





– ઈશાન કોઠારી
છાયા અને પ્રકાશની રમત વડે પડછાયા રચાય છે, જ્યારે પ્રતિબિંબ કોઈ લીસી અને ચળકતી સપાટી પર પડે છે. બંનેની પોતપોતાની મજા છે. અહીં મેં પડછાયા અને પ્રતિબિંબોની કેટલીક તસવીરો મૂકી છે.
****
ચોમાસામાં ઠેરઠેર ખાબોચિયાં ભરાઈ જાય છે. આર.સી.સી.ના બનેલા રોડ પર ખાડા પડતા નથી, પણ ત્યાં ધાર પર પગની પાની ડૂબે એટલું પાણી મોટે ભાગે જોવા મળે છે. આટલા છીછરા પાણીમાં પડતા પ્રતિબિંબમાં જે ઊંડાણ આવે તે જોવાની મઝા આવે એવી હોય છે.
****
દિવસ દરમ્યાન સૂર્યપ્રકાશની તીવ્રતા બદલાતી રહે છે. આ તીવ્રતા મુજબ પડછાયા પણ ઘાટા કે આછા, લાંબા કે ટૂંકા થતા રહે છે. કઠેરાની ડિઝાઈનનો અહીં દેખાતો પડછાયો જુદી જ અસર ઊભી કરે છે.
****
સૂરજ માથે હોય ત્યારે તાપ એકદમ આકરો લાગે છે. પણ એ સમયે પડતા પડછાયા એકદમ ઘાટા હોય છે. અહીં જે પડછાયો પડે છે તે એટલો ઘાટો અને તીવ્ર રેખાઓવાળો હતો કે મને થયું કે આ ફોટો હું બ્લેક એન્ડ વ્હાઈટમાં લઉં તો વધુ અસરકારક લાગશે.
****
દરવાજા પર પડતો સૂર્યપ્રકાશ ભોંય અને દીવાલ પર એટલી સરસ ડિઝાઈન રચે છે અને નાટકીય અસર ઊભી કરે છે.
****
લોખંડની સાવ સામાન્ય દેખાતી જાળી કરતાં તેનો પડછાયો વધુ સુંદર દેખાય છે.
****
ધાબે પડી રહેલી નીસરણી આમ ધ્યાન ખેંચતી નથી. તેનો પડછાયો દીવાલ પર એ રીતે પડે છે કે સહેજ વળેલી નીસરણીનો વળાંક અનેકગણો દેખાય. આ વળાંકને લઈને પડછાયાનો ફોટો ફીશ આઈ લેન્સથી પાડ્યો હોય એવી અસર ઊભી કરે છે.
****
ખડકોનું પાણીમાં પડતું પ્રતિબિંબ એક ભાતચિત્ર હોય એમ સામી બાજુને બતાવે છે. આ ઉપરાંત પાણીના વમળને લીધે હાલતું પ્રતિબિંબ કોઈ ચિત્રમાં બ્રશ વડે કરેલા લસરકાની અસર ઊભી કરે છે.
****
એકદમ ભેદી અને રહસ્યમય જણાતા આ ફોટા માટે માત્ર આઠ બાય દસ ઈંચનો અરીસો જવાબદાર છે. અમારા ઘરના હીંચકાની પીઠ પર જડેલા આ અરીસામાં, અમુક રીતે જોતાં ઘરના અમુક હિસ્સાનું પ્રતિબિંબ જોઈ શકાય છે. તેને લીધે કોઈ ગોથિક વીલાનો અંદરનો ભાગ હોય એમ લાગે છે.
****
પડછાયા અને પ્રતિબિંબ બહુ નાટ્યાત્મક પ્રભાવ ઊભો કરે છે. તેમને એ રીતે માણવાથી એક નવી નજર વિકસે છે.
ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.
Sundar
સૌ પહેલાં તો આવા અનોખા વિષયવસ્તુનો વિચાર આવવો એ જ બહુ કહેવાય. વળી જે તે ફોટો પાડતી વખતે એંગલ તેમ જ પ્રકાશનિયોજનનો રખાયેલો ખ્યાલ આ દિશે પુખ્તતા વધી રહી છે એ દર્શાવે છે. ભાઈ ઈશાન, હવે તારી પાસેથી વધુ ને વધુ અપેક્ષા રહેશે.
સ્વ, પ્રદ્યુમ્ન તન્ના યાદ આવી ગયા.
બહુ સરસ અને કલ્પનાને છૂટી મૂકી દે તેવી તસવીરો. શુભેચ્છઓ.
જ્યાં જ્યાં નજર મારી ઠરે, ત્યાં ત્યાં નિરખું કલા સૃષ્ટિની.
ઈશાનના નિશાન બેનમૂન છે! ધન્યવાદ ઈશાન ભાઈ
ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)