લ્યો,આ ચીંધી આંગળી : શાંતારામની સામગ્રીવાળા…. (3)

Facebooktwitterredditpinterestlinkedinmail

-રજનીકુમાર પંડ્યા

(ગતાંકથી ચાલુ)

“હિંદી ફિલ્મ બનાવો છો ?” વિજયદેવે હીરાલાલ પટેલને પૂછ્યું, “તો જોડાઉં.”

“હા” જીવનકલા પિકચર્સના માલિક હીરાલાલ પટેલે કહ્યું, “હિંદી ફિલ્મ. એ પણ મોટા બજેટની- ભારતની આઝાદીના વિષય સાથે સંકળાયેલી. એશિયાના સૌથી મોટા અને બ્રાન્ડ ન્યુ ફેમસ સ્ટુડિયોમાં બનાવું છું… સંગીત જ્ઞાનદત્તનું છે. વાર્તાકાર અને ડાયરેક્ટર પ્રખ્યાત કુલભુષણ અગ્રવાલ છે. કાસ્ટમાં સપ્રુ અને નયનતારા છે. હવે તમારી જ જરૂર છે. તમારી ખ્યાતિ સાંભળી છે એટલે કહું છું. આવી જાઓ !”

વિજયદેવ જોડાઈ ગયા. ફિલ્મ બની ગઈ, નામ “હુઆ સવેરા.” પણ જરા ભારે-ગંભીર બની ગઈ હતી. ડિસ્ટ્રીબ્યુટરો લેવા તૈયાર નહીં. ચાર લાખનું આંધણ થઈ ગયું હતું. સૌ મુંઝાયા હતા. ત્યાં વિજયદેવે રસ્તો સુઝાડ્યો. એને હળવું બનાવવા એકાદ ડાન્સ, એકાદ ગીત નાખો મહીં –“મતલબ કે પાછો ખર્ચો ?” હીરાલાલ ગર્જ્યા, “હવે તો નાસ્તાના પૈસા માંડ બચ્યા છે.” જવાબમાં વિજયદેવે કહ્યું, “નાસ્તો ન કરો, શુટિંગ કરો. મને ટ્રાય કરવા દો.”

વીસ છોકરા અને વીસ છોકરી રોકીને વિજયદેવે જાતે જ સાડા છ મિનિટનો ડાન્સ શૂટ કરાવ્યો. એ વખતે ‘ઉડન ખટોલા’વાળા ડાયરેક્ટર સની આવીને બાજુમાં બેસે. બોલ્યા, “યે લડકા હોનહાર હૈ.” આ શબ્દોથી ચાનક ચડી. અઠવાડિયાનું શૂટિંગ બે દહાડામાં પૂરું કરાવ્યું. ફિલ્મમાં નાખ્યું. અને જાદુ થયો કે ડિસ્ટ્રિબ્યુટર પ્રયોગ ખાતર ફિલ્મ લેવા રાજી થયા અને ફિલ્મ રિલીઝ થઈ. ચોતરફ એના રિવ્યુ થયા… એમાં ‘ફિલ્મ ઈન્ડિયા’વાળા બાબુરાવ પટેલે આખી ફિલ્મને વખોડી નાખી. માત્ર વિજયદેવે કરેલા કામની મોંફાટ પ્રશંસા કરવામાં આવી. લખ્યું હતું,”ઈટ ઈઝ ધ ઓન્લી રિલીવિંગ ફીચર…” એક માત્ર રાહતરૂપ પાસું… આ ડાન્સ સિકવન્સ… ગમે તેમ. સૌ રાજી થયા.

એમાં એક છાપાએ વિજયદેવને નવું જ બિરૂદ આપી દીધું. એ લોકોએ શોટ ઝડપનારનું નામ તો જાણતા નહોતા.પણ લખ્યું કે, “આ દૃશ્ય ઝડપનાર કોઈ ‘મિનિ શાંતારામ’ લાગે છે, તેમને અમારાં ખોબેખોબા ભરીને અભિનંદન.” વિજયદેવ એટલે વિ. જયદેવ, શબ્દવિસ્તારે વાગડિયા જયદેવલાલને આટલું વાંચીને જિંદગી સાર્થક થતી લાગી.

‘જીવનકલા પિક્ચર્સ’વાળા હવે ઠેઠણે ઠેં હતા. ઓફિસ તો ફેમસ સ્ટુડિયોમાં રાખી હતી, પણ નવી ફિલ્મ કાઢવાના પૈસા નહોતા. વિજયદેવ પણ ક્યારેક નિરાશ થઈને નિ:સાસા નાખી લેતા હતા.એ દિવસોમાં મોટી મોટી ભાવપ્રણવ આંખોવાળો, પણ રુક્ષ ચહેરા અને રણકદાર અવાજવાળો એક પાતળિયો જુવાન પોલિસની નોકરીમાંથી નવરો પડતો એટલે એની પાસે આવીને બેસતો. અને પાંચસો પંચાવન જેવી મોંઘી સિગારેટના ડબ્બામાંથી બીડીનાં ઠૂંઠાં કાઢીને સતત પીધા કરતો. બનારસ બાજુનો હતો. એનું નામ હતું પંડિત કુલભુષણ.એ એક વાક્ય વારંવાર વિજયદેવનો ખભો થાબડીને કહ્યા કરતો : “યાર,ઈટ ઈઝ ધ કોન્ફિડન્સ વ્હીચ મેટર્સ…” દોસ્ત, આત્મવિશ્વાસ જેવી બીજી કોઈ જાદુઈ ચીજ આ દુનિયામાં નથી.”

આગળ ઉપર આ કુલભુષણ પંડિતનો આત્મવિશ્વાસ કમસે કમ એના પોતાના કિસ્સામાં તો કામ કરી ગયો હતો. પોલીસ ઓફિસરની કટકીપ્રદ નોકરી છોડીને આવેલો એ કુરૂપ લાગતો જુવાન પાછળથી હિંદી ફિલ્મોનો મશહૂર હિરો બન્યો. એનું નામ રાજકુમાર. કયો રાજકુમાર ? એ સમજ્યા, જાની !

**** **** ****

જીવનકલા પિક્ચર્સની ઓફિસનું ભાડું ચડી ગયું. મિનિ શાંતારામનો પગાર તો જાણે સમજ્યા, પણ ચાવાળા મદ્રાસી શેટ્ટીનું બસો રૂપિયાનું બિલ પણ ચડી ગયું હતું. ત્યાં જ સૌરાષ્ટ્રમાંથી એક તાર આવ્યો : “અમારે ફિલ્મ ઉતારવી છે. યોજના કરીને મોકલો.” જવાબમાં તાર મોકલ્યો : “રૂબરૂ આવો.” તાર મળતાં જ સૌરાષ્ટ્રના મિસ્ટર વોરા નામના સદગૃહસ્થ આવ્યા. ઓફિસ બતાવી. પછી હોટેલમાં ઉતારો આપ્યો. એવા દમામદાર જણને સાથે ટેક્સીમાં લઈને જતા હતા હતા ત્યાં અંજાઈને એક ઓળખીતાએ પૂછ્યું, “વિજયદેવ, હમણાં શું ચાલે છે ?” વિજયદેવ મરકીને બોલ્યા, “એક ગુજરાતી ફિલ્મ ઉતારીએ છીએ.” પેલો ઓળખીતો માણસ અમસ્તો સામે ય જોતો નહોતો પણ આજે બોલ્યો, “અમારા સ્ટુડિયોમાં આવો. શ્રી સાઉન્ડ સ્ટુડિયો, અંધેરી, ક્રેડિટ પણ આપીશ…”

સૌરાષ્ટ્રથી આવેલા મિસ્ટર વોરા તો સાંજે “હા…હો” કરીને પાછા દેશમાં જતા રહ્યા. પણ જતી વખતે જાત વળતની ટિકિટના પૈસા ઉછીના માગી લેવાનું ના ભૂલ્યા.વચન મૂકતા ગયા, “સ્ટોરી શોધી રાખજો. હું પાછો આવીશ”, ને થોડો દમામ, આજુબાજુ સ્પ્રે કરી શકાય એટલો છોડતા ગયા એટલે એમના ગયા પછી વિજયદેવ અને મંડળીનું કામ આસાન થઈ ગયું.

હીરાલાલ પટેલે વિજયદેવને પૂછ્યું, “કઈ સ્ટોરી લઈશું ?”

એ વખતે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’એ એક વાર્તા હરીફાઈ યોજી હતી. એમાં પહેલું ઈનામ એક દક્ષિણ ભારતીય લેખક આર.કે. નારાયણને મળ્યું હતું. એ વાર્તાનું નામ હતું મિસ્ટર સંપત. વિજયદેવની હીરાપારખુ દૃષ્ટિને એ બહુ ગમી હતી. એટલે એમણે કહ્યું. “એ જ વાર્તા લઈએ. હું ભાવ પુછાવી જોઉં છું.”

ભાવ પુછાવ્યો. 1950ની આસપાસના એ ગાળામાં આર. કે. નારાયણે એ વાર્તાના રૂપિયા પંચોતેર હજાર માગ્યા. વિજયદેવ ઠરી ગયા. આટલા બજેટમાં તો એક નાનકડી ફિલ્મ બની જાય. ખેર, બીજી વાર્તા શોધીએ. વિનોદકુમાર નામના એક લેખક વરસોવા રહેતા હતા. ખુદ સારા સ્ટેજ-અભિનેતા પણ ખરા. વિજયદેવને લોકલ ટ્રેનની રોજિંદી મુસાફરીને કારણે ઓળખે. તેમની એક વાર્તા વિજયદેવને ગમી. ભાવ પૂછ્યો તો કહે વીસ હજાર ! બગાસું ખાતાં ખાતાં વિજયદેવ બોલ્યા : “ભાવ બહુ ઓછો કહેવાય, પણ અમને પોસાણ નથી.”

પાછળથી ‘મિસ્ટર સંપત’ પરથી મદ્રાસના વાસન સ્ટુડિયોએ મોતીલાલને હીરો તરીકે લઈને ફિલ્મ બનાવી, જે સુપરહિટ ગઈ. જ્યારે વિનોદકુમારની વાર્તા પરથી વિનોદકુમારને જ હીરો તરીકે લઈને શાંતારામે ‘સુરંગ’ નામની ફિલ્મ બનાવી. વિજયદેવને આ જોઈ-સાંભળીને પોતાના જજમેન્ટ બદલ લાખ રૂપિયાનો એવોર્ડ મળ્યો અને ગયો એવું લાગ્યું.

ખેર, હવે સ્ટોરી માટે નજર ક્યાં દોડાવવી ?

ગુજરાતના મહાન લેખકો પર નજર કરી. શા માટે ર.વ. દેસાઈને જ ન લેવા ? એ વડોદરા રહેતા હતા. પત્ર લખ્યો. એપોઈન્ટમેન્ટ લીધી. વડોદરાના ‘કલ્લોલ’ નામના મકાનમાં એ રહેતા હતા. મળવા ગયા ત્યારે વિજયદેવને જોઈને એ બહુ નવાઈ પામી ગયા. તમારા લેખો, પત્રવ્યવહાર, એપ્રોચ પરથી તમને હું બહુ પીઢ-પાકટ માનતો હતો ને તમે તો…’

“આપ 62ના, હું 26નો,” વિજયદેવ બોલ્યા, “ઊલટસૂલટ.”

એમની દીકરી હતી. આતિથ્ય માટે તો ર.વ. દેસાઈ બહુ જ પ્રખ્યાત. હોટેલ, સિનેમા, ચા-પાણી, આઈસક્રીમ. વીસ જણાનું કુટુંબ. કોઈ ને કોઈ સાથે આવે. વીસ યજમાન વચ્ચે વિજયદેવ એકલા અતિથિ. બે દહાડા આતિથ્ય માણ્યું પછી વાતનો ચાન્સ લીધો.એમની વાર્તાઓ એમના મોંએ સાંભળી. વિજયદેવને ફિલ્મ માટે ન જચી. “તમે શું માગો છો એ હું સમજતો નથી.” એમ ર.વ. દેસાઈ એક વાર બોલ્યા તો વિજયદેવ મક્કમતાપૂર્વક બોલ્યા, “સાહિત્ય આગળ છે ને સિનેમા પાછળ છે એમ ન માનશો, સાહેબ.એ ઘણું ગંભીર માધ્યમ છે. આપની સ્ટોરી સિનેમાને યોગ્ય નથી.”

ર.વ. દેસાઈ વિજયદેવની હિંમત પર ખુશ થયા. પછી એમણે ‘ઝંઝાવાત’ નામની પોતાની નવલકથા આપી. વિજયદેવ એમને ત્યાં જ રહી પડીને રાતોરાત વાંચી ગયા. એ પણ મનમાં બેઠી નહીં. હવે શું કરવું ? એવામાં અચાનક એમના મનમાં દામુ સાંગાણીનું નામ ચમકી ઊઠ્યું. એમની વાર્તા પરથી બનેલી એક ફિલ્મ ‘વારસદાર’ જબરી હિટ ગઈ હતી. હરસુખ કિકાણી-નલિની જયવંતની જોડીએ ગજબ સર્જ્યો હતો. એના ગીતો ઉપરાંત “સસરીના, સોડા તો પી” જેવા ડાયલોગ પણ લોકોને મોઢે ચડી ગયા હતા. એમને કેમ વાર્તા માટે ન લખાય ?

ર.વ. દેસાઈના ઘરે બેઠાં બેઠાં જ દામુ સાંગાણીને પત્ર લખ્યો : “તમારી એક વાર્તા ફિલ્મ માટે જોઈએ છે. જુઓ, આ પત્ર તમને ર.વ. દેસાઈના ઘેરથી એમના જ કલમ-કાગળથી લખી રહ્યો છું. મારી વાતનું વજન સમજશો.”

દામુ સાંગાણીએ જવાબમાં ‘મુરતિયો’ નામની સ્ક્રિપ્ટ મોકલી. લખ્યું. ”મને ગમતી આ વાર્તા છે. પણ તમારી વાતનું વજન સમજીને માત્ર રૂપિયા સાતસોમાં આપું છું.” એ વાર્તા મુરતિયો પર વિજયદેવે કામ કર્યું, સ્ક્રિપ્ટ-સંવાદો બનાવ્યા. પછી દામુભાઈને એ જોવા મુંબઈ બોલાવ્યા. વાંચીને દામુભાઈ બોલ્યા : “મારી આ વાર્તા પર પાંચ-છ જણાએ પેપરવર્ક કર્યું છે, પણ તમારું એમાં શ્રેષ્ઠ છે.”

વિજયદેવે પેલી કાઠિયાવાડી પાર્ટીના ફાઈનાન્સથી હરસુખ કિકાણી, નંદિની રોય, છગન રોમિયો, બબલદાસ, ચાંપશીભાઈ નાગડા, કાંતિલાલ અને નર્મદાશંકર વગેરેને કાસ્ટમાં લઈને, અવિનાશ વ્યાસનું સંગીત મઢીને પાંચ રીલ પિક્ચરનું શૂટિંગ પણ કરી નાખ્યું અને પાંચ ગીત પણ તૈયાર કરી નાખ્યાં. ફિલ્મનું નામ ‘મુરતિયો’ બદલીને રાખ્યું ‘જમાઈરાજ.’ આ પાંચ રીલોની ટ્રાયલ લેબોરેટરીમાં જોઈ રહ્યા હતા ત્યારે એક વાર રાજ કપૂર આવી ચડ્યા હતા. એમણે પણ ટ્રાયલ જોઈને ડાયરેક્ટરનું નામ પૂછ્યું. વિજયદેવ આગળ આવ્યા. એમની જ ઉંમરના હતા. રાજ કપૂરે રાજી થઈને એમના ખભે હાથ મૂક્યો, કહ્યું. ‘ધ ટેકિંગ ઈઝ એક્સેલેન્ટ.’ અભિનંદન આપ્યા.

પણ પછી ખર્ચી ખૂટી અને એની જોગવાઈ કરી ત્યાં ફેમસ સિને લેબોરેટરીમાં ભયંકર આગ લાગી.’જમાઈરાજ’ નેગેટિવ સહિત એમાં સળગી મરી. એક જણે રાખ રાખ હથેળીવાળા વિજયદેવને આશ્વાસન આપ્યું તો એ આંસુભીની આંખે બોલ્યા, “આજે સમજાયું કે એક સ્વપ્ને સવાર પડી જતી નથી.”

**** **** ****

દિગ્દર્શક તરીકે કામ કરનાર માટે ફરી નોકરી કરવાનો વારો આવ્યો. એક જાહેરખબરના અનુસંધાને મુંબઈની મુનરાઈઝ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનમાં કાર્યકારી મેનેજરની જગ્યા પર ગોઠવાઈ ગયા. આઘાત તો હતો જ, છતાં નવી નોકરીમાં પણ દિલ દઈને કામ કરવું પડે. કર્યું તે એવું કે એમની જુની ફિલ્મોમાંથી નાણાં રળી આપ્યાં. એ નાણાંમાંથી ‘સૌભાગ્ય’નામનું એક સેટ પરનું મરાઠી ચિત્ર એની સફળતા પારખીને ખરીદી દીધું. ગ.દિ. માડગુળકરની વાર્તા. માડગુળકરે પોતે એ ફિલ્મમાં સુંદર રોલ કર્યો હતો. સુધીર ફડકેનું સંગીત અને દત્તા ધર્માધિકારીના ડાયરેકશનવાળી આ ફિલ્મને વિજયદેવે મુંબઈના મેજિસ્ટિક અને કોહિનૂર થિયેટરમાં રિલીઝ કરાવી. સૌ એમની આ નાદાનિયતને કારણે સંશયમાં હતા, પણ ફિલ્મે ત્રીજા જ સપ્તાહે રોકેલાં નાણાં એમને પાછા અપાવી દીધાં. હવે સૌ એમની આ દૂરંદેશી પર વારી ગયા.

પણ આ વખતે બીજા રોગે માથું કાઢ્યું. હૃદયમાં સખત દાહ અને દુખાવો શરૂ થયો. વિજયદેવ ‘સૌભાગ્ય’નો શો જોવા બેસતા તો પણ છાતી પર હાથ રાખીને બેસવું પડતું. અનેક ડોક્ટરોની દવા કરી. કશો જ ફેર પડ્યો નહીં.

માત્ર એક માસની રજા લઈને વિજયદેવ દેશમાં જેતપુર આવ્યા. સાવ પથારીવશ રહીને આરામ કર્યો અને ઠીક થતાં ફરી મુંબઈ જવાની તજવીજ કરી તો ફરી ઈતિહાસનું પુનરાવર્તન થયું; મુંબઈથી તાર આવ્યો કે મુનરાઈઝ પિક્ચરવાળા શેઠનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. વિજયદેવે મુંબઈ જવાનું જ માંડી વાળ્યું.

**** **** ****

“ફિલ્મલાઈન તમારા નસીબમાં નથી, જયદેવભાઈ.” એક વાર એક મિત્રે જેતપુરમાં મારી હાજરીમાં કહ્યું હતું. એ વખતે હું-રજનીકુમાર-સાવ કિશોરવયનો હતો અને જયદેવભાઈને બહુ અહોભાવપૂર્વક જોતો હતો. એમના વ્યક્તિત્વથી અંજાયો હતો અને એમની વાતોથી પણ. ફઈબા હરિબા પ્રત્યેની એમની ભક્તિ-સેવા બેનમૂન હતી. વિજયદેવ (જયદેવભાઈ) એ વખતે બિલકુલ ર.વ. દેસાઈની નવલકથાના યુવાન જેવા લાગતા હતા : છૂટી પાટલીનું ધોતિયું, સફેદ ઝભ્ભો, ઘાટીલા હોઠ અને હડપચી, પહોળું કપાળ, સ્વપ્નિલ આંખો અને વાંકડિયા વાળ. ખાસ તો એમની બેફિકરી મસ્તીવાળી ચાલ.એની નકલ કરવાનું નાદાનપણે મન થતું. એમની આ બધી જામ હોઠ સુધી આવીને છીનવાઈ જવાની કથા તો હમણાં, છેક પાછળથી જાણવા મળી. પણ એ વખતે તો મને એ ફિલ્મી ગ્લેમરથી ભર્યાભર્યા લાગતા. રોજ સાંજે હું, એ અને મારા મિત્ર રતિલાલ માંગરોળિયા (અત્યારે જેતપુરના પ્રતિષ્ઠિત વકીલ) સાથે ફરવા જતા ત્યારે એમનાથી વયમાં અઢાર વર્ષ નાનો હોવા છતાં મને એ શાંતિથી, સમજાવીને વિગતે વાતો કરતા. એમના સ્વરમાં એક છૂપો ડૂમો હતો. એમાં છુપાયેલું તીવ્ર રુદન તો મને બહુ મોડેથી સંભળાયું.

“ફિલ્મલાઈન નસીબમાં નથી. શક્તિઓ તો પારાવાર છે પણ પ્રારબ્ધ નથી.” એમ સમજીને જયદેવભાઈ એ પછી 1942ની સાલમાં છોડેલા અભ્યાસને ફરી સાંધવામાં લાગ્યા હતા. એમણે બી.એ. પાસ કર્યું એક્સર્ટનલ. પછી એમ.એ. નો કોર્સ પણ કર્યો. અને પરીક્ષા આપવા અમદાવાદ ગયા.

પણ પરીક્ષાખંડમાં એમ.એ.નું છેલ્લું પેપર આપતા હતા ત્યાં બહારથી કોઈ બોલાવે છે એવો સંદેશો આવ્યો.

બહાર જઈને જોયું તો ફિલ્મલાઈનના જ કેટલાક જૂના મિત્રો હતા ! નવા પિક્ચરનું મુર્હૂત કરવા માગતા હતા અને તેમાં વિજયદેવને જોતરવા માગતા હતા. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કાલે મુર્હૂત કરવું પડે એમ હતું. એમને જો આજે ને આજે ઝડપી લેવામાં ન આવે તો પાછા જેતપુર જતા રહે, એટલે ચાલુ પરીક્ષાએ ઝડપ્યા હતા !

એટલે ફરી કિસ્મત એમને અમદાવાદથી અપહ્યત કરીને મુંબઈ લઈ ગયું – ફિલ્મ દિગ્દર્શન માટે !

**** **** ***

થોડા દિવસમાં વિજયદેવ જેતપુરમાં ફરી નજરે પડ્યા. ફરી એમની સાથે હું નમતી સાંજે જૂનાગઢની સડકે ફરવા ગયો. વાત સાંભળવા હું ઉત્સુક હતો. એમણે કહ્યું : “જમાઈરાજ” ફરી શરૂ કર્યું છે. આ વખતે એમાં રિટા રોય અને ચંદ્રકાંત સાંગાણી હીરોઈન અને હીરો છે. બહુ થોડા જ દિવસ માટે જેતપુર આવ્યો છું – માત્ર નોકરી છોડવા માટે જ…’

રિટા રોય અને ચંદ્રકાંત સાંગાણી ‘જમાઈરાજ’માં

એમની આંખમાં રાખમાંથી ફરી બેઠા થયેલા ફિનિક્સ પંખીની આંખોનો ચમકારો હતો.

મેં પૂછ્યું : “રીટા રોય ? એ વળી કોણ ?”

એ બોલ્યા : “ફિલ્મી માણસ નાનુભાઈ દેસાઈની દીકરી છે (પાછળથી ચંપક ઝવેરીની પત્ની) એનું આ પહેલું જ ચિત્ર છે. શું છોકરી છે, ને શું કામ કરે છે !”

એમની વાત સાચી નીકળી. એ જ રીટા રોય પાછળથી બિંદુ નામની મશહૂર અભિનેત્રી બની. અભિનય અને સેક્સ અપીલ બન્નેમાં એનો એક સમયે જોટો નહોતો.

રિટા રોય (બિંદુ) સહનૃત્યાંગના સાથે ‘જમાઈરાજ’માં

વિજયદેવ ખરેખર પરખંદા હતા. ફરી એ મુંબઈ ગયા અને પાછા આવ્યા ત્યારે મને મળવા સીધા મારે ઘેર આવ્યા. એમના હાથમાં બે રેકોર્ડઝ હતી. કહે, “જુઓ, મારી ફિલ્મનાં પાંચ ગીત પણ રેકોર્ડ થઈ ગયાં.” એક મુકેશે ગાયેલું હતું. એક ગીતા દત્તે ગાયેલું, એક આશા ભોંસલેનું. એમની પાસે ગ્રામોફોન નહોતું એટલે મારે ત્યાં સાંભળવા-સંભળાવવા લાવ્યા હતા. અમે સાંભળ્યા. મધુર ગીતો હતાં. “નૈન ચકચુર છે, મન આતુર છે” અને “મારી નિંદરડી કોણે ચોરી” જેવા કંઈક શબ્દો હતા. અવિનાશ વ્યાસનાં ગીત-સંગીત હતાં. અગિયાર હજાર ફીટનું શૂટિંગ પણ થઈ ગયું હતું. ગોરેગાંવના ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં શુટિંગ થયું હતું. નિર્માતા પ્રાણલાલ ઉપાધ્યાય અને છગનલાલ ગોહિલ નામે લગભગ નવા નિશાળિયા હતા. જેમ તેમ કરીને ઉછીના રૂપિયા લઈનેએ લોકોએ આ બધું જોગવ્યું હતું. છેલ્લે “હું તને ગમું કે ના ગમું, તું મને ગમે” એ મુકેશના ગીતના રેકોર્ડિંગ વખતે તો મુકેશને માત્ર બારસો રૂપિયા મહેનતાણાના આપવાના હતા એ પણ એમની પાસે નહોતા.

આ બધી વાત સૂર્યાસ્ત સમયે ફરવા જતાં મને બે-ત્રણ દિવસમાં એમણે કરી હતી. કદાચ 1961 કે 62ની સાલ હશે.

ફરી એ મુંબઈ ગયા. રાતદહાડો જોયા વગર જેમ તેમ શુટિંગ જારી રાખ્યું. પરિણામ એ આવ્યું કે આ વખતે ત્રીજા રોગે દેખા દીધી. અને તે હતો એ સમયે મહાભયાનક ગણાતો ટી.બી. એકાંતરાં સ્ટ્રેપ્ટોમાઈસીનનાં ઈંજેક્શનો લેવા પડ્યાં. સાથોસાથ શુટિંગ પણ ચાલુ રહ્યું. આ તરફ સો ઈંજેક્શનો પૂરાં થયાં અને શુટિંગ પુરું થયું. માત્ર થોડા સ્ટોક શોટ્સ અને નહીં જેવું આઉટડોર જ બાકી રહ્યું હતું.

વિજયદેવે ફરી તબિયત સુધારવા જેતપુર આવવું જ પડ્યું. આ તરફ ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ પણ મળી ગયું. પણ ફિલ્મિસ્તાન સ્ટુડિયોનો ક્લિયરન્સ લેટર ના મળ્યો. ચાલીસ હજારના લેણા પેટે એમણે ફિલ્મની નેગેટિવ ડબ્બામાં પૂરી દીધી. પાછળથી વધીને 75000નો કર્જનો બોજ થઈ ગયો.

આ બધા સમાચાર તાર-ટપાલથી જયદેવભાઈ પાસે આવતા ત્યારે હું લગભગ એમની પાસે જ હતો. શરીર કંઈક વળ્યું, પણ મન ન વળ્યું. ઈતિહાસનું પુનરાવર્તન ત્રીજી વાર થયું હતું. શાંતારામ બનવાના દારૂગોળાવાળા માણસ માટે હવે મુંબઈની ભૂમિ કોઈ રીતે બરકતવાળી નહોતી.

સત્તર વર્ષની ઉંમરથી સજાવેલા અરમાનો ઉપર એમણે એકતાલીસ વરસની ઉંમરે રાખ વાળી દીધી. એ જેમના જેમના સંપર્કમાં આવ્યા હતા તે, નંદલાલ જશવંતલાલ પણ ‘નાગિન’ બનાવીને લાખો કમાયા. રિટા રોય બિંદુ બની ગયાં. ચંદ્રકાંત સાંગાણીએ અનેક સારી ફિલ્મો બનાવી. કુલભૂષણ પંડિત એક્ટર રાજકુમાર બની ગયો. અવિનાશ વ્યાસ સંગીતના આકાશમાં સૂર્ય બની ગયા.

છેવટે વિજયદેવને ત્યારે એમ.એ.ની ડિગ્રી ખપમાં આવી. પહેલાં થોડા સમય એ અમરેલીની ફોરવર્ડ સ્કૂલમાં શિક્ષક રહ્યા ને પછી જામનગરની એક હિંદી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ થયા. 1981માં રિટાયર્ડ થયા.

પંચોતેરની ઉંમરે એમણે એક સત્ય સારવ્યું : “મરીને મેળવવા જેવું આ ફિલ્મીલાઈનમાં કંઈ જ નથી. વિચારોના વાહન તરીકે આ માધ્યમ ઘણું ધીમું છે. એક વિચાર, એક સ્ટોરીને લોકો સમક્ષ લઈ જતાં બે વર્ષ લાગે ત્યાં તો એ વિચાર જુનો થઈ જાય. અને તેમ કરવા માટે માર્ગમાં કેટલાં બધાં વિઘ્ન ! નાણાં, કલાકારો, વિતરકો અને સિનેમાવાળા પર સતત આધાર. આ બધામાંથી સલામત નીકળી જવું લગભગ અશક્ય.શક્તિ સમયનો દુર્વ્યય છે. એટલે એ લાઈનનો મોહ જ છૂટી ગયો છે હવે તો…”

પછી રેડિયો-નાટકો અને હળવા નિબંધો તરફ એમણે પોતાની સર્જનાત્મક શક્તિને વાળી. અનેક રેડિયો-નાટકો લખ્યાં અને જામનગરના ‘નોબત’ નામના સુપ્રસિદ્ધ દૈનિકમાં વર્ષોથી કટારલેખન. કટાર અત્યંત લોકપ્રિય છે.

હા, નામમાં તો પહેલાંની જેમ વી. શાંતારામ જેવું જ. વિ-જયદેવ ! એટલી શેષ સ્મૃતિ ખરી ફિલ્મરોગની !

(નોંધ:

છેલ્લે એ પોતાનાં પત્ની નિર્મળાબહેન સાથે એમનું એક માત્ર સંતાન એવી પુત્રી નીલા (નલિની)ની સાથે ત્યાં જોગેશ્વરી રહેતા હતા. હું એમને મળવા પણ ગયો હતો એ વખતનો ફોટો આ સાથે છે જેમાં એમનાં પુત્રી પણ છે. એ પછી બહુ થોડા સમયે 2002 ની 4 થી જાન્યુઆરીએ લગભગ 80 વર્ષની વયે નિદ્રાવસ્થામાં જ એમનું અવસાન થયું.એ પછી દસ વર્ષે 2012 ની 23 જુલાઇએ પત્ની નિર્મળાબહેનનું પણ અવસાન થયું.

ડાબેથી: જયદેવભાઈની પુત્રી નીલા-જયદેવભાઈ-રજનીકુમાર

એ પુત્રી અને એના પરિવાર સાથે હું હજુ સંપર્કમાં છું.અમુક તસ્વીરો એમના સૌજન્યથી જ પ્રાપ્ત થઇ છે.

આ ઉપરાંત બીજા હપ્તામાં મૂકાયેલી જેતપુરની હરીબા મુખિયાણીની હવેલીની તસવીરો જેતપુરના મારા મિત્ર ગુણવંત ધોરડાના સૌજન્યથી મળી છે. ) ⓿

લેખક સંપર્ક:

રજનીકુમાર પંડ્યા,

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

5 comments for “લ્યો,આ ચીંધી આંગળી : શાંતારામની સામગ્રીવાળા…. (3)

 1. Piyush Pandya
  September 11, 2017 at 11:10 am

  ગરુડની ક્ષમતા હોવા છતાં ઉડવાને મુઠી આકાશ પણ ન મળ્યું. કેવી વિડંબના! વળી સમગ્ર વાત ખુબ જ રોચક શૈલીમાં કહી. આ વખતે પણ એક નવો શબ્દપ્રયોગ વાંચવા મળ્યો…. ‘ઠેઠણે ઠેં’!

 2. Vinod Darji
  September 11, 2017 at 12:32 pm

  નૈન ચકચૂર છે….. ગીત ‘મેંદી રંગ લાગ્યો’ માં ઉપયોગમાં લેવાયું હોવાનું યાદ છે. ગીત-સંગીત અવિનાશ વ્યાસ. મહમદ રફી- લતાજી ના અવાજ માં.

 3. Vinod Darji
  September 11, 2017 at 12:37 pm

  ‘રાખ રાખ હથેળીવાળા’ એક સાથે કેટલું બધું કહી જાય છે? લાંબા લાંબા વર્ણનો પણ અહીં ટૂંકા પડે.

 4. Gulabrai D. Soni
  September 12, 2017 at 6:40 pm

  Rajnibhai V.Jaydevs story is suprb. Very nice this the life.its up and down! nobody emegine what will happen. only God knows.Amen…..

 5. Ishwarbhai Parekh
  September 14, 2017 at 5:39 pm

  Gamyu bhai saheb ,kulbhushan ,rita ,no bhed samajayo .chakchur nayan pan samajaya abhinanadan prichay karavyo te mate .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *