બાળઉછેરની બારાખડી : ૫: બાળકોના નખની કાળજી

Facebooktwitterredditpinterestlinkedinmail

-અલીહુસેન મોમીન

જયારે આપણે બાળકોની સ્વાથ્યપ્રદ આદતોનો વિચાર કરીએ છીએ, ત્યારે મોટાભાગે નહાવું, હાથ ધોવા, આંખ – કાન – નાક – દાંતની સંભાળ એવો જ વિચાર આવે છે અને આપણે બાળકના નખની સંભાળને અજાણતાં જ અવગણતાં હોઈએ છીએ. બાળકના નખની સંભાળ એ બીજી સ્વાસ્થ્યપ્રદ આદતો જેટલું જ મહત્ત્વ ધરાવે છે.

બાળકો હંમેશાં ચંચળ અને અવનવી વસ્તુઓને અડકવાની કુતૂહુલતા સ્વાભાવિક રીતે જ રાખતાં હોય છે, જેના પરિણામે એમના કોમળ નખોની નીચે મેલ ભરાતો હોય છે. જો આ મેલ લાંબા સમય સુધી ટકી રહે તો એ બીમારીમાં પણ પરિણમી શકે છે. બાળકના નખ કાપવાની આદતને આપણે બીજી રોજિંદી ક્રિયાની જેમ જ જોવી જોઈએ અને ઓછામાં ઓછા અઠવાડિયામાં એક વાર બાળકના નખને કાપવા જોઈએ. નખના વધવાથી એના તૂટી જવાનો કે બાળકના શરીરના બીજા ભાગને નુકસાન થવાનો ભય રહે છે. ઘણીવાર આ વધેલા નખ બાળકને એના જ મોંઢા અને આંખમાં લાગતા હોય છે.

નીચેની બાબતો આપને આપના બાળકના નખની સારી રીતે સંભાળ રાખવા માં મદદરૂપ થશે:

· જ્યાં સુધી બાળક આઠથી નવ વરસનું ન થાય, ત્યાં સુધી માબાપે જ બાળકના નખ કાપવા.

· બાળકને જો નખ મોંઢામાં નાખવાની આદત હોય અને નખ એટલા વધ્યા પણ ના હોય કે એને કાપી શકાય તો એને કોમળ ટૂથબ્રશ દ્વારા પણ સાફ કરી શકાય.

· નખ કાપવાનો આદર્શ સમય બાળકના સ્નાન પછીનો છે, કારણ કે એ વખતે એના નખ નરમ હોવાના કારણે એને કાપવા સરળ રહે છે.

· વયસ્કની સરખામણીએ બાળકોના નાખ વધુ ઝડપથી વિકસે છે માટે એને અઠવાડિયામાં બે વખત કાપવા વધુ હિતાવહ છે.

· બાળકો માટે મોટું ‘નેઇલ કટર’ ન વાપરતાં નાનું જ ‘નેઇલ કટર’ વાપરવું.

· નખને હંમેશાં આગળથી સીધા અને ખૂણામાંથી થોડા વળાંકમાં કાપો. એનાથી નખની મજબૂતાઈ વધે છે.

· હાથ અને ખાસ કરીને પગના અંગુઠાના નખને ખૂણામાંથી વધુ વળાંકમાં ન કાપો.

· નખ ને વધુ નરમ બનાવવા એની પર કોઈ લોશન કે સાદી ક્રીમ પણ લગાવી શકાય છે.

· ખાસ કરીને બાળકીઓને દસ વર્ષ સુધી ‘નેઇલ પોલિશ’ ન લગાવવી એમના નખ માટે વધુ હિતકારક છે. નેઇલ પોલિશ અને પોલિશ રિમૂવલ એ બંનેમાં નુકસાનકારક રાસાયણિક દ્રવ્યો હોય છે.

· બાળકોનાં પગરખાં પણ એવા પસંદ કરો કે જે આગળથી એની આંગળીઓ દબાય એટલા સાંકડા ન હોવા જોઈએ.

· પગના મોજાનો એક અથવા બે વાર થી વધુ ઉપયોગ ન કરો. ગંદા મોજા એ નખમાં ચેપનું કારણ બની શકે છે.

બાળકના નખની સંભાળ હકીકતમાં બહુ સરળ હોય છે, પણ આ કાર્યમાં ધીરજ અનિવાર્ય છે. જો માબાપ બાળપણથી જ બાળકોના નખની સંભાળ રાખશે, તો એ જ બાળકો મોટાં થઈને જાતે સંભાળ રાખવાની સમજ રાખતાં થઈ જશે.

 

* * *

સંપર્કસૂત્રો :-

Alihusen Momin <ali@parentingnations.com>

Mob. +91 99250 41865

Blog : Parenting Nations – www.parentingnations.com

નોંધ : આ જ આર્ટિકલને અંગ્રેજીમાં વાંચવા માટે વિઝિટ કરો : http://in.parentingnations.com/healthy-nail-care-child/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *