





રૂપાંતરકાર – સુરેશ જાની
‘अबे …. ! रास्ते पर ऐसे थूंक मत । पुलिस देख लेगी तो तगडा फाईन देना पडेगा । बोल, मैं पुलिसको हेल्प लाईन पर खबर दे दुं? ‘
બારી ખોલીને એક ટેક્સી ડ્રાઈવરે બાજુના ઓટો રીક્ષાવાળાને આમ કહ્યું.
શા માટે? મધ્ય પ્રદેશમાં ઉદ્યોગ અને વેપાર વણજના સૌથી મોટા કેન્દ્ર એવા ઇન્દોરના રસ્તા પરનો આ સંવાદ એક અપવાદ રૂપ સંવાદ નથી. એ હવે રોજબરોજની ઘટના બની ગયો છે. ગંદકી કરનારની કાનપટ્ટી પોલિસ નહીં પણ, આમ ઠેર ઠેર લોકો જાતે પકડવા લાગ્યા છે. ૨૦૧૧ માં ૩૭ લાખની વસ્તી ધરાવતા ઇન્દોરમાં છેલ્લા અઢાર મહિનામાં એક નાનકડી ક્રાન્તિએ જન્મ લીધો છે. માત્ર અઢાર જ મહિના પહેલાં ઇન્દોર ગંદા શહેરોના લિસ્ટમાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું. આટલા ટૂંકા ગાળામાં દેશના બીજા બધા શહેરોને બાજુએ મુકીને સૌથી વધારે સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરનો પુનર્જન્મ થયો છે. આજની તારીખમાં જો તમે ઇન્દોરની મુલાકાત લો, તો જાહેર રસ્તા પર તો શું ? નાની નાની ગલીઓમાં પણ ક્યાંય કચરો, બણબણતી માખીઓ, રખડતા કુતરા કે ગાયો જોવા નહીં મળે – જાણે કોઈ જાદુગરે ‘ઈલમકી લકડી’ એની ઉપર ફેરવી દીધી છે.
કોણ છે એ જાદુગર? ૪૯ વર્ષની ઉમરના, ૨૦૦૯ ની IAS બેચના, ઇન્દોરના કમિશ્નર શ્રી. મનીશ સિંઘે માત્ર અઢાર મહિનામાં એની કાયાપલટ કરી દીધી છે. તેઓ એક સબળ, અને કલ્પના સભર સામાજિક નેતા અને કાબેલ અમલદાર સાબિત થયા છે. ૨૦૧૫માં તેમની નિમણુંક આ પદ પર થઈ ત્યારથી જ તેમણે શહેરના ગંદા વિસ્તારોનું લિસ્ટ બનાવવા માંડ્યું હતું. થોડાક જ દિવસમાં એમની ડાયરીમાં ૧,૮૦૦ જગ્યાઓનાં નામ જમા થઈ ગયાં હતાં ! આ નર્કાગાર જોઈ સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી કમ્પની અને મ્યુનિ. કોર્પોરેશના જવાબદાર અધિકારીઓ તરફ એમની રાતી ચોળ આંખ ફરવા લાગી. જાણે કે, ‘તાંડવ નૃત્ય કરતા શિવજી સાક્ષાત ઇન્દોરની ધરતી પર પ્રગટ થઈ ગયા ન હોય?’ – તેમ બળબળતા ઉનાળામાં પણ કડકમાં કડક શબ્દોની વર્ષા એમની વાણીમાંથી પ્રગટવા લાગી. મનીશ સિંઘ ઇન્દોરના કચરા સામે યુદ્ધે ચઢી ગયા.
ઇન્દોરનાં મેયર શ્રીમતિ માલિની લક્ષ્મણ સિંઘ ગૌડે એમને આપેલું પીઠબળ અને ઉત્તેજનનો ઉલ્લેખ ન કરીએ તો આપણે તેમને અન્યાય જ કર્યો કહેવાય. એ રાજકારણી બાઈ પણ નાગરિકોની સ્વચ્છતાની સૂઝના અભાવ સામે રાણી લક્ષ્મીબાઈની જેમ રણે ચઢી છે ! ઇન્દોરનો સમાવેશ ભારતના સ્માર્ટ સીટીમાં થાય એ માટે તેમણે ઇન્દોરના રહેવાસીઓને એલાન આપ્યું છે.
મનીશ સિંઘે એમના આ યજ્ઞની શરૂઆત ઘેર ઘેર થી કચરો એકઠો કરવાની પદ્ધતિ અમલમાં મુકીને કરી હતી. શહેરના રસ્તાઓ દિવસમાં ત્રણ વખત વાળવાની અને રોજ રાતે પાણીથી ધોવાની શરૂઆત પણ તેમણે કરાવી હતી. બીજી એક આશ્ચર્ય જનક બાબત એ છે કે, તેમણે શહેરમાં ગોઠવેલી ૧,૪૦૦ જેટલી કચરા પેટીઓ ઊઠાવી લેવડાવી હતી ! કારણ એ કે, સંસ્કારી શહેરી જનો પણ ચાલુ વાહને એમાં કચરો ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ ઉશેટતા હતા. ઘણી થેલીઓ ટૂટીને બહાર પડતી. એ કચરાપેટીઓ પોતે જ એક કચરા ધામ બની ગઈ હતી. કચરામાંથી સોનું ગોતતી લઘર વઘર સેના અને ભુખ્યાં કુતરાં અને ગાયો માટે આ કચરાપેટીઓ બાવા આદમના ખજાના જેવી બની ગઈ હતી ! ઘેર ઘેરથી કચરો ઉઘરાવવાની પદ્ધતિના પ્રતાપે આ ઉપદ્રવકારક બબાલ ટાળી શકાઈ છે. અલબત્ત, અગત્યની જાહેર જગ્યાઓએ કચરો નાંખવા માટે ૧૭૫ જેટલી નાની કચરાપેટીઓ અવશ્ય રાખવામાં આવી છે.
જાહેર શૌચાલયો પણ હવે ચોખ્ખાં ચણાંક રાખવામાં આવે છે. સમૃદ્ધ વિસ્તારોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું રહેતું હતું; એની જગ્યાએ હવે ઝુંપડપટ્ટી વિસ્તારો પણ ઉજળા થવા લાગ્યા છે. મુંબાઈની ‘ખાઉધરા ગલી’ કે અમદાવાદના માણેકચોક જેવા ઇન્દોરના ગંદકીથી ઊભરાતા, ‘સરફરા’ વિસ્તારની મુલાકાત ચોખલિયા લોકો લેતા ન હતા. સડતા ખાદ્ય પદાર્થો પર તેમ જ તૈયાર થયેલી વાનગીઓ ઉપર સતત માખીઓ બણબણતી રહેતી. હવે વિદેશી મુસાફરો પણ એ પ્રખ્યાત જગ્યાની મુલાકાત લેતાં થઈ ગયાં છે !
અધધધ ! રોજનો ૧૧૦૦ ટન કચરો. શહેરથી દૂર એને ઠાલવવાના સ્થળની પણ મુલાકાત લેવા જેવી છે. કચરો ઠલવાય પછી તેની નિષ્ણાત માવજત કરવામાં આવે છે. ભરાઈ ગયેલી જગ્યા બહુ જ થોડા વખતમાં નંદનવન જેવી બનાવી દેવામાં આવે છે. એ જગ્યાઓએ લીલાંછમ ઘાસ અને જાતજાતનાં ફુલોથી લહેરાતાં ઉધાનો આપણી આંખ ઠારે છે. પાછી ફરતી કચરાની ટ્રકોને પણ પાણીથી ધોઈ ચોખ્ખી ચણાક કરવામાં આવે છે. ખાલી થઈને શહેરમાં દાખલ થતી એ ટ્રકો પણ સદ્યસ્નાતા સુંદરીઓ જેવી લાગે છે ! પ્લાસ્ટિકની થેલીઓને બહુ ચોકસાઈથી જુદી પાડવામાં આવે છે, અને તેમને દબાવીને રિસાયકલ કરતાં કારખાનાંઓ ભેગી કરવામાં આવે છે.
ઇન્દોરની સાવ ટુંકી મુલાકાત લઈએ તો પણ આવી પીળી ટ્રકો આપણને અચૂક ભટકાતી જ રહે – (માત્ર ૮૦૦ ની સંખ્યામાં જ છે ! ) ૮૫ વોર્ડોનો સફાઈકામનો હવાલો સંભાળતા દરેક અધિકારીને જીપ આપવામાં આવી છે, જેથી સફાઈકામ પર તેઓ ચાંપતી નજર રાખી શકે અને ફરિયાદ આવે ત્યાં તરત દોડી શકે. આ અઢાર મહિનામાં જાહેર રસ્તા પર કચરો નાંખતાં પકડાયેલા લોકોને દંડ કરવાથી ભેગી થયેલી રકમ જ ૮૦ લાખ ₹ હતી ! જો કે, મ્યુનિ. ને હવે બહુ ઓછી દંડની રકમ મળે છે! આ જ રીતે સફાઈકામની ફરજ ન સંભાળતા ૬૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની હિમ્મત પણ મનીશે દાખવી હતી ! સફાઈકામ કરતા એમના લશ્કરમાં અત્યારે ૬,૫૦૦ તરવરતા સૈનિકો છે – જેમના હાથમાં રાઈફલ નહીં પણ ઝાડુ હોય છે ! રાજકીય પક્ષોની રેલીઓ વિ. જાહેર કાર્યક્રમો યોજતા સૌએ સફાઈ માટેની ખાસ ફી મ્યુનિ. ને ભરવી પડે છે. ઝુંપડપટ્ટીઓ અને રખડતાં ઢોરના માલિકો સામે પણ કોઈ શેહ શરમ વિના અને રાજકીય અને અસામાજિક તત્વોના દબાણોની ‘ઐસી તૈસી’ કરીને કડકાઈ અપનાવવામાં આવી છે. આ બધું મેયરશ્રીના આશિર્વાદ અને પીઠબળ વિના શક્ય ન જ બન્યું હોત. આ સાથે વહિવટી કુનેહથી સામુહિક જાગૃતિ લાવવાના અનેક સેમિનારો યોજી બધા સંબંધ કર્તા પરિબળોનો સાથ અને સહકાર પણ મનીશે મેળવ્યાં છે. છાપાં, સ્થાનિક ટીવી, સ્થાનિક રેડિયો પર સુમધુર ગીત કંડિકા ( jingle ), સ્થાનિક અખબારોમાં આકર્ષક જાહેર ખબર, જાહેર જનતા માટે શિક્ષણ અને જાણકારી, શાળાઓમાં બાળકોને પાયામાંથી સ્વચ્છતાની ભાવનાનું બીજારોપણ, વિગેરે મિડિયા અને કલ્પનાશીલ અભિગમ અપનાવવાનું અને વાપરવાનું પણ આ બાહોશ અધિકારી ચૂક્યા નથી. તેમનું અંગત પ્રદાન પણ આપણે નોંધવું જોઈએ. આ અભિયાનની શરૂઆત કરી ત્યારે મનીશનો દિવસ સવારના સાડા પાંચ વાગે શરૂ થતો અને રાતના દસ વાગે આથમતો ! નાગરિકોએ ભરેલ ટેક્સમાંથી આ અઢાર મહિનામાં ૬૦ કરોડ ₹ જેટલી માતબર રકમ ઇન્દોર શહેરે ખર્ચી છે. ખડી થયેલી રૂપકડી અમરાપુરીની ગરિમા નાગરિકોના ખિસ્સામાંથી આવેલા આ હિસ્સાના કારણે તો ખરી જ ને?
સૌથી મહત્વની વાત એ છે કે, હવે લોકોમાં પણ આશ્ચર્યજનક રીતે જાગૃતિ આવવા લાગી છે. ગંદકી કરતાં નાગરિકોને હવે એમનાં સ્વજનો, પાડોશીઓ અને સગાંઓ જ ટોકવા માંડ્યા છે – ઓલ્યા ટેક્સી ડ્રાઈવરની કની !
૨૦૧૫માં સફાઈના આંકમાં દેશમાં ૮૬ મું સ્થાન ધરાવતા ઇન્દોર શહેરે આજે આખા દેશમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. આ બહુ પાંખિયા , લશ્કરી ઢબના વ્યૂહ અને તેની સફ્ળતા માટે આપણે મનીશ સિંઘ અને ઇન્દોરનાં મેયરને લશ્કરી સલામ ભરીએ તો? ઇન્દોરના નાગરિકોના નવા જન્મેલા આત્મબળના ‘ક્લોન’નું પ્રત્યારોપણ આપણે આપણા પોતીકા આંગણામાં પણ કરતાં થઈએ તો?
——————————
આ વિડિયો જુઓ અને મનીશ સિંઘની પ્રેરક વાણી સાંભળો –
https://www.youtube.com/watch?v=6HFFLCVe1U8
સાભાર –
The Better India, Business Standard.
સંદર્ભ –
https://www.thebetterindia.com/114040/indore-madhya-pradesh-clean-garbage-free-india/
http://www.smartcityindore.org/
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
કચરાનો યોગ્ય રીતે, યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ નિકાલ એ જ ‘સફાઈ’; અન્યથા તો માત્ર ‘કચરાનું સ્થળાંતર’ જ!
વાત સાચી છે પણ શહેરી જીવનમાં શક્ય નથી. ખેતી થતી હોય ત્યાં રસોડાના કચરાને કંપોસ્ટ માટે વાપરી શકાય. બીજી ઘણી ચીજો રિસાયકલ કરાય અને એ માટે તંત્ર ઊભું કરવું પડે.
મારા એક ગાંધીવાદી મિત્ર કહેતા હતા કે કોઈકે ગુજરાત વિદ્યાપીઠનું ‘સફાઈ’ વિષય ઉપર Ph.D કર્યું છે. તેઓ રસપ્રદ એવાં દિવસો સુધીનાં ‘સફાઈકથા/પ્રવચનો’ આપી શકે છે. તમારા અમેરિકાની જેમ વિભાગવાર કચરો એકત્ર કરવાની પ્રથા લાવી શકાય. બાકી તો પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ દેશની ખેતીવાડીને નષ્ટ કરી દેશે. શહેરો કે ગામડાંમાં લોકો કચરાભેગું પ્લાસ્ટિક પણ બાળતા હોય છે અને આમ હવા પણ ઝેરી બને છે. દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યો તો પ્લાસ્ટિકના ખતરા સામે એટલાં સજાગ છે કે લોકો પ્લાસ્ટિકની થેલીઓના બદલે કાગળની થેલીઓ વાપરતા હોય છે. Man made fibre ના કારણે શણનો વપરાશ બંધ થઈ ગયો હોઈ શણની ખેતી પણ ઘટી ગઈ છે.
પ્રશ્ન બહુ જાણીતો છે. પણ ચાર વાત હોય તો કાંઈક થઈ શકે –
૧. સત્તા સ્થાનેથી કોઈની શેહ શરમ વિના , કડક હાથે શિસ્ત પાલન .
૨. પ્રજાના જાગૃત વર્ગનો સક્રીય ફાળો – પિકેટિંગ , દરેક વોર્ડમાં નજર રાખનાર નાગરિકોનું સ્વૈચ્છિક સંગઠન.
૩. જરૂરિયાતો ઘટાડવા માટે આંતરિક જાગૃતિ
૪. વૈકલ્પિક સાધનો વાપરવા માટેની તૈયારી
અહીં જ પ્રકાશિત થયેલ લેખ ‘ આ પણ પાસ્ટિક ‘ – ‘વેગુ’ પર કમભાગ્યે નથી માટે આ લિન્ક ….
https://gadyasoor.wordpress.com/2017/06/11/plastic-2/
ફરજ પ્રત્યે ની નિષ્ઠા અને સભાન દ્રષ્ટિ ને કારણે અને કંઇક કરી છૂટવાની તથા ચેલેન્જ ઉપાડવાની તૈયારી હોય તે અવશ્ય પરીણામ લાવી શકે છે…..