કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૫

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

ધનુબાને ‘કદાચ વૃધ્ધાશ્રમમાં જવું પડશે’ નો ફફડાટ મનુભાઈએ કરેલા ‘ગનુના મોત’ના ઉલેલેખથી મનના એક ખૂણે સંતાઈ ગયો. સૌ મનુભાઈ સામે એ રીતે જોવા લાગ્યા કે તેમણે કોઈ ગુહ્નો કર્યો હોય. મનુભાઈ પણ બોલતા તો બોલી ગયા પછી મુંઝાયા.

‘મનુ, તું શું છૂપાવે છે અમારાથી?’ હવે આટલા વર્ષો સુધી મનુભાઈએ સંતાડી રાખેલી વાતનો તાગ લેવાની તક લતાબહેને પકડી લીધી.

‘જૂઓ, એ વાતને દસ વર્ષ થઈ ગયાં. ગનુએ એના કાગળમાં બાના સમ આપી એ વાત કોઈને પણ ન કહેવાનું લખ્યું હતું એટલે હું….’

ધનુબા પણ હવે વર્ષોથી ધરબાયેલી વાત જાણવા અધીરા થઈ ગયા, ‘ કેવો કાગળ?’

મનુભાઈને વાત કઈ રીતે શરુ કરવી તે સમજ નહોતી પડતી એટલે સરલાને ચા બનાવવાનું કહી બોલ્યા, ‘ તમને બધું કહું છું જરાક ચા-બા પી, શાંતિથી સઘળું કહું છું. મારા મનનો ભાર પણ હલકો થઈ જશે.’

સરલાબહેન ચા બનાવવા ગયાં.

ધનુબા હજુય સરલાને પારકી ગણતા હોય તેમ બોલ્યા, ‘સરલા નથી ત્યાં સુધીમાં જે હોય તે કહી દે ને!’

‘બા તમે ભૂલી જાઓ છો જે આ જ તમારી વહુ તમને પ્રેમથી રાખે છે. વનિતાભાભીએ તમને આટલું તોય તમને એ જ વહાલા છે?’ ધનુબાની આ વર્તણૂંકથી લતાબહેનને પણ આંચકો લાગ્યો.

સરલાબહેનનું તપ ફળ્યું હોય તેમ મનુભાઈએ તેમનો સરલાબહેન તરફનો વિશ્વાસ જાહેર કરતા કહ્યું, ‘મને ખબર છે સરલા કોઈને ઘરની વાત ન કહે.’

રૂમમાં પ્રવેશતાં સરલાબહેને જિંદગીમાં પહેલી વાર તેમની પ્રશંસા મનુભાઈને મોઢે સાંભળી. તોય સાંભળ્યું જ ન હોય તેમ સૌને ચા આપી અને બેઠાં.

‘બધાને એમ જ છે ને કે ડીપ્રેશનને લીધે ગનુએ ઓવરડોઝ લઈ લીધો હતો ?’ મનુભાઈએ ધીમે-ધીમે રહસ્યની પોટલી છોડતા હોય તેમ સૌની તરફ જોઈને પૂછ્યું.

લતાબહેને આશ્ચર્ય અને આઘાતની ભેળસેળ લાગણી દર્શાવી, ‘ હા, પણ પોસ્ટમોર્ટમમાં પણ એમ જ આવ્યું હતું ને ?’

‘એ સાચું જ હતું. પરંતુ તેમના ડીપ્રેશનનું કારણ શું હતું તેની કોઈને ખબર નથી. અને તેને સાબિત કરી શકાય તેમ પણ ન હતું. નહીં તો આ વનિતા આજે આશ્રમની જગ્યાએ જેલમાં બેઠી હોત !’

આખા રૂમમાં સોપો પડી ગયો.

આટલું જાણ્યા પછી હવે લતાબહેનને સઘળું જલ્દી-જલ્દી જાણી લેવું છે, ‘તું સ્પષ્ટ વાત કર, આમ વાતને ગોળ-ગોળ ઘુમાવ્યા ન કર.’

‘જ્યારે વહેલી સવારે ગનુભાઈના રૂમમાંથી ભાભીની બૂમો સંભળી ત્યારે સૌથી પહેલા હું ત્યાં પહોંચ્યો હતો.’

ધનુબાએ ટાપસી પૂરી, ‘હા, તે તારો રૂમ એમની બાજુમાં જ હતોને?’

મનુભાઈએ આગળ ચલાવ્યું, ‘ગનુએ ઓવરડોઝ લીધો તેની આગલી રાત્રે અમે બન્ને પબમાં સાથે બેઠા હતા. તે ખૂબ મુંઝાયેલો લાગતો હતો. એક-બે વખત મેં પહેલા પણ એનું કારણ પૂછ્યું હતું પરંતુ તે હંમેશા વાત ઉડાવી દેતો. સામાન્ય રીતે અમે એકાદ બીયર પીએ. હાર્ડ ડ્રિંક્સ ભાગ્યે જ લીધું હશે. તે દિવસે તેણે એક પછી એક બે પૅગ પૂરા કર્યા. મેં તેને વાર્યો તો પણ ત્રીજો પૅગ એણે મંગાવ્યો.ત્યાં સુધીમાં દારૂની અસર નીચે તે થોડો રિલેક્ષ થઈ ગયો હતો.’

હવે પછીની વાત સૌની આગળ કહેતાં સંકોચ થતો હોય તેમ મનુભાઈ થોડીવાર અટક્યા. પછી કહ્યું, ‘તે દિવસે દારૂની સહાય લઈ તેના દિલની વાત બહાર નીકળી. ઘણા મહિનાઓથી તેને ભાભી પાસેથી શારીરિક સુખ મળતું નહોતું તે વાત તેણે મને કરી. નૈમેશ તે વખતે સાત-આઠ વર્ષનો હતો. ગનુને બીજું એક બાળક હોય તેવી ઈચ્છા હતી. પરંતુ તે જ વખતે ભાભીએ કોઈ ગુરુની કંઠી બાંધી હતી અને ‘સંયમ’ની વાત કરી ગનુને તેમનાથી દૂર રાખવા માંડ્યો હતો. ભાભી કોઈ પણ ધાર્મિક ગૃપમાં જાય તેનો તેને વાંધો નહોતો પરંતુ ૩૫ વર્ષની ઉંમરે ‘સંયમ’નો તેમને વાંધો હતો.

સ્વર્ગસ્થ ભાઈની વ્યથાથી દુઃખી થતા લતાબહેને બળાપો ઠાલવ્યો, ‘ ડીપ્રેશન ન આવે તો શું થાય

પછી ?’

સરલાબહેનને તો આ વાત સાંભળી શું બોલવું તે જ ન સૂઝ્યું. પરંતુ મનુભાઈની સમજદારી પર એમને આજે માન થયું.

ધનુબા તો સાવ જ સૂનમૂન થઈ ગયાં. તેમની આખી જિંદગીમાં તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમના કાને પોતાના જ દીકરાનાં અંગત જીવનની વાત આ રીતે ચર્ચાનો વિષય બનતી સાંભળશે.’

‘તે દિવસે પબમાં તેણે કહ્યું કે, તારી ભાભીએ મને બીજે એ સુખ લેવા જવું હોય તો લેવા જવાનું કહ્યું અને નહીં તો ‘સંયમ’ કેળવવાની સલાહ આપી.’

મનુભાઈ ગળગળા થઈ ગયા. લતાબહેન અને ધનુબા પણ રડવા લાગ્યાં. સરલાબહેન સૌને માટે પાણી લઈ આવ્યાં.

ક્યાંય સુધી મનુભાઈ આગળ બોલવ માટે અસમર્થ હોય તેમ આંખ મીંચીને બેસી રહ્યા.

સરલાબહેન સમાન્ય રીતે આવે વાતમાં બોલે નહીં પરંતુ આજે ખૂબ શાંતીથી કહ્યું, ‘ભાભીની ઈચ્છાને ગનુભાઈએ માન આપી જોરજુલમ ન કર્યો તે મને ગમ્યું. મને લાગે છે કે આવો મોટો નિર્ણય લેતાં પહેલા ભાભીએ પણ તેની પાછળનું કારણ સમજાવી તેમને ધીમે-ધીમે તે તરફ વાળ્યા હોત તો મોટાભાઈ પણ તેમને સાથ આપતે.’

‘સાચી વાત છે તારી સરલા.’ લતાબેન પણ લાગણી અને બુધ્ધિને અલગ રાખીને વિચારી શક્યા. ‘સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં ‘સંયમ’ સરળતાથી રાખી શકે. એક છાપરા નીચે રહેવાનું અને પરાણે ‘સંયમ’ રાખવાની ફરજ પડે તો ક્યાં તો પુરુષ ખોટે માર્ગે વળી જાય અથવા ડીવોર્સ લે …’

ધનુબા કકળતે જીવે બોલ્યા, ‘નહીં તો મારી જેમ દીકરો ગુમાવે !’

‘મને જો ગનુની ચિઠ્ઠી ન મળી હોત તો હું ત્યારે જ એ વાતનો નિવેડો લાવવાનો હતો….’

લતાબહેને મનુભાઈ અપરાધી હોય તેમ પૂછ્યું, ‘ તેં કેમ અત્યાર સુધી ક્યારેય એવી કોઈ ચિઠ્ઠીનો ઊલ્લેખ ન કર્યો ?’

‘તે દિવસે ભાભી ડૉક્ટરને ફોન કરતાં હતાં અને મને આગલી રાત્રે ગનુએ કરેલી વાત યાદ આવી એટલે અનાયાસે જ મેં તેના ઓશિકા નીચે હાથ ફેરવ્યો ત્યારે મને તે ચિઠ્ઠી મળી હતી.તમે જ્યારે સૌ રોકકળ કરતાં હતાં ત્યારે હું બાથરૂમમાં ગયો અને ચિઠ્ઠી વાંચી.’

મનુભાઈ ઊઠીને ક્યાંક સંતાડેલી તે ચિઠ્ઠી લેવા ઉપરને માળે ગયા. વાતાવરણમાં તોળાતો અદૃશ્ય ભાર હમણાં તૂટી પડશે તો બધું વેરવિખેર થઈ જશે તેવો ડર સરલાબહેનને લાગ્યો. ખળભળેલા મન અને અશબ્દ વાણીનો પડઘો આખા રૂમમાં ફરી વળ્યો હતો. મનુભાઈ ચિઠ્ઠી લઈને પાછા આવ્યા. આંખ મીંચીને થોડીવાર બેસી રહ્યા. પછી ચિઠ્ઠી ખોલી વાંચવા માંડી:

‘ ભાઈ મનુ, તને એમ હતું ને કે હું નશામાં તને બધું કહેતો હતો ? જો કે મારે ઘણા વખતથી મારા મનની મૂઝવણ કોઈને કહેવી હતી પણ આવી વાત કેમ કરીને કોઈને કહું ? ગઈકાલે તને એ વાત કરી પછી મન હળવું થઈ ગયું. તું ઉપર સૂવા ગયો પછી ક્યાંય સુધી હું નીચે બેસી રહ્યો. વિચારતો હતો… મારી પાસે ત્રણ ઓપશન્સ હતાં.

ક્યાં તો તારી ભાભીની જેમ હું પણ ‘સંયમ’ કેળવું, ક્યાં તો એને ડીવોર્સ આપીને બીજાં લગ્ન કરું અથવા એના આત્માના ઉધ્ધાર માટે હું મને જ મીટાવી દઉં ! કારણ… લગ્નની આડશે જાનવરની જેમ જીવવાનું મને ન જ ગમે, ‘સંયમ’ કેળવવો અશક્ય લાગ્યો અને ડીવોર્સ કરું તો સ્વાભાવિક રીતે જ મારા નિર્દોષ નૈમશે અમારા બે જણ વચ્ચે વહેંચાઈ જવું પડે ! એટલે મને એક જ માર્ગ દેખાયો… હું જ ન રહું આ દુનિયામાં !

તને આ ચિઠ્ઠી સમયસર મળે તેવી આશા રાખું છું. પ્લીઝ મનુ, આ વાત તું કોઈને ન કરીશ તને બાના સમ છે. મારે જતી વખતે કોઈને દુઃખ નહી પહોંચાડવું. પોલીસ અને ભલેને આખી દુનિયા માને કે મેં ડીપ્રેશનની અસર હેઠળ આપઘાત કર્યો. તને ખબર છે કે મેં વિચારીને આ પગલું લીધું છે. મારા નૈમેશને સંભાળી લેજે એટલી મારી આખરી માંગણી છે તારી પાસે.

જે શ્રીકૃષ્ણ.’

વાંચી રહ્યા પછી મનુભાઈ, લતાબહેન, ધનુબા અને સરલાબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. નૈમેશની સંભાળ ન રાખી શક્યાનો વસવસો આંસુ વાટે વહાવતા વહાવતા મનુભાઈ સ્વગત બોલતા રહ્યા, ‘તારી આખરી માંગણી મારાથી…’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *