતો. તેનું કારણ છે અસરાની પર ફિલ્માયેલ ગીત “હું અમદાવાદનો રીક્ષાવાળો’. પુરા અમદાવાદને આવરી લેતા આ ગીતે તે વખતે ધૂમ મચાવી હતી અને અત્યંત લોકપ્રિય બન્યું હતું. ગીત સંગીત અવિનાશ વ્યાસના અને ગાનાર કલાકાર કિશોરકુમાર.
એવી જ રીતે ગુજરાતી ફિલ્મ ‘સંતુ રંગીલી’નું ગીત મુંબઈનાં જીવનની વાસ્તવિકતા વર્ણવે છે. મંજરી દેસાઈને મુંબઈની સહેલગાહ કરાવતા કરાવતા રમેશ મહેતા કહે છે
લોકો કહે છે મુંબઈમાં છે બહુ કમાણી
પણ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી
ગીત સંગીત અવિનાશ વ્યાસના અને ગાનાર કલાકાર કિશોરકુમાર.
શહેરોને લગતા બને એટલા ગીતો આ લેખમાં સમાવવાનો પ્રયત્ન છે પણ તે સંપૂર્ણ છે એમ ન કહી શકાય તે રસિકો સમજી જશે.
સંપર્ક સૂત્રો :-
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com