





– બીરેન કોઠારી
‘મારાં લખાણો તમને અસહ્ય લાગતાં હોય તો માનજો કે આ જમાનો જ અસહ્ય છે.’ ખ્યાતનામ ઊર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોએ પોતાની વાર્તાઓ બાબતે વખતોવખત થતા વિરોધ બાબતે આમ લખેલું. તેમની કેટલીક વાર્તાઓમાંના વર્ણનને અશ્લિલ ગણાવાયું હતું અને તેની પર અદાલતી કાર્યવાહી પણ થઈ હતી. રાજ્યસત્તાને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે આડવેર હોય છે એમ સામાન્યપણે જોવા મળ્યું છે. રાજ્યસત્તા જ શા માટે, ધર્મસત્તા કે સમાજના લોકોને પણ એ ખાસ ગમતી બાબત નથી. આવાં સત્તાક્ષેત્રોમાં રહેલાં ગાબડાંઓ પ્રત્યે આંગળી ચીંધવામાં આવે ત્યારે તે ગાબડાં પૂરવાનો પ્રયત્ન કરવાને બદલે આંગળી ચીંધનાર પર ખોફ ઉતારવામાં આવે છે. આ સત્ય દરેક યુગમાં, દરેક રાજ્યવ્યવસ્થામાં અચળ રહેતું હોય એમ લાગે છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જેનો પાયો છે એ લોકશાહી પણ આમાંથી બાકાત નથી.
તમિલ લેખક પેરુમલ મુરુગને લેખક તરીકે પોતાના થયેલા મૃત્યુ અને પછી ‘પુનરાવતાર’ની વાત આ કટારમાં એકાદ વરસ અગાઉ કરવામાં આવી હતી. તાજેતરમાં ઝારખંડના એક લેખકના એક પુસ્તક બાબતે થયેલા ઉહાપોહને કારણે આ ઘટનાની યાદ તાજી થઈ આવી છે. લેખકનું નામ છે ડૉ. સૌવેન્દ્ર શેખર હાંસદા, જેઓ સાંથાલ નામની આદિજાતિના છે. વ્યવસાયે તબીબ છે, અને ઝારખંડ રાજ્યના પાકુરમાં સરકારી નોકરી કરે છે. 2014માં તેમણે લખેલી પહેલવહેલી નવલકથા ‘ધ મિસ્ટીરીયસ એઈલમેન્ટ ઑફ રુપી બાસ્કી’ની તેમાં વર્ણવવામાં આવેલી એક આદિવાસી ગામની પરંપરાઓ અને સંસ્કૃતિને કારણે ઠીકઠીક નોંધ લેવાઈ. એ વર્ષનો ‘ધ હિન્દુ’ જેવો પ્રતિષ્ઠિત ગણાતો પુરસ્કાર તેમની આ કૃતિને પ્રાપ્ત થયો. સૌવેન્દ્રના જણાવ્યા મુજબ આ કથા તેમની આસપાસનાં પાત્રો તેમજ સંસ્કૃતિની જ કથા હતી. અંગ્રેજીમાં લખતા આ લેખકનો નવલિકાસંગ્રહ ‘ધ આદિવાસી વીલ નૉટ ડાન્સ’ ત્યાર પછીના વર્ષે, એટલે કે 2015માં પ્રકાશિત થયો. આ પુસ્તકને ‘સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર’ અર્પણ કરવામાં આવ્યો. પણ એક જ મહિનામાં આ પુસ્તકની પાછળ લોકો પડી ગયા.
સૌ પ્રથમ સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર છદ્મ નામે તેમને ગાળો આપવાનો આરંભ કરવામાં આવ્યો. કેટલાક લોકો સાચાં નામે પણ એમ કરતાં હતાં. તેમના કહેવા મુજબ શેખર ‘પોર્ન’ (અશ્લિલ) લેખક છે. આ અપપ્રચારનો મારો ખૂબ ચાલ્યો, પણ સૌવેન્દ્રે તેનો ખાસ પ્રતિભાવ આપ્યો નહીં. તેને એમ કે થોડા સમયમાં બધું શમી જશે. તેને બદલે સમયાંતરે સ્થિતિ બદથી બદતર બનતી ગઈ. ફેસબુક પર ‘પોર્નોસેપિયા’ નામે એક અલાયદું પૃષ્ઠ બનાવીને તેની પર કમ્પ્યુટર દ્વારા તોડજોડ કરીને બનાવાયેલી તસવીરો મૂકવામાં આવતી. પોતાની જ જાતિની મહિલાઓનું ગમે એવું ચિત્રણ આ લેખક પોતાના લાભ ખાતર કરી રહ્યા હોવાનો તેમનો મુખ્ય આક્ષેપ હતો. આ આક્ષેપના સમર્થનમાં તેમની વાર્તાઓના અમુક અંશની તસવીરો મૂકવામાં આવી. કોઈ જ પૂર્વાપર સંદર્ભ વિના કેવળ એટલો જ અંશ વાંચનારને અવશ્ય એમ લાગે કે સૌવેન્દ્રે અશ્લિલતાનો આશરો લીધો છે. એ સાચી રીત નથી. કોઈ પણ કૃતિને સમગ્રપણે જોવાની હોય. સોવ્વેન્દ્ર સામેનો વિરોધ બળવત્તર થતો ગયો, એટલું જ નહીં, તેમની હેરાનગતિ શરૂ થઈ. અમુક આદિવાસી જૂથો પણ તેમાં સામેલ છે. પાકુરમાં મેડીકલ ઑફીસર તરીકે ફરજ બજાવતા સૌવેન્દ્રને બરતરફ કરવામાં આવ્યા અને તેમની સામે એફ.આઈ.આર. દાખલ કરવાની ધમકી આપવામાં આવી. આનો અર્થ એ થયો કે સરકાર સીધેસીધી આ મામલામાં દાખલ થઈ. દસેક દિવસ અગાઉ પાકુરમાં દેખાવો યોજવામાં આવ્યા અને આ લેખકના પૂતળાને બાળવામાં આવ્યું. ત્યાર પછી ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે આ પુસ્તકની તમામ નકલો જપ્ત કરી લેવાનો આદેશ આપ્યો અને લેખક સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. સાંથાલ પ્રદેશની નારીની પ્રતિષ્ઠાને ખરડતું હોય એવા એક પણ પુસ્તકનું રાજ્યમાં વેચાણ ન થવું જોઈએ એમ તેમણે જણાવ્યું. એ મુજબ પાકુરના જિલ્લા કલેક્ટરને આદેશ આપી દેવામાં આવ્યો છે.
એક જૂથે સાહિત્ય અકાદમીને પત્ર પાઠવીને સૌવેન્દ્રના પ્રથમ પુસ્તકને અપાયેલા પારિતોષિકની યોગ્યાયોગ્યતા અંગે શંકા વ્યક્ત કરી છે. બીજી તરફ નયનતારા સહગલ, આનંદ તેલતુંબડે, જેરી પિન્ટો, કે. સતચિદાનંદન, ગીતા હરીહરન, ટી.એમ.ક્રીષ્ના સહિત અનેક લેખકો-કલાકારોએ સોવેન્દ્રનું ઉદાહરણ ટાંકીને સામાજિક માધ્યમો થકી લેખકો પર વધી રહેલા હુમલા બાબતે નિવેદન પ્રકાશિત કર્યું છે. જે ‘વિવિધતામાં એકતા’વાળી સંસ્કૃતિ હોવાનો આપણે ગર્વ લઈએ છીએ તે આ જ છે. તામિલનાડુ હોય કે ઝારખંડ, પેરુમલ હોય કે સૌવેન્દ્ર, સંસ્કૃતિ ભિન્ન, પણ અભિગમ સમાન.
સહિષ્ણુતા, સમરસતા કે સાહચર્ય નહીં, પણ સંકુચિતતા કદાચ વર્તમાન સમયની આપણી સાંસ્કૃતિક ઓળખ બની રહી છે. માની લઈએ કે કોઈ સર્જક કદાચ કોઈ જાતિવિશેષના સમૂહની લાગણીને દુભાવવાના હેતુસર જ સર્જન કરતો હોય, તો પણ શું? એ સંજોગોમાં તેની કૃતિની અવગણના જ તેનો શ્રેષ્ઠ ઉપાય નથી? કોઈ કૃતિ કોઈકને વાંચવાની કે જોવાની ફરજ પાડવામાં આવતી નથી, અને વિરોધ કરનારાઓએ જે તે કૃતિ જોઈ હોય એ જરૂરી પણ નથી. ઘણા કિસ્સામાં તો કેટલાક લોકો વિરોધ કરવાનો વ્યવસાય પણ ધરાવે એમ બનતું હોય છે, જે મોટે ભાગે રાજ્યાશ્રયી હોય છે.
ખરી ભૂમિકા પ્રજા તરીકે આપણી હોવી જોઈએ. જેના રોટલાપાણી કોઈ રાજકીય પક્ષ કે જૂથ આધારીત નથી એવા નાગરિકો જાણ્યેઅજાણ્યે, ટોળાની પાછળ દોરવાઈને એવા કાર્યક્રમનો હાથો બની જાય છે અને તેમની જાણબહાર તેમનો ઉપયોગ થઈ જાય છે. સ્વસ્થ નાગરિક તરીકે એ હકીકત સદાય યાદ રાખવી જરૂરી છે કે તેણે કદી બેમાંથી કોઈ એક પક્ષના અંધ ટેકેદાર બની રહેવાની જરૂર હોતી નથી. બેમાંથી કોઈ પણ એક પક્ષ સાથે રહેવું ફરજિયાત નથી. લાગણી દુભાવવા દેવી હોય તો સત્તાધારી પક્ષ કે વિરોધ પક્ષની બિનલોકશાહી ગતિવિધિઓથી દુભાવી જોઈએ. કેમ કે, મુદ્દો કોઈ પણ હોય, તેઓ હંમેશાં પોતાનો જ સ્વાર્થ સાધે છે, અને પોતાની જરૂર મુજબ મુદ્દાને ચગાવે છે કે કોરાણે મૂકે છે.
સૌવેન્દ્ર કે પેરુમલ જેવા લેખકો પોતાના સમાજની કોઈક વરવી બાજુનું ચિત્રણ શબ્દો ચોર્યા વિના કરે ત્યારે જે તે સમાજના અગ્રણીઓને વધુ શરમ એ વાસ્તવિકતા બદલ આવવી જોઈએ કે જેનું ચિત્રણ કરવામાં આવ્યું છે. તેને બદલે તેઓ એને ચીંધનાર તરફ પોતાનો રોષ પ્રગટ કરે છે. આવી કૃતિઓનું સાહિત્યિક મૂલ્ય કેટલું એ અલગ ચર્ચાનો વિષય હોઈ શકે. સાહિત્યિક મૂલ્ય હશે તો તે પોતાના બળે લોકો સુધી પહોંચશે કે પ્રસરશે, અને એ નહીં હોય તો પોતાની ગુણવિહીનતા થકી જ ભૂલાઈ જશે. એ હકીકત વીસરાવી ન જોઈએ કે બંધારણમાં આપવામાં આવેલા અભિવ્યક્તિસ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનું જતન કરવાની પહેલવહેલી ફરજ નાગરિક તરીકે આપણી છે. શાસનકર્તાઓ તો પછી ચિત્રમાં આવે છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪ -૮-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
આ પુસ્તક માત્ર ઝારખંડમાં પ્રતિબંધિત છે. ઇંટરનેટ પર ખરીદી શકાય છે.
આભાર, દીપકભાઈ, આ સ્પષ્ટતા કરી આપવા બદલ.