





– બીરેન કોઠારી
ગાંધીજી વિષેનાં વ્યંગ્યચિત્રોની આ વિશિષ્ટ શ્રેણીમાં અગાઉ આપણે ગાંધીજી જેમાં બતાવાયેલા હોય એવાં વિવિધ વિષયો પરનાં કાર્ટૂન માણ્યા. આ કડીમાં જરા જુદો ઉપક્રમ રાખ્યો છે. અહીં પસંદ કરાયેલાં કાર્ટૂનો એવાં છે કે જેમાં ગાંધીજી પોતે ક્યાંય, કોઈ પણ સ્વરૂપે બતાવાયા નથી. તેમનો ઉલ્લેખ હોય, તેમની ઓળખ સમું કોઈ પ્રતીક હોય કે તેમના કોઈ સિદ્ધાંતની વાત કહેવાઈ હોય એવાં કાર્ટૂનો અહીં સંકલિત છે.
એક સમયે ‘ઈન્ડિયા ટુડે’ના કાર્ટૂનિસ્ટ રવિશંકર પણ કાર્ટૂનિંગની કેરલ શૈલીના વ્યંગ્યકાર છે. તીખા અને ધારદાર વ્યંગ્યને ઓછામાં ઓછા શબ્દોમાં કહેવાની તેમની શૈલી બહુ લોકપ્રિય બનેલી. તેઓ ‘ઈન્ડિયા ટુડે’ના કળા નિર્દેશક પણ હતા. ખાસ કરીને રાજીવ ગાંધીના વડાપ્રધાનપદના ગાળામાં તેમણે જે બેરહમીથી રાજીવ ગાંધી પર કાર્ટૂન બનાવેલાં એ હજી ભૂલાયાં નથી. (રવિશંકરનાં કેટલાંક કાર્ટૂન તેમની વેબસાઈટ https://ravishankaretteth.com/ પર માણી શકાશે.) કાળક્રમે તેમણે કાર્ટૂનિંગનું ક્ષેત્ર છોડ્યું અને લેખનક્ષેત્રે પ્રવેશ કર્યો. એ વખતે કાર્ટૂનિસ્ટ હેમંત મોરપરિયાએ રવિશંકરની નિવૃત્તિ બદલ અફસોસ કરતો એક લેખ લખ્યો હતો, જેનું શિર્ષક હતું, ‘રવિ બેટા, કમ સૂન. મધર (ઈન્ડિયા) ઈઝ સિરીયસ.’
આવા ધારદાર વ્યંગ્યચિત્રકાર એવે સમયે ક્ષેત્રસન્યાસ લઈ રહ્યા છે, જ્યારે કાર્ટૂનિસ્ટો માટે પૂરતી સામગ્રી મળી રહે એવા નેતાઓનો ફાલ આવી રહ્યો છે. હેમંત મોરપરિયાના લેખનો ધ્વનિ કંઈક આવો હતો. રવિશંકર વિખ્યાત કાર્ટૂનિસ્ટ ઓ.વી.વિજયનના ભત્રીજા પણ થાય. તેમનાં રેખાંકનો વિશિષ્ટ અને અલગ તરી આવે એવાં હોય છે. ક્યારેક તેમની શૈલી વિજયનની યાદ અપાવે, પણ વિજયનની સરખામણીએ રવિશંકર સાવ ઓછા શબ્દો પ્રયોજે છે.
નીચેનું કાર્ટૂન આ બાબતનું તાદૃશ ઉદાહરણ છે.
અહીં ગાંધીજીનો ચરખો અને તેની આગળ મૂકાયેલાં ચશ્મા બતાવાયાં છે. ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાયેલી આ બન્ને ચીજો કદાચ ગાંધી આશ્રમમાં મૂકાયેલી હોઈ શકે. તેની આગળ એ સૂચવતું લખાણ છે, જેમાં લખ્યું છે, ‘Bapu spun here.’ (બાપુએ અહીં કાંતેલું.) અહીં અંગ્રેજી શબ્દ ‘spin’ના ઉપયોગ વડે રવિશંકરે કમાલ કરી છે. ‘સ્પીન’નો એક અર્થ થાય છે કાંતવું, જેમાં ચરખાથી સૂતર કાંતવું એ દર્શાવાયું છે. કરોળિયો પોતાનું જાળું વણે એ ક્રિયાને પણ ‘સ્પીન’ કહે છે. આ જ ચરખા પર એક ખૂણે બેઠેલો કરોળિયો ચરખાના કદ જેવડું જ જાળું વણતાં કહે છે, ‘And I spin here..’ (અને હું અહીં વણું છું.) કરોળિયા તરીકે અહીં કાર્ટૂનિસ્ટે રાજકારણીને બતાવ્યો છે.
ગાંધીજીનાં પ્રતિકો બતાવીને ખરેખર તો ગાંધીજીની નેતાઓ દ્વારા કેવી ઉપેક્ષા કરવામાં આવી રહી છે એ બહુ સચોટ રીતે, ઓછામાં ઓછા શબ્દોમાં રવિશંકરે બતાવ્યું છે.
****
આપણા દેશની ચલણી નોટો પર ગાંધીજીની છબિ મૂકાય છે. તેને કારણે લાંચ આપવા માટે ‘ગાંધી છાપ’ શબ્દ ચલણી બનેલો છે. સૂરજ ‘એસ્કે’ શ્રીરામે આ કાર્ટૂનમાં અતિશય સ્વીકૃત બની રહેલા આ ‘આચાર’ને દર્શાવ્યો છે. ફળોની લારીવાળા બે ફેરિયાઓ વચ્ચેની વાતચીત છે. ‘ફેરિયાઓને પરવાનગી નથી’ એમ દર્શાવતા પાટિયા આગળ જ તેમણે લારી ઉભી રાખી છે. આ લારીઓ હટાવવા માટે આવી રહેલા પોલિસવાળાને જોઈને એક જણને લાગે છે કે તેઓ મુસીબતમાં છે. પણ બીજો ફેરિયો ‘વ્યવહારુ’ છે. તે આશ્વાસન આપતાં કહે છે, ‘ફિકર નહીં. ગાંધીજી આપણું રક્ષણ કરશે.’ તેના હાથમાં પાંચસોની નોટ બતાવાઈ છે.
****
આ કાર્ટૂન પણ ‘એસ્કે’નું છે. નવી પેઢીના રાજકારણીને માહિતી આપતાં એક નાગરિક કહે છે, ‘આ સાબરમતી આશ્રમ છે. અહીં ક્યારેક ગાંધીજી રહેલા.’ આ રાજકારણીનો દેખાવ જોઈને સમજાય છે કે તેને ‘અસલ ગાંધી’ સાથે દૂરદૂરનો સંબંધ નથી. તે નિર્દોષભાવે પૂછે છે, ‘કોણ ગાંધી? ઈન્દિરા કે સોનિયા?’ રાજકારણીના આ જવાબ પર કૂતરું મલકી રહ્યું છે. કાર્ટૂનનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે જે ગાંધીજીનાં સિદ્ધાંતો ક્યારેક દેશનેતાઓ માટે માર્ગદર્શક ગણાતા હતા એ દેશના નેતાઓની વર્તમાન પેઢીએ ગાંધીજીનું નામ સુદ્ધાં સાંભળ્યું નથી. દેશનું સુકાન હવે કેવા લોકોના હાથમાં છે અને તેઓ દેશની શી વલે કરશે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય!
****
‘રાઓબેઈલ’/Raobail ના નામે કાર્ટૂન બનાવતા આ કાર્ટૂનિસ્ટનું મૂળ નામ પ્રભાકર રાવ. તેમને લાગ્યું કે આ નામ બહુ સામાન્ય છે. એટલે તેમણે બદલીને પ્રભાકર રાઓબેઈલ કર્યું અને ધીમે ધીમે તેઓ ફક્ત ‘રાઓબેઈલ’ તરીકે જ જાણીતા બન્યા. તેમનાં કાર્ટૂનોમાં વ્યંગ્ય તો ખરો જ, પણ માનવાકૃતિઓ બહુ વિશિષ્ટ રહેતી, જે રેખાંકનને બદલે કોઈ ચિત્રમાં હોય એવી જણાતી.
આ કાર્ટૂનના ઉપરના ચિત્રમાં અનેક ગાંધી દેખાય છે. પણ એ આભાસ માત્ર ટાલ, લાકડી અને પોતડીને કારણે ઉભો થાય છે. નીચેના ચિત્રમાં એક નેતા ટોપી અને ગુલાબના ફૂલ સાથે દેખાય છે, જે નહેરુના પ્રભાવમાં છે. તેમને ધમકાવતાં બીજા નેતા કહે છે, ‘આ ગુલાબ અને ટોપી હમણાં જ હટાવી લો. ધ્યાન રાખો કે અધિકૃત દેખાવા માટે આપણે ગાંધીની શૈલીના જનસંપર્કની જરૂર છે.’ અહીં નહેરુ કે ગાંધીજી જેવા ‘હોવાને’ બદલે તેમના જેવા ‘દેખાવા’ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે નેતાઓની અસલિયત છતી કરે છે, સાથેસાથે પ્રજાનું ભોળપણ પણ.
રાઓબેઈલના કાર્ટૂનની માનવાકૃતિઓની શૈલી સાથે તેમની પછીની પેઢીના કાર્ટૂનિસ્ટ પોનપ્પાની શૈલીનું ઘણું સામ્ય જણાય,જે કેવળ યોગાનુયોગ છે.
****
અખિલ ભારતીય હિંદુ મહાસભાના આચાર્ય મદન દ્વારા 2014માં ઘોષણા કરવામાં આવી કે તેઓ 30 જાન્યુઆરીએ નથુરામ ગોડસેની પ્રતિમાનું સ્થાપન મંદિરોમાં કરશે. આ દિવસે ગોડસેએ ગાંધીજીને ઠાર કર્યા હતા, અને દેશ આખામાં આ દિવસે ‘ગાંધી નિર્વાણ દિન’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ જ દિવસે ગોડસેની પ્રતિમાનું સ્થાપન કરવાની ઘોષણા પાછળનો ઈરાદો સ્પષ્ટ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતીય જનતા પક્ષે અયોધ્યામાં રામ જન્મસ્થળના વિવાદ વખતે ‘મંદીર વહીં બનાયેંગે’નું સૂત્ર વહેતું મૂક્યું હતું. આ જ સૂત્રને કાર્ટૂનિસ્ટ આર. પ્રસાદે સંદર્ભ બદલીને રજૂ કર્યું છે. તેમણે ગાંધીજીની સમાધિ દર્શાવી છે, જેને ચીંધીને મહાસભાનો ભગવાં વસ્ત્રધારી એક કાર્યકર હાથમાં કોદાળી લઈને આ સૂત્ર બોલી રહ્યો છે. ગોડસેનું મંદિર બનવાનું હોય ત્યાં ગાંધીસમાધિની શી આવશ્યકતા રહે?
****
આર. પ્રસાદનું બીજું કાર્ટૂન પણ સૂચક છે. ભા.જ.પ. સરકાર પર એક આક્ષેપ એવો હતો કે તેમણે દોઢેક લાખ ફાઈલોનો નાશ કર્યો છે, જેમાં ગાંધીહત્યાની ફાઈલનો પણ સમાવેશ થાય છે. આ આક્ષેપને રદીયો આપતાં ગૃહમંત્રી રાજનાથ સીંઘે જણાવ્યું હતું કે કેવળ 11,000 ફાઈલોને જ નષ્ટ કરવામાં આવી છે, અને તેમાં ગાંધીહત્યાની ફાઈલનો સમાવેશ થતો નથી. દસ્તાવેજોની જાળવણીના નિયમોને અનુસરીને કાર્યસ્થળને ‘સ્વચ્છ અને સ્વસ્થ’ રાખવાનો વડાપ્રધાને આદેશ આપ્યો હતો. તેને પગલે ગાંધીહત્યામાં હિંદુત્વવાદીઓની ભૂમિકાના પુરાવાને નષ્ટ કરવાના ભાગરૂપે આ ફાઈલનો નાશ કરાયો હોવાનો આક્ષેપ સી.પી.આઈ.ના સાંસદ પી. રાજીવ દ્વારા કરાયો હતો.
કાર્ટૂનિસ્ટે આ આખી કવાયતને એક જ શબ્દની ફેરબદલથી સચોટ રીતે બતાવી છે. ગાંધીસમાધિ પર કોતરાયેલા ‘હે રામ’ શબ્દમાં ‘હે’ને બદલે ‘phew’ને તેમણે મૂકી દીધો છે. આ ઉદ્ગાર હાશકારો, કંટાળો કે થાક દર્શાવવા માટે વપરાય છે.
****
સુરેન્દ્રના આ કાર્ટૂનમાં પણ ક્યાંય ગાંધીને દર્શાવાયા નથી કે નથી તેમના કોઈ પ્રતિક કે સિદ્ધાંતોનો ઉલ્લેખ. અહીં સહારો લેવામાં આવ્યો છે ગાંધીજીના જીવનની એક ઘટનાનો. દક્ષિણ આફ્રિકા ગયેલા વકીલ મોહનદાસ ગાંધીને ટિકીટ હોવા છતાં પ્રથમ વર્ગના ડબ્બામાંથી હાંકી કાઢવામાં આવ્યા. આ ઘટના મોહનદાસમાંથી ‘ગાંધી’ના રૂપાંતરણ માટે ચાલક બની હતી.
એલ.જી.ટી.બી. (લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડર, બાયસેક્સ્યુઅલ) સમુદાયને પ્રતિબંધિત ઠેરવતો ચુકાદો સર્વોચ્ચ અદાલતે 2013માં આપ્યો. અહીં મોહનદાસ ગાંધીવાળી ટ્રેનની ઘટનાનું પુનરાવર્તન દેખાડ્યું છે અને આ સમુદાયના પ્રતિનિધિરૂપ મુસાફરને ટ્રેનમાંથી હાંકી કાઢતો બતાવાયો છે. અતિશય લઘુમતિમાં તેમજ ઘણે અંશે અસંગઠિત રહેલા આ સમુદાયને જાગ્રત થવા માટેની આ ‘ગાંધીક્ષણ’ છે એમ કાર્ટૂનિસ્ટ સૂચવવા માંગે છે કે કેમ એ ખ્યાલ નથી. પણ એ હકીકત છે કે તાજેતરમાં જ સર્વોચ્ચ અદાલત દ્વારા મંજૂર કરાયેલા ‘રાઈટ ટુ પ્રાઈવસી’ (અંગતતાનો અધિકાર)ને લઈને આ સમુદાયને તેના હક્કો આપમેળે પ્રાપ્ત થઈ ગયા છે.
****
ગાંધીજીનું જગવિખ્યાત અવતરણ છે: ‘Be the change you wish to see in the world.’ એટલે કે જગતમાં તમે જે પરિવર્તન જોવા ઈચ્છતા હો એનો પ્રારંભ (બીજાને બદલવાને બદલે) પોતાનાથી જ કરો. આ અવતરણને અમેરિકન કાર્ટૂનિસ્ટ બ્રેડફોર્ડ વીલીએ પોતાની રીતે દર્શાવ્યું છે.
‘ફીલને શું થઈ ગયું?’ પ્રાચીન યુગના કોઈ સમ્રાટ જેવો પોષાક પહેરીને ઑફિસમાં ફરતા ફીલને જોઈને એક કર્મચારી બીજીની પૂછે છે. એ મહિલા કર્મચારી જવાબમાં કહે છે: ‘તે મહાત્મા ગાંધીને પુષ્કળ વાંચી રહ્યો છે. પોતે જગતમાં જે પરિવર્તન જોવા ઈચ્છે છે એ બનવાનો ફીલનો આ માર્ગ છે.’
આ કાર્ટૂનનો સંદર્ભ સ્પષ્ટ નથી, પણ એક શક્યતા એ છે કે પોતાની ઑફિસમાં સમ્રાટ જેવું વર્તન કરી રહેલો બૉસ ફીલ હોઈ શકે. પણ એ હકીકત છે કે ગાંધીજીને વાંચે એટલે તેમના પ્રભાવમાં આવ્યા વિના રહેવાય નહીં. ભલે ને તેનું અર્થઘટન પોતાની રીતે કરવામાં આવ્યું હોય!

‘Phil has been reading a lot of Mahatma Gandhi, and this is his way of being the change he wants to see in the world.’
****
ગાંધીજી પાસે રહેલું ત્રણ વાંદરાવાળું રમકડું જગપ્રસિદ્ધ છે. ‘બૂરું જોવું નહીં’, ‘બૂરું સાંભળવું નહીં’ અને ‘બૂરું બોલવું નહીં’ સૂચવતા ત્રણ વાંદરાઓ અનુક્રમે કાન, આંખ અને મોં પર પોતાની હથેળીઓ ઢાંકીને બેઠેલા બતાવાયા છે. આ પ્રતીક પર અનેકવિધ સંદર્ભોવાળાં અસંખ્ય કાર્ટૂન બન્યાં છે. તેમાં રાજકારણવિષયક અનેક કાર્ટૂનો હોય જ. અહીં સાવ જુદા સંદર્ભવાળું એક કાર્ટૂન જોઈએ.
અમેરિકન કાર્ટૂનિસ્ટ ડેન રેનોલ્ડ્સે બનાવેલું આ કાર્ટૂન પસંદ કરવાનું કારણ એ કે તેમાં લાક્ષણિક અમેરિકન હાસ્યનો પણ પરિચય મળે છે. અમેરિકન હાસ્યમાં સામાન્યપણે કોઈ પણ વિષયને વર્જ્ય ગણવામાં આવતો નથી. વાંદરાઓએ આપેલી સોનેરી સલાહોને અહીં વૃદ્ધાવસ્થા સાથે સાંકળીને તેના સંદર્ભે લાગુ પાડવામાં આવી છે. ‘બૂરું જોશો નહીં, કારણ કે, (એમ કરવા જતાં) તમે ફરી વખત તમારાં ચશ્મા ભૂલી જશો.’ ‘બૂરું સાંભળશો નહીં, કારણ કે (એમ કરવા જતાં) તમે ફરી વખત તમારું શ્રવણયંત્ર ભૂલી જશો.’ અને ‘બૂરું બોલશો નહીં’, કારણ કે (એમ કરવા જતાં) તમે ફરી વખત ચોકઠું પહેરવાનું ભૂલી જશો.’
આમ, તદ્દન મૌલિક સંદર્ભે આ સલાહ આપવામાં આવી છે.

See no evil, Hear No Evil, Speak no evil. . .
****
આ કડીમાં આપણે કેટલાંક એવાં કાર્ટૂનો જોયાં કે જેમાં ગાંધીજી પ્રત્યક્ષપણે બતાવાયા ન હોય, છતાં તેમનો કોઈ ને કોઈ રીતે સંદર્ભ લેવાયેલો હોય. ગાંધીજી હોય કે ન હોય, આ સંદર્ભો એટલા સ્પષ્ટ અને સાર્વત્રિક છે કે ચીતરનાર માની જ લે છે કે જોનાર તે સમજી જશે અને માણી શકશે.
આગામી કડીમાં વધુ એક નવા વિષય પર ગાંધીજીનાં વ્યંગ્યચિત્રો સાથે મળીએ.
(ક્રમશ: )
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
Nice reading. Though I do not like MKG.