





ચંદ્રશેખર પંડ્યા
મણકા નંબર ૦૨ માં પર્યાવરણ અને પરિસ્થિતિકીય વિજ્ઞાનને સંબંધિત કેટલીક મૂળભૂત બાબતો વિષે માહિતી આપવામાં આવી હતી. પ્રથમ દૃષ્ટિએ સાવ સામાન્ય લાગતી અન્ય બાબતોની ચર્ચા આજે કરશું.
‘હેબીટાટ’ અથવા ‘નિવાસસ્થાન’
‘હેબીટાટ’ અથવા તો નિવાસસ્થાન એ એવો ભૌતિક વિસ્તાર છે જ્યાં સજીવ અથવા તો સજીવ સમુદાય રહે છે. જીવશાસ્ત્રમાં નિવાસસ્થાનની સમજણ અને તેનું વર્ણન કરવા માટે ઘણા પ્રકારના ઘટકોની સહાય લેવામાં આવે છે. દાખલા તરીકે દિવસ દરમ્યાન મળી રહેતો સૂર્યપ્રકાશનો જથ્થો, વાર્ષિક ઉષ્ણતામાનની રેન્જ, વાર્ષિક સરેરાશ વરસાદ વગેરે. આ ઘટકો તેમ જ અન્ય અજૈવિક ઘટકો, જે તે નિવાસસ્થાનમાં રહેતા સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેવી તમામ લાક્ષણિકતાઓ પર અસર કરે છે. ઉદાહરણ રૂપે, કોઈ ખાસ પ્રકારની વનસ્પતિ જે તે વિસ્તારમાં ઊગીને સ્થાયી થઇ શકે કે કેમ તેનો આધાર તે વિસ્તારમાં પ્રવર્તમાન ઉષ્ણતામાન, વરસાદ, જમીનનો પ્રકાર વિગેરે જેવા ઘટકો પર હોય છે. આ જ પ્રમાણે, જયારે વનસ્પતિ સમુદાય સ્થાયી થવામાં સફળ થાય ત્યારબાદ તેના પર આધારિત પ્રાણીસૃષ્ટિ તે વિસ્તારમાં પ્રવેશે છે અને વસવાટની કોશિશ કરે છે. નિવાસસ્થાન અને પર્યાવરણ પ્રણાલી વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. નિવાસસ્થાન માત્ર સજીવોના સંદર્ભમાં વપરાતો શબ્દપ્રયોગ છે જયારે પર્યાવરણ પ્રણાલીમાં સજીવો તેમ જ તેની આસપાસના અજૈવિક ઘટકોનો પણ સમાવેશ થાય છે.
નિવાસસ્થાનનો જયારે પણ નાશ થાય ત્યારે તેમાં વસતા સજીવો પણ નાશ પામે છે. વિનાશની જેમ માત્રા વધે તેમ સજીવો ધીમે ધીમે લુપ્તતાને આરે પહોંચે છે અને એક સમય એવો આવે છે કે સમગ્ર પ્રજાતિ નામશેષ થઇ જાય છે. જયારે પણ વિશાળ વિસ્તારોને વિકાસની પ્રક્રિયાના ભાગ રૂપે મોટા સ્વરૂપે ‘સાફ’ કરવામાં આવે ત્યારે અન્ય સજીવ સમુદાયો માનવસર્જિત વિટંબણાનો ભોગ બને છે અને પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસવા તરફ ધકેલાય છે. મોટા હાઉસિંગ પ્રોજેક્ટ્સ અથવા તો વિશાળ ઉદ્યોગોની સ્થાપના જેવી પરિયોજનાનું અમલીકરણ વનસ્પતિ તેમ જ પ્રાણીઓના નિવાસસ્થાનનો ભોગ લેનારું સાબિત થઇ શકે છે. આ પ્રમાણે મોટું કદ ધરાવતા હાઈડ્રો-ઇલેક્ટ્રિક કે થર્મલ પાવર પ્રોજેક્ટ પણ અસંખ્ય પ્રમાણમાં નિવાસ કરતા સજીવો માટે ખતરા રૂપ સાબિત થઇ શકે છે. સન ૧૯૫૧ અને ૧૯૮૦ના સમયગાળા દરમિયાન ભારતમાં પાંચ લાખ હેક્ટર કરતાં પણ વધારે જંગલની જમીન, નદીઓ ઉપર ડેમ બનાવવા માટે તબદીલ કરવામાં આવી હતી. આના પરિણામ સ્વરૂપ જંગલોનો મોટો વિસ્તાર ડુબાણમાં જતો રહ્યો અને જંગલોમાં વસાહતો તેમ જ રસ્તાઓ બની ગયા. એક અંદાજ મુજબ નદીઓના સ્રાવ વિસ્તારોનો ૬૦ ટકા વિસ્તાર ટુકડાઓમાં વહેંચાઇ જવાથી જૈવિક વિવિધતાને અત્યાધિક હાની પહોંચી હતી. ઔદ્યોગીકરણ આધારિત અર્થ વ્યવસ્થા પાછળની આંધળી દોટના કારણે ખનિજ તત્ત્વોની માંગ ખૂબ વધી જેના પરિણામે જંગલ વિસ્તારોનો ઉપયોગ ખાણ વિસ્તાર તરીકે શરૂ થયો અને સજીવોનાં નિવાસસ્થાન નાશ પામ્યાં. કચ્છના અખાતમાં આવેલાં પરવાળાના ખડકો જૈવિક વિવિધતાનું એક અદ્ભુત સ્વરૂપ છે પરંતુ આઝાદી પછીના સમય દરમિયાન સિમેન્ટ બનાવવાના ઉદ્યોગ માટે જરૂરી ઘટકના સ્વરૂપે તેનું અમર્યાદ ખનન થતું ગયું અને કેટલાંય પ્રકારના દરિયાઈ જીવોનું નિવાસસ્થાન પ્રભાવિત થયું.
(પરવાળાના ખડક અને તેને સંલગ્ન સજીવસૃષ્ટિ.)
‘નીશ’ અથવા તો ‘વિશિષ્ટ પ્રકારનું રહેણાક’
દરેક સજીવ જે પ્રકારની પર્યાવરણ પ્રણાલીમાં જોવામાં આવે છે તે પ્રણાલીમાં એક ખાસ ભૂમિકા અદા કરતા હોય છે. આ ભૂમિકાને ‘વિશિષ્ટ રહેણાક’ અથવા ‘અનુકૂળ નિવાસસ્થાન’ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘નીશ’ એટલે, એક સજીવ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા જેના વડે તે અનુકૂલન સાધીને જે તે પ્રણાલીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને ઊર્જાનો પ્રવાહ વહેતો રાખે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે સજીવ મારફત લેવામાં આવતો ખોરાક તેમ જ પોષક તત્વોના પુન:ચક્રણ (રીસાયક્લિંગ)ના હેતુસર અન્ય નિકટવર્તી સજીવો સાથેની ક્રિયા પ્રતિક્રિયા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ બાબતો છે. વિવિધ પ્રકારના સજીવો માટે આવાં વ્યક્તિગત પારિસ્થિતિકીય વિશિષ્ટ રહેણાક આપણને કુદરતમાં જોવા મળે છે જે ‘Individual ecological Niche’ તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણથી આ વિચાર સ્પષ્ટ થશે.
કોઈ વખત જંગલની સહેલગાહે જઈએ ત્યારે જમીન પર નાનાં મોટાં જૂનાંપુરાણાં લાકડાં કોહવાતાં નજરે ચઢ્યા વગર ન રહે. આ લાકડાં ઉપાડવાથી તેની નીચે અસંખ્ય પ્રકારના જીવજંતુઓ ખદબદતાં જોવામાં આવતાં હોય છે. ખરેખર તો આ તમામ જીવજંતુઓ જંગલ રૂપી નિવાસસ્થાન (હેબીટાટ) માં પોતાને ફાળે આવતાં વિશિષ્ટ રહેણાક (Ecological Niche)ની જગ્યાનો કબજો લઈને પોતાની રીતે, સડતા લાકડાને ખોરાકના રૂપમાં વાપરતાં હોય છે એટલે કે પોષક તત્ત્વોનું રીસાયક્લિંગ થતું રહે, જંતુઓનું અસ્તિત્વ પણ ટકી રહે, પ્રણાલીમાં ઊર્જાનો પ્રવાહ વહેતો રહે અને તેમનું પ્રજનન પણ થતું રહે.
અત્રે દર્શાવેલ આકૃતિ મુજબ ‘ઈકોલોજિકલ નીશ’ (પરિસ્થિકીય વિશિષ્ટ રહેણાક), કોઇ પણ સજીવ જે પ્રણાલીમાં અસ્તિત્વ ધરાવતો હોય તેમાં તે સજીવની ‘કાર્યાત્મક ભૂમિકા’નો ચિતાર આપે છે. આવી ભૂમિકા અદા કરવામાં નિવાસસ્થાન, સક્રિય રહેવાનો સમયગાળો અને જરૂરી સંસાધનોનો સમાવેશ થઇ જાય છે. આ ઉપરાંત આસપાસની ભૌતિક પરિસ્થિતિ સાથેનું અનુકુલન અને અન્ય પ્રજાતિના સજીવોની હાજરી પણ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.
કોઈ એક પક્ષી અભયારણ્યમાં વિવિધ પ્રજાતિનાં પક્ષીઓનાં ઝુંડ જોવા મળે છે. આ પક્ષીઓનું નિવાસસ્થાન (હેબીટાટ) એક જ છે પરંતુ વિશિષ્ટ રહેણાક અલગ અલગ હોવાના પરિણામે તમામ પ્રજાતિનાં પક્ષીઓ નિર્વિઘ્ને પોતાનું જીવન વ્યતીત કરી શકે છે. આનો સીધો અર્થ એ થાય કે એક જ નિવાસસ્થાન હોવા છતાં અસ્તિત્વ ટકાવવા માટેની સક્રિયતા અલગ હોવાથી તેમને કોઈ હરીફાઈનો સામનો કરવો પડતો નથી. કુદરતની લીલા તો જુઓ! વન્ય પ્રાણીઓને સક્રિય રહેવા માટેના સમય પણ નક્કી કરી આપ્યા છે. ફક્ત રાત્રીના સમયમાં સક્રિય રહેનારા નિશાચર, દિવસ દરમિયાન સક્રિય રહેનારાં પ્રાણીઓ અને સંધ્યા વખતનાં સક્રિય પ્રાણીઓ/જીવજંતુઓ પણ અલગ. તૃણભક્ષી પ્રાણી ઘાસિયા મેદાનોનો ઉપયોગ કરે જયારે માંસભક્ષીઓ મોટાભાગે ગાઢ જંગલ વિસ્તારોનો ઉપયોગ કરે. જો કે, હેબીટાટ અને નીશ વચ્ચે કોઈ મજબુત/દેખીતી વાડ કુદરતે બનાવી નથી. ઘણી વખત બંને એકબીજામાં ભળી જતા હોય (Overlapping) તે સામાન્ય છે.
ટૂંકમાં કહીએ તો નિવાસસ્થાન (હેબીટાટ) એ સજીવના ઘરનું સરનામુ છે જયારે વિશિષ્ટ રહેણાક (ઈકોલોજિકલ નીશ) એ સજીવનો વ્યવસાય/કારોબાર અથવા તેની વ્યસ્તતા દર્શાવે છે.
વાઘ અને ઝરખ ભલે એક જ જંગલમાં રહેતા હોય પરંતુ તેમની ખોરાક મેળવવાની રીત અલગ છે. ક્ષુધા-તૃપ્તિ બાદ વાઘે છાંડેલા મારણનું ઝરખ દ્વારા ભક્ષણ થતું હોય છે. પરિસ્થિતિ વિજ્ઞાનના સિદ્ધાંતોમાં અગત્યની ભૂમિકા ધરાવતા ‘હેબીટાટ’ અને ‘નીશ’ ના ઉદાહરણો આપણા દૈનિક જીવનમાં પણ મળી રહે છે. જરૂર છે ફક્ત ગહન નિરીક્ષણ શક્તિની.
——————————————————————————————
ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો: ઈ-મેઇલ : chp4491@gmail.com
બહુ જ ચર્ચાતા રહેલા આ વિષયમાં વધારે ચર્ચા ઉમેરવાથી શું? વિકાસ ( એક લક્ષી રીતે માનવ સમાજનો ) અને સમષ્ટિમાં વ્યાપ્ત પર્યાવરણનું રક્ષણ – આ બે ધ્રુવો વચ્ચે આથડ્યા કરવાનું !
1493 – Columbian Exchange વિશે હમણાં જ વાંચ્યું , અને આ લેખ .. સરસ coincidence .
એ પ
રસ ધરાવતા સૌને આ વિડિયો જોવા અને બહુ ઊંડા અભ્યાસ બાદ લખાયેલ એ પુસ્તક વાંચવાનું ગમશે.
https://www.youtube.com/watch?v=ZYPHLwwEZnA