ફિર દેખો યારોં :: વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં, ગેરબંધારણીય પણ છે

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

વિજ્ઞાન, વિજ્ઞાની અને વૈજ્ઞાનિક અભિગમ સામાન્યપણે આપણા દેશમાં હાંસીપાત્ર બનતાં આવ્યાં છે. કોઈ પણ મુદ્દે જેને ફટકારી શકાય એવી હાથવગી ‘પંચિંગ બૅગ’ અથવા દેશી ઉપમા વાપરીને કહીએ તો રસ્તે પડેલા ગલૂડીયા જેવી તેની હાલત છે. જતુંઆવતું કોઈ પણ તને અડફેટે લઈ લે. વિજ્ઞાન થકી મળતા લાભ બધાને લેવા છે, પણ તેના થકી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાને બદલે આખરે અંધશ્રદ્ધાનો કે જડ વિચારધારાઓનો જ પ્રચાર કરતા રહેવું છે. આજના યુગમાં મોબાઈલ ફોન એવું ઉપકરણ છે કે જે ગરીબ-અમીર, સાક્ષર-નિરક્ષર સહિતના તમામ અંતિમવાળા લોકોના જીવનને રોજબરોજ સ્પર્શે છે. તેનો સદુપયોગ જીવનને ઘણે અંશે સરળ બનાવી શકે છે, પણ તેના થકી સુવિધા કરતાં ત્રાસ થતો હોય એવું વધુ જોવા મળે છે. વિજ્ઞાન કે વૈજ્ઞાનિક અભિગમ સાથે આ ઉપકરણના વપરાશકર્તાને કશી લેવાદેવા હોતી નથી. આનું એક કારણ એ કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે તો ઘણી બધી અન્ય બાબતોનો સ્વીકાર કરવો પડે, જે આપણી પરંપરા સાથે કે બહુમતિ સમાજના અભિગમ સાથે સુસંગત ન હોય. તેને બદલે આભાસી સલામતિના કોચલામાં પૂરાઈને પોતાની માન્યતાઓને વળગી રહીને સંતોષ માનતા રહેવું વધુ સુવિધાજનક છે. આ લક્ષણ કેવળ વ્યક્તિગત સ્તરે નહીં, વ્યાપક સામાજિક સ્તરે તેમજ શાસકીય સ્તરે પણ જોવા મળે છે.

શાસકો આપણી વૈજ્ઞાનિક સિદ્ધિઓને ગમે એટલી બીરદાવે, તેઓ હૈયેથી સાંસ્કૃતિક કટ્ટરવાદનું જ સમર્થન કરતા હોય છે. આ કોઈ વ્યક્તિગત માન્યતા નથી, પણ દેશભરના વિજ્ઞાનીઓ દ્વારા અનુભવાઈ રહેલું સત્ય છે. આ મહિનાની નવમી તારીખે દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા સહિત પચીસેક શહેરોમાં વિજ્ઞાનીઓએ રેલી કાઢી. શી હતી તેમની માગણીઓ?

તેમની પ્રાથમિક માગણી એ હતી કે બંધારણના પરિચ્છેદ 51 A (h)નો સુયોગ્ય ઢબે પ્રચાર કરવામાં આવે. તેમાં જણાવાયા મુજબ પ્રત્યેક નાગરિકની એ મૂળભૂત ફરજ છે કે તે વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ, જિજ્ઞાસા તેમજ સુધારાવૃત્તિ કેળવે. નાગરિકો કંઈ આપમેળે આ કરવાના નથી, એટલે સરકારે તેનો યોગ્ય પ્રચારપ્રસાર અને અમલ થાય એ મુજબ કાર્યક્રમો ઘડવા જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીને વિકસાવવાની વાતો જોરશોરથી થાય છે, પણ તેની વાસ્તવિકતા શી છે?

2015માં તિરુપતિ સાયન્‍સ કોંગ્રેસના આરંભિક ઉદ્‍બોધનમાં આપણા વડાપ્રધાને જણાવ્યું હતું કે વિકાસની તત્કાળ આવશ્યકતા માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હાથવગાં હોવાં જોઈએ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્‍સીબિલીટી (સી.એસ.આર.)નું ભંડોળ વૈજ્ઞાનિક શોધના ઉત્તેજન તરફ વળવું જોઈએ. ત્યાર પછી દહેરાદૂનમાં યોજાયેલી ચિંતન શિબિરમાં જાહેરનામું રજૂ કરવામાં આવ્યું કે લૅબ એટલે કે સંશોધનલક્ષી પ્રયોગશાળાઓ વિકાસલક્ષી બનાવવી જોઈએ, જે 2017 સુધીમાં અંશત: નફાલક્ષી પણ બને તેમજ અંશત: તે નાણાકીય રીતે સ્વનિર્ભર બને એમ થવું જોઈએ. આ જાહેરનામાને પગલે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના તાબામાં કામ કરતી સંસ્થા ‘કાઉન્‍સિલ ઑફ સાયન્‍ટીફીક એન્‍ડ ઈન્‍ડસ્ટ્રીઅલ રિસર્ચ’ (સી.એસ.આઈ.આર.) ને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાના દ્વારા વિવિધ લેબોરેટરીને ફાળવવામાં આવતા ફંડની રકમમાં અડધોઅડધ વધારો કરે. આ સંસ્થા અંતર્ગત કુલ 38 લેબોરેટરી રાષ્ટ્રભરમાં કાર્યરત છે. સામે પક્ષે લેબોરેટરીઓને પણ સૂચના આપવામાં આવી કે તેઓ વખતોવખત નિયમીતપણે જાણકારી આપતી રહે કે તેમના દ્વારા કરાયેલાં સંશોધનો શી રીતે વર્તમાન સરકારનાં આર્થિક તેમજ સામાજિક ધ્યેયને આગળ વધારે છે. પહેલી નજરે આ આખું ચિત્ર એકદમ સંપૂર્ણ લાગે અને એમ પણ થાય કે આમ જ હોવું જોઈએ.

પાયાની સમસ્યા વિજ્ઞાન સાથે સરકારી કાર્યક્રમની ભેળસેળની છે. વૈજ્ઞાનિક શોધ લાંબા ગાળાની પ્રક્રિયા છે. એ તત્કાળ તેમજ ઈચ્છા મુજબ ફળ આપતું કોઈ કલ્પવૃક્ષ નથી. શાળાના વિદ્યાર્થીઓની પ્રગતિનો વખતોવખત અહેવાલ મેળવી શકાય, વિજ્ઞાનીઓ દ્વારા હાથ ધરાયેલા કાર્યનો નહીં. કેમ કે, દરેક પ્રયોગ સફળ થશે જ તેની કોઈ ખાતરી હોતી નથી. અનેક અખતરાઓ નિષ્ફળ જાય ત્યારે સફળતા મળે તો મળે. આજે ગૌરવભેર આપણે જે ઉપગ્રહો તૈયાર કરીને અવકાશમાં સફળતાપૂર્વક તરતા મૂકી રહ્યા છીએ, તે રાતોરાત નહીં, પણ કેટલાય દાયકાઓની જહેમત પછી પ્રાપ્ત થયેલું ફળ છે.

ઉદ્યોગો સાથે વૈજ્ઞાનિક શોધને સાંકળવાની દરખાસ્ત પહેલી નજરે આકર્ષક લાગે, પણ તેમાં મૂળભૂત સંશોધનો હડસેલાઈ જાય એ શક્યતા રહેલી છે. એટલે કે ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં સંશોધનોનું વ્યાપારીકરણ થાય અને તેનો સીધો લાભ જે તે ઉદ્યોગો કે ઉદ્યોગગૃહોને જ મળે. રાષ્ટ્રને તેનો સીધો લાભ ભાગ્યે જ મળે. બીજી રીતે કહીએ તો રાષ્ટ્રે પોતે જ સ્વતંત્રપણે વૈજ્ઞાનિક સંશોધનને ઉત્તેજન મળે એ રીતે અંદાજપત્રમાં નાણાંની ફાળવણી વધારવી રહી.

દેશના અલગ અલગ પચીસેક શહેરોમાં રેલી કાઢવા પાછળ વિજ્ઞાનીઓનો આશય આ હકીકત પ્રત્યે સૌનું ધ્યાન દોરવાનો હતો. તેમની માગણી હતી કે ભારતની જી.ડી.પી.ના ઓછામાં ઓછા ત્રણ ટકા વૈજ્ઞાનિક તેમજ પ્રૌદ્યોગિકી સંશોધન પાછળ અને દસ ટકા શિક્ષણ માટે ફાળવવામાં આવે. એ જાણવું જરૂરી છે કે અંદાજપત્રમાં છેલ્લાં ત્રણ વર્ષથી શિક્ષણ માટેનાં નાણાંની ફાળવણીનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે, જે 2016-17ના વર્ષમાં માત્ર 3.65 ટકા જ હતું. છેલ્લા બજેટમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે અંદાજપત્રની કુલ રકમના 0.52 ટકા જ ફાળવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત લેખના આરંભે જણાવ્યું એમ બંધારણના ઉક્ત પરિચ્છેદને સુસંગત અવૈજ્ઞાનિક, પ્રગતિવિરોધી તેમજ ધાર્મિક અસહિષ્ણુતાને સમર્થન આપે એવો પ્રચાર બંધ કરવાની આ વિજ્ઞાનીઓની માગણી છે. આ ઉપરાંત શૈક્ષણિક પ્રણાલિમાં તેઓ એવું શિક્ષણ દાખલ કરવા ઈચ્છે છે કે જે વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારીત હોય. સાથે સાથે નીતિઓ પણ એવી રીતની હોય જે વૈજ્ઞાનિક પ્રમાણને અનુરૂપ હોય.

સરકાર દ્વારા વિવિધ પાઠ્યપુસ્તકોમાં પોતાની વિચારધારાને અનુકૂળ તથ્યોના તોડમરોડની નવાઈ રહી નથી. ઈતિહાસ તો ઠીક, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં પણ તેમની દખલગીરી વધી રહી છે. વિજ્ઞાનીઓ એક થઈને આ બધાં અનિષ્ટોની સામે દેખાવો યોજે તો આગામી અંદાજપત્રમાં નાણાંની ફાળવણી પર તેની થોડીઘણી માત્રામાં હકારાત્મક અસર થઈ શકે એ શક્યતા નકારી શકાય નહીં. પણ એ સિવાયની બાબતો અમલમાં અઘરી છે.

એક પ્રજા તરીકે આપણે જ ધર્મ, સંસ્કૃતિ, નાતજાત અંગેની અનેક ગેરમાન્યતાઓ અને ગેરસમજણોથી પીડાઈએ છીએ. રાજકારણીઓ પોતાના મતના સ્વાર્થ ખાતર આ ખાઈને વધુ ને વધુ પહોળી કરી રહ્યા છે. તેમને મળી રહેલી સફળતા હકીકતમાં પ્રજા તરીકે આપણી વ્યાપક નિષ્ફળતા સૂચવે છે. હજી આપણને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાનું જચતું નથી. બંધારણમાં ભલે ગમે તે લખાયું હોય, તેનો અમલ આખરે આપણા હાથમાં છે. વિજ્ઞાનનો ઉપયોગ અને વૈજ્ઞાનિક અભિગમ બન્ને અલગ બાબતો છે. ઉલ્લેખનીય છે કે આ અખબારમાં, આ જ સ્થાને રમણ પાઠક ‘વાચસ્પતિ’એ સતત 38 વર્ષ સુધી પોતાની સાપ્તાહિક કટાર ‘રમણભ્રમણ’ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો હતો, જેનાં ફળ અનેકને મળી રહ્યાં હશે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, અને એક વાર શરૂ થયા પછી આજીવન રહે છે. વ્યક્તિગત ધોરણે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ પ્રશંસનીય છે, પણ તેનો વ્યાપક પ્રસાર થાય એ વધુ જરૂરી છે. વિજ્ઞાનીઓએ ત્યાર પછી રેલી કાઢવાની જરૂર નહીં રહે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૮-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *