લવરબોય

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

‘કેમ છો લવરબોય?’ ફોન ઊંચકતાં આ સાંભળી અવિનાશ ચમક્યો. પછી કહ્યું ‘રોંગ નંબર’ અને ફોન મૂકી દીધો.

બીજી મિનિટે ફરી ફોન આવ્યો અને એ જ સવાલ. એટલે અકળાઈને અવિનાશે જવાબ આપ્યા વગર ફોન મૂકી દીધો. પણ સામે છેડેથી હાર ન માનનાર વ્યક્તિ હશે એમ લાગ્યું, કારણ ફરી ફોન આવ્યો અને ફરી એ જ સવાલ.

હવે અવિનાશે થોડાક ગુસ્સામાં કહ્યું, ‘બેન, આપ ખોટો ફોન લગાડી મારો અને તમારો સમય બગાડી રહ્યાં છો. જરા નંબર ફરી ચેક કરી લેશો?’

‘જી, હું સાચો જ નંબર લગાડું છું. આપ જાણીતા લેખક અવિનાશ દેસાઈ વાત કરો છો ને?’

‘હા, પણ તમે તો કોઈ લવરબોય એમ કહેતા હતા?’

‘એ તો તમારી વાર્તાઓને કારણે. લોકોમાં તમારી જે ઓળખાણ બંધાઈ ગઈ છે તેને અનુલક્ષીને હું વાત કરતી હતી.’

‘હું અને લવરબોય? કાંઈ સમજાયું નહી.’

‘તમારી બધી વાર્તાઓમાં નાયક એક પ્રેમી હોય છે અને પછી પ્રેમિકાને આંનંદ લઈ તરછોડી દે છે તેને અનુલક્ષીને તમારી ઓળખાણ લવરબોય તરીકે ગણાય છે. તમે પણ તે જાણતા હશો પણ અજાણ્યા હોવાનો ઢોંગ કરો છો.’

અવિનાશ મલક્યો. તેને ખબર હતી કે તેના ચાહકોમાં તે ‘લવરબોય’ના હુલામણા નામે ચર્ચાતો હતો. પરંતુ આજસુધી કોઈએ તેને આમ સંબોધ્યો ન હતો, એટલે થોડુક આશ્ચર્ય અને થોડોક ગર્વ થઈ આવ્યો.

‘આપની ઓળખાણ ન પડી. આપ કોણ અને ફોન કરવાનું પ્રયોજન?’

‘જી, એક ચાહક છું અને એ જ મારી ઓળખાણ.’

લાગે છે તો કોઈ હોશિયાર મહિલા, મનમાં વિચારી અવિનાશ બોલ્યો, ‘ભલે તેમ રાખો. પણ ફોન કર્યો એટલે ફક્ત વાત કરવા કે કોઈ અન્ય પ્રયોજન?’

‘હું આમ તો વડોદરા રહું છું, પણ કામસર મુંબઈ આવી છું એટલે વિચાર્યું કે તમારી મુલાકાત થાય તો એક લહાવો મળે. આપને વાંધો ન હોય અને અનુકૂળ હોય તો હું તમને મળવા આવી શકું?’

યુવાન અને અપરિણીત અવિનાશ હંમેશા યુવતીઓ પ્રત્યે કૂણી(!) લાગણી ધરાવતો. કોલેજકાળમાં પોતાની રોમિયોની ઓળખાણને હજી તેણે જાળવી રાખી હતી એટલે તો જાણેઅજાણ્યે તેનું આવા ચારિત્ર્યનું પ્રતિબિંબ તેની વાર્તાઓમાં દેખાઈ આવતું. વાચકો સમજતા કે અવિનાશની વાર્તાઓ એટલે ‘કાસાનોવા’ પ્રકારનો નાયક અને અંતે નાયિકા લટકવાની. પરંતુ અવિનાશની લેખિની એવી જાદુભરી હતી કે આ જાણવા છતાં પણ વાચકો તેની વાર્તાઓ વાંચતા, મજા માણતા અને પ્રશંસા પણ કરતા. આવું જ કોઈ પ્રશંસક અને તે પણ એક મહિલા છે તે જાણીને અવિનાશના મનમાં જાણે ‘કેડબરીના લડ્ડુ’ ફૂટ્યા.

‘લેખક મહાશય, ક્યાં ખોવાઈ ગયા?’ ફોનમાં અવાજ આવ્યો.

‘સોરી, હું જરા અન્ય વિચારમાં હતો. એક તો હું તમને ઓળખતો નથી અને આમ અચાનક આવી રીતે કોઈ મહિલા વાત કરે એટલે આશ્ચર્ય થાય ને? આમ તો હું સમયના અભાવે બધાંને મળી નથી શકતો પણ તમે વડોદરાથી આવ્યાં છો અને મારાં ચાહક છો એટલે તમને ના નહીં કહું. કાલે સાંજે પાંચ વાગે આપ આવી શકો છો. તમારો મોબાઈલ નંબર આપો તો આપને સરનામું SMS કરી દઉં.’

‘એની કોઈ જરૂર નથી. ચાહક છું એટલે બધી માહિતી રાખું છું.’

‘વાહ, બહુ સુંદર. પણ તમે તમારું નામ ન કહ્યું?’

‘એ તો રૂબરૂમાં મળીએ ત્યારે જાણી લેજો ને!’ કહી સામેથી ફોન મુકાઈ ગયો.

કમાલ છે આ નારી. નામ આપવામાં શું વાંધો? લવરબોય કહે છે તો તે મારી પહેચાનમાં હશે? પણ કોણ? અવાજ પરથી તો કોઈ અણસાર ન હતો. ચાલ મનવા, હવે કાલ સુધી રાહ જોવા સિવાય કોઈ ચારો નથી એમ વિચારી અવિનાશ પોતાના કાર્યમાં વ્યસ્ત થઈ ગયો.

બીજી સાંજે પાંચ વાગ્યા પણ પેલી મહિલાનાં દર્શન ન થતાં અવિનાશ અકળાયો. એક તો વ્યસ્ત કામકાજમાં તેને માટે સમય ફાળવ્યો અને તેને તેની કોઈ કિમત જ નહિ! પણ તે લાચાર હતો, કારણ કે તેની પાસે તે મહિલાનો સંપર્ક કરવાનાં કોઈ સાધન ન હતાં. જો હોત તો પોતાની વ્યસ્તતામાં આમ ખલેલ પાડી છે તે તરફ પોતાની નારાજગી જરૂર દર્શાવતે. ખેર, જો તેને મળવું હશે તો તે જ ફોન કરશે એમ માની પોતાના લેખનકાર્યમાં આગળ વધ્યો.

લગભગ છ વાગે ફોન રણકતાં અવિનાશે તે ઉપાડ્યો. સામેથી તે જ રણકારભર્યો અવાજ આવ્યો. ‘માફ કરજો, હું સમય સાચવી ન શકી. તમને વાંધો ન હોય તો હું હમણાં આવી શકું?”

એકવાર તો ના કહી દેવાનું મન થયું પણ પછી તેની પતંગિયાવૃત્તિએ તેને તેમ કરતાં અટકાવ્યો. તેમ છતાંય પોતે નારાજ છે તે તો દેખાડવું જ રહ્યું એટલે બોલ્યો, ‘જુઓ, હું એકદમ વ્યસ્ત છું. તમારે માટે મેં પાંચથી સાડા પાંચનો સમય નક્કી કરી ત્યારબાદ છ વાગે બહાર જવાનું રાખ્યું હતું એટલે આજે તો હવે શક્ય નથી. હા, કાલે જો તમે સમયસર આવવાનું વચન આપો તો સાંજે પાંચ વાગે આવી શકો છો.’

‘કાલે તો મારા પાછા જવાની ટિકિટ છે. શું આજે થોડુંક આમતેમ કરીને સમય ન આપી શકો? નહિ તો મને ન મળ્યાનો અફસોસ રહેશે.’

‘મને પણ’ એમ મનમાં વિચારી બોલ્યો, ‘મને આવતાં સહેજે દસ વાગશે. તમે તે પ્રમાણે દસ પછી આવી શકશો?’

‘દસ વાગે તો થોડું મોડું છે. જો સાડા નવે રાખો તો હું સમય સાચવી લઈશ.’

‘ચાલો, તમે કહો છો તો હું તે મુજબ પાછો ફરીશ પણ તમે વખતસર આવી જજો.’

રાતનો સમય અને વાતાવરણ પણ અનુકૂળ હશે એટલે એક નવા ફૂલને કદાચ માણવા મળશે એ વિચારે અવિનાશ મનમાં ને મનમાં પોતાની પતંગિયાવૃત્તિને પંપાળવા લાગ્યો અને તરેહ તરેહની રીતે તે કેમ અજમાવવી તેની યોજના બનાવવા લાગ્યો. બહાર જવાનું તો બહાનું હતું એટલે બાકીના સમયમાં તેણે ઘરને થોડુંક જરૂર મુજબ વ્યવસ્થિત કરી લીધું.

બરાબર સાડા નવના ટકોરે અવિનાશના ફ્લેટની ઘંટડી વાગી. એક-બે મિનિટ રાહ જોવા દેવામાં મજા છે એમ માની અવિનાશે દરવાજો ખોલવામાં વાર કરી. બે મિનિટ પછી ફરી ઘંટડી વાગી એટલે તે આરામથી ઊભો થયો અને દરવાજો ખોલ્યો. સામે એક સુંદર અને સપ્રમાણ બાંધાવાળી યુવતીને જોઇને વિચારોના વાવાઝોડાએ તે વિવેક ભૂલી બેઠો અને એક મિનિટ ઊભો જ રહ્યો.

‘અંદર આવવાનું નહિ કહો?’

એ જ રણકતો અવાજ સાંભળી તે વર્તમાનમાં આવી ગયો.‘માફ કરજો, તમને જોઈ હું અવાક થઈ ગયો એમ કહું તો ખોટું ન લગાડતાં. તે માટે તમારી સુંદરતા જવાબદાર છે. તમારી સુંદરતાએ તો મને આંજી નાખ્યો હતો. તમને તમારી સુંદરતાનો કેટલો પ્રભાવ છે તેની કદાચ ખબર નહિ હોય પણ લાગે છે કે મારી જેમ અન્ય પુરુષો પણ આવું જ અનુભવતા હશે. મેં કહ્યું તેવું અન્યોએ પણ કદાચ આવું કહ્યું હશે એટલે તમને તેની નવાઈ નહિ હોય.’

‘તમે બધા પુરુષો એક સરખાં –પતંગિયાં. ફૂલ જોયું નથી કે રસ લેવાનું છોડતા નથી. વળી તમે તો ‘લવરબોય’. જો તમે આમ ન બોલ્યા હોત તો નવાઈ.લાગતે.’

‘ના, એમ તો નહિ પણ તમે ખરેખર સુંદર છો તેમાં બે મત નથી. હું ખરા દિલથી બોલ્યો હતો. ખેર, અંદર આવો.’

સામસામે સોફા પર બેઠા બાદ અવિનાશે કહ્યું, ‘મેં તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. આ હું ઔપચારિક રીતે નથી કહેતો પણ તમને દરવાજે જોયા ત્યારે જ લાગ્યું હતું. વાત એમ છે કે હું જ્યારે અમદાવાદમાં એચ.કે.કોલેજમાં આર્ટ્સમાં હતો ત્યારે મારી સાથે સુચરિતા નામની સહાધ્યાયિની હતી. અમે એકબીજાના સારા સંપર્કમાં હતાં પણ ગ્રેજયુએટ થયા પછી હું મુંબઈ આવી ગયો એટલે તેનો સંપર્ક છૂટી ગયો હતો. તમને જોયાં એટલે તેની યાદ આવી ગઈ એટલે કહેવાઈ ગયું. હા, પણ તમે તમારું નામ તો ન કહ્યું?’

‘નામમાં શું છે? એક ચાહક તરીકેની ઓળખાણ બસ નથી?’

‘અરે વાહ, આમ કહી તમે કાંઈક છુપાવી રહ્યાં છો. આત્મીયતા ન વધારવા તમે આમ કરતાં હો તો વાંધો નહિ, હું તમને સૂચિ તરીકે ઓળખીશ, કારણ કે તમે સુચરિતાને મળતાં આવો છો.’

‘અરે, મારો એવો ઈરાદો ન હતો. હું તો મજાક કરીને તમને ચકાસતી હતી. મારું નામ દેવિકા છે.’

‘દેવિકા? એટલે તમે સુચરિતાનાં બેન છો? કારણ સુચરિતા ઘણીવાર તેની બેન દેવિકાની વાત કરતી હતી.’

‘ઠીક ઓળખી. હું તેની નાની બેન છું.’

‘મને તમારો થોડો અણસારો પડ્યો હતો તેનું કારણ તે જ છે નહિ? કેમ છે સુચરિતા? ક્યાં છે? મને યાદ કરે છે? તમને મળે તો તેને મારી યાદ આપજો.’

‘સુચરિતા સ્વર્ગમાં છે કે નરકમાં તે ખબર નથી.’

‘કેમ આમ બોલો છો?’

‘કારણ તમે તેની સાથે જે વર્તન કર્યું હતું તે પછી તેને આપઘાત કરવા સિવાય કોઈ ચારો ન હતો.’

‘મારા વર્તનથી તેણે આપઘાત કર્યો? આ શું કહો છો? તમે મારી ઉપર ખોટું આળ લગાવો છો.’

‘હું કશું ખોટું નથી કહેતી. કોલેજકાળ દરમિયાન તમે તેને ભોળવીને તેનો લાભ લીધો હતો. તેને તમારી લંપટવૃત્તિ વિષે ઘણાએ ચેતવી હતી પણ તમારા પ્રેમમાં આંધળી તે કાઈ સમજી નહિ અને જ્યારે તે તમારા બાળકની મા બનવાની થઈ, ત્યારે તમારી પાસે આવી અને લગ્ન કરવા વિનંતિ કરી. પણ તમે એમ થોડા બંધનમાં બંધાવાના હતા? આવી તો કેટલીએ યુવતીઓને તમારી જાળમાં ફસાવી હશે એટલે બધી સાથે થોડા તમે લગ્ન કરશો? એટલે આ મારું બાળક નથી કહી તમે તેને તરછોડી. આ આઘાત તે સહન ન કરી શકી અને છેવટનો રસ્તો અપનાવ્યો.’

‘આ તમારી મનઘડત વાત છે. મેં સુચરિતાને શું કોઈની પણ સાથે આમ નથી કર્યું. મારે ઘરે આવી મારી અકારણ બેઈજ્જતી કરવા બદલ મને નથી લાગતું કે હું તમારી સાથે વધુ વાત કરીશ. તમે જાઓ તે જ ઠીક રહેશે.’

‘તમે આમ જ કહેશો એમ ખાત્રી હતી છતાં હું આવી છું કારણ કે તમને અત્યાર સુધી કોઈએ પડકાર્યા નથી એટલે આજની તારીખમાં પણ તમારું આ પતંગિયાપણું બરકરાર છે.’

‘જાણે તમે કંઈ કેટલાંયને મળ્યા હો અને તેઓએ તમને તેમની કથની કહી હોય તેવી વાત કરો છો. આજ સુધી કોઈએ પણ મારી સામે આંગળી નથી ઊઠાવી. લોકોમાં મારી છાપ મારા સારા ચરિત્રની છે એટલે તમારી વાત સમાજને કરશો તો પણ કોણ માનવાનું?’

‘તમારી બધી વાત સાચી, સિવાય કે ચરિત્ર. એ જ તમે ખોટું બોલ્યા. તમે તમારી જાતને સારી રીતે જાણો છો પણ તમારા અહંને કારણે તમે કબૂલતા નથી કે તમે ચરિત્રહીન છો.’

‘હવે હદ થાય છે, દેવિકા. એક તો પુરવાર ન કરી શકો એવા ખોટા આળ લગાવો છો અને છતાં સ્વસ્થતાથી બેઠાં છો.’

‘સ્વસ્થતાથી એટલા માટે બેઠી છું કે મારી પાસે એવાં નામો છે જે વાંચીને તમારી બોલતી બંધ થઈ જશે.’ આમ કહી દેવિકાએ પર્સમાંથી એક કાગળ કાઢી અવિનાશને આપ્યો.

લિસ્ટ વાંચતાં અવિનાશના હાવભાવ બદલાયા પણ તરત જ સ્વસ્થ થઈને કહ્યું. ‘આનો કોઈ અર્થ નથી. તમે કોર્ટમાં જશો તો પણ મને કશું નહિ થાય, કારણ કે આ બધાં સાથે મેં ગેરવર્તન કર્યું છે તે પુરવાર કરવું અઘરું છે અને વળી દરેકે કોર્ટમાં આવી જુબાની આપવી પડશે જે માટે કોણ તૈયાર થશે? આમેય તે સુચરિતા હવે નથી એટલે તમારા પ્રયત્નો નિષ્ફળ જશે. મહેરબાની કરીને હવે નીકળો અને આ વાત પર પડદો પાડો, તેમાં જ તમારી ભલાઈ છે.’ કહીને અવિનાશ ફ્લેટના દરવાજા તરફ જવા ઊભો થયો.

‘એક મિનિટ, હજી મારી વાત પૂરી નથી થઈ. મને પણ ખબર છે કે આમાં મારો ગજ નહિ વાગે. પણ બેનના મોતથી મને જે આઘાત લાગ્યો છે તે એમ થોડો ભુલાય?’

‘તે તમારી અંગત બાબત છે. તેમાં હું કાંઈ ન કરી શકું. તમારે જો આગળ વધવું હોય તો તમારા હિસાબે અને જોખમે વધો પણ અહીંથી જાઓ.’

‘મને ખબર છે કે મારે શું કરવું. મારે કેવી રીતે આગળ વધવું છે તે મેં નક્કી કરી લીધું છે એટલે તે માટે તમે તૈયાર રહેજો.’

‘ઠીક છે. તમે આગળ વધો અને કોર્ટમાં જવું હોય તો જાઓ. તે સમયે સામસામે ઊભાં રહીશું અને I will face the music, પણ તમે જાણો છો કે તેનો કોઈ અર્થ નથી.’

‘મને ખબર છે કોર્ટની કાર્યવાહી તો લાંબી ચાલે અને કેવો નિવેડો આવે તે પણ કહી ન શકાય. હું તો કોઈ અન્ય માર્ગ વિચારતી હતી જેથી તમને પાઠ ભણાવી શકાય. જરૂર લાગશે તો અન્ય પીડિતાઓનો પણ સાથ લેતા અચકાઈશ નહિ.’

‘હવે તે લોકો સાથ આપશે કે કેમ તે એક શંકાસ્પદ વાત છે, પણ તે બધાની યાદ આપી મારા ભૂતકાળ અને મારા માનસને ફરી એકવાર જાગૃત કર્યાં. આમ તો કાલે તમારો અવાજ સાંભળી તમારા રૂપ વિષે કલ્પના કરી હતી પણ તેથી કાંઈક અધિક તમે સુંદર છો. હવે પંખી જાળમાં આવે તો કયો શિકારી તેને છોડે?’

‘એટલે તમે શું કહેવા માંગો છો?’

‘એ જ કે આવા સુંદર ફૂલનો રસ ચાખવાનું છોડું તો મારી ભ્રમરવૃત્તિ લાજે!’

‘એમ કાંઈ હું ડરું એમ નથી. તમે જો કોઈ અજુગતું કરવાનું વિચાર્યું હોય તો ભૂલી જજો. ‘

‘અરે, કેટલીએ લલનાઓને મેં વશ કરી છે, સહેલાઈથી કે બળજબરીથી. તમે મારી વાત સમજીને પ્રતિકાર નહિ કરો એમ માનું છું, બાકી બળજબરીથી કામ લેતા હું અચકાઈશ નહિ.’ કહેતા અવિનાશ સોફા પરથી ઊભો થયો અને દેવિકા તરફ આગળ વધ્યો.

‘આગળ ન વધતા નહિ તો હું ચૂપ નહિ રહું. બૂમો મારી લોકોને ભેગા કરીશ.’

‘તેનો પણ રસ્તો છે મારી પાસે,’ કહી અવિનાશે ટી.વી. ચાલુ કરી તેનો અવાજ મોટો કર્યો અને દેવિકા તરફ ફર્યો. તેની પાસે આવી તેનો હાથ પકડ્યો એટલે દેવિકાએ ‘છોડો, છોડો,’ કહેતા પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો પણ અસફળ રહી.

‘મારા જેવી સશક્ત બાંધાની વ્યક્તિની પકડ મજબૂત હોય છે તે સમજાઈ ગયું ને? હવે સમજુ નારી બની મારે શરણે આવી જા.’

‘એમ હું સહેલાઈથી શરણે આવું એમ તું માનતો હોય તો તું ખાંડ ખાવ છો. મને આની પણ સંભાવના હતી એટલે હું પણ મારી રીતે બચાવની વ્યવસ્થા કરીને આવી છું.’

‘લાગે છે કે આ ફક્ત કહેવા ખાતર તું કહે છે, કારણ કે મને તો તારી બચાવની તૈયારીનો કોઈ અણસાર દેખાતો નથી.’

‘એમ અણસાર આવવા દઉં એવી અબળા હું નથી,’ કહીને દેવિકાએ ખુલ્લી પર્સમાંથી સાઈલેન્સરવાળી રિવોલ્વર કાઢી સામે ઊભેલા અવિનાશના સીનામાં ગોળીઓ ધરબાવી દીધી, જેનો નજીવો પણ અવાજ ટી.વી.ના મોટા અવાજમાં ક્યાય દબાઈ ગયો.

* * *

સંપર્ક સૂત્રો :-

નિરંજન મહેતા

Tel. +91 2228339258 // +91 9819018295

Niranjan Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *