ત્રણ કાવ્યો

Facebooktwitterredditpinterestlinkedinmail

– દેવિકા ધ્રુવ

                    (૧) મહેકતી મોસમ

આ..હ છલકતી ને મહેંકતી મોસમ છે,
થોડી સરકતી ને બહેકતી મોસમ છે.

સવાર મેઘલી, છે અંધાર ઘેરી,
ઝબૂકતી વીજળી ને અંબર હેલી,
શીકરોની ટપલી ને હવાયે ઘેલી,
ઊર્મિની ભરતી અંતરમાં રેલી……

હાય, હૈયું ધક ધક ધડકાવતી મોસમ છે,
આજ કૈંક યૌવનને શરમાવતી મોસમ છે.

સમીરના સૂસવાટા જુલ્ફો રમાડતા,
હ્રદયની રેશમી તળાઇને સ્પર્શતા,

માટીની મીઠી મીઠી સોડમ વહાવતા,
માદક ઉન્માદી અંગડાઇ મરોડતા…..

નસનસમાં નર્તન જગાવતી મોસમ છે,
અંગઅંગમાં અગન ઉછાળતી મોસમ છે.

નભના નેવેથી ઝરમરતી ધારમાં,
નાહ્યા કરું ઊભી પાછલી રવેશમાં,
ખોતર્યા કરું ઝીણી ફાંસ જેવી યાદમાં,
કલરવતા પંખીના સૂરીલા ગાનમાં…….

ભીનાં ભીનાં ગીતો ગવડાવતી મોસમ છે,
મોહબ્બતની મશાલને પ્રગ્ટાવતી  મોસમ છે……

 

                                                     * * *

                               () અલ્લડ આ મેઘને

અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઈ તાના-રીરીએ,કે ચીરીને આભલાને તેથી એ આવે.

પાગલ પવનના અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલાં પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.

અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !

પંખીના કલરવ ને મબલખ આ ધાર,
ગગનની ગર્જન ને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !

અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !

રોમરોમ જાગે ને વાગે શરણાઈઓ,
ભીતરના જીવમહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘુમ્મટ લઈ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.

અલ્લડ આ મેઘને થયું શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.

 

                                                       * * *

                      (૩) શતદલ

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.

ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.

સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.

લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝુલત ઝુમત શતદલ મધુવન પર.

 

                                   * * *

સંપર્ક સૂત્રો :
શબ્દોને પાલવડે (બ્લોગ) – http://devikadhruva.wordpress. com

ઈ મેઈલ : Devika Dhruva <ddhruva1948@yahoo.com>

14 comments for “ત્રણ કાવ્યો

 1. September 3, 2017 at 11:30 am

  શતદલ પંખ ખીલત પંકજ પર,
  હસત નયન જ્યમ શ્યામ વદન પર.
  શત શત બુંદ સરક દલ વાદળ,
  ભીંજત બદન નર નાર નવલ પર.

  બહુ જ સરસ લય. શ્રી. વિનોદ જોશીનું વર્ષા ગર્જન પરનું એક કાવ્ય યાદ આવી ગયું. શબ્દો યાદ નથી, પણ તેમણે એનું પઠન કર્યું ત્યારે મેઘગર્જના હાજરાહજૂર હોય, તેવો આભાસ થયેલો. આ કાવ્ય વાંચતાં પણ ઝરમર ઝરમર વરસતા વરસાદનું ગીત સ્વરિત થતું અનુભવાય છે.
  સુંદર રચના માટે અભિનંદન.

  • September 5, 2017 at 2:28 am

   ખૂબ ખૂબ આભાર, સુરેશભાઇ.

 2. suresh
  September 4, 2017 at 1:17 am

  kharakhari ramjat to tame bolavi chhe.mane suraj buzava ni vaat gami.
  aa devikaji ne thyuchhe su ke saras saras rachnao ni jamavat kare chhe

 3. NAVIN BANKER
  September 4, 2017 at 1:39 am

  ખુબ સુંદર રચનાઓ.
  અભિનંદન.

 4. Chiman Patel
  September 4, 2017 at 1:51 am

  હાર્વીની હોનારત પછી આ ત્રણ કાવ્યો લખવા માટે મન સ્થિર કરી શક્યા છો એ માટે અભિનંદન. બની શકે કે હાર્વીએ પણ આપના મનસરોવરને ડોળ્યું હોય, અને મન વલોવાતાં માખણરુપી આ રચનાઓ રચાઈને ઉપર તળી આવી! અભિનંદન.

 5. September 4, 2017 at 2:32 am

  આ ત્રણે રચનાઓ નવી નથી.ચીમનભાઈ, તમે તો અગાઉ સાંભળી પણ છે! પ્રથમ વાર વાંચો છો તે રીતે વાંચવા માટે અને પ્રતિભાવ માટે આનંદ સાથે આભાર.

 6. સતિશભાઈ પરીખ
  September 4, 2017 at 3:05 am

  અતિ સુંદર રચ્નનાઓ. ખુબ ખુબ અભિનંદન. એવો ભાસ થાય છે કે આ અથવા આવી સીમીલર રચનાઓ ક્યાંક તમારા બ્લોગ મા જ વાંચી છે?????????????????????/

 7. Satish Parikh
  September 4, 2017 at 3:07 am

  અતિ સુંદર રચ્નનાઓ. ખુબ ખુબ અભિનંદન. એવો ભાસ થાય છે કે આ અથવા આવી સીમીલર રચનાઓ ક્યાંક તમારા બ્લોગ મા જ વાંચી છે?????????????????????/

 8. અશોક જાની 'આનંદ'
  September 4, 2017 at 9:04 am

  ત્રણેય કાવ્યો ખૂબ સુંદર… ગીત લયબદ્ધ. અને મોહક.. ગમ્યા

  • September 5, 2017 at 2:30 am

   અશોક્ભાઈ, આનન્દ સહ આભાર.

 9. Neetin Vyas
  September 11, 2017 at 10:12 pm

  Please send these three beautiful poems to Gujarati music composers.

 10. રક્ષા
  September 13, 2017 at 1:18 am

  ત્રણે ય રચનાઓ ખુબ ગમી. “શતદલ” વાંચતાં વાંચતાં તો પદ્યમય ગાવા માંડી. શું જાદુ કર્યો છે?

  • September 21, 2017 at 7:15 am

   ખૂબ ખૂબ આભાર, રક્ષાબેન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *