





નયના પટેલ
બીજે દિવસે રવીવાર હતો એટલે શૉપ બપોરના બે વાગ્યે બંધ કરતા હોવાથી મનુભાઈએ લતાબહેનને પેલી વાત કરવા બોલાવ્યાં છે. સરલાબહેને લતાબહેનને રાત્રે ત્યાં જ જમી લેવાનું આમંત્રણ પણ આપી દીધું. બન્ને ભાઈ બહેન આમ ગુસ્સાવાળા એટલે વાત વાતમાં ઝગડો થઈ જાય. પરંતુ ક્યારેય એક બીજાની વાતનું ખોટું ન લગાડે. મનુભાઈના મોટાભાઈ ગનુભાઈના અવસાન પછી એ બે ભાઈ-બહેન જ એકબીજા માટે સુખ-દુઃખનો છાંયડો છે.
આજે યુનિવર્સિટીમાં ભણતાં તેમના ત્રણેય સંતાનો પણ આવવાનાં છે એટલે સવારથી સરલાબહેન દરેકને ભાવતી વાનગીઓ બનાવવામાં વ્યસ્ત છે. હવે ફક્ત શાક, કઢી અને પૂરી બનાવવાનું જ બાકી રહ્યું. તે સાંજે બનાવવાનું નક્કી કરી સરલાબહેન બપોરનાં એક વાગ્યે માંડ પરવાર્યા. ધોવા માટે કપડાં એકઠા કરવા જતાં તેમને વિચાર આવ્યો : ‘ગઈ કાલે બાનાં બગડેલા કપડાં ક્યાં હશે ?’
ધનુબા તેમના રૂમમાં માળા ફેરવતંા બેઠા હતાં. સરલાબહેને ગઈકાલના કપડાં માટે પૂછ્યું, તે જાણે સાંભળ્યું જ ન હોય તેમ ધનુબા ફરી કરગરી પડ્યાં, ‘સરલા, મનુને કહેને કે મને ઘરડાઘરમાં ન મોકલે ! હું હવે કપડાં ન બગડે તેનું ખાસ ધ્યાન રાખીશ.’
આજે સરલાબહેનને સાચે જ ધનુબાની દયા આવી ગઈ. ધનુબાની લાચારી તો ફક્ત વૃધ્ધાવસ્થાને પગલે આવી છે, પરંતુ સરલાબહેનની પોતાની લાચારી તો લગ્નની સપ્તપદીને પ્રથમ પગલે જ વડિલોના આશીર્વાદમાં તેમને મળી છે. અને સ્ત્રી હોવાને લીધે સંસ્કારિતાના નામે આ લાચારી સમાજે ઠાંસી ઠાંસીને તેમના મનમાં ભરી દીધી છે. આમ છતાં તેમણે ધનુબાને ઠાલું આશ્વાસન આપ્યું તો ખરું, ‘તમે ડરો નહીં, લતાબહેન પણ છે ને, એમ કાંઈ થોડા જ તમને ઘરડાઘરમાં મૂકી આવશે?’ – પણ તેમના આશ્વાસનની પોકળતા તેમણે પોતે જ અનુભવી !
થોડી વારે તેમનાં ત્રણેય છોકરાંઓ યુનિ.માંથી આવી ગયાં.
એ લોકોએ લાવેલાં ધોવાનાં કપડાંના ઢગલાનો નિકાલ કરતાં ક્યારે ચાર વાગી ગયા તેનો ખ્યાલ ન રહ્યો. મનુભાઈ પણ આવી ગયા. દીકરા કિશન અને નમન ઘણે દિવસે શહેરમાં પાછા આવ્યા હોવાથી તેઓ પોતપોતાના ફ્રેંન્ડ્સને મળવા નીકળી ગયા. દીકરી નંદાને પણ જવું તો હતું પણ મમ્મીએ સાંજનો કાર્યક્રમ કહ્યો એટલે તે બાને મદદ કરવા માટે રોકાઈ ગઈ.
દુનિયા આખી માટે મનુભાઈ ભલે તામસી હોય પરંતુ તેમને નંદા માટે ખૂબ વ્હાલ છે. તે નાની હતી ત્યારે કિશન અને નમન પણ તેમના તરફ થતા અન્યાય સામે સરલાબહેનને ફરિયાદ કરતા. મનુભાઈએ સિંક પાસે કામ કરતી નંદા પાસે જઈ ખભેથી પકડી વ્હાલ કરતાં કહ્યું, ‘આવતાંની સાથે મારી દીકરીને કામે લગાડી દીધી ?’
‘ Hi ડેડ, મમ એકલે હાથે એકલી કેટલું કરે ? એની વે સાંજે હું લેઝને ત્યાં જઈશ ‘, કહી તેણે વાસણ ધોવાનું ચાલુ રાખ્યું.
સરલાબહેને ગૅસના ચારે ય ચૂલા કામે લગાડી દીધા હતા. તેમને તેમનાં ત્રણેય સંતાનોનો ખૂબ સાથ છે. આ ત્રણે જણાં બાળપણથી મમ્મીની અવદશાના સાક્ષી છે. ચુપ્ચાપ રડતી મમીનાં આંસુથી તેમનાં હૃદય ઘડાયાં છે. મમ્મીનું ઉપરાણું લઈ ઘણીવાર ધનુબા અને ડેડી સાથે ઝગડવાનું તેમને મન થાય તો પણ મમ્મીએ તેમને હંમેશા રોક્યા છે. ‘ કંકાસ થાય ત્યાં લક્ષ્મી ન વસે’ કહી ઝગડાથી સૌને દૂર રાખ્યાં છે.
નીલેશકુમાર – લતાબહેનના પતિ સાથે આવે તો છૂટથી વાતો ન થાય તેમ સમજી લતાબહેન એકલાં જ આવ્યા. જમી પરવારી સૌ સીટીંગ રૂમમાં બેઠા. નંદા તેની ફ્રેંડને ત્યાં ગઈ અને કિશન, નમન જમીને ફરી કોઈ ભાઈબંધને ત્યાં ઊપડ્યા. ધનુબા જે પરિસ્થિતિને ટાળવાની પ્રાર્થના સવારથી તેમના ‘વહાલા’ને કરતા હતા તે પરિસ્થિતિ હવે સામે આવીને ઊભી રહી !
ગઈકાલે બનેલી ઘટનાનો ભાર આજે પણ આખા રૂમમાં તોળાતો હતો. કોણ બોલવાની શરૂઆત કરે તેની હરિફાઈ હોય તેમ સૌ એકબીજાની સામે જોઈ રહ્યા.
સરલાબહેનથી આ મૌનનો ભાર ન ખમાતાં બોલ્યા, ‘ બહેન, આપણે વનિતાભાભીને ય બોલાવ્યા હોત તો….’
આ સાંભળી મનુભાઈ ઊકળી ઊઠ્યા, ‘તેનું તું નામ જ ન દે આજે.’
લતાબહેને પણ મનુભાઈની વાતમાં ટાપશી પુરાવી, ‘સાચી વાત છે મનુની. મોટાભાઈ ગયા પછી તેમને ક્યાં કોઈની સાથે સંબંધ રાખવો છે? અને તેમાં હમણાં જ મેં એક વાત સાંભળી છે….’ કહી એ વાત હમણા કાઢવી કે નહીં તેની મુંઝવણમાં પડ્યા.
કરંડિયો એકવાર ખોલ્યા પછી તેમાં શું છે એ ખબર ન પડે તે કેમ ચાલે –એટલે મનુભાઈએ વાતનો દોર સાધતાં પૂછ્યું, ‘કેમ વળી, હવે એમણે શું કર્યું?’
વાત આડે પાટે ચઢી જવાનો ડર હતો છતાંય હવે લતાબહેનને વાત જણાવ્યા વગર છૂટકો નહોતો….’ગયા અઠવાડિયે મેં કોઈની પાસે સાંભળ્યું કે મોટાભાભીએ તેમનું ઘર તેમના ગુરુજીના નામે કરી દીધું છે.’
મનુભાઈ વાત સાંભળીને સોફામાં અડધા ઊભા થઈ ગયા, ‘વોટ ?’
‘સાચું-ખોટું મને ખબર નથી, આ તો કોઈએ કહ્યું.’
‘રાત-દિવસ ગધ્ધાવૈતરું કરીને આપણે વસાવેલું ઘર આમ મોટીવહુ સાધુ-બાવાને આપી દે તે કેમ ચાલે ?’ ધનુબાનો હોમ્સમાં જવાનો દર અંતર્ધ્યાન થઈ ગયો. ‘એ ઘર વસાવતાં મને નવનેજાં પાણી ઊતર્યાં છે, આપી તો જુએ…’
ધનુબાની વાત સાંભળી જ ન હોય તેમ મનુભાઈને અચાનક મોટાભાઈના દીકરાની ચિંતા થઈ આવી ! ‘નૈમેશ તેમનો એકનો એક દીકરો, તેને આપે કે તેમના પેલા….’
જે વાત માટે સૌ બેઠા હતાં તે વાત સૌ ભૂલી ગયા ને આ નવી ફૂટી નીકળેલી મુશ્કેલીને હલ કરવામાં બધાનું મગજ કામે લાગી ગયું, ‘મનુ તું કાલે સીધું નૈમેશને જ પૂછી જોને ! હું પૂછું તો થાય કે ફોઈ ઈનટરફીયર કરે છે, ‘ લતાએ કહ્યું.
મનુભાઈને ધીરજ રાખવાની ટેવ નથી.
‘કાલે શું કામ હમણાં જ પૂછું છું.’ કહી બાજુમાં પડેલો ફોન ઉટાવી નૈમેશને ફોન જોડ્યો. સામે છેડે ફોન કોઈએ ઉપાડ્યો એટલે મનુભાઈએ તેમના ફોનને સ્પીકર ફોન પર મૂકી ‘હલો’ કહ્યું.
સામેથી વનિતાબહેનનો અવાજ સંભળાયો. મનુભાઈ તો એમનાઅ સ્વભાવ મુજબ સીધા જ વાત પર આવી ગયા, ‘ભાભી, અમે સાંભળ્યું તમે આપણું ઘર તમારા…
વનિતાબહેન જાણે હુમલો કરવા માટે સજ્જ હોય તેમ બોલ્યા, ‘આપણું નહીં, મારું ઘર, મનુભાઈ.’
‘તમારું તો નહીં જ મારા ભાઈનું ઘર, કોને પૂછીને તમે પેલા બાવાઓને આપી દીધું?’
‘મોં સંભાળીને બોલો મનુભાઈ. હું સરલા નથી તે સાંભળી લઉં. બીજું એ કે આ ઘર અમારા બન્નેનાં જોઈંટ નામે હતું અને એની હક્કદાર હવે હું જ છું, સમજ્યા ? મારે તેનું જે કરવું હોય તે કરું. બીજું : શૉપ કાઢવા માટે તમને પૈસાની જરૂર હતી એટલે બાએ જ્યારે સંપત્તિના ભાગ પાડ્યા ત્યારે પચાસ હજાર પાઉંડ તમારા ભાગમાં વધારે આપ્યા હતા ત્યારે હું કાંઈ બોલી છું ? અને ત્રીજી વાત : હમણાં તમારા ઘર કે દુકાનમાં શું કરવું કે શું ન કરવું તેમાં હું માથું મારું છું ?’
લતાબહેનથી ભાભીની આ દાદાગીરી સહન ન થતાં બોલી ઊઠ્યાં, ‘ ભાભી, નૈમેશ માટે તો તમારે વિચારવું’તું !’
આટલા વર્ષોથી મનમાં સંઘરી રાખેલો વનિતાબહેનનો ગુસ્સો કરંડિયામાંથી નાગ ફેણ માંડે તેમ સામો ઘા કરવા સજ્જ થઈ ગયો. ‘ આજે કુટુંબ મેળો ભરાયો લાગે છે, કેમ ? એની વે, નણંદબા, તમારા ભાઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં કોઈ દિવસ નહી અને આજે એકદમ ભત્રીજાની ચિંતા થઈ ?’
ઝગડો આગળ ન વધે એ ડરે સરલાબહેને ય ઝૂકાવ્યું, ‘ મોટીબેન, તમે શાંત થાઓ, અમે તો આજે તમને…’
ઘરના ઝગડામાં ‘બાઈડી’ વચ્ચે બોલે તે મનુભાઈથી કેમ સહન થાય !
‘ તું વચ્ચે ન બોલ સરલા. આ ઘર સાથે જેમણે સંબંધ જ કાપી નાંખ્યો છે તેમને મારે કોઈ વાતમાં ઈન્વોલ્વ નથી કરવા.’
વનિતાબહેન એકે ય તક ચૂકે એવા ક્યાં છે ? ‘થેંક્યુ, જીવનમાં આ એક કામ કાંઈ વિચારપૂર્વક….’
લતાબહેનને ખ્યાલ આવ્યો કે ઝગડો કરવાથી કાંઈ વળે એમ નથી એટલે આજીજીભર્યા સ્વરે કહ્યું, ‘ ભાભી, અમે તમારી સાથે બહેસ કરવા ફોન નથી કર્યો. મહેરબાની કરી તમે કહેવાતા ગુરુજીના વાદે ચઢીને શા માટે નૈમેશ અને તમારી જિંદગી બરબાદ કરવા બેઠાં છો ?’
ગોખેલું હોય તેમ પોપટની જેમ વનિતાબહેન બોલ્યા, ‘ ગુરુ બિન જ્ઞાન નહીં…’
ફરી અપમાન થશે તેની ચિંતા વગર સરલાબહેને એમના જીવનનું સત્ય ઉચ્ચાર્યું, ‘ બહેન, આત્માનો અવાજ સાંભળીએ તો કોઈ ગુરુની જરુર ન રહે.’
જાણે વનિતાબહેન અને મનુભાઈને આ સમજાવટ કે સુલેહથી એકબીજા પર વાર કરવાનું શૂરાતન ચઢતું હોય તેમ મનુભાઈએ ભૂતકાળના નાગને છંછેડતા કહ્યું, ‘ ભાભી હવે તમે મારું મોં પરાણે શા માટે ખોલાવો છો ? ગનુના મોતનું કારણ મેં કોઈને….’
અને સામે છેડેથી ફોન કપાઈ ગયો!!!
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com