ફિર દેખો યારોં :: અદાલતના ચુકાદા પછી તો નાગરિકોની જવાબદારી શરૂ થાય છે.

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

ઓગષ્ટ મહિનાના આખરી સપ્તાહમાં કેટલાક સમાચારો એવા બન્યા કે જે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યા. યોગાનુયોગે આ સમાચારો એક યા બીજી રીતે અદાલત સાથે સંકળાયેલા હતા. સર્વોચ્ચ અદાલત દ્વારા ‘ટ્રીપલ તલાક’ના ઈસ્લામી કાયદાને ગેરવાજબી ઠેરવતો ચુકાદો લગભગ સાર્વત્રિક આવકાર્ય બન્યો. અનેક મુસ્લિમ મહિલાઓની સ્થિતિમાં તેનાથી હકારાત્મક પરિવર્તન થશે એવી આશા બંધાઈ. બીજો મહત્ત્વનો ચુકાદો આપણા દેશના નાગરિકોના અંગતતાના અધિકારને માન્ય રાખવા બાબતે હતો. બદલાતા સમય સાથે આગળ વધતી ટેકનોલોજીના સમયમાં અજાણપણે એક નાગરિક પોતાની તમામ વિગતો કોને, ક્યાં ધરી દે છે એ તેને પોતાને ખ્યાલ નથી હોતો. બીજા બધા તો ઠીક, ખુદ સરકાર આવી વિગતો પડાવવાની પેરવીઓ કરે ત્યારે ક્યાં જવું? એ રીતે પણ આ ચુકાદાનું મહત્ત્વ વિશેષ છે.

ત્રીજા સમાચાર અલબત્ત, હરિયાણા પૂરતા સિમીત છે, છતાં દેશ આખાનું તેણે ધ્યાન ખેંચ્યું છે. ડેરા સચ્ચા સૌદા સંપ્રદાયના વડા ગુરમીત રામરહીમ સીંઘને બળાત્કારના આક્ષેપ માટે દોષિત ઠેરવવામાં આવ્યા. અદાલતના આ ચુકાદાની વિરુદ્ધમાં આ સંપ્રદાયના લાખો અનુયાયીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ગુંડાગર્દી કરી, જેમાં આશરે બત્રીસ લોકોનાં મૃત્યુ થયાં. આ ઘટના પર કશાં પગલાં લેવાના બદલે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે તેનો બેશરમ બચાવ કર્યો. તેને કારણે રાજ્યની વડી અદાલતે સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું, ‘આપણું એક રાષ્ટ્ર છે, કોઈ પક્ષનું રાષ્ટ્ર નથી. વડાપ્રધાન સમગ્ર રાષ્ટ્રના છે, કેવળ ભારતીય જનતા પક્ષના નહીં. મુખ્યમંત્રી સમગ્ર રાજ્યના છે, ભારતીય જનતા પક્ષના નહીં. એમ વિશેષ સોલીસીટર જનરલ પણ સમગ્ર દેશના છે, કોઈ પક્ષના નહીં.’ અદાલતની આ નુક્તેચીની એક પ્રજાસત્તાક દેશની અદાલતને શોભે એવી છે. સત્તાના મદમાં બેકાબૂ બની રહેલા રાજકારણીઓ પક્ષાપક્ષીના રાજકારણમાં દેશની એકતાને હોડમાં મૂકે અને સત્તા હાંસલ કરવા માટે નૈતિકતાનું સ્તર એવી નીચાઈ સુધી લઈ જાય કે પાતાળનું સ્તર પણ ઉંચું લાગે. આવા ઘેરા માહોલમાં અદાલતની આ ટીપ્પણી આશાના સોનેરી કિરણ સમાન છે.

સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ નવી બાબત નથી. સરકારી તંત્રને પોતાના અંગત કે પક્ષીય બાબતો માટે વાપરવાની પણ નવાઈ નથી. પણ આ મામલે દરેક સરકાર તેની પહેલાંની સરકારને સારી કહેવડાવે એવી બનતી જાય છે. સરકારનું એક માત્ર લક્ષ ચૂંટણીઓ જ હોય એ રીતે અચાનક કોઈ ને કોઈ મુદ્દો ઉછળે છે, તેના નામે રાજકારણ ખેલાઈ જાય અને હેતુ સરી જાય એટલે એ મુદ્દો ભૂલાવી દેવડાવાય છે. આટલા મોટા દેશના અનેક રાજ્યોમાં ચૂંટણી ક્યાંક ને ક્યાંક યોજાતી રહે એ સાહજિક છે. અને દરેક પ્રદેશવાર નિતનવા મુદ્દાઓ ઉછળતા રહે એ પણ એટલું જ સ્વાભાવિક છે. જે આયોજન, સાતત્ય અને તીવ્રતાથી આ થવા લાગ્યું છે એ જોઈને એક સામાન્ય નાગરિકની મતિ બહેર મારી જાય.

અદાલતે સ્પષ્ટ શબ્દોમાં સરકારની આ ચેષ્ટાની ટીકા કરી એ બહુ આનંદ થાય એવી ઘટના છે. સાથેસાથે એ પણ સમજવાનું છે કે અદાલતની આ ટીપ્પણી એક નાગરિક તરીકે આપણે પણ યાદ રાખવાની છે. કોઈ એક પક્ષને કે ઉમેદવારને મત આપીને ચૂંટી દઈએ એટલે આપણી ફરજ પૂરી થઈ જતી નથી. ચૂંટાયા પછીનાં પાંચ વરસ દરમ્યાન જે તે ઉમેદવારની ગતિવિધિ કેવી છે એ જાણવું અઘરું નથી. પણ એ જાણ્યા પછી તેને ફરી વખત મત આપતી વખતે તે યાદ રાખવું અગત્યનું છે.

લોકશાહીમાં બહુમતિનું મહત્ત્વ ભલે હોય, તેનું સૌથી સબળું પાસું છે તેનો વિરોધ પક્ષ. પૂરપાટ દોડતા વાહનની ગતિના નિયંત્રણ માટે જેમ બ્રેક અનિવાર્ય હોય છે, એમ સત્તા મળ્યા પછી બેફામ દોડ લગાવી રહેલા સત્તાધારી પક્ષના નિયંત્રણ માટે વિરોધ પક્ષની બ્રેક આવશ્યક છે. મતવિસ્તાર પોતાના કે કોઈના પિતાશ્રીની જાગીર નથી એ સત્ય ઉમેદવારોથી વધુ મતદારોએ સમજવું જરૂરી છે. કોઈ લેખક વાંચનારાઓને ‘મારા ચાહકો’ તરીકે ઓળખાવે કે કોઈ અભિનેતા પ્રશંસકોને ‘મારા ચાહકો’ તરીકે ઓળખાવે ત્યારે હકીકતમાં સામે રહેલી બહુમતિની વિવેકબુદ્ધિનું અપમાન થતું હોય છે. પણ એ બહુમતિ આને પોતાનું સન્માન ગણે છે. લેખક હોય, અભિનેતા હોય, અન્ય કોઈ કલાકાર હોય કે પછી રાજનેતા હોય, જાહેર માધ્યમ સાથે તેઓ સંકળાયેલા હોય એટલે તેની કામગીરી સતત સમીક્ષાને પાત્ર ગણાવી જોઈએ. તેના અંધ ચાહક કે વિચારહીન ટીકાકાર બની રહેવાની જરૂર નથી. પણ એક વિચારશીલ નાગરિક તરીકે સ્વસ્થ બુદ્ધિએ આપણે વિચારતા થઈએ એ જરૂરી છે. કમનસીબે આપણી સંસ્કૃતિમાં વ્યક્તિપૂજાનું બિભત્સ કહી શકાય એ હદે માહાત્મ્ય કરવામાં આવે છે. કોઈ વ્યક્તિને દેવ ચીતરવા માટે અન્ય કોઈને શેતાન ચીતરી દેવામાં આવે છે. આપણને તારણહારથી ઓછું કોઈ ખપતું નથી. અને તારણહારના હોવા માટે કોઈકે શેતાન બનવું અનિવાર્ય બની જાય છે.

પોતાને મત આપીને નાગરિકોને પાંચ વર્ષ માટે નિશ્ચિંત બનીને સૂઈ જવાનું કોઈ નેતા કહે ત્યારે માનવું કે નાગરિકોને હજી તે બાળક સમજે છે. નાગરિકો પણ મત આપીને એમ માને કે પોતે પાંચ વર્ષ માટે નિશ્ચિંત થઈ ગયા ત્યારે સમજવું કે જે તે નેતાની સમજણ સાચી છે.

અદાલત કોઈ ઘટનાવિશેષ વખતે ચિત્રમાં આવે છે, અથવા તો સરકારને ટોકવાની જરૂર પણ સંજોગો હદ વટાવે ત્યારે પડતી હોય છે. એટલે કે અદાલતનું કાર્ય અગ્નિશમન જેવું છે. તેના પ્રવેશ માટે અગ્નિનું હોવું જરૂરી છે. પણ સાદા તણખાને અગ્નિનું વિરાટ સ્વરૂપ લેતાં અટકાવવાનું આપણા એટલે કે નાગરિકોના હાથમાં છે. એક કાનૂન બને તેનાથી કે એક ચુકાદો આવે એ કારણે રાજી થઈ જવાની જરૂર નથી. અદાલત એ કોઈ ‘તારણહાર’ નથી કે સંકટના સમયે પ્રગટ થઈને ભક્તને ઉગારે. નાગરિકોની માનસિકતા વિકસે, નાગરિકધર્મ પ્રત્યેની તેમની સભાનતા વિકસે, પોતાના અધિકારો બાબતે જાગૃતિ આવે એ વધુ આવકાર્ય સ્થિતિ છે. લેખના આરંભે જણાવ્યા એવા અદાલતી વલણથી સામાન્ય નાગરિકોની લોકશાહી પ્રણાલિમાં શ્રદ્ધા દૃઢ અવશ્ય થાય છે, પણ તેનાથી નાગરિકની પોતાની જવાબદારી જરાય ઘટતી નથી.

વરસોના વીતવા સાથે આપણી સમજણ પણ પુખ્ત અને પાકટ થતી રહે એ અપેક્ષિત છે. આવી સમજણ ઘડાવા માટે પણ અદાલતના આવા ચૂકાદા કે સમયાંતરે સત્તાતંત્રને અપાતો ઉપાલંભ અભિનંદનીય અને આવકાર્ય ગણાય.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૧ -૮-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ફિર દેખો યારોં :: અદાલતના ચુકાદા પછી તો નાગરિકોની જવાબદારી શરૂ થાય છે.

 1. Umakant V. Mehta.(NJ)
  September 14, 2017 at 4:11 pm

  જાગો ભારતિયો જાગો! વાંચો અને વિચારો.
  શ્રી બિરેન ભાઈ, નઘરોળ નાગરિકોને ઉજાગર કરતો સુંદર લેખ માટે અભિનંદન.
  ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી )

 2. September 14, 2017 at 4:59 pm

  ખરેખર? નાગરિકોની કોઈ જવાબદારી હોય છે ખરી? !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *